ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - 1 Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - 1

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા

- મીતલ ઠક્કર

આજના સમયમાં વજન ઉતારવાનું ઝનૂન જોવા મળે છે. પેટને પીપ જેવું બનતું અટકાવવા માટે ઠેરઠેર વજન ઉતારી આપવાની ખાતરી સાથેના સેન્ટરો ખૂલી ગયા છે. પણ બધા માટે એવો ખર્ચ કરવાનું પરવડે એમ નથી. ઘરઘથ્થુ નુસ્ખા અને ઉપાયથી વજન ઘટાડી શકાય છે. જેનો રોજબરોજના જીવનમાં અમલ કરવાનો છે. પેટ ઓછું કરવાથી બીમારીઓને આવતી રોકી શકાય છે. કહ્યું છે ને કે "પેટ અંદર તો બીમારી બહાર." જો નિતંબ, સાથળ અને પગના ભાગમાં ચરબી બહુ હોય તો તે એટલું જોખમકારક નથી. પણ પેટની ચરબી વધે તો તે તમારા હદય, લીવર અને કીડનીને અસર કરી શકે છે. ઘરગથ્થુ ઇલાજમાં મધ પ્રથમ આવે છે. મધ શરીરમાં જમા થતી વધારાની ચરબીને એનર્જી તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે હૂંફાળા પાણી સાથે એક ટેબલસ્પૂન મધ લેવાથી ઘણો ફાયદો થાય છે. ચરબી ઓછી કરવા માટે સૌથી અસરકારક તત્વ લસણમાં આવેલું સલ્ફર છે. જે કોલેસ્ટ્રોલ અને વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. તેનો છૂટથી ઉપયોગ કરો. બીજા કેટલાક નુસ્ખા પણ જાણી લો. જે તમને ચોક્કસ પરિણામ આપી શકે એવા છે.

* વજન ઓછું કરવાનો સંકલ્પ જલદી તૂટી ના જાય એ માટે તેને મજેદાર બનાવો. કેલેરી બર્ન કરવા માત્ર જીમમાં જવાને બદલે દોડવાનું, ડાન્સ, ટ્રેકિંગ જેવી આઉટડોર પ્રવૃત્તિઓ કરો.

* વજન ઘટાડવાના પ્રયત્નમાં લાગ્યા હોવ તો ઘઉંના લોટને બદલે મલ્ટીગ્રેઇન લોટ ખાવ. તે પૌષ્ટિક હોવાની સાથે તેનાથી પેટ જલદી ભરાય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. ઘઉં કે ચોખાનો ઉપયોગ ઓછો કરી જવની ભાખરી ખાઇ શકાય. કાકડી, ગાજર, ટમેટા, કોબી,કાંદાનું કચુંબર કે કોથમીર, ફુદીનો, મીઠા લીમડાની ચટણી પણ પેટની ચરબી ઓછી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

* દૂધીના જ્યુસમાં ફુદીના કે તુલસીના પાન નાખીને પીવાથી વજન જલદી ઉતરે છે.

* કારેલાનો જ્યુસ કડવો હોય છે પણ ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.

* બે ચમચી એલોવેરાના જ્યુસમાં મેથીના પાનનો રસ ભેળવીને પીવાથી વજન ઓછું થાય છે.

ભોજન પછી તરત પાણી પીવું નહીં. પરંતુ એક કલાક પછી પીવાથી ભોજન જલદી પચે છે અને વધારાની ચરબી જમા થતી નથી.

* વજન ઘટાડવામાં કાકડી (ખીરા)ની ભૂમિકા મહત્વની બને છે. તેનાથી વજન ઘટવાની સાથે ચામડીની ચમક વધે છે. ૧૦૦ ગ્રામ ખીરામાં ૫૪ કેલેરી જ હોય છે.

પપૈયું ખાવાથી શરીરમાં ચરબી જમા થતી નથી. અને વજન પણ ઘટે છે. સાંજના નાસ્તામાં પપૈયું ખાવાથી કેલેરી વધતી નથી અને ફાઇબર મળે છે.

* વજન ઊંચકવાનું રાખો. પેટની ચરબી ઓછી કરવા ચાલવું, દોડવું કે તરવું એ સારી કસરત છે. પણ તક મળે ત્યારે વજન ઉપાડવું.

* જમવામાં ફુદીનાની ચટણીથી ફેટ ઓછી કરવામાં મદદ મળે છે.

* દક્ષિણ ભારતીયો નાળિયેર તેલમાં ખોરાક રાંધીને ખાય છે. તે એકદમ યોગ્ય છે. આ તેલથી ચયાપચયની ક્રિયાને વેગ મળે છે. પેટની ચરબી ઓછી થાય છે.

વજન ઘટાડવામાં કાળા ચણા મદદરૂપ થાય છે. એટલે તેનો ભોજનમાં સમાવેશ કરો.

* રોજ એક ગ્લાસ કોબીનો રસ પીવાથી ફેટ ઓછી થાય છે.

* વજન ઘટાડવા શિમલા મરચાનો સૂપ લાભકારક ગણાયો છે. તે કેલેરી ઘટાડવા સાથે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.

* વધુ ખાવાની આદત પર કાબુ મેળવવા ઊલટા હાથથી ખાવાનું રાખો. એથી તમે ધીમે ધીમે ખાશો.

* ભોજન પહેલાં કાચા ટામેટા ખાવ કે તેનો સૂપ પીઓ.

* રોજ એક ગ્લાસ કેપ્સિકમનો રસ પીવાથી ફેટ ઓછી થાય છે. અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.

* ઉકાળેલું સફરજન ખાવાથી પણ વજન ઘટે છે. તેમાં પ્રચૂર માત્રામાં ફાઇબર હોવાથી પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે.

* જાંબુમાં એવા એંટિઓક્સિડંટ હોય છે જે શરીરમાં જમા ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે.

* એક સંશોધન પ્રમાણે સાબિત થયું છે કે લીલા મરચાં ખાવાથી વજન ઓછું થાય છે. લીલા મરચાંમાં સમાયેલા રાસાયણિક તત્ત્વો શરીરની ચરબી ઘટાડવાની પ્રક્રિયાને તેજ બનાવે છે પરિણામે પેટ ઉપર જમા થયેલી ચરબી ઘટવા લાગે છે.

* રાત્રે મોડા જમવાથી વજન ઘટાડવાની પ્રક્રિયા પર ગંભીર અસર થાય છે. ડિનર હંમેશાં હળવું અને ઊંઘવાના સમયના ઓછામાં ઓછાં બે કલાક અગાઉ કરી લેવું જોઇએ. મોડી રાત્રે જમવાથી પાચનની પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેના કારણે ચરબીને ઊર્જામાં રૂપાંતરિત કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. નિષ્ણાત ડૉક્ટર કે હેલ્થ એક્સપર્ટ પણ એક જ સલાહ આપે છે કે રાત્રિનું ભોજન સૂવાના બે કલાક પહેલાં લેવું. ભોજન ર્ક્યા બાદ તરત જ સૂવાથી ભોજન ટ્રાયગ્લિસરૉયડમાં બદલાઈ જાય છે. જેનાથી વજન વધવા લાગે છે. વજન ઘટાડવાની ઈચ્છા હોય તો રાત્રે આઠ વાગ્યા પહેલાં ભોજન કરી લેવું.

* મેંદાને બદલે અનાજવાળા પાસ્તાનો ઉપયોગ કરો.

* દરરોજ ઓછામાં ઓછી ૮ કલાકની ઊંઘ લો. ઊંઘ ઓછી લેવાથી વજન વધે છે. અનિદ્રાથી હોર્મોન્સ અસંતુલિત થાય છે અને પેટની ચરબી વધે છે.

* અઠવાડિયે કે પંદર દિવસે એક ઉપવાસ માત્ર પ્રવાહી સાથે કરવાથી પેટની ચરબી વધતી નથી અને વધેલી હોય તો બળતી જાય છે.

* દરરોજ ઓછામાં ઓછું ૩૦ મિનિટ ચાલવાનું રાખો.

* જો આપના માટે દરરોજ વર્કઆઉટ કરવાનો મૂડ બનતો ના હોય તો તે સમયે બ્રાઇટ કે કાળા રંગના વસ્ત્રો પહેરો. આ રંગ એનર્જી લેવલ અને ઉત્સાહ વધારશે.

* જમીને તરત ઊંઘવું નહીં. બપોરે પણ ઊંઘતા પહેલાં ૧૫ મિનિટ ચાલવાનું રાખો.

* ખાવાનું જબરદસ્તી વધુ ખાવાને બદલે ઓછું ખાવ. ભૂખથી થોડું ઓછું જ ખાવ.

* બ્લેક અને ગ્રીન ટી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

* ૧ ચમચી આદુ, ખીરા કાકડી, લીંબુ, ચમચી એલોવેરા જ્યૂસ અને ફુદિનાનાં પાન પીસી અંદર ૧ ગ્લાસ પાણી નાખો. રોજ ભોજન બાદ તેનું સેવન કરવું. આ જ્યૂસના સેવનથી વજન ઘટે છે.

* વજન ઘટાડવામાં એરોબિક્સ વ્યાયામ સૌથી વધુ મદદગાર થઇ શકે છે.

* લીફ્ટવાળું બિલ્ડીંગ હોવા છતાં ત્રણથી વધુ માળ ચઢવા કે ઊતરવાનું રાખવાથી પણ પેટની ચરબી ઘટાડી શકાય છે.

* નૃત્યના કારણે શરીરમાં જમા થતી વધારાની કેલેરી ખર્ચાય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે નૃત્યના કારણે એક કલાકમાં ૫૦૦થી ૧૦૦૦ જેટલી કેલેરી બળે છે. જેના કારણે વજન જલદીથી ઘટતું અનુભવી શકાય છે. રોજ ૩૦ થી ૪૫ મિનિટ નૃત્ય કરવાથી શરીર ચુસ્ત રહે છે.

* બદામમાં પ્રોટીન, ફાઇબર અને સારી ચરબી હોય છે. જે તમને વારંવાર ખાવાની આદત પર કાબુ અપાવે છે. બદામ ખાવાથી જલદી ભૂખ લાગતી નથી. એમાં કેલેરી ઓછી હોય છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

* ફણગાવેલા અનાજથી ખરાબ કોલેસ્ટ્રોલ ન બનતા પણ લાભ થાય છે.

* હુંફાળું પાણી પીવાથી શરીરનું તાપમાન વધે છે. જેનાથી મેટાબોલિક રેટ વધવાથી શરીરની કેલેરી બર્ન કરવાની ક્ષમતા વધે છે.

* મીઠાનું પ્રમાણ ઘટાડી દો. રોજ જરૂરી ૨ ગ્રામ જ લો. મીઠાથી શરીરમાં પાણીનો જથ્થો વધે છે. એ જ રીતે ખાંડ પણ મર્યાદામાં લેવાથી વજન ઘટશે.

* દરરોજના આહારમાં મીઠા લીમડાનાં પાનને અન્ય આહારમાં ભેળવીને લેવાથી શરીરનું વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. આ પાન ચરબી અને શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે, શરીરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે, એ સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી છે. જો તમારું વજન વધારે હોય, તો તમારે દરરોજના આહારમાં આઠ થી દસ મીઠા લીમડાનાં પાનનું સેવન કરવાથી ફાયદો થશે.

* વજન ઘટાડવા માટે બાબા રામદેવ કહે છે કે પેટ સાફ થવું જરૂરી છે. અપચો, એસિડિટી, ગેસ જેવી સમસ્યા હોય તો તેને દૂર કરવા ત્રિફળા ચૂર્ણ લો. પેટ વધુ ખરાબ હોય તો હરડે ચૂર્ણ લો. ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ ખૂબ ફાયદાકારક છે. બીજું કે જમતી વખતે ચાવવાનો સમય વધારી દો. ખૂબ ચાવી-ચાવીને જમો. સોલિડ વસ્તુ લિક્વિડ થઈ જાય ત્યાં સુધી ચાવો. પાચનશકિત તંદુરસ્ત કરવાનો મંત્ર છે કે સોલિડને ચાવીને લિક્વિડ કરીને ખાવ અને લિક્વિડને સોલિડની જેમ ધીમેથી પીવો.

* બ્રિટિશ ન્યુટ્રિશન ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડૉ. માર્ગારેટ એશવેલના જણાવ્યા પ્રમાણે તંદુરસ્ત રહેવા માટે તમારા પેટનો પરિઘ તમારી ઊંચાઇ કરતાં અડધો-અથવા તેનાથી ઓછો હોવો જોઇએ. જેમકે, તમારી ઊંચાઇ ૬ ફૂટ એટલે કે ૭૨ ઇંચ હોય તો તમારું પેટ ૩૬ ઇંચ અથવા એથી ઓછું હોવું જોઇએ. જો કોઇ વ્યક્તિની ઊંચાઇ ૫ ફૂટ ચાર ઇંચ એટલે કે ૬૪ ઇંચ હોય તો પેટનો પરિઘ ૩૨ ઇંચ અથવા તેનાથી ઓછો હોવો જોઇએ.

* પેટની ચરબી ઓછી કરવા માટે વધારે પાણી પીવું જરૂરી છે. નિયમિત અંતરાલ પછી પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે. અને શરીરમાંથી કચરો બહાર નીકળી જવાથી સ્વસ્થ રહેવાય છે.

* છાસમાં ૨.૨ ગ્રામ ચરબી અને ૯૯ કૅલરી હોય છે, જ્યારે દૂધમાં ૮.૯ ગ્રામ ચરબી અને ૧૫૭ કૅલરી હોય છે. દરરોજના આહાર સાથે છાસ પીવાથી તે શરીરમાં ચરબી અને કૅલરીનું પ્રમાણ વધવા દેતી નથી. તેથી છાશ વજન ઘટાડવા માટે મદદરૂપ બને છે.

* ખાવાનું હંમેશા ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઇએ. આમ કરવાથી વધારે સમય સુધી પણ ઓછું ખાઇ શકશો. તેની અસર તમારા વજન પર થશે. ચાવીને ખાવાથી જલદી પચી જાય છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

* દલિયા એક પોષ્ટિક ભોજન છે. તેમાં ચરબી હોતી નથી. તેના નિયમિત સેવનથી ફાલતુ ચરબી જમા થતી નથી. રોજ સવારે દલિયાનું સેવન કરવાથી પેટ ભરેલું લાગે છે અને પાચન પણ યોગ્ય રહે છે.

* કોબીજ શરીર ઘટાડવા માટે યોગ્ય સાબિત થાય છે.કાચી અથવા રાંધેલી કોબી શરીરમાં સાકર અને બીજા અન્ય કાર્બોહાઇડ્રેટને ચરબીમાં રૂપાંતર કરતાં અટકાવે છે.

*** વજન ઘટાડવા માટે એટલા જ જરૂરી છે વજન ના વધે એ માટેના નુસ્ખા.

* સવારે ઊઠીને પાણી નહીં પીતા હોવ તો વજન વધશે. એટલે સવારે ઊઠીને પહેલાં એક ગ્લાસ પાણી પી લેવાનું.

* આઠ કલાકથી વધુ ઊંઘ લેવાથી વજન વધે છે.

* વજન ઘટાડવાનું વિચારી સવારે નાસ્તો નહીં કરશો તો નુકસાન થશે. નાસ્તાથી ગ્લુકોઝનું સ્તર બરાબર રહે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. પણ સવારે વધુ કેલેરીવાળા સેન્ડવીચ, બર્ગર કે વેફર જેવા નાસ્તાથી વજન વધે છે.

* કસરત કરતા રહેવાથી વજન વધવાની શક્યતાઓ ઓછી થઇ જાય છે.

* ફાસ્ટ ફૂડ અને જંક ફૂડથી દૂર રહો. તેનાથી જલદી ભૂખ લાગે છે.

* ખાવાપીવાના શોખિન મિત્રોને કારણે પણ વજન વધી શકે છે. એ બાબતે સતર્ક રહેવું.