Bhare vajan ghatadvana halva nuskha - 4 books and stories free download online pdf in Gujarati

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૪  

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા

ભાગ-૪

- મીતલ ઠક્કર

ભારે વજન ઘટાડવું હોય તો એવી ભારે મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિ જરૂરી છે. બહુ ઓછા લોકો નિયમિત વ્યાયામ, પરેજી અને પ્રયોગોથી વજન ઘટાડી શકે છે. વજન ઘટાડવા માટે કસરત એ પહેલી શરત છે. ડાયટીંગ સાથે કસરત એટલી જ જરૂરી ગણાય છે. શરૂઆતમાં ઓછી કસરત કરવાની. પછી એનો સમય વધારતા જવાનું. ભલે જીમમાં ના જાવ કે ઘરમાં બહુ પરસેવો ના પાડો. ચાલવાનું જરૂર રાખો. સ્ત્રીઓ ઘરકામ સિવાય કે પુરુષો નોકરીમાં આવ-જા સિવાય કોઇપણ પ્રકારનો વધારાનો પરિશ્રમ કે કસરત કરતા ના હોય હોય તો વજન જલદી ઘટે કે વધે પણ નહીં એવી આશા વધારે પડતી ગણાય. આજની ભાગદોડવાળી જિંદગીમાં વજન ઘટાડવું એ એક પડકાર સમાન જ છે. ઘણી મહિલાઓ કોઇને ત્યાં લગ્ન કે અન્ય પ્રસંગમાં જવાનું હોય તો વજન ઘટાડવા, ખાસ કરીને પેટની ચરબી ઘટાડવાના સંકલ્પ લે છે. એમાં થોડી સફળતા પણ મળે છે. પરંતુ ફિર વોહી રફ્તારની જેમ વજન હતું એટલું થઇ જાય છે. પેટની ચરબી ઘટાડવા માટે તડબૂચનો ઉપયોગ વધુ યોગ્ય મનાય છે. કેમકે તેમાં ૯૧% જેટલું પાણી હોય છે. જો જમતાં પહેલાં તડબૂચ ખાવામાં આવે તો પેટ ભરેલું હોવાનો અહેસાસ થતો હોવાથી ઓછું ખવાશે. એક અભ્યાસ મુજબ દરરોજ બે ગ્લાસ તડબૂચનો રસ પીવાથી બે માસમાં પેટની આસપાસની ચરબી ઘટી શકે છે. કાકડી (ખીરા) માં તો ૯૬% પાણી હોય છે. રોજ એક પ્લેટ ખીરાના ઉપયોગથી સારો લાભ થાય છે. જમતા પહેલાં અજમાનું પાણી પીવાથી પણ પાચનતંત્ર સારું રહેવા સાથે પેટની ચરબી ઘટી શકે છે.

એક વાત ખાસ યાદ રાખવી કે એક વખત શરીરનું વજન વધી જાય પછી તેને ઘટાડવાનું કામ મુશ્કેલ છે. વજન ઓછું કરવા માટે નાની નાની ઘણી વાતોનું ધ્યાન રાખવાનું જરૂરી બની જાય છે. પહેલી વાત એ કે વધુ પડતું ખાશો નહીં. સ્વાદ સારો હોય, ઘણા સમય પછી કોઇ ભાવતી વાનગી મળી હોય કે ગૃપમાં જમવાની મજા આવતી હોય ત્યારે આ ભૂલ મોટાભાગે થઇ જતી હોય છે. તેલવાળા પદાર્થોનું સેવન કરતી વખતે તો વધુ ખાતા પહેલાં સો વખત વિચારવું. નાસ્તામાં પૌષ્ટિક ચીજવસ્તુઓ ખાવાનો જ આગ્રહ રાખવો.

વજન ઘટાડવા માટે એક સામાન્ય સલાહ એવી છે કે રોજ સવારે ઊઠીને હુંફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ નાખીને પીવાનું. પણ આ ઉપાય નિયમિત ના થતો હોય તો બીજો એક સરળ રસ્તો ઓબેસીટી નામના મેગેઝીને એક અભ્યાસ પછી સૂચવ્યો છે. એ મુજબ જો જમવાના સમયથી થોડીવાર પહેલાં અડધો લીટર પાણી પીવામાં આવે તો વજન ઘટી શકે છે. બીજી એક સલાહનો પણ અમલ કરવો જોઇએ. જમીને અડધા કલાક સુધી પાણી પીવાનું ટાળવું. રાત્રે જમ્યા પછી પંદર મિનિટ ચાલવાનું રાખવું જોઇએ. જંકફૂડ સ્વાદિષ્ટ હોય છે પણ એ પેટની ચરબી જ વધારે છે. જંકફૂડનું જલદી પાચન થતું નથી અને તે પેટની ચરબી સ્વરૂપમાં જમા થાય છે. પેટની ચરબી ઘટાડવી હોય તો ગળી-મીઠી વસ્તુઓથી દૂર રહેવું. ગળી વસ્તુઓનો ઉપયોગ ચરબી જમા કરવા સાથે મેટાબોલિઝમની પ્રક્રિયાને ધીમી પાડે છે. હસવાથી પણ પેટની ચરબી ઓછી થાય છે. હસવાથી બીમારીઓ દૂર રહે છે. જેટલું વધુ ચાવીને ખાવાનું ખાશો એટલી જલદી ચરબી ઘટશે. પેટની ચરબી ઘટાડવા માટે સપ્તાહમાં એક દિવસ ઉપવાસ કરવો જોઇએ. અને માત્ર દૂધ અને ફળો પર રહેવું જોઇએ.

હમણાં એક નવો ડાયટ પ્લાન જાણીતો થઇ રહ્યો છે. એ છે અરીસા સામે બેસીને જમવાનું. થોડો વિચિત્ર લાગે એવો આ ડાયટ પ્લાન અમલમાં મૂકવા માટેનો તર્ક એવો છે કે અરીસા સામે બેસીને જમવાથી આપણે કેટલું ખાઇએ છીએ તેનો વધારે ખ્યાલ રહે છે. આ ઉપાય ઓવરઇટીંગથી બચાવી શકે છે. એક સાથે બે પ્રકારના અનાજ ન લેવાનું સૂચન થાય છે. જેમકે, રોટલી કે ભાત બેમાંથી એક ખાવું જોઇએ. સાથે સ્લાડ, સૂપ દાળ લેવા જોઇએ. આમ કરવાથી ઓછી કેલેરી મળવાથી વજન ઘટે છે.

ભોજન બાબતે વજન વધવા બાબતની કેટલીક ગેરમાન્યતાઓ પણ ફેલાયેલી છે. જેમકે, આથાવાળી વાનગીઓથી વજન જલદી વધતું હોવાનું કહેવાય છે. પણ ડાયેટિશિયન આ વાતને નકારે છે. કેમકે આથાવાળી ઇડલી-ઢોકળાં જેવી વસ્તુઓ રાંધતી વખતે તેલ-ઘીનો ઉપયોગ થતો નથી. એટલે જો ઇડલી-ઢોસાને સાવ ઓછા તેલ કે બટરમાં ખાવામાં આવે તો વજન વધતું નથી. ખરેખર તો તેલ-ઘી વગરની આવી વાનગીઓમાં કેલેરી ઓછી હોય છે. અને તેને લીલાં ધાણાની ચટણી સાથે ખાવામાં આવે તો વધુ આરોગ્યપ્રદ સાબિત થાય છે. અને તળેલા નાસ્તાને બદલે જો ઇડલી-ઢોકળાં જેવી હલકીફૂલ વસ્તુઓ ખાવામાં આવે તો વજન વધતું અટકે છે. બહાર ખરીદી કરવા જતાં પહેલાં હળવો ખોરાક ખાઇને નીકળવાથી બહારની વસ્તુઓ ખાવાની ઇચ્છા થતી નથી.

ડાયટમાં પપૈયા, સંતરા, કેળા જેવા ફળોનો વધુ ઉપયોગ કરવો. તેમાં રહેલા ફાઇબર વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. સામાન્ય ડાયટમાં સલાડનો ઉપયોગ કરવાથી પેટ જલદી ભરાઇ જાય છે. અને વધુ ખાવાથી બચી જઇએ છીએ. જો જમતા પહેલાં એક નાની ચમચી આદુના રસમાં સહેજ નમક નાખીને લેવામાં આવે તો વજન ઘટી શકે છે. જમવામાં મરચાંનો વધુ ઉપયોગ કરવો. તેમાંનું કેપ્સિસીન તત્વ ઝડપથી ચરબી ઘટાડે છે. રોજ સવારે ખાલી પેટ કાચું ટામેટું ખાવાથી ભૂખ પર નિયંત્રણ રહે છે અને વજન ઘટે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED