Ghar mate gharelu upaay books and stories free download online pdf in Gujarati

ઘર માટે ઘરેલૂ ઉપાય

ઘર માટે ઘરેલૂ ઉપાય

ભાગ-૧

મિતલ ઠક્કર

આ સપ્તાહથી એક નવી શ્રેણી "ઘર માટે ઘરેલૂ ઉપાય" શરૂ કરી રહી છું. ઘરને સુંદર, આકર્ષક, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા ઉપરાંત ઘર અને ખાસ કરીને રસોડામાં સરળતાથી કામ કરી શકાય એ માટેની ટિપ્સ-ઘરેલૂ ઉપાય આ શ્રેણીમાં હું રજૂ કરતી રહીશ. જેની જાણકારી અજમાવતા રહેશો. આ ટિપ્સ આપને અવારનવાર કામ આવતી રહેશે. મને આશા છે કે મારી "રસોઇમાં જાણવા જેવું" શ્રેણીની જેમ જ આ શ્રેણી આપને ઉપયોગી સાબિત થશે. અને પસંદ પણ આવશે. આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો અને રેટિંગ અચૂક આપશો.

મહિલાઓ ઘરમાં જો કોઇથી સૌથી વધુ ડરતી હોય તો એ વંદા અને ગરોળી છે. આ બે એવા જીવજંતુ છે જેને જોઇને જ મહિલાના મોંમાંથી ચીસ નીકળી જાય છે. બંનેનો દેખાવ અને શરીર એટલા ચીડ ચડે એવા છે કે આ સ્વાભાવિક છે. આમ તો એનાથી ડરવા જેવું નથી. પણ પહેલાંથી આ જંતુ પ્રત્યેની સૂગ અને ડર બધાનાં મનમાં ઘર કરી ગયો છે. આ જંતુ સ્વચ્છતા અને આરોગ્ય માટે હાનિકારક હોવાથી તે ના આવે એવા ઉપાય કરતા રહેવા જોઇએ. ઘણી વખત નિયમિત સફાઇ છતાં વંદા અને ગરોળી ક્યાંકથી આવી જ જાય છે. આમ તો બંને માટે બજારમાં ઘણા પ્રકારના પ્રોડક્ટસ ઉપલબ્ધ છે. એ થોડા મોંઘા હોય છે. પણ જો ઘરેલૂ ઉપાયથી ટળી જાય તો વધારે સારું છે.

લસણની ગંધથી ગરોળી ભાગે છે. ગરોળીને દૂર ભગાવવા ઘરમાં લસણની કળીઓ લટકાવી રાખવાની અથવા લસણના તેલનો છંટકાવ કરવાનો. લસણની જેમ કાંદાની ગંધ પણ ગરોળીને દૂર ભગાવે છે. બીજો એક ઉપાય ઇંડાના છોતરાનો છે ઇંડાના છોતરાની ગંધથી ગરોળી દૂર ભાગે છે. ઘરની બારી અને અન્ય પ્રવેશ સ્થાનો પર ઇંડાના છોતરા નાખવાથી ગરોળી આવતી નથી. બજારમાં મળતી ડામરની ગોળી રસોડામાં કે કબાટમાં મૂકી રાખવાથી ગરોળી આવતી નથી. તજના પાનથી વંદાઓ ભાગે છે. ઘરના ખૂણાઓમાં તજના પાન મસળીને મૂકી શકો છો. તેમાંથી નીકળતા તેલની ગંધથી વંદા ભાગે છે. વંદાઓને ભગાવવા તમે કેરોસીનનો ઉપયોગ કરી શકો છો પણ તેની વાસ આવી શકે. લવિંગ મૂકવાથી તેની ગંધથી વંદા ભાગે છે. કાકડીના પૈતા મૂકવાથી વંદા ભાગી જાય છે. બોરેક્ષ પાઉડર અને ખાંડ ભેળવીને મૂકવાથી ખાંડથી વંદા આકર્ષાઇને આવે છે અને બોરેક્ષ પાઉડર ખાવાથી મરી જાય છે. સૌથી મહત્વની વાત ઘરની સાફ સફાઇ જ છે.

ઘરમાંથી મચ્છરને ભગાવવા કોઇપણ પ્રકારની અગરબત્તી કે અન્ય દવાના છંટકાવના ઉપયોગ કરતાં લેમન ઘાસ યોગ્ય રહેશે. જે આરોગ્યને નુકસાન પહોંચાડતું નથી. તે બારેમાસ મળી રહે છે. તેનો ઉપયોગ લેમન ચામાં થાય છે. મચ્છર ભગાવતી દવાઓમાં પણ એટલો જ થાય છે. ઘરની બાલ્કની, આંગણા કે બગીચામાં લેમન ગ્રાસ રાખવાથી મચ્છર આવતા નથી. ગલગોટાના ફૂલ પણ મચ્છરને આવતા રોકે છે. તેનો છોડ બાલ્કનીમાં શોભે છે અને તેની સુગંધ મચ્છર કે ઉડતા જંતુઓને રોકે છે. લવન્ડરનો છોડ પણ એ જ કામ કરે છે. તેનું તેલ તો મોસ્કીટો મેટમાં વપરાય છે. તુલાસીનો છોડ પણ મચ્છરોને આવતા રોકવામાં મદદરૂપ થાય છે.

ઘર જેટલું સ્વચ્છ હશે એટલું મચ્છર, કીડી-મંકોડા અને વંદા-ગરોળી જેવા જંતુથી બચી શકાશે. કીડીને ભગાવવા માટે સરકો નાખી શકાય છે. ઘરમાં કીડીઓ આવે છે તો એ સ્થાન પર પાણી સાથે સમભાગમાં સરકો ભેળવીને નાખવાથી કીડીઓ ભાગી જાય છે. પાણી અને સફેદ સરકાથી ટાઇલ્સ, ફ્રીજ, રસોડાના કબાટ વગેરે સાફ કરવાથી જીવજંતુ આવતા નથી. ઘરની સફાઇમાં નમક એટલે કે મીઠું પણ ઘણું ઉપયોગી સાબિત થાય છે. વોશબેસિન કે સિંકમાં ઘણી વખત વાસ આવે છે. પાણીમાં નમક ભેળવી ગરમ કરી સિંકમાં નાખવાથી થોડી જ વારમાં વાસ જતી રહેશે. ઘરમાં ટાઇલ્સ પર ચા-કોફી કે અન્ય કોઇ જિદ્દી ડાઘ હોય તો ગરમ પાણીમાં સરકો મેળવીને સફાઇ કરો. પછી સાબુ કે ડિટરજંટવાળા ગરમ પાણીથી સાફ કરી લેવાથી ડાઘ જતા રહેશે. બ્લીચીંગ પાઉડરને આખી રાત ટાઇલ્સ પર લગાવીને રાખી સવારે સાફ કરવાથી તેની ચમક વધી જશે. જો રસોડાની ક્રોકરીમાં કોઇ ડાઘ લાગી ગયો હોય તો એના પર ગરમ પાણી નાખી અડધો કલાક રહેવા દઇ સાફ કરવાથી ડાઘ નીકળી જશે. જો ક્રોકરીમાંથી ઇંડાની વાસ આવી રહી છે તો એમાં વોશિંગ પાઉડર અને ચાપત્તી નાખી સાફ કરવાથી અથવા વિનેગરમાં પલાળેલા કપડાથી સાફ કરવાથી વાસ જતી રહેશે. ચા, કોફી કે દાળમાં વપરાતી ક્રોકરીઝનો ઉપયોગ થયા પછી તરત જ ધોઇ નાખવાથી ડાઘ લાગશે નહીં.

કપડાં પરના ડાઘ હટાવવા શેમ્પૂ ઉપયોગી સાબિત થઇ શકે છે. સસ્તો અને સામાન્ય શેમ્પૂ વાપરીને પણ તમે કપડાં પરના માટી-મેકઅપ કે ભોજનની વસ્તુના ડાઘ દૂર કરી શકો છો. નોન જેલ ટૂથપેસ્ટ કપડાં પરના ડાઘ હટાવી શકે છે. એ જ રીતે શેવિંગ ક્રિમ કપડાં પરના ડાઘ હટાવવા ઉપયોગી છે. કેમકે તે એક પ્રકારનો ફીણવાળો સાબુ જ છે. સ્યાહી, હળદર, તેલ વગેરેના કપડાં પરના ડાઘ હટાવવા તેના પર લીંબુ ઘસી શકો છો. જે કપડાંનો રંગ નીકળતો હોય તેને સરકામાં ભીના કરી રાખવાથી રંગ પાકો થઇ જાય છે.

ચોમાસામાં ફર્નિચરમાં કીડી- મંકોડા અને ઉધઇ જેવી જીવાતની સમસ્યા વધુ હોય છે. લવિંગ, કપૂરની ગોળીઓ કે લીમડાના પાન રાખી આ જંતુઓથી બચી શકો છો. ચોમાસામાં જો તમે વધુ દિવસ બહાર જવાના હોય તો ફર્નિચર પર પ્લાસ્ટિક ઢાંકી દેવાથી ભેજ લાગશે નહીં. લાકડાની વસ્તુઓ પર સરસીયાના તેલમાં સાદું તેલ ભેળવી સાફ કરવાથી ચમક વધી જશે.

ફ્રિજમાંથી જો વાસ આવતી હોય તો સમજી લેજો કે તેમાં મૂકેલી વસ્તુઓ સલામત નથી. ફ્રિજમાં કોઇ વસ્તુ બગડી જાય તો વાસ આવતી હોય છે. તેને તાત્કાલિક દૂર કરવી જોઇએ. ફ્રિજની વાસ દૂર કરવા કેટલાક ઘરેલૂ ઉપાય છે. વાસ ના આવે એ માટે એક વાડકીમાં બેકિંગ સોડા ભરીને મૂકી દો. વાસ અટકાવવા લીંબુનો રસ અથવા અડધું કાપેલું લીંબુ ફ્રિજમાં મૂકી શકો છો. કોફીના બીન્સ પણ વાડકીમાં મૂકી શકો છો. સંતરા અને ફુદિનાનો રસ પણ ફ્રિજને સુગંધિત રાખી શકે છે. પાણીથી ફ્રિજ સાફ કરતી વખતે સંતરા કે ફુદિનાનો રસ નાખી દેશો તો વાસ રહેશે નહીં. ફ્રિજમાં અખબારના ટૂકડા મૂકી રાખવાથી તે વાસ શોષી લે છે. અખબારના પેપરમાં વસ્તુ લપેટીને મૂકી શકો છો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED