Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

દરિયાઈ વાર્તા : ખારાં પાણીનું ખમીર (ભાગ ૨)

લહેરખી ● વિષ્ણુ ભાલિયા

--------------------

“તમારે તવાર જે વા’ણ હતું, ઈ હવે કાં ગયું ? ડૂબી ગયું કે ?”

શરીરમાં જાણે હજારો શૂળ એકસાથે ભોંકાયા હોય એવી વેદનાથી તેમની કાયા કંપતી મેં જોઈ. એકાદ હળવા આંચકા સાથે તેમણે મને માપી લીધો. તે નજરમાં દર્દ ઘૂંટાતું મને લાગ્યું. ત્યાં દરિયાનો કિનારો શોધતા આવેલા વીળનાં મોજાં પેલી હોડીને થપાટો મારીને જતાં રહ્યાં.

“દરિયાની ને ખારવાની લડાઈ તો દીકરા હાઈલાસ કરે ! ઈમાં કો’ક દિ’ ખારવો જીતે ને કો’ક દિ’ આ દરિયો....” કહેતાં તેમણે સામે છાતી કાઢીને સૂતેલા સાગર તરફ ગર્વથી ઇશારો કર્યો.

તેમના શબ્દોમાં રહેલી ગંભીરતાએ મને હલબલાવી મૂક્યો. તેમના અગોચર ભૂતકાળની મને કલ્પના આવી ગઈ હોવાથી મારાથી નિસાસો નખાઈ ગયો.

“ઈ માંડવાની જગ્યા તમીએ લખમવાળાને વેચી નાખી કે ?”

સર્વત્ર મૌન.

મારો સવાલ તેમણે સાંભળ્યો ખરો, પણ ઉત્તર ન હોય એમ સૂન બની બેસી રહ્યા. મને વિચાર આવ્યો: ક્યાંક હું એમને વધારે દુ:ખી તો નથી કરી રહ્યોને !

હું વધારે કાંઈ પૂછું તે પહેલાં જ તેમના રૂંધાયેલા કંઠમાંથી રુક્ષ અવાજ મારા કાને અથડાયો. એકાએક મેં સાવધાન થઈ કાન સરવા કરી લીધા.

“તારી જટલી ઉંમરે મેં પે’લીવાર દરિયે પગ દીધો’તો. મારા બાપ હાઈરે. અમારા જ વા’ણમાં. ઈ વા’ણમાં લઈ જાતો તવાર મારી મારીને બધું હીખવાડતો. કો’ક દિ’ તો પાણીમાં પન ફેંકી દેતો...” બોલતાં જાણે બાળક બની ગયા હોય એમ નિર્દોષ હાસ્યની મૃદુ રેખાઓ એ વૃદ્ધ ચહેરા પર ઊપસી આવી.

“દરિયાપીરે આપ્યું’તું પન ઘણું. મારા બાપના ગીંયા પછી લોકું મારી પન એવી જ ઇજ્જત કરતા. દરિયામાં જાં મારી જરૂર પડે તાં હું એક હાકલમાં તગડી જાતો. પછી જી થાવાનું હોઈ ઈ થાઈ... ઘણાંય ખલાઈ ને વા’ણને મેં ડૂબતા બચાવ્યા’તા. પન...” આગળના શબ્દો ગળામાં અટવાઈ ગયા હોય એમ તેમના ગળે શોષ બાઝી ગયો. એકાદ ક્ષણ દરિયાને તાકતા તેઓ શાંત થયા. ઊંડો શ્વાસ લીધો. ત્યાં ફરી તેમણે વાતનો દોર હાથમાં લઈ લીધો.

“ઈ વા’ણ પછી નાનું પડવાથી મેં લખમવાળાને વેંચીને નવું બનાવી લીધું. ઈ વા’ણ કરતાં ઘણું મોટું. નામ પન ઈ જ રાખ્યું’તું – ગંગાતીર્થ. મારા બાપદાદાનું ઈ વા’ણ હતું અટલે છોડતા મન નો’તું થાતું. પન ગમે એમ મનને મનાવી લીધું. ત્રીસેક વરસ થયા ઓયે લગભગ... પન પછી કોણ જાણે કેમ દરિયોપીર રૂઠતો ગયો. અને પછી એક દિ’....” તેઓ બોલતા ગયા. આ “ અને પછી એક દિ’...” શબ્દો ગળામાંથી જાણે ઘૂંટાતા ઘૂંટાતા નીકળ્યા હોય એમ ભારેખમ મને લાગ્યા. ભૂતકાળનો એ દિવસ અત્યારે આંખ સામે ભજવાતો હોય એમ તેઓ ગળગળા થઈ પીગળી રહ્યા. લાગણીના દરિયામાં ઊભરો ચઢી આવ્યો.

“તે દિ’ મારો દીકરો સુકાને બેઠો’તો. હું કેબિનમાં સૂતો’તો. ખલાઈ પન બધી થાકીને જેમે તેમ પડ્યા’તા... પન ઓચિંતા એક જોરદાર અવાજથી મારી આંખ્યું ઊઘડી ગઈ. જોયું તો મારો જીવ ઊંચો થઈ ગયો ને મનમાં મોટી ફાળ પડી ગઈ. એક જૂના જગડિયા હારે અમારું વા’ણ ભટકાઈ ગયું’તું. પડખાંમાં મોટું ગાબડું નીકળી ગ્યું. હાંફળાફાંફળા અમે બધી તગડા તગડી થઈ ગયા. ઘડીઘડીમાં તો વા’ણ પાણીનું ભરાઈ ગયું. જીના હાથમાં જી આવ્યું ઈ લઈ બધાં ખલાયું દરિયામાં ઠેકી ગયા. વા’ણ ભટકાતાવેંત મારો દીકરો દરિયામાં ઘા થઈ ગયો’તો. મેં ઘણી રાડ્યું નાખી, પન ઈનો કંઈ અવાજ આવ્યો નીં. અમી બધી ટીટા પકડી દરિયામા તણાતા રહ્યા. મેં વા’ણને ગાળિયા નાખીને બોયાં બાંધી દીધા’તા. અમારી દેખતાં જ ઈ વા’ણ હોમાઈ ગયું. દીકરાને હાકલું મારી મારીને મારું ગળું ઝલાઈ ગયું, પન ઈનું કંઈ નામનિશાન મળ્યું નીં. તી પછી કોઈ દિ’ મને ઈનું મોઢું જોવા ન મલ્યું. હું અભાગ્યો તવાર બચી ગયો ને મારા જવાનજોધ દીકરાને દરિયો ભરખી ગયો...!”

તેમણે એક ગરમ નિ:શ્વાસ છોડ્યો. શ્વાસ ભારે થઈ ગયો. અશક્ત થઈ તેઓ બેઠા બેઠા જ જાળના ડૂચા પર ફસડાઈ પડ્યા. મારું હૈયું પણ ભરાઈ આવ્યું. હું કંઈ બોલી ન શક્યો. મન આંધળું થઈ ગયું એમ બેબાકળો બની ગયો. પેલી તેમની નાનકડી હોડી કિનારે વીળના ઊભરાતા પાણીમાં તરતી થઈ ગઈ હતી. કિનારે બાંધેલો સેરો છોડાવી જાણે ખુલ્લા દરિયામાં દોડવા મથામણ કરી રહી. એટલીવારમાં તો એક વિચાર મારું અંગ અંગ તડપાવી ગયો – એકનો એક જવાનજોધ દીકરો નજર હામે હાલ્યો ગયો ! કેવો કરુણ વખત હશે ઈ ! આ બુઢ્ઢા બાપ ઉપર કેવી વીતી હશે તવાર !

ભીના થયેલા આંખોના ખૂણા લૂછતા મેં તેમને જોયા. જેણે દરિયાના પેટાળ પર અનેક જિંદગી બચાવી હતી એના જ દીકરાની જિંદગી દરિયામાં તણાઈ ગઈ ! થોડીવાર ફરી ભેંકાર મૌન પથરાયું. બૂમલાથી ભરેલી કાઠી નીચે બગલા, જીવડાં શોધવા જમીન ખોતરતા રહ્યા. મને તેમના પર પણ થોડી દયા આવી ગઈ. મેં મારું ધ્યાન એકાએક ત્યાં પાછું વાળી ગળગળા અવાજે ધીમેથી પૂછ્યું:

“ઈ વા’ણનું પછી હું થયું ?”

“હું દીકરાના આઘાતમાં ઘણાં દિ’ ભાંગી પડ્યો. આપણાં મા’ણાએ વા’ણને લાવવા ઘણી મે’નત કરી. સેરા બાંધીને લાવતા’તા પન !” તેમણે ગળામાંથી બહાર નીકળવા મથતા ડૂમાને સિફતથી અંદર ધકેલી દીધો. ત્યાં અવાજ આવ્યો:

“કાં ભગવાનની મરજી નીં, કાં ઈ વા’ણની મરજી નીં ! ઘણીવાર સેરા તૂટી ગયા. પછી તો મેં પન ઘણી મે’નત કરી વા’ણને લાવવાની. દરિયાના તળિયે જઈને સેરા પાછા બાંધ્યા, તોય કંઈ વળ્યું નીં. જટલા થાતા’તા ઈ બધા અખતરા કરી કાઢ્યા. કેમે કરી ઈ વા’ણ બંદરમાં આવવા રાજી જ થીયું નીં. જાડા જાડા રાંઢવા ઈવે તોડાવી નાખ્યા. પછી તો મારો જીવ પન ખાટો થઈ ગયો...! બસ, પછી તો ઈ વા’ણની મરજી જ નથી એમ માની નાં જ છેલ્લા પરણામ કરી લીધા.” તેમણે અધ્ધર ચોંટાડેલો શ્વાસ હેંઠો મૂક્યો. હળવો શ્વાસ ગળામાં ભર્યો.

“દીકરાના મોતથી રિબાઈને ઈની મા પન એક વરહમાં જતી રહી. હું ધંધા વગરનો થઈ ગયો. કુટુંબકબીલો આસ્તે આસ્તે છેટો પડતો ગયો. માંડવાની જગ્યા પન હાથમાંથી ગઈ...! અને હવે રખડતા ભિખારી જીવો થઈ ગયોશ. બધી જણા થોડા વરહમાં ભૂલી ગયા, પન ગમે તેમ તોય આ દરિયાએ હજી ટકાવી રાખ્યોશ. દીકરો ડૂબ્યો તવાર આ દરિયાને ઘણો જાકારો આપ્યો’તો. પન પછી થીયું કે ખારવાનો દીકરો ધરતીમાં પોઢે ઈના કરતાં દરિયાના ખોળે પોઢે ઈનાથી બીજું રૂડું હું ? હવે તો દીકરાને ઈવે પેટમાં હમાવી લીધો એમ મને પન હમાવી લે ઈની વાર જોઈને બેઠોશ. અતારે આ નાનકડી હોડી શે ને આ દરિયો શે, જીમાં રખડીને હજી પેટ પૂરતું પાડી લેઉંશ. બસ, હવે તો ઝાઝું કેવા જીવું કંઈ નથી.” તેમણે છેલ્લો નિસાસો નાખી દીધો. પરાણે ફિક્કું હસી ગયા. તે હાસ્ય પાછળ રહેલી પીડા, લાચારી અને ગમગીનતાનો મેં સ્પષ્ટ અહેસાસ કર્યો.

હું આશ્વાસનના બે બોલ કહેવા જેટલો પણ મજબૂત નહોતો રહ્યો. એક પળ તેમને ભેટી પડવાનું મન થઈ આવ્યું. તેમણે વેઠેલી લાચારી પથ્થરને પણ પીગળાવી દે તેવી હતી. તે છતાં દરિયા પ્રત્યે આટલી લાગણી કોઈ કેવી રીતે રાખી શકે ! જેનો દિકરો દરિયામાં સમાયો હતો અને આજે તે ખુદ પણ દરિયામાં જ સમવાના અભરખા સેવી રહ્યો છે. તેઓ ચુપચાપ ધીમું હસતા ઝૂપડામાં જતા રહ્યા. હું એ દરિયાના માણસને જોતો રહ્યો. ભારે પગે વિદાય લેતા હું સીધો ખાડી કિનારે પહોંચી ગયો. વીળના પાણીની રાહ જોઈને બેઠેલા ખારવાઓ વહાણને હજી વધારે ઉપર ખેંચવામાં લાગ્યા હતા. હું પણ મારાં નવાં કપડાંની ચિંતા કર્યા વગર ખારા પણીમાં ઊતરી ગયો. બે હાથે રસ્સાને મજબૂત પકડ્યો. રાવાઆતાના એ જૂના મૂળ વહાણ તરફ મેં દૃષ્ટિ સ્થિર કરી. એક અજબ અદાથી એનો મોરો બે વહેંત ઊંચો લાગ્યો. આજે તો એ વહાણ સમારકામને લીધે નવા જેવું લાગતું હતું.

મારી બાજુમાં જ રસ્સો ખેંચતા લખમવાળાને પણ મેં એક પળ નખશિખ જોઈ લીધો. ત્યાં રુઆબભેર આવતાં મોજાં કિનારે આવી શરમથી વિલાઈ જતાં. રાવાઆતાનું આખું જીવન અત્યારે આંખ સામે ભજવાયું હોય એમ મેં હાથની મુઠ્ઠીઓ મજબૂત કરી. બીજી જ ક્ષણે વૃદ્ધ ખારવાના ગળામાંથી અવાજ સર્યો.

“એ... હેલામ હે, હેલે માલિક... જુમસાં.”

અને વળતા “હેલેસાં... હેલેસાં...”ના પડકારા સાથે વહાણ બે ડગલાં ઉપર આવી ગયું. ■