ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા
ભાગ-૭
- મીતલ ઠક્કર
એમ કહેવાય છે કે કોઇપણ રોગને નિવારવો હોય તો પહેલાં તેનું કારણ શોધવાનું અને એ પછી નિવારણ વિશે વિચારવાનું. એ જ વાત વધુ વજન માટે લાગુ પડે છે. વજન વધવાના કારણો શોધીને કોઇપણ પ્રયત્ન વગર પણ અમુક વજન ઘટાડી શકાય છે. તણાવ, વારસાગત કારણ, ગર્ભાવસ્થાનો ગાળો, હાઇપોથાઇરોડિઝમ, વધારે પડતી કસરત, દવાઓની આડઅસર, પૂરતી ઊંઘ ના લેવી, શારિરીક શ્રમ ન કરવો, વધારે પડતું ખાવું જેવા ઘણા કારણો વજન વધારવા માટે જવાબદાર ગણાય છે. બાળક, સ્ત્રી અને પુરુષના વજન વધવાના કારણો અલગ હોય શકે છે. પણ ખોરાકમાં કેલેરી વધારે હોય એવા તળેલા અને ફાસ્ટ ફૂડ જેવા પદાર્થો ઓછા લેવાથી વજન વધતું નથી.
વજન ઘટાડવા માટે સરળ વ્યાયામ કયો એમ પૂછવામાં આવે તો રનિંગ અને જોગિંગ કહી શકાય એમ છે. જોગિંગ એટલે કે દોડવાની કસરત આરોગ્ય માટે પણ સારી છે. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે જોગિંગથી ઉંમર વધે છે. જો તમે કુદરતી રીતે શરીરની વધારાની ચરબી ઓછી કરવા માગો છો તો જોગિંગની મદદ લઇ શકો છો. તેનાથી બીજા અનેક લાભ પણ છે. જોગિંગથી પાચનતંત્ર અંગેની સમસ્યાઓ દૂર થાય છે અને પાચનતંત્ર બરાબર સક્રિય રહે છે. નિયમિત રીતે સવારે જોગિંગ કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને આખો દિવસ તાજગીનો અનુભવ થાય છે. જોગિંગથી માંસપેશિયો ઉપરાંત હાડકાં પણ મજબૂત થાય છે. તેનાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થતું હોવાથી હ્રદય મજબૂત બને છે. મતલબ કે વજન ઘટાડવા સાથે જોગિંગથી શરીરને બીજા અનેક પ્રકારના લાભ થતા હોવાથી આ સરળ વ્યાયામને જીવનનો એક ભાગ બનાવી શકાય એમ છે. પણ જોગિંગ કરવા સાથે કેટલીક સાવધાની જરૂર રાખવી. જો કોઇ બીમારી હોય તો ડોકટરની સલાહ લેવી. જોગિંગ વખતે ખુલ્લા અને વજનમાં હલકા કપડાં પહેરવા જોઇએ. જોગિંગનો સમય ધીમે ધીમે વધારવાનો છે. ટ્રાફિક હોય એવા રસ્તા પર જોગિંગ કરવાનું ટાળવું. દરરોજ ચાલવાથી પણ વજન ઓછું થઇ શકે છે. ડોક્ટરોના અભ્યાસ મુજબ જો એક કલાકમાં પાંચ કિલોમીટર જેટલું ચાલીએ તો ૩૫૦ જેટલી કેલેરી બળે છે. અને આ કારણે થોડા સમયમાં શરીરની ચરબી ઓછી થવાથી વજનમાં પણ ઘટાડો થશે.
વજન ઘટાડવા માટે જાતજાતના અને ભાતભાતના નુસ્ખા જાણવા મળે છે. તેને અમલમાં મૂકતી વખતે જો એ નિર્દોષ હોય તો ખાસ કોઇની સલાહ લેવાની જરૂર નથી. પણ એ ભારે પ્રયોગ હોય તો ડોક્ટર કે ડાયેટિશિયનની સલાહ લેવાનો આગ્રહ રાખવાનો. એક પ્રયોગ આયુર્વેદ સાથે સંકળાયેલો છે અને અત્યારે પ્રચલિત થઇ રહ્યો છે. જો સવારે ખાલી પેટ ગોળ અને ગરમ પાણી લેવામાં આવે તો વજન ઘટી શકે છે. આયુર્વેદમાં ગોળ અને ગરમ પાણીથી પાચનશક્તિ વધતી હોવાનું કહેવાયું છે. ગોળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી૧ વગેરે ભરપૂર હોય છે. જે ખાલી પેટ લેવાથી વધારાની ચરબીને દૂર કરે છે.
વજન ઓછું કરવા માટે સંતુલિત ભોજન લેવું જરૂરી છે. એમાં ખાંડ પણ આવે છે. વધારે પડતી ખાંડનું સેવન વજન વધારી શકે છે. અને આજકાલ તો લગભગ દ્રશ્ય-અદ્રશ્ય રીતે અનેક ચીજ-વસ્તુઓમાં ખાંડ કોઇને કોઇ પ્રકારે હોય જ છે. માત્ર ચોકલેટ, કેન્ડી કે બીજી ખાંડથી ભરપૂર વસ્તુઓ ઉપરાંત જાણે-અજાણે કોલ્ડ ડ્રિંક અને પેક્ડ ફ્રુટ જ્યુસ મારફત ઘણી ખાંડ શરીરમાં જાય છે. અને મીઠાઇમાં માવો તથા ઘી હોવાથી તેને ખાવાનું ઓછું કરવામાં આવે તો વજન ઘટી શકે છે. દૂધમાં ખાંડને બદલે કેળું કે ચીકુ જેવા ગળ્યા ફળ નાખીને પી શકાય. બાળકો જો વધારે ખાંડવાળી વસ્તુઓ ખાય તો કમરનો ભાગ ઝડપથી વધે છે. અને શરીરમાં જે સારું કોલેસ્ટ્રોલ હોય એ ઘટે છે.
વજન ઘટાડવા માટે દસ સરળ ટિપ્સ જાણી લો. ૧. દરરોજ તમને પસંદ હોય એ વ્યાયામ અચૂક કરવો. ૨. જમ્યા પછી ચાલવાનું રાખો. ૩. તમારા બી.એમ.આઇ. ઇંડેક્સ પર નજર રાખો. ૪. ભોજનમાં મીઠાના પ્રમાણનું ધ્યાન રાખો. ૫. પુશઅપ્સથી પેટની ચરબી ઘટાડો. ૬. ડાયટમાં ઘઉં, બાજરી અને ચણાનો સમાવેશ કરો. ૭. પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. ૮. ખાંડનો ઉપયોગ ઘટાડી દેવાનો. ૯. કાર્બોહાઇડ્રેડ ભોજનનો ઉપયોગ ઓછો કરવાનો. ૧૦. ખરાબ ચરબીવાળા ખોરાકનું સેવન કરશો નહીં. સારી ચરબીવાળા પનીર, દહીં, દૂધ, નારિયેળ પાણી વગેરેનો સમાવેશ કરો.
વજન ઓછા કરવાના ખોરાકમાં ફળોનો સમાવેશ કરો. ફળમાં ચરબી ઓછી હોય છે અથવા હોતી જ નથી. શાકભાજી પાંદડાવાળી વધુ ઉપયોગમાં લો. ડાયટમાં લીલા પાનવાળી ભાજી વધુ ઉપયોગમાં લો. તેમાં ફાઇબર હોય છે અને વધારે સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. દાળ વજન ઘટાડવાના આહારમાં ઉપયોગી છે. કોલેસ્ટ્રોલ અને ચરબી વગરની દાળ લાભદાયક છે. તેના ઉપયોગથી શરીરને અનેક જરૂરી પોષકતત્વો પણ મળે છે.
ઉનાળામાં કેરીનું સેવન કરવાથી પણ વજન ઘટે છે. કેરીથી વજન વધે એ માન્યતા સાચી નથી. ડાયટિશિયનો સ્પષ્ટ કહે છે કે એકલી કાપેલી કેરી ખાવામાં આવે તો ભૂખ જલદી લાગતી નથી અને વજનમાં ઘટાડો થાય છે. પણ જો રોટલી સાથે કેરીનો રસ ખાંડ-ઘી નાખીને ખાવામાં આવે તો વજન વધે છે. કેરીમાં અનેક પ્રકારના વિટામિન હોવાથી તેને કાપીને ચીરીઓ સ્વરૂપે ખાવામાં આવે તો આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે.