bhare vajan ghatadvana halva nuskha - 5 books and stories free download online pdf in Gujarati

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૫

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા

ભાગ-૫

- મીતલ ઠક્કર

વજન ઘટાડવા માટેનું એક કારણ વિવિધ પ્રકારની થતી બીમારીઓથી બચવાનું પણ હોવું જોઇએ. આમ કરવાથી વજન ઘટાડવાનો સંકલ્પ વધારે મજબૂત બનશે. હાઇબ્લડપ્રેસર, ડાયાબીટીસ જેવી બીમારીઓની શરૂઆત માટે વધારે વજન જવાબદાર બને છે. જાડાપણું જ હવે તો એક પ્રકારની બીમારી મનાય છે. ઘણી મહિલાઓ વજન ઉતારવા ડાયેટીંગમાં ઓછું ખાય છે. પણ આ કારણે મોટાપો દૂર થવાની વાત બાજુ પર રહી જાય છે અને શરીર કમજોર થાય છે. આ કમજોરીથી બીજી કેટલીક બીમારીઓનો શિકાર બની જવાય છે. એટલે ડાયટ શરૂ કરતા પહેલાં સાચો ડાયટ ચાર્ટ બનાવવો જરૂરી છે. સામાન્ય રીતે ૧૫૦૦ કેલોરીવાળો ચાર્ટ પસંદ કરવો જોઇએ. અને તેમાં ખાવા-પીવાની એવી ચીજવસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ જે ક્યાંય પણ સરળતાથી મળી શકે. ભોજનમાં વધુ પડતા તેલનો ઉપયોગ ના થાય એ ખાસ જોવાનું છે. ઘીનો ઉપયોગ પણ સીમીત માત્રામાં કરવાનો છે. ભોજનમાં શાકભાજી, ફળો અને ડેરી ઉત્પાદકોનો વધુ ઉપયોગ કરવાથી શરીરમાં ચરબી જમા થતી અટકી શકે છે. શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતા પહેલાં તેને ધોવાનું ભૂલશો નહીં. દરેક મોસમના ફળનો ઉપયોગ કરવો.

નાસ્તો ઘણી વખત બિન આરોગ્યપ્રદ હોવાથી વજન વધે છે. અને આપણે ક્યાંકને ક્યાંક કોઇને કોઇ કારણથી નાસ્તો ખાતા જ રહીએ છીએ. પેકેટમાં આવતો નાસ્તો ભાગ્યે જ આરોગ્યપ્રદ હોય છે. તેનું કારણ તેમાં ખાંડ અને નમકનું પ્રમાણ વધારે હોય છે. ડાયેટિશિયનો વારંવાર કહે છે કે ભેલપૂરી, સમોસા, પાઉંવડા જેવા નાસ્તામાં સરળતાથી પચી જાય એવું કાર્બોહાઇડ્રેડ હોય છે જ્યારે પ્રોટીન ઘણું જ ઓછું હોય છે. છતાં તેના પર નિયંત્રણ થતું નથી. જો નાસ્તામાં પ્રોટીનયુક્ત વસ્તુઓ લો તો તમારી વજન વધવાની ચિંતા ઓછી થાય છે. અને એવા નાસ્તામાં વેજીટેબલ પૌંઆ, ઉપમા, ફળગાવેલા બાફેલા કઠોળ, પૂરી વગરની ભેળ, શેકેલા ચણા વગેરેનો સમાવેશ થાય છે. મતલબ કે તમે નાસ્તો બદલશો તો પણ તમારું વજન ઘટવા લાગશે. અને સાચી ભૂખ લાગી હોય ત્યારે જ ખાવું જોઇએ. મૂડ સુધારવા કે સારી લાગણી અનુભવવા ખાવાનું ટાળવું જોઇએ.

વજન ઘટાડવાનો સંકલ્પ લેવાનું સરળ છે. પણ તેના પર કાયમ રહેવાનું ઘણું મુશ્કેલ છે. આજની ઝડપી જીવન પધ્ધતિમાં કંઇપણ નિયમિત કરવાનું સરળ નથી. એટલે સંકલ્પ લેતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો એ જલદી તૂટી જશે નહીં. અને થોડી સફળતા મળી શકશે. સૌથી પહેલાં લક્ષ્ય મોટું ના રાખો. ઘણી મહિલા એક મહિનામાં દસ કિલો વજન ઘટાડવાનો સંકલ્પ લઇ લે છે. જે અશક્ય હોવાથી અધવચ્ચે જ થાકીને પોતાનો સંકલ્પ મૂકી દેવો પડે છે. એટલે "મારે આટલું વજન ઉતારવું છે" એમ સંકલ્પ કરવાને બદલે એવું નક્કી કરો કે "મારે રોજ આટલી મિનિટ આ કસરત કરવાની છે" અને વજન ઉતારવાના અભિયાનને મજેદાર બનાવો. જીમમાં જવા પૂરતું એને સીમિત ના બનાવો. ડાન્સ, ટ્રેકીંગ, દોરડાકૂદ વગેરે વિવિધ પ્રવૃત્તિ કરો જેનાથી કેલેરી ઓછી થાય છે. જીમ જવાથી કદાચ વજન જલદી ઉતરે છે. એટલો જ સમય ડાંસ કરવાથી સમય લાગે છે. પરંતુ લાભ વધારે થાય છે. જેમકે, જીમમાં જવાથી માંસપેશીઓ મજબૂત બને છે અને શરીર સખત થાય છે. જ્યારે ડાંસ કરવાથી માંસપેશીઓ ટોન થાય છે અને શરીરનું લચીલાપણું વધે છે. જીમમાં શરીરના દરેક ભાગ માટે અલગ-અલગ પ્રકારની કસરત હોય છે. ડાંસનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી શરીરના દરેક ભાગને લાભ થાય છે. બીજું કે તમે જે ભોજન લેતાં હોય તેની નોંધ રાખો. એ જોઇને યોગ્ય ભોજન બાબતે જાગૃતિ આવે છે.

લાંબા સમયના પ્રયાસ પછી વજન ઘટાડ્યા પછી જ્યારે વધે છે ત્યારે તે બહુ ઝડપ વધે છે. એટલે વજન ઘટી ગયા પછી કસરત કરવાનું ચાલુ રાખવાનું. ભલે અગાઉ જેટલી ના થઇ શકે. અને ખાવા-પીવા પર નિયંત્રણ રહે તો વાંધો આવતો નથી.

વધુ પાણી પીવાથી વજન ઘટવાનો દાવો સિધ્ધ થયો નથી. પરંતુ વધુ પાણી પીવાથી ભોજન ઓછું લેવાય છે. એટલે વજન ઘટવાની શક્યતા વધી જાય છે. જેમને ઠંડાપીણાની આદત છે એ જો તેના બદલે પાણી લે તો શરીરમાં કેલોરી ઓછી જાય છે. જો ભૂખ લાગી હોય તો જમતા પહેલાં પાણી પી લેવું. તેનાથી પેટ ભરેલું લાગશે અને ઓછું ખવાશે. પાણી વધારે પીવાથી શરીરનો કચરો બહાર નીકળી જાય છે.

પેટની ચરબી ઓછી કરવા પ્રયત્ન કરો છો અને તમારી બેઠાં બેઠાં કામ કરવાની નોકરી હોય કે તમે વધારે પ્રવૃત્ત ના રહેતા હોય તો જ્યારે પણ સમય મળે ત્યારે પેટને અંદરની તરફ લઇને સામાન્ય રીતે શ્વાસ લેવાની ક્રિયા કરો. અને આ સ્થિતિમાં ઘણો વખત બેસી રહો.

વજન ઘટાડવા અજમો લાભકારક બને છે. અજમાના પાણીથી મેટાબોલિઝમ ઝડપથી થતું હોવાથી વજન ઘટે છે. એ માટે એક ગ્લાસ પાણીમાં એક ટીસ્પૂન અજમો ભેળવી રાતભર રહેવા દો. સવારે તેનું પાણી ગાળી લો અને એક ટીસ્પૂન મધ નાખી પી લેવાનું.

ડાયટ પ્લાન વગર વજન ઘટાડવા માટે કેટલાક સૂચનો થાય છે. જેમકે ખાંડ ઓછી ખાવાની, પ્રોટીન વધુ માત્રામાં લેવાનું, ભૂખ જલદી ના લાગે એ માટે ફાઇબર વધારે લેવાનું, ઘણું બધું પાણી પીવાનું, ભોજન ખૂબ ચાવીને ખાવાનું, ફ્લેવરવાળા પીણાં બંધ કરવાના, તેલનો ઉપયોગ ઘટાડવાનો અને ચાલવાનું વધારવાનું. આમ કરવાથી રુટિન જીવન સાથે વજન ઘટાડી શકાય છે.

પેટની ચરબી ઘટાડવા વેજીટેબલ દલિયા ખાવા જોઇએ. એ બનાવવા સૌપ્રથમ કૂકરમાં થોડું તેલ ગરમ કરી રાઇ, મીઠો લીમડો, હળદર, મરચું, કાંદા નાખો. અને તેમાં અડદ દાળ અને ચણા દાળ ભેળવી લો. પછી ગાજર, બટાટા, વટાણા નાખી શેકી લો. તેમાં દલિયા અને નમક નાખી જરૂરી પાણી રેડી બે-ત્રણ સીટી મારી પકાવી લો. ઠંડું પડે પછી લીંબુનો રસ ભેળવી ખાવાનો આનંદ લો. તેમાં ચરબી અને કોલેસ્ટ્રોલ હોતા નથી.

બીજા રસપ્રદ વિકલ્પો