વૈસ્યાલય
જવાનીમાં પગ રાખ્યો હતો એના માન્ડ બે ત્રણ વર્ષ થયાં હતાં, થોડું ગઠિલુ શરીર, સાડા પાંચ ફૂટ જેટલી ઊંચાય, ચહેરા પર મર્દાનગી આવી હોય એમ બરછટ મુચ્છ, ઘેરાવદાર દાઢી, એક નવી જ દુનિયાને પામવા નીકળી ગયેલા કોઈ ઉત્સુક પ્રવાસી જેવો અંશ. પોતાનું ધાર્યું જ કરતો, જવાની ઉછાળા મારી રહી હતી એ પણ મૂળ કારણમાં હતું. શહેરના મધ્યમ વર્ગમાં જન્મેલો અંશ શહેરના લોકોના જીવનને જોવાની એના પર અભ્યાસ કરવાની એના અનુભવ લખવાની કે પછી એ તમામ બાબત મહેસુસ કરવાની ટેવ ધરાવતો હતો. અને આ એનો એક શોખ બની ગયો. માનવ અને સંસ્કૃતિ પર અખૂટ સાહિત્ય જ્યાં જ્યાંથી મળે ત્યાંથી લઈ આવતો અને એનો અભ્યાસ કરવા લાગ્યો. માણસની જીવનશૈલી, જુદા જુદા સમયે માણસમાં થતા વિચારો અને જીવનના પરિવર્તનો, રક્તમિજાજી માણસ કે નપુંસકતાના કપડાં પહેરીને ફરતા માણસો, પોતાના વિચાર અને આઝાદીને કોઈ જગ્યા પર ગીરવે મૂકીને ખુશામત કરતી પ્રજાતી, જીહજીરી કરી માનવતાના ઘાતકીઓના પીઠ્ઠું બની પોતાનો દબદબો કાયમ કરતા માણસો. આ બધા પર એને અભ્યાસ ચાલુ કર્યો. હજુ પણ કંઈક ખૂટી રહ્યું છે, દુનિયા ભરની સંસ્કૃતિ અને સાહિત્યના પુસ્તકો વાંચ્યા પછી પણ એનું દિલ હજુ કઈક ખોટી રહ્યું છે એવું માની તુટતી માહિતી દિલને સંતોષવા એકત્ર કરવા લાગ્યો હતો.
એક સવારે એ પોતાના મિત્રો જોડે બગીચામાં જઈ ચડ્યો, બગીચો એટલે..? 60 વર્ષ કે એથી મોટી ઉંમરના વડીલો કે વૃદ્ધો સવારમાં તાજી હવા પોતાના ફેફસામાં ભરવા આવતા, થોડી હરિયાળી પણ ખરી, શિયાળો પૂર્ણ થવાને આરે હતો અને ઉનાળો પોતાના આગમન માટે અધીરો બની રહ્યો હતો, આ સમય પર સવાર પણ થોડી હુંફાળી રહે. આમ તો બગીચો ફક્ત નામ પૂરતો જ હતો, ચાર પાંચ નગરપાલિકાના બાંકડા હતા, દસેક લીંબડાના ઝાડ ઉભા હતા, એક પણ ફૂલછોડ ન હતો, સવારમાં નાના છોકરા સ્કૂલ જવા માટે પોતાના ઘરમાંથી બહાર નીકળી રહ્યા હતા. એક બાંકડા પર અંશ અને એમાં બે મિત્રો જીગર અને ભરત બેઠા હતા. અંશ પોતાની વાત કરતો હતો.
અંશ: આપણા શહેરના લગભગ વિસ્તારમાં હું જઈ આવ્યો છું કોઈ ખાસ બાબત જોવા નથી મળી મને, આટલો અભ્યાસ કર્યા પછી પણ દિલને એવું છે કે હજુ કઈક ખૂટી રહ્યું છે. યાર બતાવો ને હવે હું શું કરું..?
જીગર: લ્યા મુકને આ બધી પંચાયત તારે આવું જ હોઈ, આ ઉંમર મોજ કરવાની છે અને તું માણસના જીવન પર સંશોધન કરવા નીકળ્યો છે, ટોપા તને કોઈ છોકરી પણ નહીં આપે કઈક કામ ધંધો કર અને હા, લોકો તને ગાંડો જ કહેવાના છે, એટલે બેટર છે કે તું આ બધું છોડી યુવાનીનો લિજ્જત ઉઠાવ...
અંશ: બકા આ તારા વિષય બહારની બાબત છે અને તને મોજ શોખ સિવાય બીજું તો કઈ આવડતું નથી એટલે લ્યા મને મારુ શાંતિથી કામ કરવા દે. ઓયે ભરત તું કહે હવે હું શું કરું...?
જીગર: હા, મહાન વિચારકો તમને જ બધી જ ખબર પડે અમે તો સાવ અબુદ્ધ જ છીએ.
ભરત: જીગલા તું બંધ થાય તો સારી વાત છે હો ભાઈ.
જીગર: હા, તમે તમારી મહાનગાથા ચાલુ રાખો, અપુન તો ચલા, અપુન કી ભૂમિ કે પાસ...
ભરત: હા ભાઈ જા, એના પણ ભાગ્ય કેવા પાંગળા લખાયા હશે કે તારા જેવો બોયફ્રેન્ડ એને મળ્યો...
ત્રણે મિત્રો હસવા લાગ્યા હતા. જીગર પણ હંમેશાની જેમ પોતાની મસ્તીમાં જ અંશની બધી વાતો ઉડાવી નાખતો હતો. જીગર ચાલ્યો ગયો હતો. થોડીવાર માટે અંશ અને ભરત ચૂપ હતા. ત્યાં ભરત બોલ્યો...
ભરત: અંશ તે લગભગ વિસ્તાર આવરી લીધા છે એમને...
અંશ: હા, યાર .....
ભરત: તો તું આપણા શહેરની પૂર્વમાં આવેલ રેડલાઈટ એરિયામાં પણ ગયો હોઈશ ને...?
અંશ: યાર ત્યાં શુ છે..? વૈસ્યાઓ રહે છે, ત્યાં જઈએ તો ખોટી આપણી જ બદનામી થાય. એટલે ત્યાં ગયો જ નહીં, મને ખુબ ડર લાગે યાર આબરૂનો, ક્યાંક પકડાય જઈ અને છાપામાં નામ આવે તો આપણે ક્યાયના ન રહીએ...
(ક્રમશ:)
મનોજ સંતોકી માનસ