માઇક્રો ફિક્શન સ્ટોરી ૧- તમન્ના નામ તો એનું એટલું સરસ મજાનું હતું તમન્ના.પણ એના શ્યામ રંગને કારણે કોલેજમાં આવી છતાં કોઇના દીલની તમન્ના નહોતી બની શકતી.
આટલું રૂપકડું નામ હોવા છતાં બધા તેને કાળી કહી જ બોલાવતા, જોકે તેનો રંગ ભલે શ્યામ હતો પણ તે હતી ખૂબ ઘાટિલી,સ્વભાવ પણ એવો કે નાનામોટા બધા સાથે તરત ભળી જાય, ભણવામાં અને ઘરનાં કામમાં બધામા હોશિયાર.
પણ આ બધા છતાં બસ એક રંગને કારણે તે પાછી પડતી હતી.
અને એટલે જ તેના મમ્મી ખૂબ ચિંતિત રહેતાં તેઓ સતત તેને થોડો મેકઅપ કરવાનું અને વ્યવસ્થિત તૈયાર થવા માટે ટોક્યા કરતાં.ક્યારેક ગુસ્સે થઈને કહી પણ દેતા તારા માટે મુરતિયો શોધતા તો અમને ફાંફા પડી જશે એક તો કાળી જ છે અને ઉપરથી આવી બહેનજી જેવી થઇ ને ફરે છે.
અજીબ સમાજ છે આપણો નહીં છોકરો ગમે તેવો હશે પણ લગ્ન કરવા માટે તો તેને ગોરી અને સુંદર છોકરી જ જોઇએ, પછી ભલે તે સ્વભાવ માં ગમે તેવી હોય તેનામાં બીજા સારા ગુણો હોય ના હોય.લોકો તનની સુંદરતા જ જોઇ છે મનની સુંદરતા મહત્વ આપતા નથી.
તમન્ના મમ્મી ની ચિંતા સમજતી એટલે તેના બોલેલાનું ખોટું ન લગાડતી, તેણે મમ્મી ને કહી દીધું લોકો ભલે આજે મને કાળી કહી બોલાવતા હોય પણ એક દિવસ એવો આવશે કે મારૂ નામ મારી આગવી ઓળખ બની જશે.
અને ખરેખર આજે દસ વર્ષ પછી ડો. તમન્ના ની ગણતરી શહેર ના બેસ્ટ ગાયનેક ડોક્ટરોમાં થાય છે.ડો.તમન્ના ના હાથ નીચે ક્યારેય કોઇ કેસ બગડતો નથી એવી તેમની ખ્યાતિ છે. તેમનું નામ જ તેમની ઓળખાણ બની ગયું.
( હા હવે તેમને કોઇ કાળી કહીને નથી બોલાવતું અને તેમની સાથે લગ્ન કરવા કેટલાય મૂરતિયા ફાંફા મારે છે)
૨- લેડી સિંઘમ નામ તેનું શ્યામલી કદાચ જન્મી ત્યારે રંગ જોઇને જ ફોઇ એ તેનું નામ શ્યામલી પાડ્યું હશે.
સ્વભાવે એકદમ અલગ બેબાક જેને કંઇ કહેવા જેવું હોય કહી જ દે, ભણવામાં જેટલી હોશિયાર એટલી જ હીરોગીરી કરવામાં પણ આગળ, હા હીરોગીરી એટલા માટે કે તે કાળી હતી એ વાત તે જાણતી હતી પણ પોતાની જાતને કમજોર ક્યારેક ન માને અને તેમાંય ખોટું તો કોઇ કાળે સહન ન કરે અને એટલે જ કોઈ ને કોઈ કારણો થી ગમે તેની સાથે તેણે લડાઈ થઇ જતી.
કોલેજમાં પણ છોકરીઓ ની તે લીડર હતી અને તેની ધાક એવી કે કોઇપણ મવાલી કોલેજમાં તો શું કોલેજ ની બહાર પણ કોઇ છોકરી ને છેડવાની હિંમત ન કરતો. કોઇ છોકરી ની મશ્કરી થઇ એવી વાત તેના કાને આવે એટલે તરત તે પોતાની સાથે અન્ય છોકરીઓ ને લઇ પહોચી જ હોય અને સામે વાળાની ધોલાઇ થવાની એ નક્કી વાત.
કોલેજમાં બધા તેને ખુબ માનતા, અને મજાક માં શ્યામલાલ કહેતાં આ સામે તેને કોઇ વાંધો પણ ન હતો ઉલટા નું તે પણ સામે કલર જાય તો પૈસા પાછા એમ કહીને તાળી આપતી. પોતાના શ્યામ રંગને કારણે તે ક્યારેય પોતાની જાતને બીજાથી ઉતરતી ન સમજતી.
કોલેજ પુરી કરી ને શ્યામલી આર્મી માં જોડાઇ ગઇ, આખા ગુજરાતની તે પ્રથમ એવી મહિલા બની જેણે પુરૂષો સાથે ખભેખભા મિલાવીને બ્લેક કમાન્ડો ની તાલિમ મેળવી અને પ્રથમ રેન્ક પણ મેળવ્યો.
તેના કાર્ય ક્ષેત્ર માં તેણે કેટલાય મિશનો સફળતાપૂર્વક પાર પાડ્યા, અને લેડી સિંઘમ તરીકેની ઓળખ ઉભી કરી.
3-પારદર્શક પરીીવાર સીમા દરેક વખતે કિટ્ટીપાર્ટીમાં રોફ મારતી,પિયર એન્ડ સાસરૂ બંને હાઇપ્રોફાઇલ અને બ્રોડ માઇન્ડેડ હતા એટલે તે બધાને બડાઇ હાંકતા ગર્વ થી કહેતી મારા ફેમિલી માં બધા જ જાણે પારદશૅક વ્યક્તિ ઓ છે કોઇ એ પોતાની જાતને છુપાવી નથી પડતી. અને કોઇ ને કોઇ જાતની રોકટોક વિના જીંદગી જીવવાનો હક આપવામાં આવે છે.
કીટ્ટીપાર્ટી પૂરી કરી તે ઘરે પાછી ફરી રસ્તા માથી પોતાના માટે જમવાનું લઇ લીધું, તેનો હસબન્ડ આજે બહાર જમીને જ આવાનો હતો અને સાસુ-સસરા જાતે જ પોતાની વ્યવસ્થા કરી લેતાં,ઘરે પહોંચીને જોયું તો યુવીના રૂમમાંથી લાઉડ મ્યુઝિક સંભળાતુ હતુ, તે સમજી ગઇ આજે ફરી યુવી તેના દોસ્તો સાથે પાર્ટી કરતો હતો.
અને તેની દીકરી માયા તો હંમેશા પોતાના રૂમમાં બંધ થઇ મોબાઇલમા જ કંઇક ને કંઇક મચડતી હોય, તેણે રસોડામાં જઇ પોતાના માટે ડીશ તૈયાર કરી અને ડાઇનિંગ ટેબલ પર ટી. વી જોતા જોતા બેસી જમવા લાગી.
ટી.વી માં કોઇ એક મૂવીનો સીન ચાલી રહ્યો હતો જેમા ઘરના બધા સભ્યો સાથે બેસી સરસ વાતો કરતા જઇ જમી રહ્યા હતા. અચાનક આંખમાથી એક આંસુ નિકળી ખાવાના સાથે ભળી ગયું.