Mathabhare Natho - 34 books and stories free download online pdf in Gujarati

માથાભારે નાથો - 34

માથાભારે નાથો (34)

રામા ભરવાડની ગેંગ, રાત્રે મેટાડોર(નાનો ટેમ્પો) લઈને એના તબેલા પરથી નિકળી ત્યારે રાતનો દોઢ વાગ્યો હતો.
કામરેજથી સુરત જતો સિંગલ પટ્ટી રોડ સુમસામ હતો.સરથાણાં જકાતનાકા પર એક બે પોલીસ ઉભા રહેતા પણ જોરુભાને ખાતામાં ઓળખાણ હતી,અને જોરુભા ત્યાંથી જ સાથે આવવાના હતા એટલે ચિંતા નહોતી.રામો એનું બુલેટ લઈને સરથાણા જવા નીકળ્યો હતો. મેટાડોરમાં ગ્રીલ કાપવાના કટર, અને તિજોરી ઉપાડવા જરૂરી લાગ કરવા માટે લોખંડના પાઈપ પણ સાથે લેવામાં આવ્યા હતા.
ભીમજી આજની રાત નરશીના કારખાનામાં જ સુઈ રહ્યો હતો. મેટાડોરમાં ડ્રાઇવર અને બીજા બાર જણ સામેલ હતા.સાત રામાના સાગરીતો અને બીજા ચાર જણ ભીમો લાવ્યો હતો.
નંદુડોશીની વાડી તરીકે ઓળખતો એ ઇન્સ્ટિયલ વિસ્તાર કદાચ પહેલા કોઈ નંદુડોશીની વાડી હશે એટલે એ આખો એરિયા એના આ નામથી જ હજુ પણ ઓળખાય છે.
સુરતમાં વરાછા પર પણ વસંત ભીખાની વાડી, માતાવાડી, ગોતાલાવાડી
વગેરે વિસ્તારોમાં આવેલા અનેક બિલ્ડિંગમાં હીરાના કારખાનાઓ ચાલે છે.
નંદુડોશીની વાડી આવો જ એક કોમર્શિયલ એરિયા હતો.ત્રણ કે ચાર માળના લાંબા ગાળા ટાઈપના મકાનમાં આવા હીરાના કારખાનાઓ ચાલતા. કેટલાક મકાનો પહેલા રહેણાંક માટે ઉપયોગમાં લેવાતા હોય એ પ્રકારના પણ હતા.
નરશીમાધાનું કારખાનું જે મકાનમાં ચાલતું હતું એ ચાર માળનું મકાન હતું અને એક જ લાઈનમાં સામસામે આવેલા હારબંધ મકાનોમાં ડાબી બાજુએ બરાબર વચ્ચે આવેલું હતું.
શેરીની શરૂઆતમાં લોખંડનો મોટો ગેટ હતો ખરો પણ એ રાત દિવસ ખુલ્લો જ રહેતો. દિવસે આ શેરીમાં એક બાઇક પણ પાર્ક થઈ શકે એટલી જગ્યા રહેતી નહી. પણ રાત્રે છુટા છવાયા કેટલાક બાઇક અને રિક્ષાઓ પડી રહેતી. એ શેરીના નાકે એક ચાની કેન્ટીન અને પાન માવાની દુકાન હતી.થોડેદુર એક ભજીયા અને વણેલા ગાંઠિયાની એક બે લારી પણ ચાલતી હતી. રાતના બાર થી એક વાગ્યા સુધી બધું ધમધમતું રહેતું.પણ બે વાગ્યા પછી આખો એરિયા સુમસામ બની જતો.1990 આજુબાજુ
ના એ સમયગાળામાં હજુ સીસીટીવી કેમેરા એટલા ચલણમાં આવ્યા નહોતા.
એટલે કારખાનેદારો મોટેભાગે પોતાના માલની અને જોખમી ચીજોની સિક્યુરિટી પોતાની રીતે જ કરતા. ગોદરેજની તિજોરી
તોડવી કે ઉઠાવી જવી એ લગભગ અશક્ય હતું. એટલે મોટાભાગના કારખાનામાં જોખમ આવી તિજોરીમાં સેફ ગણાતું. હજુ સુધી આખી તિજોરી
કોઈએ ઉઠાવી હોય એવું બન્યુ નહોતું...!
રામો ભરવાડ જે પઠ્ઠIઓ લાવ્યો હતો એ એકદમ લોંઠકા અને જોરાવર હતા.
લોખંડના જાડા સળીયા અને લાકડીઓ વગેરે આ લોકોએ હથિયાર તરીકે સાથે લીધા હતા.
રાત્રે બે વાગ્યે નરશીના કારખાનાના બિલ્ડીંગ નં 59 પાસે મેટાડોર આવીને ઉભું રહ્યું.રામો ભરવાડ અને જોરુભા રામાના બુલેટ પર આવ્યા.બુલેટ એક બાજુ પાર્ક કરીને મેટાડોરની કેબિનમાં બેઠા. અને ત્રણ જણ એ મકાનમાં પ્રવેશ્યા.અને બાકીના આજુબાજુના કારખાનાઓને દરવાજા બહારથી બંધ કરવા લાગ્યા.જેથી કંઈ અવાજ થાય અને કોઈ જાગી જાય તો પણ બહાર આવી શકે નહી.
મકાન નં 59ની આગળના ભાગમાં નાની ઝાંપલી હતી
અને જમણીબાજુ ઉપરના માળે જવાનો દાદર હતો.
ભોંયતળીએ થોડું પાર્કિંગ હતું.અને બાકીના ભાગમાં ચાલતા કારખાનાનો દરવાજો બંધ હતો. બારીમાંથી ખેમાએ અંદર પંખા ફરતા જોયા એટલે એ સમજી ગયો કે કેટલાક કારીગરો આ કારખાનામાં સુતા હતા. ખેમાએ એ દરવાજો અને ઉપરના માળના કારખાના
ના દરવાજા બહારથી બંધ કર્યા. નરશીનું કારખાનું ત્રીજા માળે હતું. છતાં ખેમાએ ચોથા માળના દરવાજા પણ બંધ કરાવ્યા.આજુબાજુના દસ મકાનોમાં આ ટોળકી તરત જ ફરી વળી. તમામ કારખાનાઓના મેઈન દરવાજા બહારથી બંધ કર્યા પછી એક જણે આખી શેરીની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ કરી દીધી.રામાની ટોળીમાં દરેક બાબતોનો જાણકાર હોય એવો એક જણ હતો.જે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ કામકાજ કરી શકતો.
ત્રીજા માળે આવેલા નરશીના કારખાનાનો દરવાજો ખેમાએ ખખડાવ્યો એટલે આ લોકોની રાહ જોઇને જાગતા રહેલા ભીમજીએ તરત જ દરવાજો ખોલ્યો.
લગભગ આઠ થી દસ કારીગરો કારખાનામાં સુતા હતા.ભીમાએ રાત્રે મોડે સુધી એ લોકોને પરાણે પાને(ગંજીપત્તા) રમાંડ્યાં હતા. ત્યારબાદ બધા કારીગરોને વણેલા ગાંઠિયા અને ઘેનની ટિકડીઓ નાખેલી ચા પીવડાવી હતી.એટલે આ લોકો ઉઠવાના નહોતા..
ત્રીજા માળે આવેલા આ મોટા હોલમાં આગળના ભાગે હીરાને ઘાટ કરવાના લેથ મશીનના બાંકડા હતા. ત્યારબાદ આખા હોલમાં હીરા ઘસવાની ઘંટીઓ હતી. આ ઘંટીઓ વચ્ચેની જગ્યામાં કારીગરો સુઈ રહેતા.
દરવાજાની જમણી તરફ ઓફિસનો દરવાજો પડતો હતો.એ દરવાજાને લગાવવામાં આવેલી કોલેપ્સીબલ ગ્રીલને મોટું રિંગ તાળું મારેલું હતું.અને ઓફિસના દરવાજાના જાડા હાલડ્રાફ્ટ પર પણ એવું જ મોટું રિંગ તાળું લટકતું હતું.આ સિવાય દરવાજામાં કી હોલ પણ હતો જે અંદરની બાજુથી પણ દરવાજો લોક હોવાનું દર્શાવતો હતો. હોલ તરફ આવેલી બારીઓ પણ ગ્રીલથી સુરક્ષિત હતી.
સૌ પ્રથમ ગ્રીલનું લોક તોડવા ભીમાએ આરી પાનું ખેમાને લાવી આપ્યું. આ ખેમો પણ વીરજી ઠૂંમરના કારખાને તળીયા મારતો હતો. દિવસમાં બે થી ત્રણ હીરા બનાવતાં ખેમાંથી એના પરિવારનું ભરણપોષણ થતું નહીં એટલે એ આવા આડા અવળા કામો કરીને કમાઈ લેતો.ખેમાએ વધુ અવાજ ન થાય એ રીતે ગ્રીલનો નકુચો કાપવા માંડ્યો. ભીમાએ ટોર્ચ પકડી રાખી.
રામાં ભરવાડે ખૂબ વિચારીને આયોજન કર્યું હતું. લોક તોડવા અને ગ્રીલ તોડવાનું કામ ત્રણ જણને સોંપવામાં આવ્યું હતું. ચાર જણ આજુબાજુમાંથી કોઈ આવી ન જાય એનું ધ્યાન રાખતા હતા. જે બુદ્ધિ કરતા બળ વધુ કરી શકતા હતા એ છેલ્લે તિજોરી ઉપાડવાના હતા.
પાંચ મિનિટમાં જ ખેમાએ ગ્રીલનો લોક મારેલો નકુચો કાપી નાખ્યો.અને કોલેપ્સીબલ ગ્રીલને એક બાજુ ધકાવીને દરવાજાના નકુચા પર આરી ઘસવા લાગ્યો..
એ નકુચો કપાઈ રહ્યો એટલે હવે અંદરની બાજુએ મારેલું લોક ખોલવું જરૂરી હતું. એ લોક ખોલવા માટે દરવાજામાં એક કી હોલ હતો.એમાં ચાવી નાખીને અંદરનો લોક ખોલી શકાતો. ભીમાએ એ પણ જોયું હતું કે ગોરધન આ લોક બે ચાવીથી બંધ કરતો હતો.પહેલી ચાવીથી બે અને બીજી ચાવીથી બાકીની ત્રણ કળ બંધ થતી.એટલે એ લોક તોડવું કે ખોલવું અશક્ય હતું.
ખેમાએ શારડી વડે દરવાજાના જે ભાગમાં લોકનો કી-હોલ હતો એની આસપાસ ત્રણ ઈંચ જગ્યા છોડીને એકદમ બાજુ બાજુમાં હોલ પાડવાનું શરૂ કર્યું. ડ્રિલમશીનનો અવાજ ખૂબ મોટો હોય એટલે ખીમો શારડી વાપરતો. એકજણ ઝડપથી બે હાથે વલોણું ફેરવે તેમ શારડીના દોરડા ખેંચીને ફેરવવા લાગ્યો. બારસાખની બાજુમાં જેટલા ભાગમાં એ મજબૂત લોક હતો એની આસપાસ શારડી વડે લાઈનમાં હોલ પાડી દીધા પછી શરૂઆતના બે હોલ વચ્ચેની જગ્યા પર પણ હોલ પાડીને આરીપાનું જાય એટલી જગ્યા ખેમાએ કરી. ત્યારબાદ એ જગ્યામાં નાના આરીપાના થી એ ભાગ કાપી નાખ્યો. લોકવાળો એ લંબચોરસ ટુકડો બાકીના દરવાજાથી છૂટો પાડી દીધો અને દરવાજાને ધક્કો મારીને ખોલી નાખ્યો.દરવાજાના જે ભાગ પર લોક મારેલો હતો એ ભાગ બરસાખમાં
ચોંટી રહ્યો.આ ટોળકીએ એક પણ લોક તોડયા વગર ઓફિસ ખોલી નાખી હતી.
ખેમાનું કામ પૂરું થતા પોણો કલાક લાગ્યો હતો.
દરવાજો ખુલી જતા ભીમાએ ગેલેરીમાં જઈ મેટાડોર પર ટોર્ચ ફેકીને વિજય સંકેત મોકલ્યો.
રામો અને જોરુભાની આંખો ખુશીથી ચમકી ઉઠી..
બન્ને ફટાફટ ઉપર આવ્યા. કારખાનાની ઓફિસમાં અંદરની તરફ મોટી બારી હતી. અંદરથી એ બારીમાં કાચ અને બહારથી ગ્રીલ લગાડેલી હતી. ત્યાં કારીગરો સાથે હીરાની લેવડ દેવડ કરવા માટે મુકેલા ટેબલ અને ખુરશી હતા. કાચમાં નીચે હાથ જઈ શકે એવા હોલ હતા. મેનેજરો આ હોલમાંથી કારીગરો સાથે હીરાની લેવડ દેવડ કરતાં. ઓફિસની વચ્ચોવચ્ચ એક બીજું મોટું ટેબલ પણ હતું. ભીમાએ ઓફિસની લાઈટ ચાલુ કરી હતી.એક ખૂણામાં મોટી લંબચોરસ તિજોરી પડી હતી..
તિજોરી બહાર કાઢવા માટે વચ્ચેનું મોટું ટેબલ હટાવવું પડે તેમ હતું.
ચાર જણે એ ભારે ટેબલ ઉંચકીને એકબાજુ બારી તરફ પડેલી રિવોલ્વવીંગ ચેર બહાર કાઢીને ખસેડયું. છતાં તિજોરી બહાર કાઢી શકાય એટલી જગ્યા થઈ નહીં.આ ટેબલ બહાર કાઢવામાં આવે તો જ તિજોરી બહાર નીકળે તેમ હતું. અને દરવાજા કરતા ટેબલ મોટું હતું. કારણ કે ઓફિસનું ફર્નિચર તિજોરી અંદર આવ્યા પછી બનાવેલું હતું.
રામો મુંજાયો.એણે જોરુભા સામે જોયું. જોરુભા પણ એ જ વિચારતો હોય એમ બોલ્યો
"ટેબલ બા'ર કાઢવું પડે..નકર મેનત માથે પડશે.
જલ્દી કરો..ત્રણ તો વાગવા આવ્યા છે.."
"પણ આ ટેબલ બા'ર કાઢવા આ દરવાજાવાળી દીવાલ તોડવી પડે. અને ઈ દીવાલ આરી અને કરવતથી નો ટુટે..ઘણ મારવા પડે..અને ઘણ મારવા ઈમપોઝલ છે.."રામો ઇમ્પોસીબલ પોતાની રીતે બોલતો હતો.
જોરુભા પણ વિચારમાં પડી ગયો. ભીમા અને ખેમાં સહિતના બધા જ નિરાશ થઈને ઉભા રહ્યા..
"એક કામ કરો..ઝડપથી આ ટેબલ નોખું કરીને બહાર કાઢો એટલે જગ્યા થાય..."જોરુભાએ દિમાગ લગાવ્યું.
ચાર જણાએ ટેબલને ઊંધું કરીને પ્લાય હચમચાવીને ટેબલના પાયા ખેંચી કાઢ્યા. અને કાટખૂણે મારેલા લાકડાના સ્પોર્ટની ખીલીઓ પક્કડથી ખેંચી કાઢી. દસ મિનિટમાં ટેબલ નાની મોટી પ્લાયના પાટીયા બની ગયું.ટેબલના ડ્રોઅર માંથી કેટલાક હીરાના પેકેટ મળ્યા. ભીમાએ, એ પેકેટ જોરુભાને આપી દીધા.
તિજોરી ધાર્યા મુજબ જ ખૂબ વજનદાર હતી. ચાર જણે બળ કરવા છતાં એની જગ્યાએથી એક ઇંચ પણ ન હલી..!
ફરીવાર નિરાશા ફરી વળી..રામો ભીમાને ખીજાયો, "આ તારી મા હલતી પણ નથી.."
"રામાં ઇમ રાડ્યું ના પાડ. ઈ બિચારો શુ કરે.. તિજોરીને ક્રેન વડે અહીં ચડાવવામાં આવી છે. દાદર કરતા પણ મોટી છે એટલે દાદરમાંથી નીચે ઉતારી શકાશે નહીં..ક્રેન વડે જ આ તિજોરી ઉંચકીને મેટાડોરમાં મુકવી પડે..અથવા દોરડાં બાંધીને ઉચકવી પડે.." જોરુભાએ કહ્યું..
"તમેય ઠીક લાગો છો..ક્રેન બોલાવવા જાવી સે..? ''
રામો મુંજાતો હતો..
"ઓલ્યા પઠ્ઠાવને બોલાવો..
બળ તો કરાવો.. આંય થી ઉપાડીને ઠોકો નીચે..પછી ઉપાડીને મેટાડોરમાં ચડાવી દેવાશે.."
મેટાડોરમાં બેઠેલા ચાર અને ભીમા-ખેમાં સહિત છ જણે ખૂબ બળ કરવા છતાં તિજોરી એક ઇંચ પણ એની જગ્યાએથી ખસી નહીં..
"ઓલ્યા પાઈપ લઈ આવો..અને કોથળા લઈ આવો..''જોરુભાએ સૂચન કર્યું..એક જણ નીચે દોડ્યો. લોખંડના જાડા બે પાઈપ તિજોરીની પાછળ ભરાવીને લાગ કરવામાં આવતા તિજોરી ત્રાંસી થઈ.. એટલે બકીનાઓએ પણ બળ કર્યું અને આગળ પાથરેલા કોથળા પર ધડિંગ અવાજ સાથે આડી પડી ગઈ.
સાથે લાવેલા જાડા દોરડાં તિજોરી પર વીંટાળીને તેના છેડા આગળથી ચાર જણ ખેંચવા લાગ્યા અને પાછળથી બીજા ધક્કો મારવા લાગ્યા..
તિજોરી દરવાજામાંથી ખેંચીને બહાર કાઢવામાં આવી..જો દાદરની પહોળાઈ વધુ હોત તો દાદરમાંથી તિજોરી ઉતારવાની સરળ રહેત..પણ હવે તિજોરી ઉંચી કરીને દાદર પાસેના રમણાની દીવાલ પર ચડાવવી પડે અથવા એ દીવાલ તોડવી પડે.અને દીવાલ તોડીને પણ જો તિજોરીને નીચે ફેંકવામાં આવે તો પણ જમીન પર પડેલી તિજોરી ઉંચકીને મેટાડોરમાં ચડાવવાનો પ્રશ્ન તો હતો જ !
" રામાં..દીવાલ ઉપર પણ જો ચડાવી નહીં હકો તો
હેઠેથી ઉસી કરીને ટેમ્પામાં ચેવી રીતે સડાવશું..?" ખેમાએ પરસેવો લૂછતાં કહ્યું..
"ખેમાની વાત હાચી છે.." બળ કરીને થાકેલો ભીમો પણ લબડી ગયેલી મૂછો સરખી કરતા બોલ્યો..
"તો સોલાવા તિજોરી ઉપાડવાના હમચાર લઇને ગુડાણો તો ?..આ તારી હમણે કવ ઇ આંય પડતી મૂકીને જાવાનું સે..?" રામો બગાડતો જતો હતો.
રામાની પહેલેથી જ ઈચ્છા નહોતી..કારણ કે તિજોરી ખૂબ જ વજનદાર હોય છે એ જાણતો હતો..અને રૂપિયા સામે જોખમ પણ હોવા છતાં તિજોરી ઉઠાવી જવી સાવ અશક્ય હતી..
"રામાભાઈ, તમે જીમ ફાવે ઇમ નો બોલો..મેં કંઈ તમને માના હમ નોતા દીધા.. તમનેય સાત હાથની સળ હતી..વાંકુ તો વળવું નથી અને રાડ્યું જ ઠોકો સો..!"
ભીમો બળ કરી કરીને થાકી ગયો હતો.અને આ આખો આઈડિયા એણે આપેલો એટલે સૌથી વધુ બળ એ કરતો હતો..
ભીમો સામું બોલ્યો એ રામાને બિલકુલ માફક આવ્યું નહોતું..
''તારી જાતનો ભીમલો મારું..##ડીના..મારી સામું ચીમ બોલ્યો..નિસ@#$..
એક અડબોથ ભેગો પાડી દશ..''
"જોરુભા..આ ગોબાને કઈ દ્યો..મને ગાળ નો દે..ઇની માને, અમને'ય ગાળ્યું બોલતા આવડે સે..પણ સું કામ કરવા આયાં સવી ઈનું ભાન સે અમને...માય ગીયું
તમારે ઉતારવી હોય તો ઉતારો..આ તિજોરી..હું કંઈ ગાળ્યું ખાવા નથી આયો.."એમ કહી એ દાદર ઉતરવા લાગ્યો..
આ બન્નેનો ઝગડો જોઈને જે બળ કરતાં હતાં એ બે ભાગમાં વહેંચાઈ ગયા..ભીમાના ચાર અને સાત માણસો રામાના હતા એ સામસામે ઉભા રહી ગયા.ભીમો દાદર ઉતરી ગયો એટલે પેલા ચારેય પણ ભીમા પાછળ દાદર ઉતરવા લાગ્યા.
બાજી બગડેલી જોઈને જોરુભાએ તરત જ કેસ હાથમાં લઈ લીધો..
''અલ્યા.. રામા તું યાર પત્તર ઠોકયમાં..છાનોમાનો ઉભો રે ને ભાઈ..'' પછી ભીમા પાછળ ધીમેથી રાડ પાડી, ''એઇ ભીમલા.. પાછો વળ્ય,નકર મજા નહીં આવે..હાલ્ય હવે ઇ ગાળ નહીં દયે.."
ભીમજી ડોળા કાઢતો કાઢતો ઉપર આવ્યો..
"રામાભાઈ તું ગાળ બોલતો નઈ મેં'રબાની કરજે..આ કીધું તને..."
રામો ઘડીભર એને તાકી રહ્યો. આખલો બકરાને ગોથું મારવાની તૈયારી કરતો હોય એમ એણે નસકોરા ફુલાવ્યાં..
"ભેન ઠોકનાવ... છાનીમાનીના કરતા હોય ઇ કરો..નકર બધું પડતું મૂકીને હાલતીના થાવ..હાલ્ય એઇ રામલા તું નીચે જા..તારી આયાં જરૂર નથી.."જોરુભાએ ખિજાઈને કહ્યું એટલે રામો દાદર ઉતરીને નીચે ગયો.
"ખેમાં આ પારાફીટ તોડી નાખો એટલે આ ગેલેરી માંથી તિજોરી નીચે ઠોકવાની છે...પછી જે થાય ઈ જોયું જશે.. હાલો જલ્દી કરો..પોણા ચાર થાવા આવ્યા સે..ઝટ કરો.."રામો ગયો એટલે જોરુભાએ કેસ હાથ પર લીધો.જોરુભા મિનિટે મિનિટનો હિસાબ રાખતો હતો.
ખેમો દાદરના પગથિયાં ઠેકતો ઠેકતો નીચે ગયો..
મેટાડોરમાંથી નાનો હથોડો અને શીણી લઈ આવ્યો.. ખેમાનું આ લક્ષણ સારું હતું. એ ક્યારેય કોઇને કામ ચીંધતો નહીં..
મિનિટોમાં ખેમાં અને ભીમાએ ગેલેરીની ત્રણ ફૂટ ઊંચી પારાફીટની દિવાલમાં નીચે ચાર ફૂટ પહોળાઈમાં બાકોરા પાડ્યા.કેકમાં છરી વડે લંબચોરસ ટુકડો કાપી લેવામાં આવે એ રીતે એ દિવાલનો ચાર ફૂટ ભાગ કાપીને ગેલેરીમાં ખેંચી લેવામાં આવ્યો.કારણ કે દિવાલનો એ ભાગ જો ત્રીજા માળેથી જમીન પર પડે તો ખૂબ મોટો અવાજ થાય અને કોઈ જાગી જાય અને તીજોરી કદાચ ફેંકવી પડે તો ફરીવાર મોટો અવાજ થાય..આ બધા જોખમોથી જોરુભા અને રામો બેખબર નહોતા.
ગેલેરીની દિવાલના એ ચાર ફૂટ ભાગ સુધી કોથળા પર રાખેલી તિજોરી ખેંચી લાવવામાં આવી. ત્રીજા માળેથી આટલી વજનદાર તિજોરી જમીન પર પડે તો એનો ધમાકો થયા વગર રહે નહીં. એક જણે સીધી જ મેટાડોર ટેમ્પામાં નાખવાની વાત કરીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું..
"તારો ડોહો ટેમ્પો ભાંગીને ભુક્કો થઈ જાય.."ભીમાએ ખિજાઈને પેલા અડબંગને કહ્યું.
"એક કામ કરો..દોરડાથી ચારેય બાજુથી તિજોરી બાંધી દો.. પછી ધીરે ધીરે નીચે દોરડું સરકાવો.. ઓફિસની ગ્રીલ વચ્ચેથી દોરડું નીચે તરફ ખેંચી રાખો ચારે ચાર છેડે ત્રણ ત્રણ જણ પકડી રાખો..જો તિજોરીને આપણે હવામાં તોળી રાખી શકીએ તો કામ થઈ જશે.." જોરુભાએ પોતાના દિમાગનો ફરીવાર પરિચય આપ્યો.
જાડા દોરડાઓ તિજોરી ફરતે વીંટાળીને ચાર છેડા કાઢવામાં આવ્યા. લોખંડના પાઈપ તિજોરી નીચે ભરાવીને તેને બહાર સરકાવવામાં આવી. ચારે ચાર છેડે પેલા જોરાવર લઠ્ઠ જેવા માણસો તિજોરીને ઓફિસના દરવાજાની ગ્રીલમાં દોરડાનો એક આંટો વીંટાળીને ધીરે ધીરે સરકાવી રહ્યાં હતાં.
આખરે જોરુભાએ રામાને પણ ઉપર બોલાવ્યો. બાર જણ તિજોરીને દોરડાથી ખેંચી રહ્યાં હતાં. જોરુભા અને રામાએ લોખંડના પાઈપ તિજોરી નીચે ભરાવીને ધીરે ધીરે બહાર ધકેલી. આખરે તિજોરીનો એક ખૂણો જ ગેલેરીમાં રહ્યો ત્યારે રામાએ બધાને હાકલ કરી..
"એક..બે..ત્રણ..જેમાતાજી
ઝાલજો.. જોર રાખજો.."
કહીને તિજોરીને આખરી ધક્કો માર્યો..બાર જણના મજબૂત બાવડામાં પકડાયેલી રસ્સીની જોળીમાં તિજોરી ટીંગાઈ રહી..!
"શાબાશ..મારા વાલીડા..
શાબાશ શાબાશ..'' જોરુભાએ પણ પાનો ચડાવ્યો..
ધીરે ધીરે ચારેય છેડા સરકાવીને તિજોરી ધીમે ધીમે નીચે આવી રહી હતી.એટલે ડ્રાઈવરે ટેમ્પો નીચે ગોઠવી દીધો..
ટેમ્પાની લોખંડની સપાટીને જ્યારે તિજોરીએ સ્પર્શ કર્યો ત્યારે આખી ટોળકીના આનંદની સીમા રહી નહીં..
ચોરીની દુનિયામાં કોઈએ ન કર્યું હોય એવું સાહસ ખેડીને રામાં ભરવાડની ટોળકીએ નરશી માધાના કારખાનામાંથી આખી તિજોરી ઉઠાવી લીધી હતી...
ફટાફટ એ તમામ પઠ્ઠાઓ નીચે ઉતરીને મેટાડોરમાં ચડી ગયા..રામાએ બુલેટને કીક મારી અને જોરુભા બુલેટની પાછળ બેસવા ગયા ત્યાં એમણે ભીમાને મેટાડોરમાં ચડેલો જોયો.
શેરીની તમામ લાઈટ બંધ હતી પણ ત્રીજા માળેથી નરશીની તૂટેલી ઓફિસમાંથી પ્રકાશ નીચે રેલાતો હતો..
"અલ્યા ડોફા..તું શું કામ ટેમ્પામાં ચડ્યો છો..હેઠીનો ઉતર..અને છાનીમાનીનો ઓલ્યા કારીગરો ભેગો જઈને સુઈ જા.. બધા જાગે તો પણ તું ઘોરતો જ રેજે...જા..આમ.." જોરુભાએ કહ્યું.
"પણ તિજોરીમાંથી કેટલો માલ નીકળે ઈ.." ભીમાને તિજોરી તૂટે ત્યારે હાજર રહેવું હતું..કારણ કે એને રામાં ભરવાડ પર વિશ્વાસ ન્હોતો..
"તિજોરી બધાની હાજરીમાં જ તોડશું..પણ જો સવારે તું આયાં નહી હો તો તારી ઉપર શંકા પડશે. પોલીસવાળા તારા ગુડા ભાંગી નાખશે..મારી મારીને..જા..મારી ઉપર ભરોસો રાખજે.તારી મેનત એળે નઈ જાય.."
જોરુભાની વાત સાંભળી ભીમાને સમજણ પડી.એ રાત્રે કારખાનામાં હાજર હતો.અને સવારે તિજોરી સાથે ગુમ થાય તો એની ઉપર શંકા પડ્યા વગર રહે નહીં.
ભીમો કમને ઘેનની અસર નીચે ઊંઘી રહેલા કારીગરો વચ્ચેની પોતાની પથારીમાં પડ્યો. પણ એને ઊંઘ આવતી નહોતી..!
તિજોરી ઉઠાવીને મેટાડોર નંદુડોશીની વાડીમાંથી બહાર નીકળ્યું ત્યારે ચાર વગીને વીસ મિનિટ થઈ હતી. આ લોકોના કોલાહલથી કેટલાક કારીગરો જગ્યા હતા પણ ઘણીવાર હીરાની ઘંટીઓ અને તિજોરો જેવો ભારે સમાન રાત્રે જ ફેરવવામાં આવતો હોય છે એટલે કોઈને ખાસ કુતુહલ થયું નહોતું. આમ પણ આખો દિવસ ઘંટી સાથે બથોડા લઈને કારીગરો ખૂબ થાકી જતા હોય છે.એટલે કોઈના સમાનની હેરફેર જોવા કોઈ પોતાની ઊંઘ બગાડે નહીં અને વહેલી સવારની નિંદ્રા વધુ ગાઢ હોય છે.આવી ઝીણી બાબતો પણ જોરુભા જાણતો. એટલે આ પરાક્રમનો સમય પણ એવો જ પસંદ કરવામાં આવ્યો હતો. મેટાડોર સીધું જ રામાના તબેલા પર લઈ જવામાં આવ્યું.
મેટાડોરમાં રામાના તબેલા પરથી ઢોરને ખવડાવવાની કડબ ભરવામાં આવી. જેથી તિજોરી કોઈ જોઈ ન શકે.
ખેમો અને ટેમ્પાનો ડ્રાઈવર કાઠિયાવાડના માર્ગે પડ્યા..
એક મહિના સુધી કોઈએ એકબીજાને ન મળવાનું નક્કી કરીને જોરુભા અને રામાં સહિત બધા જ પોત પોતાના ઘેર જઈને સુઈ ગયા..!

(ક્રમશ :)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED