ઘર માટે ઘરેલૂ ઉપાય - ૮

ઘર માટે ઘરેલૂ ઉપાય

ભાગ-૮

મીતલ ઠક્કર

* જો તમારી સિલ્કની કે હેન્ડલૂમની સાડી કોઇ જગ્યાએથી ફાટી ગઇ છે અને તેનો ઉપયોગ થઇ શકે એમ નથી તો તેમાંથી કુશન કવર બનાવી શકો છો. તમે સાડીમાંથી પડદા બનાવડાવી એનાથી ટ્રેડિશનલ લુક પણ મેળવી શકો છો. સિલ્કની બિનઉપયોગી સાડીમાંથી પેચવર્કવાળી રજાઇ પણ બનાવી શકો છો.

* લીલી ચા ઘરમાં રાખીને તમે મચ્છરથી છૂટકારો મેળવી શકો છો. લીલી ચાની સુગંધ મચ્છરને પસંદ હોતી નથી. એટલે મચ્છર ભગાવવાની દવામાં તેનો ઉપયોગ થાય છે. લસણનો છોડ ઘરમાં રાખવાથી પણ મચ્છર આવતા ટકી જશે.

* દરેક તકિયાની ઉંમર દોઢથી બે વર્ષની હોય છે. તકિયાને બરાબર વચ્ચેથી વાળો અને ૩૦ સેકન્ડ માટે દબાવીને છોડી દો. જો એ પાછો પોતાના મૂળ આકારમાં ના આવે તો સમજવાનું કે તે કામનો નથી. તે તમારા ગળાને સહારો આપી શકે એમ નથી. તકિયામાં ગાંઠ જેવું લાગે અને રૂ એકતરફ જતું રહે તો સમજવું કે તેને બદલવાનો સમય આવી ગયો છે.

* જો તમારા ટુવાલમાંથી અજીબ પ્રકારની ગંધ આવી રહી છે તો ગરમ પાણીમાં એક કપ વિનેગર નાખી ટુવાલને તેમાં ડૂબાડી રાખો પછી સ્વચ્છ પાણીથી ધોઇ લો.

* નળ પર અને વાસણ સાફ કરવાના સિંક પર ડાઘ હોય તો તેના પર લીંબુ ઘસીને અડધો કલાક રહેવા દો. પછી હુંફાળા પાણીથી ધોવાથી તેની ચમક પાછી આવી જશે.

* ફ્રિઝ ઘણા સમય સુધી બંધ રહેવાથી તેમાં વાસ આવે છે. તેને દૂર કરવા ઉપયોગ થયેલી ટી બેગ્સ મૂકવાથી વાસ દૂર થાય છે.

* બળી ગયેલા વાસણ સાફ કરવા માટે એક ચમચી બેકિંગ સોડા, બે ચમચી લીંબુનો રસ અને ગરમ પાણી નાખો. સ્ટીલના સ્ક્રબરથી ઘસવાથી વાસણ હતા એવા થઇ જાય છે. ટામેટાનો રસ પણ બળી ગયેલા વાસણોને સાફ કરવા માટે અસરકારક છે. ગરમ પાણી સાથે ટામેટાનો રસ ભેળવીને ઘસીને વાસણ સાફ કરવાથી ચોખ્ખા થઇ જશે.

* કોફીને ફ્રિઝમાં મૂકવાથી તેની સુગંધ જતી રહે છે અને બેસ્વાદ લાગે છે.

* આદુ જો ભીના અને મોશ્ચરાઇઝરવાળા ખરીદશો તો લાંબા સમય સુધી સારા રહેશે નહીં. આદુને છોલ્યા વગર ઝીપલોકવાળી બેગમાં હવા કાઢીને મૂકી રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે. આદુને લાંબા સમય સુધી તાજા રાખવા હોય તો છાલ કાઢ્યા વગર અને કાપ્યા વગર રાખવા જરૂરી છે.

* મશરૂમને પાણીથી ધોવાથી તે પાણીને શોષી લે છે. તેને ભીના કપડાથી લૂછીને ઉપયોગમાં લેવા જોઇએ.

* લસણની છાલ સરળતાથી ઉતારવા ગરમ તવા પર બે મિનિટ શેકી લો. પછી ઉતારીને તરત છાલ ઉતારશો તો સરળતાથી ઉતરી જશે.

* કાંદાની છાલ ઉતારી લઇ દસ મિનિટ માટે પાણીમાં રાખવાથી તેને કાપતી વખતે આંખમાંથી પાણી નીકળશે નહીં.

* બટાકાને બાફતી વખતે એમાં એક ચમચી સિરકો નાખવાથી જલદી બફાઇ જશે અને તૂટશે પણ નહીં.

* ખાવાની વસ્તુ ભરી હોય એ પ્લાસ્ટિકના ડબ્બાની બહાર સરસવનું તેલ લગાવી દેવાથી કીડીઓ આવશે નહીં.

* સૂકા મેવાને સરળતાથી કાપવો હોય તો તેને એક કલાક માટે ફ્રિઝમાં મૂકી દેવો.

* ઘઉંના લોટમાં જીવાત થતી અટકાવવા તેમાં હળદરનો એક ટુકડો અથવા મીઠો લીમડો નાખી દો. મીઠો લીમડો નાખવો હોય તો એને શેકીને પછી નાખવો.

* કાંદાને જો જલદી ફ્રાય કરવો હોય તો એક ચમચી ખાંડ નાખી દેવાની. મીઠું ઉમેરીને પણ ઝડપથી ફ્રાય કરી શકાય છે.

* ગરમ પાણીથી કપડાં ધોવાથી તેનો રંગ ઝાંખો થઇ જાય છે. એટલે સામાન્ય સંજોગોમાં કપડાંને હંમેશા ઠંડા પાણીથી ધોવા.

* એલચીને ઝડપથી ખાંડવી હોય અને એ ઝીણી ખાંડવી હોય તો એમાં થોડી ખાંડ નાખીને ખાંડવાથી સરસ રીતે ખાંડી શકાશે.

* રવામાં જીવાત પડી જતી હોય તો તેને થોડો શેકીને હવાચુસ્ત ડબ્બામાં ભરી રાખવાનો.

* નારિયેળને બે સરખા ભાગમાં તોડવું હોય તો આગલી રાત્રે પાણીમાં રાખી મૂકવાનું. સવારે હળવા હાથે તોડવાથી સરળતાથી તોડી શકાશે.

* પનીરને નરમ બનાવવા તેનો ઉપયોગ કરતાં પહેલાં થોડીવાર માટે ગરમ પાણીમાં નાખવાનું.

* ક્રોકરીને ચમકાવવી હોય તો તેને સાફ કરતી વખતે સાબુ સાથે મીઠું ભેળવવું.

* આદુ-લસણની પેસ્ટને લાંબો સમય સારી અને તાજી રાખવા તેમાં થોડું ગરમ તેલ નાખ્યા પછી ફ્રિઝમાં મૂકવાની.

* રસોડાનું પ્લેટફોર્મ સારી રીતે સાફ કરવું હોય તો પ્લેટફોર્મ પર સફાઇ કરતાં પહેલાં વિનેગરના બે ટીપાં નાખી દેવાના.

* ખાંડની ચાસણી બનાવતી વખતે ઘીના થોડા ટીપાં નાખવાથી સરસ બનશે.

* અડધું લીંબુ વધ્યું હોય તો તેને લાંબા સમય સુધી તાજું રાખવા માટે તેના પર નમક લગાવીને રાખી મૂકો.

* ગેસના સિલિન્ડરની ટ્રે ના હોય તો એ જગ્યાએ મીણ ઓગાળીને રાખી દેવાનું. પછી એના પર સિલિન્ડર ગોઠવીને રાખવાથી કાટના ડાઘા પડશે નહીં.

* મિક્સરમાં વારંવાર મસાલા દળ્યા હોય અને તેની વાસ આવતી હોય તો લોટ નાખીને મિક્સર ચલાવવાથી વાસ જતી રહેશે.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Sarika

Sarika 2 માસ પહેલા

Hetal Nitin Pandav

Hetal Nitin Pandav 3 માસ પહેલા

Urmi chauhan

Urmi chauhan 3 માસ પહેલા

Rathod

Rathod 3 માસ પહેલા

Aradhyaba

Aradhyaba 3 માસ પહેલા