માથાભારે નાથો (36)
"આવ ભીમા,આવ. બોલ્ય, શું પીવું સે ? સા કે ઠંડુ ? આજ તારી ઉપર બહુ પ્રેમ ઉભરાણો છે... તેં માલામાલ કરી દીધાં. નરશી માધા તો રોડ ઉપર જ આવી ગયો હમજને ! " રામા ભરવાડે ભીમાનું, તબેલામાં સ્વાગત કરતા કહ્યું.
ભીમો, રામાના મીઠા બોલ સાંભળી ફુલાયો...
"ઈ તો ભાયડાના ભડાકા જ હોય..હવે તમે જોવો.. ઇનીમાને પસાસ ઘંટીનું કારખાનું ઠોકી દેવું સે. ઓલ્યા ગોધિયાને જ મેનેજર રાખવો સે. આમ જોવો, રામાભાઈ તમે મુંજાતા નહીં.. તમારા લાયક કામ પણ હું તમને ગોતી દશ..તમારે હવે કોકની બાકિયું વસુલ કરવાનો ધંધો પણ મૂકી દેવાનો સે..આપડા કારખાને ગુરખાની જરૂર પડશે..ઇનીમાને કોયને માલીપા આવવા નઈ દેવાનો..પગાર'ય તમને આમ જોવો..સરખો જ કરી દશ.." ભીમજી આજ આસમાનમાં ઉડવા માંડ્યો હતો..
"તો તું કારખાનું કરીશ ઈમ ? તારા કારખાનામાં મને ભાગ નઈ દે..? મારે બાર ગુરખાની નોકરી કરવાની ઈમ ? વા ભીમા વા..તો આ તિજોરીમાંથી જે માલ નીકળે ઈમાં મારો ભાગ ચેટલો ઈ તો તું કે..?"
રામાએ ભીમાને રમાડવા માંડ્યો. ભીમાના મનમાં શું ચાલી રહ્યું છે એનો તાગ એ મેળવવા માંગતો હતો.
"ઈ તો જાણે..તિજોરી ઉપાડી લેવાનો આયડ્યા તો મારો જ હતો ને..? પસ મેં'નતય ઇનીમાને મેં અને ખીમલાએ જ કરી સે..? તમે ને જોરુભા તો બુલેટની ઘોડી સડાવીન મેટાડોરમાં ઘરી જ્યાતા..? અન પાસું અમને ગાળ્યું'ય ઠોકતા'તા..તોય તમને હાવ કોરા નઈ રે'વા દેવી..તમતારે તમારી મે'નતનું તમને મળી જાહે..ભીમો હોય ન્યા મુજાવાનું નો હોય ભલામાંણા.."
ભીમાએ ખાટલામાં લંબાવતા મૂછે હાથ નાખ્યો અને ઉમેર્યું, "ચ્યાં સે બધા..ચીમ હજી કોય આયુ નથી..અને તિજોરી ચ્યાં સે..ઇનીમાને કોયે તોડી નથીને..."
"ના ના..કોય અડયું'ય નથી.બધા આવતા હશે હવે....
પણ ભીમા આમાં મારો ભાગ ચેટલો ઈ તો કે..!" રામાએ ફરી ભાગ માગ્યો.
"બધા આવે એટલે નક્કી કરશું.. પણ પસા ટકા મારા એકલાના રે'શે.અને પસા ટકામાં તમે બધા હમજી લીજો.. આ તમે બવ કયો સો એટલે સોખવટ કરી.."
રામા ભરવાડના તબેલામાં આગળના ભાગે એનું મકાન હતું.મકાનમાં ભોંયતળીયે ઓસરી અને બે રૂમ હતા. ઓસરીમાં એક તરફ ગામડાના મકાનમાં હોય એવું પાણીયારું અને બીજી તરફ ઉપરના માળે જવાની લોખંડની સીડી હતી. એ મકાનની પાછળ મોટા શેડમાં રામાની પચાસથી સાઠ ભેંસો બાંધી હતી..
આ મકાનમાં ભેંસો માટે ખાણ વગેરે રાખવામાં આવતા. તબેલામાં કામ કરનારા મજૂરો એમના પરીવાર સાથે જ ઉપરની ઓરડીઓમાં રહેતા. મોટાભાગના રામાના સગા વહાલા ભરવાડ લોકો જ હતા.આ સિવાય એક નાની પતરાની છતવાળી ઓરડી તબેલાના પાછળના ભાગે હતી.
રાઘવને, ઘણા સમય પહેલા નરશીના કહેવાથી આગળના આ મકાનની અગાસીમાં બનાવેલી એક ઓરડીમાં જ રામાએ કેદ કર્યો હતો. પાછળના ભાગની એ ઓરડીની બહાર ઢાળેલા ખાટલામાં ભીમો અને રામો બેઠા હતા. એ ઓરડીની બહાર એક બલ્બના પીળા અજવાળે બેઠેલા રામાનો ચહેરો ભીમાની વાતો સાંભળીને ભયાનક બની રહ્યો હતો. રામો ભરવાડ જમાનો જોઈ ચૂકેલો આદમી હતો. ભીમા જેવા લબાડ માણસના કહેવામાં આવી જઈને જે પગલું એ ભરી બેઠો હતો એનું પરીણામ એ બરાબર જાણતો હતો..
ભીમાની પોલીસ દ્વારા પૂછપરછ થાય તો એ વટાણા વેરી નાખે એમ હતો. ચોરીના માલમાં એકલો પચાસ ટકા ભાગ માંગતો હતો.. છતાં રામાએ મગજ ગુમાવ્યા વગર કહ્યું.
"પણ ભીમા તું એકલો જ પસાસ ટકા ઠોકી જા તો વાંહે અમારા ભાગમાં શું આવે..?"
"ઈ તો ઈમ જ હોય..તમારે પસા ટકા જોતા હોય તો તમે ગોતોને બીજી તિજોરી... કોણ ના પાડે સે..પણ ગાં@બળ પસી તમારે જ કરવું પડશે..હું તો હવે આવા કોઠા કબાડા કરવાનો નથી..સતાં તમારી હાર્યે આવીસ.. તમતમારે..ગોતો ઇનીમાને..."
"તારી માને #$^&.. &^$@ના..તું હમજશ સ્હું તારા મનમાં..ભેનઠોકના..તારા બાપનો માલ સે આ..? તારી જેવા તો હું હેઠે હાથ નાખું તો બે ચાર લબડતા હોય.ચુ@#રીના." રામાએ એની જગ્યાએ બેઠાં બેઠાં જ શાંતીથી ભીમાને ગાળો ભાંડવા માંડી...
ભીમો અચાનક ગાળો સાંભળીને ચમક્યો..
"રામાભાઈ... મોઢું હંભાળી ન બોલજો હો..ઇનીમાને જ્યારે હોય ત્યારે ગાળ્યું જ દ્યો સો.." ભીમો ખાટલામાં બેઠો થઈ ગયો.!
"તને તો @#$ના ઘંટો'ય દેવાનો નથી..પસાસ ટકાની ક્યાં મા આણેસ.." રામાએ ફરી શાંતિથી કહ્યું.
ભીમો ઉભો થઇ ગયો. એણે બલ્બના પીળા પ્રકાશમાં રામાનો ખતરનાક ચહેરો જોયો.... કંઈ બોલવા જાય એ પહેલાં જ એના ગળામાં કોઈએ દોરડું નાખ્યું..
રામાનો ખાસ માણસ લખો, ક્યારનો ભીમાની પાછળ આવીને ઉભો હતો.ભીમો ઉભો થયો એટલે તરત જ રામાએ એને ઈશારો કર્યો. લખાએ ભીમાના ગળામાં દોરડું નાખીને એક આંટી મારી દીધી.ભીમો હજુ કંઈ સમજે એ પહેલાં લખાએ દોરડાંના બંને છેડા ખેંચવા માંડ્યા. ભીમાએ બંને હાથે ગળામાં ભરાયેલું દોરડું કાઢવા અને લખાના હાથને રોકવા પ્રયત્ન કર્યો પણ લખાએ એના પગમાં ગોઠણના પાછળના ભાગે પાટુ માર્યું.ભીમો ગોઠણભેર જમીન પર બેસી પડ્યો.
લખાએ દોરડા બંને છેડા ખેંચીને ભીમાને ગળે ફાંસો આપી દીધો..ભીમાની આંખના ડોળા બહાર તગતગી રહ્યાં..એના બંને ખભા લખાએ કોણીથી દબાવી રાખ્યા હતા. તિજોરીમાં, મૂછે હાથ નાખીને પચાસ ટકા ભાગ માંગનારો ભીમો ગોટો વળીને પડ્યો હતો.
રામાએ ઉભા થઈને એને એક લાત મારી..
"હરામીના પેટનો..પચ્ચા ટકા ભાગ જોતો'તો.."
ભીમાની લાશ પર થુંકીને રામાએ લખાને કહ્યું.
"કામરેજ બાજુ કોકના ખેતરમાં એકાદ ઝાડવે લટકાવી દેજે..એટલે કામ પતે.."
લખાએ ઓરડીમાંથી એક કોથળો લાવી ભીમાની લાશને એમાં નાખીને કોથળાનું મોઢું દોરીથી બાંધી દીધું. ઢસડીને ટેમ્પામાં લાશ ચડાવી દીધી. એ જ દોરડું એણે એના થ્રીવહીલ ટેમ્પાના એન્જીનના પૈડાંને વીંટાળીને એનો એક છેડો જોરથી ખેંચ્યો...ભુડ...ભુડ ભુડ...અવાજ સાથે એન્જીન સ્ટાર્ટ થયું.
રામાએ ઓરડીનો પીળો લેમ્પ બુઝાવીને એના બુલેટને કીક મારી.. રાત્રે બાર વાગ્યે કામરેજની એક અવાવરું વાડીમાં આડબીડ ઉગેલા લીમડાની ડાળે ભીમજીની લાશ લટકતી હતી..!
* * * * * * * * *
નરશીએ નંદુડોશીવાળા કારખાનામાં થયેલી ચોરી બાબતે ચર્ચા કરવા ગોરધનને બોલાવ્યો હતો.
ગોરધન પણ ખૂબ નિરાશ થઈ ગયો હતો.તિજોરીમાં નરશીના ધંધાને કમરતોડ ફટકો પડે એટલો માલ અને રોકડ હતી. તૈયાર કરવા આપેલો કાચો માલ કેટલો હતો અને તૈયાર માલ કેટલો હતો એની નોંધ એક ચોપડામાં કરવામાં આવતી.એ નોંધ જોઈને નરશી અકળાઈ ઉઠ્યો..
"ગોરધન, મારે ઉઠવાનો વારો આવશે એમ લાગે છે..આ પહેલા પણ હું મોટી નુકશાની કરી ચુક્યો છું..એમાંથી માંડ બહાર આવ્યો'તો...ત્યાં આ ચોરી થઈ..મરાઈ જવાનો છું.."
"શેઠ, તમે ટેંશન નો લ્યો..મને એક જણ ઉપર ડાઉટ છે...તમે પેલા વીરજી ઠુંમરના કારખાનેથી ઉઠાડીને ભીમા મૂછને આપણા કારખાને બેસાડ્યો છે..ઈ હરામીનો એક દિવસ તિજોરી જોઈ રીયો'તો.."
"પણ એણે તો મને ફોન કર્યો'તો....સવારે મારા ઘરે એ ભીમલાએ જ ફોન કરેલો.."નરશીએ કહ્યું..
"એક મિનિટ..ભીમલો સવાર સવારમાં કારખાને શું કરતો'તો..ઈ હરામીનો તો રોજ મોડો આવતો હોય છે..મારે એને બેસાડવાની ઈચ્છા જ નહોતી પણ તમે વીરજી ઠુંમરને ત્યાંથી આને ઉઠાવી લાવ્યા..ઈ ના#!નો એક તો મોડો આવે ને પાસો મૂછે વળ ચડાવે.."
ગોરધને અણગમો વ્યક્ત કર્યો.
"ભીમલો કારખાને જ સૂતો'તો..રાત્રે બાર વાગ્યા સુધી પત્તા રમીને પછી ગાંઠિયા અને ચા પીને એ બધા સુઈ ગ્યા'તા..આખી ઓફિસ તોડીને તિજોરી ઠોકી ગ્યા તોય જધીનો એકે'ય જાગ્યો નહીં બોલ..
મને તો આ પંદર જણ ઉપર જ ડાઉટ જાય છે..કદાસ એમ બને કે આ સો#$ના એજ તિજોરી ગાડીમાં ચડાવી દીધી હશે..પોલીસને કહેવું પડશે..ઇનીમાને @#$$# મારી મારીને ટાંટિયા ભાંગી નાખો..ચાલ જઈએ.."
નરશી અને ગોરધન બાઈક લઈને કતારગામ પોલીસ સ્ટેશને જવા નીકળ્યા.
ગોરધનને હવે ભીમજી ઉપર શક પડી રહ્યો હતો..
બંને પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે બપોરના અગિયાર થવા આવ્યા હતા..
ઇન્સ્પેકટર હરીશ પટેલને મળીને નરશીએ ભીમા સહિત પંદર કારીગરો પણ પોતાને શંકા હોવાની વાત કરી.
"મને પણ ખુબ નવાઈ લાગેલી..નરશીભાઈ કે સાલું આટલું બધું બન્યું તો'ય આ લોકોમાંથી કોઈ ઊઠ્યું કેમ નહીં..? હું તપાસ કરું છું..હમણાં જ એ બધાને બોલાવીને બબ્બે સોટા ઠોકીશું એટલે પોપટની જેમ બોલવા માંડશે.." કહી પટેલ સાહેબે એક હવાલદારને નંદુડોશીની વાડીમાં આવેલા નરશીના કારખાને મોકલીને નરશી અને ગોરધન માટે ચા મંગાવી.
થોડીવારે ભીમા સિવાયના તમામ કારીગરો આવીને ઊભા રહ્યાં. નરશી અને ગોરધનને જોઈને બધા જ કારીગરો એક સાથે બોલવા માંડ્યા..
''શેઠ, અમને કાંઈ ખબર નથી..."
''અમે તો હૂઈ જયા'તા..ઠેઠ હવારે ઉઠયા.. ભીમલાએ અમને પરાણે ચા- ગાંઠિયા ખ્વાર્યા..''
"અમને'ય નવઈ લાગસ ક અમી આટલું બધું થિયું તોય જાયગા ચીમ ન..ઈ..''
''ભીમલો કોય દે નઈ ન કાલ જ મારો બેટો ઘરેથી આંય કારખાને પત્તા રમવા આયો'તો..પસ ઈય કારખાને જ હુઈ જ્યો'તો."
કારીગરોના કોલાહલમાં છેલ્લે બોલાયેલું વાક્ય ઇન્સ્પેકટર પટેલે પકડ્યું..
"ઓય.. અહીં આવ તો.. શું બોલ્યો તું..? ભીમલો કાલે જ કારખાને સુવા આવેલો એમ ? ક્યાં છે એ ભીમલો..?" પટેલે ટોળામાં નજર નાખી..
ભીમલો દેખાયો નહીં. ગઈ કાલે ફિંગરપ્રિન્ટ આપતી વખતે જે મૂછવાળો અને બટકો કારીગર ગભરાઈ ગયો હતો એ એમને યાદ આવ્યું..કદાચ એ જ ભીમલો હોવો જોઈએ..
"સાયેબ ઈ નિસમારીનો કાલ હાંજે વ્યો ગ્યો. આજ આયો નથી..."એક જણે કહ્યું.
"ઈણે જ અમને પરાણે બાર વાગ્યા હુધી મીંડી રમાડ્યા.. પસ ચા ગાંઠિયા ઈ જ લિયાયવો'તો.. હું સા પીવ અટલે મને ઊંઘ નથ આવતી..અટલે મેં સા પીવાની ના પાડી'તી..પણ ભીમલાએ માના હમ દીધા'તા..પસ મેંય ગાંઠિયા હાર્યે સા પીધી..પણ કાલ્ય
પેલીવાર મને સા પીધીન પસ તરત જ ઘેન સડી જયું..તે ઠેઠ હવારે દેકારો થિયો તાર હું ઉયઠો.." બીજો એક કારીગર બોલ્યો..
"તમારી માને જધનારાવ.. કુંભકર્ણની ઓલાદુ છો તમે બધા.. તમારા બાપની આખી ઓફિસ તોડીને તમારી માને ઉપાડી જ્યા તોય એકેય જાગ્યો નઈ...ઠોકીનાવ..
આમાં તમારો જ હાથ છે..ક્યાં ગીયો ઓલ્યો હરામીના પેટનો..!'' અત્યાર સુધી મૂંગાં બેઠેલા ગોરધને રાડ પાડી..
"આ બધાને પુરી દ્યો સાહેબ..મારી મારીને કુલા તોડી નાખો.." નરશીએ પણ ખિજાઈને કહ્યું..
"આ ભીમલો કોણ છે.... એ આજે કેમ નથી આવ્યો..?" હરીશ પટેલે ગોરધનને પૂછ્યું.
"ઈ હજી પંદર દી'થી ગુડાણો છે..મેં તો ના પાડી'તી પણ નરશીભાઈ નો માન્યા..એનું કામ તો સારું છે..પણ માણસ મને બરાબર નથી લાગતો.. વી.ટી.ના કારખાનેથી પચાસ હજારનું બુચ મારીને અમારા કારખાને આવ્યો છે.."
"વી.ટી..?"
"વીરજી ઠુંમર.."
"ઠીક.." કહી પી.આઈ.એ છેલ્લે જે કારીગર બોલેલો એને બોલાવ્યો. સામાન્ય સંજોગોમાં કારીગરો કોઈની ગાળ સહન કરતા હોતા નથી.પણ અહીં પોલીસ સ્ટેશનમાં ગોરધને ગાળો દીધી હોવા છતાં બધા ચૂપ હતા..
"તે હમણાં શું કીધું..? ફરીવાર બોલ જોઉં.."પટેલે પેલાને કહ્યું.
"કોણે મેં..ઈ તો હું ઈમ કેતો'તો ક..હું સા પીવ અટલે મને આખી રાત્ય ઊંઘ નો આવે અટલે મારે સા નો'તી પીવી..પણ ખૂટલનો ભીમલો.. નીસમારીનાએ મને માના હમ દઈન સા પીવડાવી...અન કોય દે નય ન કાલ જ મને જાણે ઘેન સડી જ્યુ હોય ઈમ ઘોંટી જ્યો.."
હરીશ પટેલને હવે ખ્યાલ આવી ગયો હતો કે ભીમલાએ ચાની અંદર કંઈક ભેળવ્યું હોવું જોઈએ...ભીમલો જ આ કેસમાં મહત્વની કડી સાબિત થવાનો હતો...
* * * * * * * * * * * *
હંસા જોડે માથાકૂટ કરીને નીચે ઉતરતા ચંપકની હડફેટે ચડી ગયેલો કાંતિ માર ખાઈને કાંદા કાપવાની નોકરી પણ ગુમાવી ચુક્યો હતો..કાંતિના દૂરના એક મામા સિવાય આ દુનિયામાં એનું કોઈ નહોતું.. મામાને પોતાનો આ ભાણિયો જરીક વ્હાલો હતો પણ એની ઘરવાળીને કાંદા કાપવા'ય રાખવો પોસાયો ન્હોતો..અથડાતો કુટાતો કાંતિ નાનપણથી જ ચાની લારીએ કપ-રકાબી ધોવા લાગી ગયો..એકવાર કોઈ ગ્રાહક સાથે ભટકાઈ જતા કપ-રકાબી તૂટી ગયા,બસ ત્યારથી એના નસીબ પણ ફૂટી ગયા..માલિકે એક કપ- રકબીની કિંમત વસૂલવા એના ગાલ પર બે તમાચા રસીદ કરીને બે ટાઇમનું જમવાનું ન આપ્યું.
કપ-રકાબી ધોવાનો એ ધંધો અને ખંધો શેઠ બેઉ એના નાનકડા શરીરનો ભાર વેઠી શકે એમ નહોતું.
ભૂખના દુઃખથી રાત્રે બાર વાગ્યે કંઈક ખાવાનું શોધવા નીકળેલો કાંતિ ખાઉધરા ગલીમાં ચાલતા ગણપત ગોટાની દુકાનના અધખુલ્લા શટરમાં ઘૂસ્યો..સાંજના વેપારના વધેલા ગોટાની ભરેલી ડિશ જોઈને એ તૂટી પડ્યો..દાદર ઉતરીને આવેલો ગણપત એ ભૂખ્યાં બાળકને ગોટા ખાતો જોઈ રહ્યો..એ વખતે ચંપક હજુ દુકાને બેસતો થયો નહોતો..
ગણપત દિલનો દયાળુ હતો..લુખ્ખા ગોટા ખાતા એ બાળકને ગણપતે ચટણી કાઢી આપી.. ધરાઈને શાંતીથી એને ખવડાવીને ઠંડી છાસ પણ પીવડાવી.
પૂછપરછ કરતા ગણપતે જાણ્યું કે એક દૂરનો મામો આ બાળકને ઠંડીમાં દૂર સળગતું તાપણું આપે એટલી હૂંફ પણ આપતો નથી..!
ગણપતે એ રાત્રે દુકાનમાં એક ગોદડું પાથરીને અને એક ઓઢાડીને કાંતિને આશરો આપ્યો.. બીજા દિવસથી કાંદા કાપવાની નોકરી પણ, ખાવું પીવું અને રહેવાની સગવડ ઉપરાંત મહિને ત્રણસો રૂપિયા પગાર સાથે રાખી લીધો. પછી તો સમય જતાં ગણપત આ ફાની દુનિયા અને નફાની દુકાન એમ બેઉ વસ્તુ છોડીને જતો રહ્યો. ગણપતના ગોટાની પ્રખ્યાત દુકાનમાં ચંપક થડાપતિ થયો..
તે દિવસથી આજ દિન સુધી લાખો કાંદાનો કાપનાર એ કાંતિ અજાણતા જ પોતાના મનમાં ચમેલીને વસાવી બેઠો. ગણપતકાકાએ આપેલું ગોદડું તો બહુ સાથ આપી શક્યું નહોતું..પણ ચંપકે આપેલો કોથળો એની કાયમની પથારી બનીને,ગોટાની દુકાનના એક ખૂણામાં ગોટો વળીને આખો દિવસ પડ્યો રહેતો.
રાત્રે આ કોથળાની શણની ઘસાઈ ગયેલી સપાટી ઉપર લીલાછમ રણ ઊગી નીકળતા..એ રણની સરી જતી રેતી જેવા કાંતિના સપનામાં ચમેલી ઊંટ ઉપર બેસીને સેર કરવા નીકળતી..એ ઊંટનું ચોકડું ઝાલીને કાંતિ અબજોપતિ આરબનો પહેરવેશ પહેરીને ગરમ રેતીના ઢુવા ચડાવતો અને ઉતારતો.. એમાં એકાદ ઢુવામાં ઊંટ ફસાઈ જતું અને ચમેલી લસરીને કાંતિની બાંહોમાં આવી પડતી.એ વખતે કાંતિ ચત્તોપાટ રેતીમાં અડધો ખૂંપી જતો અને ચમેલી કાંતિ ઉપર ઢળી પડતી.
કાંતિના હોઠ ચમેલીના હોઠ પર ભીંસાઈ જતા ત્યારે ચંપકે ઓઢવા આપેલી જૂની ચાદરના કાણામાંથી પ્રવેશેલા મચ્છર એના કાનમાં મીઠું સંગીત બજાવતા..અને કાંતિ ચમેલીને રેતીની સેજમાં સુવડાવી શકે એ પહેલાં બિચારો જાગી જતો..
પોતાની ગરીબીના ગાંડાતુર દરિયાની સપાટી પર હાલકડોલક થતી,હલેસા વગરની તૂટેલી હોડી જેવી જિંદગી જઈને કાંતિ બે-ત્રણ ડૂસકાં ભરીને પાછો સુઈ જતો..!
એવા એના કપરા અને કઠણ દિવસોમાં ક્યારેક ક્યારેક એ બપોર વચ્ચે શેઠ ઊંઘવા જતા રહે ત્યારે શેઠના ઘરનો દાદર ચડી જતા શીખી ગયેલો. છાનોમાનો પોતાની સ્વપ્ન સુંદરીને બારણાની તિરાડમાંથી નીરખીને રાજી થતો.જીવનમાં ભગવાને એને બસ એટલું જ સુખ આપેલું એ પણ ચંપકની નજરમાં આવી ગયું.. કાંતિને માર ખાવાની કોઈ નવાઈ ન્હોતી.ગણપતકાકો ઉપર ગયો ત્યાર પછી ચંપકની ગાળો અને માર ખાવો એ એની નોકરીમાં આવતું એક કામ જ હતું..પણ આજ એનું જે સુખ છીનવાઈ ગયું હતું એ એનાથી સહન થતું નહોતું..
કાંતિએ.. હા, કાંદા કાપનારા કાંતિએ મનોમન કંઈક કરવાનું કપરું મન બનાવી નાખ્યું હતું..
હીરાનો ધંધો બહુ સારો..દુકાને આવતા હીરાના કારીગરોમાંથી એક-બે એના ઓળખીતા હતા.. એ લોકો ગોટા ખાવા આવતા ત્યારે આ કાંતિ કાંદા સાથે એક-બે ગોટા ઉપાડી લાવીને એ લોકોની ડિશમાં નાખી દેતો..બસ આ એક પગથિયું એને આ કલણમાંથી બહાર નીકળવા માટે મળ્યું હતું..
એક-બે વાર એ કારખાનામાં ગોટાનું પાર્સલ આપવા પણ ગયો હતો.અને એ વખતે પેલા કારીગરોએ એને "હીરા શીખવા હોય તો બોલ..!" એમ કહેલું એ પણ આજ એને યાદ આવ્યું હતું..
ચીંથરેહાલ કાંતિ,માર ખાધેલો અને મેલોઘેલો વેશ લઈને એ કારખાને પહોંચ્યો.પેલા કારીગરને બહાર બોલાવીને એના પગ પકડીને કાંતિએ હીરા ઉદ્યોગના બારણે પગ મૂક્યો હતો..!
છ મહિના સુધી આખા કારખાનામાં કચરા-પોતાં કર્યા..કારીગરોના અને શેઠ માટે ચા,પાન-માવા.. દોડી દોડીને લઈ આવ્યો..કોઈક બીજાનો ખોવાઈ ગયેલો હીરો શોધવા પોતાનું કામ મૂકીને બ્રશ માર્યું...એને શીખવાડનાર કારીગરના કપડાં ધોયા.... રાત્રે કોઈક વિકૃત કારીગરની વાસનાનો ભોગ પણ આ કાંતિ બનતો રહ્યો.. પણ કારમાં તૂટી પડેલા દુઃખોના પહાડ સામે બસ હસતો જ રહ્યો..! લઈ લે જિંદગી.. તારે જેટલી પરીક્ષા લેવી હોય એટલી લઈ લે..! હજારો વાર મને નાપાસ કરજે..પણ હું નહીં હટું..!
આખરે જિંદગીની કઠણાઈ ખૂટી પડી. એની કમનસીબી, વહેતી નદીના પાણી કિનારાના પથ્થરને ઘસી નાખે એમ ઘસાઈને તૂટી પડી. કાંતિના અંધકારમય જીવનની ક્ષિતિજે સુખના સુરજની લાલી ફેલાઈને ફાલી..!
* * * * *
કાંતિના જીવનના છેલ્લા સમયને જોઈ લઈને આપણે હવે પાછું વળવું પડશે.. કારણ કે આપણી વાર્તા છ મહિના પહેલાના સમયમાં ઉભી છે..એક તરફ નાથો અને મગન એમની કારકિર્દી ઘડવા કમર કસી રહ્યા છે, રામાએ ભીમાના રામ રમાડી દીધા છે..ભીમાને શોધવા પોલીસ નીકળી પડી છે..
નરશી માધા પોતાના પુરઝડપે ચાલી રહેલા ધંધાને લાગેલી તિજોરી ચોરાઈ જવાની બ્રેક સહન કરી શકે તેમ નથી..અને "તાનીની" મેડમ પાછળ પાગલ થયેલો ચંપક, એમને મદદ કરવા ઘાંઘો થયો છે..એ જોઈને હંસાએ પણ હાથ ઉપાડ્યો છે..!!
આપણે કાંતિને એના જીવનના ચકડોળમાં બેસાડીને હવે ચંપકની દુકાને પાછા ફર્યા છીએ...!
ચંપક,એક વિશ્વાસુ ગોટાતળું(ગોટા તળનારો)ને ગલ્લા પર બેસાડીને ભારે હૈયે અને ભારે શરીરે દાદર ચડ્યો..! હંસા કેડ પર એના મગદળ જેવા હાથ મૂકીને એના ધડમાં ઉગેલા ઝાડના થડ જેવુ ગળું ફુલાવીને એની ઘુવડ જેવી આંખો ઘુમાવી રહી હતી.ચંપકને આ આઠમો કોઠો પાર કરવાનું કપરું યુદ્ધ કરવું જ પડે એમ હતું.એની માનસ પ્રેમિકા આજ મુશ્કેલીમાં હતી.. એની મદદ માટે ગુહાર લગાવી રહી હતી..!
હંસાને હડસેલો મારીને ચંપક આગળ વધ્યો. સ્કુટરની ચાવી લઈને એ હંસા સામે જોયા વગર દાદર ઉતરી ગયો..યુદ્ધમાં જવાનું હોવાથી સારા કપડાં પહેરીને તૈયાર થવું જરૂરી નહીં લાગ્યું હોય કે પછી તૈયાર થવામાં હંસાનો હુમલો થવાનો ડર હોય...! ગમે તે હોય, ચંપક ઝડપથી સ્કુટરની કીક મારીને સ્કૂટર પર સવાર થયો.કાંતિ ઉપર ગરમ થઈને તપી ગયેલો ચંપક તારિણી દેસાઈના એપાર્ટમેન્ટના ગેટમાં પહોંચ્યો ત્યારે ત્યાં હમણાં જ મુકવામાં આવેલા વોચમેને લાકડી આડી કરીને એને રોક્યો.
"ઓ..ભાઈ..કિધર..? કિસકો મિલના હય..?''
ચંપકે સુકલકડી વોચમેનને ગણકાર્યો નહીં..ખેતરમાં ઉભા કરેલા ચાડીયા જેવો એ વોચમેન શરીરે સાવ નખાઈ ગયેલો હોવા છતાં હિંમત હારે એવો ન્હોતો.
સ્કૂટર પર સવાર થયેલો મહાકાય કંદોઈ પોતાના સવાલનો જવાબ આપ્યા વગર એપાર્ટમેન્ટમાં ઘુસે તો તો સોસાયટીનો પ્રમુખ એને પૂછે..!
"અબે ઓ..મોટે..સુનતા નહીં કયા..? " ગુરખાએ ગર્જના કરીને એની લાકડી સ્કુટરના સ્પેરવ્હીલ પર જોરથી ઠબકારી !
ચંપકને પોતાનું સ્કૂટર પ્રાણ પ્યારું હતું..! ચમ્મુ દીકરીને કોલેજ જવા આવવા લઈ આપેલા એ સ્કૂટર પર સુકાઈ ગયેલા ઝાડના ઠૂંઠા જેવો એક ગુરખો સોટી મારે તો ચંપકની ચોટી ખેંચાયા વગર રહે ખરી ? અધૂરામાં પૂરું આજ હંસાએ એના મગજની પથારી ફેરવી નાખી હતી. કાંતિએ એમાં સળગતો કોલસો નાખ્યો હતો..
ચંપકે એ જ મિનિટે જોરથી બ્રેક મારીને સ્કૂટર ઉભું રાખ્યું..મોટી ગાંસડી ગાડામાંથી હેઠી પડે એમ એણે, સ્કૂટર પરથી નીચે ઉતરીને સ્ટેન્ડ ચડાવ્યું..!
"બેન@#..તારી મા@#$
ટું માડા સ્કુટડ પડ લાકડી કેમ માડે.." ચંપકે પેલાને એક તમાચો ઠોકી દીધો..
ચંપકના બળુકા હાથનો લાફો પડતા જ પેલો ત્રણ ગળોટીયા ખાઈને ગેટની બહાર ભરેલા પાણીના ખાબોચિયામાં જઈ પડ્યો. ભારતના નક્શાએ નેપાળના નક્શાને જાણે લાફો માર્યો હોય એવું લાગ્યું..!
પણ ચંપકના કમનસીબે એ ગુરખો એમ ગાંજ્યો જાય એમ ન્હોતો..વાંદરાની જેમ એ ખાબોચિયામાંથી
ઉઠીને કુદયો.. અને ચંપકના ખભે ચડી બેઠો. ચંપકના વાળ પકડીને એના ગાલ પર બે ચાર મુક્કાવાળી કરી.. ચંપકના વિશાળ ખભા પર બેસવાનું એને ભારે અનુકૂળ આવતું હતું..ખાબોચિયામાંથી એની પૂંઠ સાથે આવેલો કાદવ અને ગંદુ પાણી ચંપકના શરીર પર અવનવી ડિઝાઇન રચી રહ્યાં હતાં..
ચંપકે પેલાને નીચે ઉતારવા બંને હાથ ઊંચા કરીને બોચીમાંથી પકડ્યો.એમ કરવા જતાં ગુરખાનું માથું નીચે નમીને ચંપકના કોણી અને ખભા વચ્ચેના હાથના કુણા અને માંસલ પ્રદેશ પર દબાયું.. ગુરખો બાહુબળે તો ચંપકને પહોંચી શકે તેમ ન્હોતો પણ એના મુખમાં બત્રીસે બત્રીસ દાંત સાબૂત હતા..
ગરીબીને કારણે ગુરખાના આગળના આઠ કાપવાના દાંતને ઘણા સમયથી રજા ઉપર ઉતારી દેવામાં આવેલા..પણ આજે સવારે તીખા મરચાં સાથે એણે કોઈએ, કાલ સાંજના વધેલા ભજીયા આપેલા, એ ખાધેલા.... એટલે એ દાંતની ધારમાં મરચાંની તીખાશ પણ હથિયાર બનીને હાજર હતી.યુદ્ધ જાહેર થવાથી સૈનિકો તરત પોતાની ફરજ પર હાજર થઈ જાય એમ એ ઉપરના ચાર અને નીચેના ચાર એમ કુલ આઠ દાંત હુકમની રાહ જોયા વગર ચંપકના પોચા બાવડાની ચામડીમાં તીક્ષણ (અહીં 'ક્ષ' ને અડધો સમજવો) તીખી ધાર લઈને ઘુસ્યા..!
ચંપકના મગજમાં ક્રોધનું વાવાઝોડું ફૂંકાયું હતું. ગુરખાને ખેંચીને નીચે તો નાખ્યો પણ એનું મોઢું જમણા હાથના બાવડે ચોંટી ગયું હોઈ એ ટીંગાઈ રહ્યો.. એણે ભરેલા બચકાંની કાળી બળતરાના વાવડ એના મગજને તાત્કાલિક હરકતમાં આવેલા ચેતાતંત્ર દ્વારા તરત જ પહોંચાડવામાં આવ્યા અને ચંપકે,એના ગળાને જોરદાર બરાડો સાથે બેફામ ગાળો, તોપના ગોળાની જેમ દાગવાનો હુકમ આપ્યો..
ગુરખાએ ગાળો સાંભળીને દાંત પર દબાણ વધાર્યું. એક હાથ ચંપકની જાડી ડોક ફરતે વીંટાળીને બીજા હાથની મુઠ્ઠીવાળીને ચંપકના પોચા પેટ પર પ્રહાર કરવા લાગ્યો.ચંપકના જાડા સાથળ પર એણે એના પગના ગોબરા તળીયા ટેકવવવાનો વારંવાર પ્રયાસ કર્યો એટલે એ જગ્યાએ ચંપકનું પેન્ટ લસરપટ્ટી બની ગયું...!
ચંપકની રાડારાડ અને ગાળી ગલોચથી એપાર્ટમેન્ટના અને અજુબાજુમાંથી ધસી આવેલા રહીશોએ આ યુદ્ધ તાત્કાલિક બંધ ન કરાવ્યું હોત તો એ ગુરખો ચંપકના બાવડામાંથી માંસનો લોચો જ કાઢી નાંખત..
તારીણી દેસાઈએ પોતાના સબંધી તરીકે ચંપકની ઓળખાણ ન આપી હોત તો અજાણ્યા જાડીયા સ્કૂટરચાલકને સોસાયટીવાળાઓએ ગેરકાયદેસર પ્રવેશ અને "ગુરખા સાથે કોઈએ મગજમારી કરવી નહીં " એ નિયમનો ભંગ કરવા બદલ ભાંગી નાખ્યો હોત..!
કાદવથી ખરડાયેલા ચંપકને ઠપકો આપી જવા દેવામાં આવ્યો.... પછી તારીણી દેસાઈએ "હું બહાર જાઉં છું, પછી આવજો.." કહીને ચંપકની ઘરમાં ઘુસી આવવાની આશાઓ પર ખાંબોચિયાનું પાણી ફેરવી દીધું..અને જતા જતા સોસાયટીના પ્રમુખને કહેતી ગઈ.."સાલો ઘનચક્કર છે...!"
ચંપકને "ઘનચક્કર" શબ્દ સાંભળીને ચક્કર આવી ગયાં. બગડેલો બુશકોટ , બટકું ભરેલું બાવડું અને લસરપટ્ટી થઈ ગયેલું પેન્ટ લઈ બિચારો ચંપક હવે ક્યાં જવું એ વિચારતો વિચારતો સ્કુટરની કીક મારવા લાગ્યો..!!
(ક્રમશ:)