🌺આરતીસોની🌺
પ્રકરણ : 29
અમેરિકા ફોન કરવા છતાં વિરાજ સાથે અમ્માની વાત થઈ શકી નહોતી. પરંતુ ફોન કર્યા બાદ અમ્માને એટલી તો ખાતરી થઈ હતી કે, 'વિરુ અને વહુ દિક્ષા, પૌત્ર સાથે ત્યાં સુખ શાંતિથી જીવન વ્યતીત કરી રહ્યાં છે.' સઘડી સંધર્ષની....
❣️કૂબો સ્નેહનો❣️
પરોઢે પાંચ વાગ્યે ઉઠવું, નાહી ધોઈને કાન્હાનું લાલન પાલન કરી પૂજા પાઠ કરવી, સૂર્ય નારાયણને જળ ચઢાવવું, તુલસી ક્યારે પાણી પાઈને દીવો પ્રગટાવવો, પછી આશ્રમમાં પહોંચી આખો દિવસ ત્યાં દરેકની દેખરેખ રાખવામાં વ્યસ્ત થઈ જવું, વિરાજની ચિંતામાં અમ્મા, નિત્ય ક્રમમાં સમય વિતાવતા હતા. આમને આમ પોતાની અંદર ચાલતું તૂમુલ યુદ્ધ આશ્રમમાં પરોવાયેલાં રહીને ભૂલવાની કોશિશ કરતા રહેતાં હતાં.
'હરિ આશ્રમ' દ્વારા એક અદમ્ય સાહસકથાનો ઉદભવ થયો હતો. ભીંત ફાડીને ઉગેલા પીપળા માફક અમ્માએ પોતાનું માતૃત્વ વિસ્તાર્યુ હતું. એની છાયામાં કેટલાયે તરછોડાયેલા, એકલતામાં પીસાઈ રહેલા અને વૃદ્ધત્વને આરે ઉભેલા માતા-પિતાને સહારો મળ્યો હતો અને ઘણા અનાથ બાળકોને મમતાથી સભર કર્યા હતાં.
અમ્મા પોતાના જીવનને એવાં સ્તરે લઈ ગયાં હતાં કે, જ્યાંથી દરેકને ઉપયોગી સાબિત થાય અને જીવનના અંતિમ શીખર પર પહોંચી ગયાં હતાં. આમને આમ બીજા બે વર્ષ જેવું વિત્યું હશે અને એક દિવસ પરોઢે અમ્મા પૂજા પાઠ કરતાં હતાં ને અચાનક ઘરને આંગણે એક કાર આવી ધડામ્ કરી ઊભી રહી. કારના દરવાજા ધડા ધડ ખોલ બંધ કરવાનાં અવાજો સંભળાયા.
સાડા છ દાયકા જુનું વૃદ્ધ છતાં ગામઠી ખડતલ શરીરને ઊભા થવામાં કે પછી બારણું ખોલવામાં ય જરાયે તકલીફ પડી નહોતી.. કેમકે કેટલાયે સમય પછી 'હરિ સદન' ને આંગણે કોઈ ચહલપહલ સંભાળાઈ હતી. અમ્માએ ઝડપથી બારણું ખોલ્યું. ચારેકોર થોડું અજવાળું પથરાયું હતું, એટલે ઝાંખું પાંખું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
મોટી, જાડી અને કાળી ફ્રેમના ચશ્મામાંથી અમ્મા ઘડીક અનિમિષ નજરે તાકી રહ્યાં. આંખમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં. મોંઢા પર આતમનો ઓજાસ પ્રસરાઈ ગયો. વહુ દિક્ષાને, પૌત્ર અને સાથે પૌત્રી પણ જોઈને અમ્મા અચંબો પામી ગયાં અને ખુશીઓથી હોઠ ફફડી ઉઠ્યાં હતાં.
પણ એમની આંખો હજી કોઈ ચોથી વ્યક્તિને શોધતી હતી. આમથી તેમ નજરો ફેરવી, એક ઊંડો નિસાસો નાખ્યો. ટેક્સીમાંથી મસ મોટી બેગોનો ઢગલો એકલાં હાથે દિક્ષાને ઉતારતી જોઈ મનમાં થોડુંક ખૂચ્યુંયે ખરું! એકલી દિક્ષાને જોઈને અમ્માના રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં, પરંતુ એમને જોઈને પણ ખુશી તો એટલી જ હતી અને હર્ષથી વર્ષોના એકસાથે ત્રણેયના અઢળક ઓવારણાં લીધાં હતાં.
એક તો વિરાજ દેખાયો નહીં અને દિક્ષાનો ચહેરો થોડોક અસ્તવ્યસ્ત જોઈને, અમ્માએ સમતોલપણું સહજ ગુમાવી પણ દીધું હતું, પરંતુ એમણે સ્વસ્થતા જાળવી રાખી.
ઓચિંતો ખજાનો સાંપડયો હતો એટલે અમ્મા હરખ પદુડા થઈ ગયેલાં. અમ્માએ અમેરિકાથી આવેલી વહુ અને પૌત્રનું કંકુ ચોખાથી વધાવીને ઘરમાં મીઠો આવકારો આપ્યો. અમ્માને પગે લાગી દિક્ષા ઘરમાં પ્રવેશી, સામાન અંદર લાવી વ્યવસ્થિત ગોઠવી બેઠી.
આજીવન પીડાની આ જાતરા એવી વસમી હતી અમ્માની કે પોતાને ભૂલી ગયા હતાં પણ સુખ શું છે એ ક્યારેય જાણ ના થઈ.
આયુષ તો જાણે ગુલાબી ગોટા જેવો, મઘમઘતું તાજું ગુલાબ અને યેશા રંગબેરંગી મેઘધનુષી પતંગિયું. બંનેને અમ્માએ એકસાથે તેડી લીધાં ને છાતીએ વળગાડી દીધાં હતાં, ખોળામાં બેસાડી વ્હાલનો દરિયો લૂંટાવા લાગ્યાં હતાં. હૈયે તો એમનો હરખ સમાતો નહોતો.
“વહુ બેટા કેમ એકલા જ આવ્યાં.. વિરુ દીકરો ક્યાં છે? સૌ સારા વાના છે ને?” ફફડાટ શમ્યો ત્યારે ચિંતિત સ્વરે અમ્માએ દિક્ષાને પુછી લીધું.
દિક્ષાએ એક સુરમાં માથું હલાવ્યું,
"હા અમ્મા એકદમ સરસ... ઘણાં સમયથી હું ત્યાં કંટાળી હતી.. મારે થોડોક સમય તમારા સાથે વિતાવવો હતો અને વિરાજ પણ અમારી સાથે આવવાના જ હતા. પણ એમની ટિકિટ છેલ્લી ઘડીએ કેન્સલ કરાવવી પડી, એમની ઑફિસમાં વિરાજના હાથ નીચે કામ કરતા એક વ્યક્તિનું અચાનક મૃત્યુ થવાથી કંપનીની બધી જવાબદારી એમના માથે આવી પડી હતી, એટલે થોડાંક સમય પછી વિરાજ પણ બસ આવી જ જશે.."
હું સમજી શકું છું કે ઓફિસમાં કામ કાજ હોય, પણ ઘર પ્રત્યે પણ આપણી પૂરેપૂરી જવાબદારી હોવી જોઈએ." વિરાજના નહીં આવવા પર નારાજગી વ્યક્ત કરતાં અમ્માની આંખે પાણીના તળ ભરાઈ આવ્યાં હતાં.
"દાદી અમ્મા.. વાય યુ ક્રાઈંગ!?" આયુષ અમ્માના ખોળામાં બેઠા બેઠા ગાલે હાથ ફેરવી બોલ્યો.
"શું કહ્યું મારા દીકરા?" અમ્માનું એકદમ નિખાલસ હાસ્ય વેરાઈ ગયું હતું.
"યુ નૉટ અંડરસ્ટેન્ડ અમ્મા?!!"
"મને એક બીજી વાત કહે કે, તું સ્કૂલ જાય છે?"
હામાં આયુષે, ફક્ત ડોકું ઉપર નીચે હલાવ્યું.
"શું શીખવે છે સ્કૂલમાં?'
"બા બા બ્લેકશીપ.."
"મારો બેટ્ટો.. હુશિયાર છે ને? અંગ્રેજીમાં કવિતા બોલે છે.."
"યુ વૉન્ટ ઇટ સમથિંગ?" આયુષને કંઈ ભૂખ લાગી હોય એ વિચારે દિક્ષાએ પુછ્યું.
"નો મમ્મા.."
"ધેન ગો પ્લેય વીથ યેશા.. ગો.."
"વિરુ દીકરો કામમાં ભૂલતો જાય છે? કે પછી રૂપિયા પાછળ ઘેલો થઈ ગયો છે!!? એવું દેખાઈ રહ્યું છે."
"અમ્મા માણસનો એક સ્વભાવ હોય છે. જેમ કમાતો જાય એમ મોહ વધતો જાય છે.. વિરુ માટે જીવનમાં કામ એ પહેલું અને મહત્વનું છે, પછી જ બીજા કામ." અને એક ઊંડો નિસાસો નાખતી દિક્ષાની આંખોના ખૂણા સહેજ ભીનાં થઈ ગયા. જે અમ્માથી છૂપાં રહી શક્યાં નહોતાં.
"વહુ બેટા પાંખો ફૂટે એટલે ઉડતા રહેવું જોઈએ, પણ એટલું બધું ઊંચું પણ ન ઊડવું જોઈએ કે શ્વાસ રુંધાવા લાગે."
કંચન એટલું કંઈક સમજી શકી હતી કે વિરાજને કમાવાની એટલી ઘેલછા લાગી હતી કે, પરિવાર પ્રત્યેની ફરજ અને લાગણીઓ પણ ભૂલવા લાગ્યો હતો.
“દરિયા કિનારે ઘરગત્તા રમવા બનાવેલો રેતીનો મહેલ એક લાંબા.. મોજામાં ખેંચાઈ જાય છે, પણ પરિવારનો ઢાંચો તો એટલો મજબૂત બનાવવો પડે કે ગમે તેટલી મોટી દરિયાઈ ત્સુનામી કેમ ન ફૂંકાય એ ધ્વસ્ત ન થવો જોઈએ.” આટલું બોલી અમ્માએ મૌન ધારણ કરી લીધું હતું, ‘રખેને દિક્ષા વહુને ખરાબ લાગી જાય તો..!!!’ એવું વિચારીને ચૂપ થઈ ગયાં હતાં.©
ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 30 માં અમ્માની ચિંતામાં વધારો કરતો નવો એક પ્રશ્ન ઊભો થયો હતો.. દિક્ષા શું કામથી ઇન્ડિયા આવી હતી અને શું એ કોઈ રહસ્યમય પોટલું ખોલવાની છે?
-આરતીસોની ©