વૈશ્યાલય - 8 MaNoJ sAnToKi MaNaS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈશ્યાલય - 8

સાંજ થઈ અને હું ઘર તરફ જવા નીકળતી હતી. બધું કામ પૂરું થઈ ગયું હતું. શેઠાણી પાસે રજા લેવા ગઈ, એની સખીઓ સાથે એ બેઠી હતી, પન્નાની રમત ચાલી રહી હતી. એક એક શબ્દ ખૂબ જ ચિપીને બોલતી હતી. એમનો મૂડ જરાક મને સારો લાગ્યો, મેં રજા માંગી અને કોઈપણ પ્રકારના લેક્ચર વગર એમને મને રજા આપી પણ દીધી.

દિવસો પસાર થતા ગયા. ખાલી પ્રવાહીના કારણે મારી માઁના શરીરમાં અશક્તિ આવતી હોય એમ લાગતું હતું. એક સાંજની વાત છે. હું જ્યારે કામ કરી આવી અને સીધી માઁની પથારી પાસે ગઈ, તે ઝીણી આંખે મને જોતી રહી. ધ્રુજતા અવાજે એ બોલી, "રમા હવે મારા શ્વાસો પુરા થવા આવ્યા છે. ખબર નહિ ક્યારે હું નિસ્તેજ બની જઈશ. દીકરી તું કોઈ સારા છોકરા સાથે લગ્ન કરીલે, ભવિષ્યમાં કોઈ તકલીફ તો ન રહે. આમ એકલું ઘરમાં તારાથી ન રહેવાય. હું તો બે દિવસની જ મહેમાન છું. પછી તારી સાંભળ રાખવાવાળું પણ કોઈક જોઈશે. દીકરી મને વચન આપ કે તું આ વસ્તી માંથી બહાર નીકળી સારા ઘરમાં જઈશ." આટલું બોલતા એના મોઢામાંથી થોડી લાલ લાળ પડી. મેં એ સાફ કરતા કહ્યું, " તું ખોટી ચિંતા ન કર, તને કશું નથી થવાનું, આપણે હજુ ઘણું સાથે જીવવાનું છે તારા છોકરા પણ તારે રમાડવાના જ છે. હું છું ને તને કશું નહીં થવા દઉં, અને વાત વાતમાં મરણની વાત ન કરતી નહિતર હું તારી સાથે નહિ બોલું ક્યારેય." એના માથા પર હાથ ફેરવતા હું બોલી ગઈ. એ કશું આગળ ન બોલી બસ ચહેરા પર સ્મિત આપી થોડીવાર માટે આંખ બંધ કરી પથારીમાં પડી રહી.

ઘરે આવતા સમયે રસ્તામાંથી લાવેલ લીલા નાળિયેલનું પાણી કાઢી ગ્લાસમાં ભરી મેં તેને આપ્યું, તો બોલવા લાગી, " દીકરી આટલો ખર્ચો એક ખરતા પાન પાછળ ન કરાય. હું ગોળના પાણીમાં પણ ચલાવી લેત." મેં જરાક બનાવતી ગુસ્સો કરી કહી દીધું, "હવે આગળ કશું જ ન બોલતી, બે પૈસાના નાળિયેલ કરતા મને તારી જિંદગી તારો સાથે વધુ પ્યારો છે. હું તું મગજમાં આવે એવું બોલતી જાય છે, હું તારી દીકરી છું, તારી કોખ છું, તને આમ ખાલી પેટે ન રહેવા દઉં. પૈસા તો મા કાલે પણ કમાય લેવાશે, જો તને કઈ થઈ ગયું તો એ પૈસા શુ કામના...?" મારી આંખમાં એમ જ આંસુ આવી ગયા હતા. જીવનના હરેક તબક્કે જે માતા એ સાથ આપ્યો છે. બાપના ભાગી ગયા પછી મારી સાંભળ લીધી. એ માતા ને કેમ હું રિબવવા દઉં. અમારી ગરીબોની મૂળી તો અમારું શરીર છે.

દિવસો ને જતા પણ ક્યાં વાર લાગે છે. બે મહિના થઈ ગયા હું એકલી શેઠને ત્યાં કામ કરતી હતી. માતાની તબિયત પણ સુધવા લાગી હતી. હું ઘરે જવું એટલે એ જ જમવાનું બનાવી તૈયાર રાખતી. કઈક ને કઈક નવું બનાવતી, " ત્યારે હું કહેતી માઁ આપણે તો રોટલો જ ભલો, આ ભજીયા બજિયા જરાય ન ચાલે, આપણો સાચો ખોરાક જ રોટલો..." મા પણ હસવા લાગતી અને મારા માથા પર ટપલી મારી કહેતી, "હું પણ મારી ઉપર જ ગઈ છે." ત્યારે અચાનક ખબર નહિ મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયા હતા, " હા, હું તારી ઉપર ગઈ છું એટલે તારી સાથે છું, જો મારા બાપ ઉપર ગઈ હોત તો તને છોડી ક્યારની જતી રહી હોત." આ સાંભળી એ થોડી ઉદાસ થઈ ગઈ હતી. હું પણ ખુદ ને ધિક્કારવા લાગી, આવા શબ્દ બોલવાનું શુ જરૂર હતી. માંડ એ સ્વસ્થ થઈ રહી છે અને આવા શબ્દ બોલી એના મનોબળ પર પ્રહાર ન કરાય. એટલે વાક્ય સુધારીને ફરી બોલી, " મારો કહેવાનો મતલબ એ કે ઓ મારા માતૃશ્રી હું તને ખૂબ જ પ્રેમ કરું છું, તમે જ મને જન્મ આપ્યો છે તો તમારી જ મારે સેવા કરવાની હોય, મારો બાપો થોડો મને જન્મ આપવા આવ્યો હતો..." આટલું બોલી હું થોડું હસી અને એ પણ હસતા હસતા કહેવા લાગી, "તારા બાપા થોડા જન્મ આપે, એક નંબરનો ઠરકી અને બેવડો હતો. સારું થયું જતો રહ્યો નહિતર આપણી કમાણી ની શરાબ પી આપણા પર જ રોફ જમાવેત..." હસતા હસતા બન્ને જમવા બેઠા પછી સુઈ ગયા. આંખોમાં એવા કશું સપના ન હતા કે અંધારે સુવર્ણ મહેલ બંધાય જાય. વાસ્તવિકતાની ધરતી પર રહેવાનું હતું. ઝુંપડી અમારી વાસ્તવિક હતા. આંખમાં તાજમહેલના સપના ન હતા. ખુલ્લી આંખે જ્યારે સામે અંધકાર ભર્યો હોઈ ત્યાં બંધ આંખે ભૌતિક વૈભવ જોવાનો પણ અધિકાર નથી હોતો. ઘણા સપના પુરા કરવામાં જીવનની ગાડી ખાઈમાં જતી રહેતી હોય છે. આંખો બંધ થઈ. ભગવાનનો આભાર માન્યો કે સાંજે પેટ ભરી સુવા મળ્યું.

(ક્રમશ:)