આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત ઉર્ફ અદિતીનું મૃત્યુ થાય છે, અનુજને તેની ચિઠ્ઠી મળે છે, કર્નલ સાહેબ ઈનાયતની મોત વિશે પૂછે છે, હવે આગળ,
'જો બૉમ્બ ડિફ્યુઝ કરીજ દેવામાં આવ્યો હતો તો અદિતિની અને બીજા લોકોની મોત કેવી રીતે થઇ ગઈ?? '
એટલામાં પાછળથી અવાજ આવ્યો, 'એનો જવાબ હું આપું છું ',
મેં જોયું તો કમલેશ આર્મી વર્ધીમાં ઉભો હતો, તેણે મારી સામું જોયું અને મને ગળે લગાડી દીધો ત્યારબાદ તેણે વાત કહેવાનું શરુ કર્યું, 'હું આજે સવારે જમ્મુ જવાનો હતો પણ કર્નલ સાહેબે ઓર્ડર કર્યો કે ફિરોઝપુરમાં બૉમ્બ મળી આવ્યો છે જેથી અમે તુરંત અહીં આવી ગયા, ઈનાયતે બૉમ્બ તો શોધી નાખ્યો હતો, તેના ડિફ્યુઝ માટે કર્નલ સાહેબે મને અને બીજા 5 લોકોને સાથે મોકલ્યા હતા, બૉમ્બ ડિફ્યુઝ થઇ ચૂક્યો હતો, ઈનાયતે પણ રાહતનો શ્વાસ લીધો, સવારના 9 વાગી ચૂક્યા હતા, આખી રાતનો ઉજાગરો હોવાથી લોકો થાકી ગયા હતા એટલે વૃધ્ધોએ પોતાની ઝુંપડીઓમાં જઈને આરામ કરવા લંબાવ્યું હતું, યુવાનો અને છોકરીઓને ડર લાગી રહ્યો હતો, ત્યારબાદ ઇનાયત પણ થોડીવાર આરામ કરવા ગઈ હતી, પછી તે ટેલિફોનથી ફોન જોડવા ટેલિફોન બુથ પાસે ગઈ પણ ફિરોઝપુરમાં એક નહીં બે બૉમ્બ હતા એની જાણ ઈનાયતના ટેલિફોન બૂથમાં રહેલ ધમાકાથી ખબર પડી, એ આતંકવાદીએ બીજો પણ બૉમ્બ રાખ્યો હતો અનુજ મારા ભાઈ મને માફ કરી દે હું ભાભીને ના બચાવી શક્યો, ' આટલું કહીને કમલેશ પણ જોરજોરથી રોવા લાગ્યો,
હું આખી પરિસ્થિતિ સમજી ચૂક્યો હતો હવે, મેં કર્નલ સાહેબની સામું જોયું તો તેઓની આંખમાં એક પણ આંસુ નહોતું, મને ખૂબજ નવાઈ લાગી હતી કે એક બાપ થઈને પોતાની દીકરીને ખોવાનું ડર તેમના ચહેરા પર ક્યાંયથી દેખાતું નહોતું, તેઓ મારી પાસેજ આવ્યા અને મને ઉભો કરતા બોલ્યા, 'અદિતિને ખબર નહોતી વાત કરતી વખતે કે એ તેની અંતિમ ક્ષણો હતી પણ તેણે જતા જતા મને તારા માટેનો પ્રેમ જરૂર દર્શાવ્યો હતો, હું કદાચ રોઈ નથી રહ્યો એનો મતલબ એમ નથી કે હું અદિતિને પ્રેમ નહોતો કરતો, મારી બેઉ દીકરીઓને સુલેમાને મોતના ઘાટ ઉતારી છે તો હવે હું એને પણ નહીં છોડું, અદિતીનો બાપ હોવાથી મારી દીકરીની ઈચ્છાઓ અને તેના અરમાનો હું જાણું છું તો હવે ભલે એ સાથે નથી પણ એના અરમાનો હું જરૂર પૂરા કરીશ, હું જાણું છું તું પણ તેને ખૂબજ પ્રેમ કરતો હતો પણ રોવાથી એ પાછી નથી આવી જવાની, સત્યનો સામનો કરતા શીખો અનુજ, હજુ જિંદગીની ઘણી મજલો કાપવાની છે.'
હું ઉભો થયો અને મારી આંખોના આંસુ લૂછીને બોલ્યો, 'અદિતિના કાતિલને હું મારા હાથેથી જ મારીશ અને હું પણ તેના અરમાનો પૂરા જરૂર કરીશ ', મેં આસપાસ જોયું તો નગ્મા પણ મારા શબ્દો પર ખુશીના આંસુ વહાવી રહી હતી,
એટલામાં આર્મી જવાનનો કર્નલ સાહેબના વોકીટોકીમાં મેસેજ આવ્યો,
'હેલો સર ચેક',
'હેલો ચેક '
'સર ફિરોઝપુરની આસપાસમાંથી જ બે માણસો પકડાયા છે તેમના બૉમ્બ સાથે, એ ડિફ્યુઝ કરી દીધા છે, ચેક '
'હજુ નિગરાની રાખતા રહો ચેક '
ત્યાંથી ઉભા થઈને મેં ટેલિફોન બૂથ પાસે રહેલ ઈનાયતના શરીરના ચીંથરેહાલ અંગોને પકડીને અલગ કરવા માંડ્યું, ઈનાયતનો બળેલા હાથનો માંસનો લોંદો લઈને હું છેલ્લીવાર એને ચૂમી ગયો, મને જોઈને ત્યાં સૌ કોઈ અચંબિત હતા, તેના જે પણ અંગો મને મળ્યા એને મેં સાચવીને અલગ કરી દીધા, બાકીનો આર્મી સ્ટાફ અને ડોક્ટર પણ લોકો માટે આવી ગયો હતો, અમે ત્યાંથી નીકળીને બારામુલા કેમ્પ પર પાછા આવ્યા, મોટા મોટા સાહેબો જેમને હું ઓળખતો પણ નહોતો તેઓ સાથે કર્નલ સાહેબે મને પણ સાથે રાખીને સુલેમાન અને તેના માણસોને પકડવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી,
બીજા દિવસે ન્યુઝમાં કાશ્મીરમાં થયેલ બૉમ્બ બ્લાસ્ટ અને બીજા વિસ્તારોમાંથી બૉમ્બ મળી આવ્યા એ વાત જાહેર થઇ, કાશ્મીરી મુસલમાનોમાં સખત કોમીભાવના નીકળી, તેઓને લાગ્યું કે આર્મીએ જ હાથે કરીને બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યા અને જાતે જ બૉમ્બ શોધીને એને ડિફ્યુઝ કરીને પોતાને મહાન બતાવવાનો નિરર્થક પ્રયાસ કર્યો છે, પણ આર્મીના કોઈ પણ માણસે આ વાતને બહુ ધ્યાનમાં ના રાખી અને પોતાની ફરજ બજાવવા લાગ્યા, સુલેમાનને કોઈક જગ્યા પર જોવામાં આવ્યો અને મેં તરત એને પકડવા માટેનો પ્રયત્ન ચાલુ કરી દીધો અને સુલેમાન કાશ્મીરથી પાકિસ્તાન તરફ વેશપલટો કરીને ભાગવાની તૈયારી કરતો હતો પણ મેં તેને પકડી જ પાડ્યો, તેને પકડીને હું બારામૂલામાં કેમ્પ પર આવ્યો, તેના ઉપર કાશ્મીરની કોર્ટમાં કેસ દાખલ થયો, પણ મારે તેનો ન્યાય કોર્ટથી નહોતો થવા દેવો પણ હું એ સમયે મજબુર હતો,સુલેમાનને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી જેનાથી હું બિલકુલ સંતુષ્ટ નહોતો, તેને એ સમયે જમ્મુની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો,
સુલેમાનને મારવા માટે મેં એક યુક્તિ શોધી દીધી, મેં જમ્મુમાં મારું પોસ્ટિંગ કરાવી દીધું, કર્નલ સાહેબ સારી રીતે સમજી ચૂક્યા હતા મારા ઇરાદાઓને પણ તેમણે મને કશુંજ કહ્યું નહીં, માત્ર સાચવજો એટલુંજ કહેતા રહ્યા, ઈનાયતના બાકીના શરીરને બાળીને તેની અસ્થિ મેં સંભાળવાની શરુ કરી, જ્યાં સુધી હું તેની અધૂરી ઈચ્છાઓ પૂરી નહીં કરી દઉં ત્યાં સુધી હું તેને વિસર્જિત નહોતો કરવા માંગતો, જમ્મુમાં રહીને મેં ફરજ બજાવવાનું શરુ કરી દીધું,
6 મહિના વિતી ગયા હતા ઈનાયતની મોતને, હું હજુ સુધી સુલેમાનને મારવામાં સફળ નહોતો થયો પણ મેં મારું કામ શરુ કરી દીધું હતું, મેં જેલનાં અમુક લોકોને વિશ્વાસમાં લઈને સુલેમાનને ત્યાંથી ભગાડવાનો પ્લાન બનાવી દીધો હતો, હું જાણતો હતો કે કાયદા પ્રમાણે આ ખોટું છે પણ મને એની સહેજ પણ પરવા નહોતી, મેં દિવસ નક્કી કરી દીધો અને સુલેમાન સફળ નીકળ્યો જેલમાંથી ભાગી જવામાં પણ તેને ક્યાં ખબર હતી કે તેની મોતે તેને બહાર લાવવામાં મદદ કરી હતી, સુલેમાને મારા પ્લાન મુજબ સીધુ મારી જીપમાં બેસીને મને ડરાવવાની કોશિશ કરી, તેણે મારો ચહેરો હજુ જોયો નહોતો, અને ત્યારબાદ મેં જીપને મારા નક્કી કરેલા રૂટ પર લીધી,
થોડે આગળ જીપ એક નિર્જન ગલીમાં ઉભી રહી, સુલેમાન ઉતરીને ભાગવા માટે ઉતર્યો ત્યાંજ મેં એને જોરથી જમીન પર પટકી દીધો, મેં ચહેરા પરથી રૂમાલ હટાવ્યો, મારો ચહેરો જોઈને સુલેમાનનાં હક્કા બક્કા છૂટી ગયા,
'તને શું લાગે છે તું તારી જાતે જેલમાંથી બહાર નીકળ્યો હતો !!, ના, મેં જ તને ત્યાંથી ભગાવ્યો, તને હવે અફસોસ થશે કે આની કરતા જેલમાં સડવું સારુ હતું પણ હું એમ પણ ના જ થવા દેત, ઈનાયતને તે જે તકલીફો આપી હતી એનો બદલો તો મારે લેવાનોજ હતો, આટલી સરળતાથી તને હું થોડી મરવા દેત '
'મને છોડી દે અનુજ હું તને ઘણી બધી માહિતી આપી શકું એમ છું, મને મારી નાખવામાં તારું પણ નુકસાન જ છે,' સુલેમાન પોતાના બચાવમાં બોલ્યો,
હું ઘડીક વિચારવા લાગ્યો, ઇનાયત પણ એમજ ઇચ્છતી હતી કે કાશ્મીરમાં કયારેય કાંઈ નુકસાન ના થાય, સુલેમાન હજુ કંઈક વધારે જાણતો હોય તો હું તેને રોકી શકીશ,
હજુ મારું સહેજ ધ્યાન ભંગ થયું હશે ત્યાં તો સુલેમાને જે ચાકુથી મને ડરાવ્યો હતો અને મારા એને મારવાથી એ ચાકુ તેના હાથમાંથી પડી ગયું હતું એ તેણે હાથમાં લીધું અને મારા ખભા પર ઘા કરી દીધો,.....
શું થશે આગળ?? ચાકુ વાગ્યાં બાદ અનુજ બચી શકશે?? સુલેમાન ભાગી જશે?? અનુજ ઈનાયતના અધૂરા અરમાનો પૂરા કરી શકશે?? જાણવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાં....