કાશ્મીરની ગલીઓમાં... 12 Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ્મીરની ગલીઓમાં... 12

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત છૂટા પડે છે, અનુજને અદિતિનો જીવ જોખમમાં હોવાની જાણ થાય છે, અનુજ કર્નલ સાહેબની ઓફિસ સુધી પહોંચે છે જ્યાં કર્નલ સાહેબ ફોનનું રીસીવર અનુજને આપે છે, હવે આગળ,


'લે અદિતીનો ફોન છે ' કર્નલ સાહેબે મને ફોન ધરતા કહ્યું,
મેં ભારે હૈયે ફોન કાને લગાવ્યો અને હેલો આટલું માંડ બોલી શક્યો,
'હેલો અનુજ તમે ધ્યાન રાખજો તમારું અને આ દેશનું ',
આ અવાજ તો જાણીતો હતો, આતો ઈનાયતનો જ અવાજ હતો,
'બૉમ્બ બ્લાસ્ટ અહીંયા જ થવાનો છે, મેં બધાને ગામ છોડાવી દીધું છે, તમે જલ્દી આવી જજો, અને હા મને માફ કરી દેજો ', ઈનાયતે કહ્યું,
મારા હાથ - પગ ઠંડા થઇ ગયા, મારું મગજ ચાલતું બંધ થઇ ગયું, એટલામાં ફોનમાંથી એક જોરદાર ધડાકાનો અવાજ થયો અને મેં મારી આંખો મીંચી દીધી, મારી આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, મને જોઈને કર્નલ સાહેબે પૂછ્યું, ' શું થયું જુનિયર?? અહીંયા બેસીને યાદ જ કર્યા કરશો?? ચલો ઉભા થાઓ આપણા બેઉની પ્રેમાળ વ્યક્તિ પાસે જઈએ',
હું આ સાંભળીને નાના બાળકની જેમ પોક મૂકીને રોવા લાગ્યો, મને જોઈને કર્નલ સાહેબ ડરી ગયા તેઓ મને ઢંઢોળીને પૂછવા લાગ્યા, 'શું કામ રડો છો અનુજ?? અદિતિ ઠીક તો છે ને?? '
મેં રોતા રોતા નકારમાં ડોકું હલાવ્યું, કર્નલ સાહેબે મને ઉભો કર્યો અને બહાર જીપમાં બેસાડ્યો, હરપાલસિંહ મારી સામું હસતો હસતો આવ્યો પણ હું જાણે નિર્જીવ પથ્થર બની ચુક્યો હતો, કર્નલ સાહેબે મારી મનોસ્થિતિ સમજતા હરપાલસિંહને હાથનાં ઈશારે રોકી દીધો, જીપ ચલાવવાની તેમણે શરુ કરી, તેઓ મારી સામું વારે વારે જોઈ લેતા હતા પણ મારી આંખોમાંથી આંસુઓ વહેવાના બંધ થઇ ગયા હતા અથવા કહું તો ખૂટી ગયા હતા, હું માત્ર પથ્થર બનીને બેઠો હતો,


થોડીવાર બાદ અમે ફિરોઝપુર આવી ગયા, જીપ ઉભી રાખીને મેં જોયું તો કાળા ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા, ફિરોઝપુરવાસીઓ થોડે દૂર ઉભા રહીને પોતાની કિસ્મત પર હસે કે રોવે એ અવઢવમાં હતા, ઘણા ખરા લોકોની લાશો પથરાઈ ચૂકી હતી, જેના ઘરનાં મૃત્યુ પામ્યા એ લોકો પોક મૂકીને રોઈ રહ્યા હતા, નાના બાળકો આ દ્રશ્ય જોઈને ડરીને ચીસો પાડી રહ્યા હતા, લોકોનું આક્રંદ અને બ્લાસ્ટનો ધુમાડો વાતાવરણને ખૂબજ ભયાનક બનાવી રહ્યા હતા, કર્નલ સાહેબે ઉતરીને ત્યાંના બચી ગયેલા લોકો પાસે જઈને પૂછપરછ કરી, હું જીપમાંથી માંડ ઉતરી શક્યો, હું સળગતી ઝુંપડીઓ પાસે જવા જતો જ હતો કે કોઈકે મારો હાથ પકડી લીધો, મેં પાછળ ફરીને જોયું તો નગ્મા હતી, તેની આંખોમાં આંસુ હતા, તે મને વળગીને રોવા લાગી, મારા દુઃખ આગળ હું તેને સાંત્વના આપવા માટે પણ સક્ષમ નહોતો, મેં તેને રોવા દીધી, થોડીવાર બાદ તે મારાથી અળગી થઇ અને મને ખેંચીને એકબાજુ લઇ ગઈ, હું તો રમકડું બનીને તેની પાછળ પાછળ જવા લાગ્યો, તેણે તેની દાદી પાસેથી મને 2 ચીઠ્ઠી આપી, મેં તેને જોઈ અને મને લાગ્યું કે તે જરૂર ઈનાયતની જ ચિઠ્ઠી હશે એમ માની ફટાફટ પહેલી ચીઠ્ઠી ખોલી જેમાં આમ લખેલું હતું,


સાબ,

સાહેબ હું દિલગીર છું કે જયારે તમારે મારા સાથની જરૂર હતી ત્યારે હું તમને ના આપી શકી પણ શું કરું સાબ અર્જુન સાબે મારી જીભ કપાવી નંખાઈ, મારી એકલીની નહીં પણ બધી છોકરીઓની જેથી અમે કાંઈ પણ બોલીને કહી ના શકીએ, એ સિવાય તેમણે ધમકી આપી હતી કે જો અમે કાંઈ પણ જણાવીશું તો અમારા ઘરનાં વડીલોને ગોળી મારીને હત્યાં કરી દઈશું, હું પણ ડરી ગઈ હતી, મને માફી આપો, તમારા એકલાના પ્રયત્નોથી અમે નહીં ન્યાય પામી શકીએ, સાબ ફરી એકવાર હું તમારી માંફી માંગુ છું, આ ચિઠ્ઠી અદિતિમેમ એ મને લખી દીધી છે, મને લખતા વાંચતા નથી આવડતું, તમે ખૂબજ નસીબદાર છો કે તમને અદિતિમેમ જેવી પ્રેમાળ વ્યક્તિ મળી છે, તેમણે મને બધી વાત કરી દીધી છે તમારી, તમે જલ્દી ભેગા થઇ જાઓ એવી જ દુવા આપીશ,

તમારી ગુનેગાર,
નગ્મા....


ત્યારબાદ ચિઠ્ઠી બંધ કરીને મેં તેની સામું જોયું, તેની આંખોમાં આંસુઓની ધારા વહી રહી હતી, મેં તેના આંસુ મારા હાથો વડે લુછ્યા, તે મને હાથ જોડવા લાગી, મેં તેના હાથ પકડી લીધા અને તેને સાંત્વના આપવા તેને ગળે વળગાડી દીધી, થોડીવાર બાદ હું તેનાથી અળગો થયો, મેં મારા હાથમાં બીજી ચિઠ્ઠી જોઈ, તેને ખોલતા મારા હૃદયનાં ધબકારા પણ બમણી ગતિએ દોડવા લાગ્યા, એ ઈનાયતનીજ ચિઠ્ઠી હતી,

પ્રિય અનુજ,


મને માફ કરી દેજો અનુજ, મેં હાથે કરીને મારો જીવ જોખમમાં મુક્યો છે, હું જાણું છું જયારે તમને આ વાતની જાણ થશે તો તમે ખૂબજ ગુસ્સે થશો મારી ઉપર પણ મારો વિશ્વાસ કરો, જયારે આપણે સવારે મળીએ તો પ્લીઝ મારાથી નારાજ ના થતા, હું બધું સહી લઈશ પણ તમારી નારાજગી મારાથી સહન નહીં થાય, મેં તમારો જીવ બચાવવાં આ કર્યું હતું,
જયારે હું તમને કેમ્પમાં મળવા આવી ત્યારથી કોઈક મારો પીછો કરી રહ્યો હોય એવું મને લાગ્યું, હું સમજી ચૂકી હતી કે એ શું કામ મારો પીછો કરે છે, સુલેમાનનાં ઘરેથી ભાગતા પહેલા સુલેમાને જ મને જણાવ્યું હતું કે તે ફિરોઝપુરમાં બૉમ્બ બ્લાસ્ટ કરાવવાનો છે, મેં તમને મારા વિશે પૂરી વાત તો કરી પણ મારું નામ અદિતિ હોવાની જાણ ના કરી કેમકે હું છેલ્લા સમય સુધી કોઈજ પ્રકારનું રિસ્ક લેવા નહોતી માંગતી, મને એમ હતું કે બસમાં આપણો પીછો કોઈ નથી કરી રહ્યું પણ જયારે તે મને એકલીને ફિરોઝપુર જવાની વાત કરી તો મેં ફરી પેલા માણસને જોયો જે મારો પીછો કરતો હતો એટલે મેં તમને ત્યાંથી જવા માટેની સહમતી આપી દીધી,
ફિરોઝપુર ઉતર્યા બાદ મેં તે માણસને ગુમરાહ કરી દીધો અને ત્યાંના લોકોની મદદથી તેને પકડી પણ લીધો, મેં તેના મોંઢામાંથી સાચું ઉગલાવ્યું જેમાં મને ખબર પડી કે બૉમ્બ ફિરોઝપુરમાં પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યો છે, મેં આ વાત ત્યાંના સ્થાનિકોને કરી અને તેમને હિંમત રાખવા માટે કહ્યું, ત્યાંના લોકોની મદદથી અમે બૉમ્બ શોધી નાખ્યો, મેં ટેલિફોનથી પપ્પાને ફોન કરીને કહી દીધું છે તે કોઈકને મોકલીને જલ્દી આ બૉમ્બ ડિફ્યુઝ કરી દેશે,


તમે પાછા આવશો પછી આપણે ફરી એક અલગ જિંદગી શરુ કરીશું, મેં પપ્પાને વાત કરી લીધી છે, આપણે જલ્દી જ લગ્ન કરી લઈશું, નગ્માને મળીને તેની વાત જાણી, મને ખુબ દુઃખ થયું પણ ખુશી પણ થઇ કે તમે આ બાબતે નગ્માને ન્યાય અપાવવામાં જોડાયા હતા પણ તેની તકલીફ સાંભળીને વધારે રોવું આવી ગયું, શું કામ અનુજ?? કાશ્મીર જેવા સુંદર શહેરમાં છોકરીઓ પર શું કામ આવો અત્યાચાર થતો હશે?? કાશ્મીરની સુંદરતા પાછળ આટલું ભયાવહ સત્ય છુપાયેલું છે જેનાથી દરેક અજાણ છે, આપણે ભેગા થઈને આને ઉજાગર કરીશું અને અટકાવીશું, સારુ હવે જલ્દી આવી જાઓ, આવીને પહેલા મારી ચિઠ્ઠી જ તમને પહોંચાડીશ પછીજ હું બહાર આવીશ,

તમારો પ્રેમ,
અનાયત (અનુજ ઇનાયત)

ચીઠ્ઠી વાંચીને મારી અંદર રહેલો પથ્થર પાછો નરમ બની ગયો, હું ફરી જોરજોરથી બૂમો મારીને રોવા લાગ્યો, કર્નલ સાહેબ મારી પાસે આવી ગયા હતા, તેઓ મારા હાથમાં રહેલ ઈનાયતનો લેટર લઈને વાંચવા લાગ્યા, લેટર વાંચ્યા બાદ તેઓ બોલ્યા, 'જો બૉમ્બ ડિફ્યુઝ કરીજ દેવામાં આવ્યો હતો તો અદિતિની અને બીજા લોકોની મોત કેવી રીતે થઇ ગઈ?? '
એટલામાં પાછળથી અવાજ આવ્યો, 'એનો જવાબ હું આપું છું ',


કોણ હશે એ માણસ?? અદિતીનું મૃત્યુ કેમનું થયું હશે?? અનુજ અદિતિને ન્યાય અપાવી શકશે?? અદિતિના અરમાનો અનુજ પૂરા કરી શકશે?? જાણવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાં....