મારી ચૂંટેલી લઘુકથાઓ - 61 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 61

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

આબરૂની કિંમત

મલ્ટીનેશનલ કંપનીમાં છ દિવસ તનતોડ મહેનત કર્યા બાદ રવિવાર ઘનશ્યામ માટે પગ લાંબા કરીને આરામ કરવાનો દિવસ હોય છે. પરંતુ આ દિવસની સાંજ પર એનો કોઈજ અધિકાર નથી હોતો. આ સાંજ પત્ની અને બંને બાળકોની હોય છે. ક્યારેક મલ્ટીપ્લેક્સ તો ક્યારેક મોલ તો ક્યારેક ઇન્ડિયા ગેટ કે પછી બોટિંગ ક્લબ.

આજે આ બધા ‘સ્ટ્રીટ ફૂડ કાર્નિવલ’ માં ચાટ અને પકોડીની મજા લેવા માટે આવ્યા છે. પેલું કહેવાય છેને કે ‘હૈયેહૈયું દળાય’ તેનો અનુભવ કરતા કરતા બાળકો અને પત્ની અહીંની રોશનીથી અભિભૂત થયેલા જોવા મળે છે. જુદાજુદા પ્રકારના વ્યંજન, ચાટ-પકોડી, રબડી-ફાલુદા, દૂધ-જલેબી, પાઉભાજી-ચાઉમીન, માખણના પોપકોર્ન... એવું લાગે છે કે દિલ્હીના બધાજ જાણીતા હોટલ અને રેસ્ટોરાંવાળાઓએ અહીંજ પોતાની દુકાન ખોલી નાખી હોય.

પત્ની અને બાળકો એક સ્ટોલ પર ઉભા રહ્યા તો ઘનશ્યામના પગ પણ ત્યાંજ સ્થિર થઇ ગયા. ‘અગ્રવાલ ચાટ ભંડાર’ આ નામ તો બહુજ સાંભળ્યું હતું. કહેવાય છે કે અહીં પાંચ જાતની પાણીપુરી, કલમી વડા અને ગુજીયા પકોડીએ આખા શહેરને ગાંડું કરી રાખ્યું છે.

એક તરફ બે નોકર ચાટ પકોડીના પાંદડા બનાવી રહ્યા છે તો બીજા બે નોકર લોકોને પાણીપુરી ખવડાવી રહ્યા છે. ભીડ તો એટલી બધી છે કે જાણેકે અહીં બધું મફતમાં મળી રહ્યું હોય, જો કે ગામ કરતા અહીંના ભાવ લગભગ બમણા છે તેમ છતાં! ઘનશ્યામ બાળકો અને પત્નીની ઈચ્છા જાણીને ટોકન લેવાની લાઈનમાં ઉભો રહી ગયો છે.

કાઉન્ટર પર પહોંચ્યો ત્યારે સામે ગલ્લા પર સફેદ ઝભ્ભો અને ધોતિયું પહેરેલા વ્યક્તિને જોઇને તે અચાનક જ ચોંકી ઉઠ્યો. ‘અરે! આ તો ઘાસીરામ છે જે ગામડામાં પાંચમાં ધોરણ સુધી તેની જોડે ભણતો હતો અને જેનો બાપ ગામડાના નાનકડા બજારમાં એક દુકાનની સામે ચબુતરા પર ખુમચો લઈને બેસતો હતો.’

‘અરે ઘાસીરામ તું...?” તેણે એને ઓળખી લીધો.

“અરે વાહ! ઘનશ્યામભાઈ તમે?” સામેથી આવેલા અવાજે પણ એની ઓળખ પાક્કી કરી લીધી છે.

“આ અગ્રવાલ ચાટ ભંડાર...?”

“આપણું જ છે!”

“પણ તું તો...?” એ પોતાના પ્રશ્નને રોકી ન શક્યો.

“બધું ચાલે રાખે ઘનશ્યામભાઈ.” એ એકદમ લાપરવાહીથી જવાબ આપે છે.

“કેમ બાળકોનું નુકશાન કરે છે? થોડું ભણી લેશે તો તને જે કોટા મળે છે એમાંથી ઓફિસર બની જશે.” એ પોતાની વાત કહ્યા વગર રહી શકતો નથી.

“એની ચિંતા શું કરવા કરવાની ભાઈ, આપણો આ ધંધો છે ને? અને પછી સમાજમાં આપણી આબરુની કિંમત પણ હોય ને?”

પાછળ લાઈનના દબાણને લીધે તે ત્યાંથી હટી જાય છે. પત્ની અને બાળકો એની રાહ જોઈ રહ્યા છે.

“અરે શ્યામુ! સાહેબ જે કહે એને સ્પેશિયલ ખવડાવજે, આપણો લંગોટીયો દોસ્ત છે.” ઘાસીરામ પોતાના નોકરને આદેશ આપી રહ્યો છે. ઘનશ્યામના પગલાં પત્ની અને બાળકોની તરફ વધી રહ્યા છે.

***