Ghar mate gharelu upaay - 7 books and stories free download online pdf in Gujarati

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૭

ઘર માટે ઘરેલૂ ઉપાય

ભાગ-૭

સં.મીતલ ઠક્કર

* સાડીઓને એક જ જગ્યાએ એક જ સ્થિતિમાં રાખવાથી જીવાત આવી જાય છે. તેની કાળજી માટે બે-ત્રણ મહિને એક વખત તેને તડકામાં મૂકવાનું રાખો. વધારે સમય તડકામાં રાખવાથી પણ નુકસાન થાય છે. એટલે એક-બે કલાક રાખીને કબાટમાં ફરી મૂકતી વખતે ઉલટાવીને મૂકો.

* શિફોન અને જોર્જેટની સાડીઓને મશીનમાં ના ધોવી જોઇએ. અને હાથથી ધોયા પછી નિચોવવાનું ટાળશો.

* જૂતામાં ગંધ આવતી હોય તો શૂ ને રેકને બદલે બહાર મૂકવા. શક્ય હોય ત્યારે તેને તડકામાં મૂકવા. જૂતામાં બેકિંગ પાઉડર નાખવાથી તે બેક્ટેરિયાને સેનીટાઇઝ કરીને ગંધને નાબૂદ કરવામાં મદદ કરે છે. જૂતામાં રાત્રે સંતરાના છોડા નાખીને સવારે કાઢી લેવાથી પણ વાસ જતી રહેશે.

* ફ્રિઝ, માઇક્રોવેવ વગેરે સ્ટીલની વસ્તુઓ સાફ કરવા માટે શેવિંગ ક્રિમનો ઉપયોગ કરો. તેનાથી ડાઘા સાફ થઇ જાય છે.

* કાચને સાફ કરવા એક સ્પ્રે બોટલમાં સરકો લઇને છાંટી સ્વચ્છ કપડાથી સાફ કરવાથી ચમકી ઉઠશે. પાણીમાં નમક ભેળવીને કાચ સાફ કરવાથી પણ ચમકશે.

* ટામેટાના સોસની અંતિમ તારીખ વીતી ગઇ હોય તો એને ફેંકી દેવાને બદલે પીતળના વાસણો પર થોડો લગાવી ઘસીને સાફ કરવાથી વાસણ ચમકી ઊઠશે.

* ઘરમાં કપડાની કે બેગની ચેઇન ખરાબ થઇ ગઇ હોય તો વેસેલીન લગાવવાથી સારી રીતે કામ કરવા લાગે છે.

* હાથની આંગળીમાં વીંટી ફસાઇ હોય અને નીકળતી ન હોય તો વેસેલીન લગાવી ફેરવવાથી જલદી નીકળી જશે.

* કપડા પર લાગેલા લિપ્સ્ટિકના ડાઘ દૂર કરવા સોડા અને લીંબુ મોક્સ કરી ટૂથબ્રશથી સાફ કરવાથી ડાઘ નીકળી જાય છે.

* નખની જેમ કપડા પર પડેલા નેઇલ પોલીશના ડાઘ પણ નેઇલ પોલીશ રીમૂવરથી નીકળી જાય છે.

* ડાઇનિંગ ટેબલને ચમકતું અને સ્વચ્છ રાખવા માટે મીઠાના પાણીમાં કપડું ભીનું કરી સાફ કરો.

* કાતર, સોય જેવી લોખંડની વસ્તુઓ પર થોડો ટેલ્કમ પાઉડર છાંટીને રાખવાથી તેને કાટ લાગતો નથી.

* નમકમાં ભીનાશ આવી જતી હોય તો એમાં ચોખાના કાચા દાણા થોડા નાખી રાખવાથી સમસ્યાનો ઉકેલ આવી જશે.

* ફ્રિઝમાં શાકભાજી, દાળ વગેરે ભોજનની વાસ આવતી હોય તો રાત્રે એક વાડકીમાં કોફીનો પાઉડર નાખીને રાખવાથી સવારે ગંધ નીકળી જશે.

* પ્રેશર કૂકરનો ઉપયોગ પાણી વગર ક્યારેય કરવો નહીં. તેમાં ૨/૩ ભાગથી વધુ પાણી નાખવાનું પણ ટાળવાનું. કેમકે વધારે પાણી નાખવાથી તેમાં વરાળ માટે જગ્યા રહેશે નહીં.

* બાથરૂમમાં થોડા સમય પછી વાસ આવે છે. બાથરૂમમાં સારી મહેક રહે એ માટે ફ્રેગરન્સનો ઉપયોગ કરી શકો છો.

* લીંબુમાં કોઇ અણીદાર વસ્તુથી કાણું પાડીને રસ કાઢવો. આવું લીબું બે દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. આમ કરવાથી લીંબુ કડક થતું નથી. લીંબુને વધારે દિવસ સુધી તાજા રાખવા હોય તો તેના પર તલનું તેલ લગાવી રાખવું. આમ કરવાથી તેના પર કોઇ પણ પ્રકારના ડાઘ આવશે નહીં અને સંકોચાશે નહીં.

* બાળકોના રૂમ માટે કાર્પેટ લેતી વખતે ડાર્ક રંગ પસંદ કરશો. જેથી ગંદી કરે તો પણ દેખાય નહીં. મોટા રૂમ માટે ડાર્ક અને બ્રાઇટ રંગ વધુ યોગ્ય રહેશે. બેડરૂમ માટે લાઇટ કલર વધુ સારો લાગશે.

* મહેંદીના પાનને કપડાં કે પુસ્તકોની આસપાસ રાખવાથી જીવાત આવતી નથી.

* ઘરમાં માખી-મચ્છર આવતા હોય તો કપૂર સળગાવો. તેના ધૂમાડા અને સુગંધથી તે ભાગી જશે. અવારનવાર કપૂરનો ધૂમાડો કરતા રહો. કપૂરને પાણીમાં ભેળવી કીડીઓ આવતી હોય એ જગ્યાએ સ્પ્રે કરવાથી ભાગી જશે. મચ્છરને દૂર કરવા એક બાલદીમાં પાણી લઇ તેમાં બે બુંદ નિલગીરીનું તેલ અને બે ચમચી લસણનો રસ નાખી દો. પાંચ-છ કલાક સુધી મચ્છરો આવશે નહીં.

* લવિંગ અને તજના પાનની ગંધથી વંદા ભાગે છે. ઘરના ખૂણામાં અથવા જ્યાં વંદા આવતા હોય ત્યાં તજના પાન મસળીને રાખવાના અથવા લવિંગ મૂકવાના. જેની તીખી સુગંધથી વંદા આવતા નથી.

* કાપેલા રીંગણ કાળા ના પડે એ માટે એક વાડકામાં કાચું કે પાકું દૂધ લઇને તેમાં રાખી મૂકો.

* ઘરમાં ઉંદરને આવતા રોકવાનો એક અનોખો આયુર્વેદીક ઉપાય છે. દરવાજા પર ફુદીનાના ફુલ કે ફુદીનાને મસળીને રાખવાથી ઉંદર આવતા નથી.

* મોબાઇલના ચાર્જીંગ પોર્ટમાં ગંદકી હોય તો બરાબર ચાર્જ થતો નથી. તેને અને હેડફોનના જેકને સાફ કરવા ટૂથપીક તથા ટૂથબ્રશનો ઉપયોગ કરવો.

* એક ખુલ્લા ડબ્બામાં બેકિંગ સોડા રાખી તેને બાથરૂમમાં મૂકો. બાથરૂમમાંથી આવતી વાસ બંધ થઇ જશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED