કૂબો સ્નેહનો - 28 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 28

🌺આરતીસોની🌺
પ્રકરણ : 28

કંઈક અમંગળ ઘટના ઘટવાની ભિતીએ અમ્માને ધારદાર ધ્રાસકો પડ્યો હતો. વિચારોનાં ટોળાં એમની આસપાસ ઘેરાઈ વળ્યાં હતાં. સઘડી સંધર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

અમ્માની જીવન નૈયા મક્કમ પગલે આગળ તરી રહી હતી. પરંતુ વિરાજ સાથે સંપર્ક તૂટી જતાં કંઈક અમંગળ ઘટના ઘટવાની ભિતીએ ધારદાર ધ્રાસકો પડ્યો હતો. સમયે તો બસ જાણે કાચબાનું સ્વરૂપ લઈ લીધું હતું. એમનાથી એક એક દિવસ કાઢવો મુશ્કેલ બની ગયો હતો. એક વિચાર ચાલું હોય ત્યાં બીજો નરસું વિચાર માથે ચઢી બેસતો.

'શું વિરાજને કે દિક્ષાને કંઈ..?! શું થયું હશે?? તો શું પૌત્ર આયુષ તો સાજો માંદો નહીં હોય ને!?'
'ના ના.... એવું કશુંયે નહીં હોય..' એમ વિચારીને મન મનાવી લેતાં હતાં.

વિરાજે પત્ર સાથે આયુષ સાથેના એમના ફોટા મોકલ્યા હતાં એ વખતે આયુષ બે વર્ષનો હતો. આંખોમાં ઝળઝળીયાં સાથે અમ્મા ફોટા પર હાથ ફેરવી વિચારી રહ્યાં હતાં.
'આયુષની છેલ્લી વર્ષગાંઠ હતી ત્યારે ફોન આવ્યો એ વખતે પાંચ વર્ષનો થયો હતો. આ સપ્ટેમ્બર મહિનામાં એના છ વર્ષ પૂરાં થશે. કેટલો મોટો થઈ ગયો હશે!!'
મનોમન આયુષની આછી પાતળી અત્યારની આકૃતિ આલેખાઈ ગઈ હતી અને આંખોમાં ખુશીઓની ચમક લહેરાઈ ઊઠી, પરંતુ એ ઘડીક બે ઘડીની મહેમાન હતી અને પાછાં અમંગળ ઘટનાના તરંગી વિચારોનો કાફલો, મન મસ્તિષ્કમાં ફરી પાછો ખડકાઈ ગયો હતો.

સંગીત સમો લાગતો હિંચકાનો 'કિચૂડ કિચૂડ' અવાજ અને સાંકળોનો 'ખણખણાટ' અમ્માને એકાએક હવે ઘોંઘાટ લાગી રહ્યો હતો.

'વિરાજ અને દિક્ષાના ખબર અંતર પુછવા પણ ક્યાં અને કોને?' ત્યાંજ અમ્માને યાદ આવ્યું, 'હા એકવાર વિરાજે એનો ફોન નંબર અને રહેઠાણનું સરનામું લખાવ્યું હતું ખરું!! અહીં જ કશેક હશે.' ને અમ્માએ એક કાગળિયું શોધવાં માટે ઘર ઊંધું ચત્તુ કરી નાખ્યું હતું, અંતે ડાયરીના કવરની બેવડમાં સાચવીને, વાળીને મૂકેલું નાનકડું કાગળિયું મળી આવ્યું. એ અમ્માની ચિવટતાની ચાડી ખાતું હતું. અમ્મા એ નંબર લઈને સીધાં સ્કૂલમાં પ્રિન્સીપાલ સાહેબની ઑફિસમાં પહોંચી ગયાં હતાં.

"આવું સાહેબ?"
"ઓહોહો.. કંચનબેન આજે આ બાજુ ક્યાંથી ભૂલા પડ્યાં તમે? જ્યારથી 'હરિ આશ્રમ' માં આશ્રિતોની સેવા કરવામાં બીઝી થઈ ગયા છો, ત્યારથી આ બાજુ આવવાનો ટાઇમ જ નથી મળતો તમને!!"
"સાહેબ આજે એક કામ પડ્યું છે તમારું."
"હા હા.. બોલોને!!"
"બહુ દા'ડાથી વિરુના કોઈ ખબર અંતર નથી, ચિંતા થવા લાગી છે. આ એનો નંબર જોડી આપોને જરા." અમ્માની આંખોમાં નરી વેદના અને લાચારી ડોકાઈ રહી હતી.

“કંચનબેન નાહક ચિંતા કરો છો, કોઈક વાર કામની વ્યસ્તતામાં સમય નીકળી જતો હોય છે, અને એય એનો ઘર સંસાર લઈ બેઠો છે એમાં ઉલજાયો હશે.!"

"હા સાહેબ એ હુંયે જાણું છું. પણ આમ તો વિરુ અઠવાડિયામાં એક વખત તો ફોન અચૂક કરે જ છે. ફોન કર્યા વિના ન રહે અને છેલ્લા ચાર મહિનાથી એકેય ફોન નથી એનો. જાત જાતના અઘટિત ઘટના ઘટ્યાંના વિચારોથી મન વ્યાકુળ થઈ ગયું છે."

"પોઝિટિવ વિચારો કરો કંચનબેન.. એવું કશુંયે નહીં હોય.. તમે તો ભાવાત્મક વિચારધારા ધરાવો છો!! તો આજે કેમ આટલી બધી લાચારી ચહેરા પર??"

"મારું મન નથી માનતું.. મનની સાંત્વના ખાતર પણ એકવાર વાત થઈ જાય તો નિરાંત વળે. માનું દિલ ખરુંને સાહેબ!!”

"અમંગળ ઘટના ઘટી હોવાના વિચાર છોડી દો, એવું કંઈ ન હોય કંચનબેન."

ને સહેજ વિચારીને બોલ્યાં,
"પણ તમારાં મનને જો ટાઢક વળતી હોય તો ફોન જોડી આપું, વાત કરી લ્યો એકવાર એટલે તમને મનથી શાંતિ થાય!!” એમ બોલી સાહેબ ચિઠ્ઠીમાં લખેલો નંબર લગાવવા લાગ્યાં.

“આ લ્યો ત્યારે કંચનબેન.. એની રિંગ વાગી, વાત કરો..”
એમ કહીને પ્રોફેસર સાહેબે, અમ્માના હાથમાં ફોનનું રિસીવર પકડાવ્યું.

“હેલો.."
"હેલો.. કોણ..? હું અમ્મા બોલું છું."
સામે છેડેથી અવાજ કંઈક ધીમો-ધીમો અને તૂટક-તૂટક આવી રહ્યો હતો, પણ પછી અમ્મા સમજી ગયાં હતાં કે, 'દિક્ષા વહુ બોલે છે.' એટલે વાત આગળ વધારતા બોલ્યાં હતાં,

“કોણ દિક્ષા વહુ? અમ્મા બોલું હું ગામડેથી. કેમ છો સૌ? ઘણાં વખતથી વિરુનો કોઈ ફોન-બોન નહોતો અને કોઈ સમાચાર નહોતાં, તો થયું ચાલો હું જ ફોન લગાવીને આ વખતે ખબર અંતર જાણી લઉં.!!!” એકધારું અટક્યા વગર અમ્મા સડસડાટ, સળંગ અને ઉતાવળું બોલી ગયાં, બોલતાં બોલતાં ય હાંફીયે ગયાં હતાં.

“હા અમે બધાં મજામાં છીએ, કામની દોડાદોડીમાં ફોન નથી કરી શકાતો, તમે કેમ છો અમ્મા.”
"સરસ.. સરસ હો દિક્ષા વહુ.. હું યે મજામાં.. આયુષ કેમ છે?"
"આયુષ અહીં જ છે. એ વાત કરશે અમ્મા.. આપુ એને."
'ટૉક ટુ દાદી બેટા, દાદી છે.'

આમ આછી પાતળી વાત થઈ અને અમ્માએ કહ્યું, "વિરુ ક્યાં છે દિક્ષા વહુ?"
"ઑફિસથી હજું આવ્યાં નથી અમ્મા."
"ફોનમાં વાત થઈ હોત તો મનને જરાક ટાઢક વળત.!!"
પણ આગળ દિક્ષા કંઈ બોલે એ પહેલાં ફોન કપાઈ ગયો હતો.

અમ્માને થોડી મુંઝવણ થઈ કે, 'દિક્ષા વહુ સાથે વાત બરાબર ના થઈ શકી.' પણ અમ્માના મનને શાંતિ વળી. ‘ચાલો હશે!!! કંઈ વાંધો નહીં.. વિરુ, એની વહુ સાથે શાંતિથી એનું જીવન તો પસાર કરી રહ્યો છે ને.. નાહકની હું મનમાં ને મનમાં ઉચાટ કરી રહી હતી.’ એમ મનોમન બબડાટ કરતાં કરતાં અમ્મા વિરાજ સાથે વાત ના થવાથી ભાર સાથે જ ઘરે પાછાં ફર્યા હતાં.

ઘરે પહોંચી પહેલાં વિરાજને ફરી એક પત્ર લખ્યો, દરેક પરિસ્થિતિમાં માનસિક સ્વસ્થતા ધારણ કરવા અમ્મા ટેવાયેલાં હતાં અને મજબૂત મનોબળ ધરાવતાં હોવા છતાંયે અમ્માનું હૈયું હવે ઢીલું પડવા લાગ્યું હતું.©

ક્રમશઃ પ્રકરણ : 29 માં અમ્માના ફોન કર્યા પછી વિરાજ વળતો ફોન કરશે.? કે પછી દિક્ષા જણાવશે નહીં અને ફોન જ નહીં કરાવે!!

-આરતીસોની ©