રસોઇમાં જાણવા જેવું
ભાગ-૧૬
સંકલન- મિતલ ઠક્કર
રસોઇમાં ગૃહિણી અવારનવાર નાના-મોટા પ્રયોગ કરતી રહે છે. કોઇ વાનગીમાં એક નવો મસાલો કે વસ્તુ પણ તેના રંગ અને સ્વાદને સારો બનાવે છે. સમોસાનો લોટ બાંધતી વખતે જો એમાં લીંબુના રસના બે-ચાર ટીપાં નાખી દો તો એ ક્રિસ્પી બને છે. કેક બનાવતી વખતે જો એમાં દોઢ ચમચી જેટલી પીસેલી બદામ ભેળવો તો એનો સ્વાદ વધી જાય છે અને નરમ પણ બને છે. તમે પણ રસોઇમાં આવું સંશોધન કરી શકો છો. રસોઇમાં આવા નાનકડા ફેરફાર તમારી રસોઇનો સ્વાદ બદલી શકે છે. આવી જ કેટલીક જાણકારી અહીં રજૂ કરવામાં આવી છે.
* ખમણીને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેના પર કાંદા-કાકડી અને મસાલો નાખી શકાય છે.
* પૌંઆને વઘારતી વખતે રાઇનો વઘાર કર્યા પછી જો તેમાં થોડી વરિયાળી નાખવામાં આવે તો સ્વાદ વધી જાય છે.
* ઉસળ પાઉંમાં તમે પાંઉને બદલે પાણીપૂરીવાળી પૂરીનો ઉપયોગ કરી શકો છો. પાણીપૂરીને ઉપરથી સહેજ તોડી એમાં બટાકાનું પૂરણ, સેવ અને ફુદીનાની તીખી ચટણી અને સાથે વઘારેલા મઠ નાખીને ખાઇ શકાય.
* દૂધ પૌંઆ ઉપર વેનિલા આઇસ્ક્રિમ નાખીને ખાવાથી તેના સ્વાદની રંગત વધી જાય છે.
* દહીં જો વધારે ખાટું થઇ ગયું હોય તો એને ફેંકી દેવાને બદલે કઢી લીમડાના છોડમાં ખાતર તરીકે નાખો. આમ કરવાથી તેના સ્વાદ અને સુગંધમાં વધારો થશે.
* ચોપિંગ બોર્ડ પર બેક્ટેરિયા બને છે એટલે તેને અમુક સમય પછી બદલી નાખવું જોઇએ.
* ઘઉંની બ્રેડ બનાવતી વખતે લોટને જેટલો વધુ ગુંદવામાં આવશે એટલી જ બ્રેડ નરમ બને છે. એ વાતનું ધ્યાન રાખવાનું કે તે રોટલી માટે બાંધવામાં આવતા લોટ કરતાં વધુ ઢીલો રહેવો જોઇએ. અને બ્રેડ બનાવવા માટે તાસકનો ઉપયોગ કરવાને બદલે સીધી પ્લેટફોર્મના પથ્થર પર બનાવવાથી વધુ સારી બનશે.
* ખમણ ઉપર જો દહીંનો વઘાર કરીને નાખવામાં આવે તો તેનો અલગ ખાટો-મીઠો સ્વાદ આવે છે. ઠંડું દહી નાખીને ખાવાની પણ મજા આવે છે.
* ગાજરના હલવામાં વૈવિધ્ય લાવવા દૂધને બદલે બદામ દૂધ અને ઘીના સ્થાને સ્નફ્લાવર તેલ વાપરી શકો છો.
* સાદા પરાઠા ઉપર જો પાલક, મેથી કે કોથમીરની ભાજી ચોપડવામાં આવે તો રંગ સરસ આવે છે અને વધુ પૌષ્ટિક બને છે. આ ઉપરાંત અજમો ભભરાવો તો ગેસની સમસ્યા થતી નથી. તલ નાખીને પણ તેનો અનોખો સ્વાદ માણી શકાય છે.
* વઘારેલા મમરામાં આમચૂરનો પાઉડર નાખવાથી તેનો સ્વાદ ઘણો વધી જાય છે.
* પલાળેલા કઠોળને બાફીને હવાચુસ્ત ડબ્બામાં ભરી ફ્રિઝમાં રાખવાના. એનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. કઠોળ બનાવવાની ૩૦ મિનિટ પહેલાં ડબ્બાને ડિપ ફ્રિઝરમાંથી કાઢી રાખવાનો અને પછી વઘાર કે મસાલો કરીને ઉપયોગમાં લઇ લેવાથી તમારો સમય બચી જશે. બાફેલા કઠોળને ફ્રિઝરમાં બે સપ્તાહ સુધી રાખી શકાય છે. સાબુદાણાની ખિચડી પણ આ રીતે ગમે ત્યારે ખાઇ શકો છો. એ માટે સાબુદાણાને પલાળી લેવાના. પછી તેને નિતારીને ફ્રિઝરમાં મૂકી દો. જરૂર પડે તેને કાઢીને ખિચડી બનાવી લો.
* ઘરે બનાવેલી ગ્રેવી ત્રણ સપ્તાહ સુધી ફ્રિઝરમાં રહે એમ છે. એ માટે કાંદામાં કોપરું છીણીને આદું, આખો મસાલો અને ધાણાનો પાઉડર સાંતળી લો. તે રાંધીને ગ્રાઇન્ડ કરી લો. અને ફ્રિઝરમાં રાખી મૂકો. જો લાલ ગ્રેવી અગાઉથી બનાવવી હોય તો ટમેટાને સાંતળીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો.
* છોલેની ગ્રેવીમાં અથવા પાંઉભાજીની ભાજીમાં જો બ્રેડને ડૂબાડીને તરત બહાર કાઢી લઇ એના પર કાંદા નાખીને લીંબુ નિચોવી લીધા પછી ચાટ મસાલો ભભરાવીને ખાવામાં આવે તો અનોખા સ્વાદનો આનંદ આવે છે.
* કસ્ટર્ડ બનાવતા હોય ત્યારે તેમાં ખાંડ સાથે જો થોડું મધ નાખવામાં આવે તો તેનો સ્વાદ વધી જાય છે.
* શાકનો સ્વાદ વધારવો હોય તો તેની ગ્રેવીમાં થોડી ખાંડ ઉમેરી દેવાની.
* ગ્રેવી અને વાટેલા મસાલાનો સ્વાદ અને રંગ જાળવવા હોય તો ધીમા તાપ પર જ સાંતળવાનું રાખશો.
* મોમોઝ એક ચાઇનીઝ વાનગી છે. પણ સ્વાદ અનુસાર તેમાં ફેરફાર કરીને બનાવી શકાય છે. એવા જ ફ્રાઇડ સબ્જી મોમોઝની રીત જાણી લો. એ માટે બે કપ મેંદો, એક ચમચી તેલ અને તળવા માટે તેલ લઇ લો. પૂરણ બનાવવાની સામગ્રીમાં ઝીણી સમારેલી કોબીજ એક કપ, ગાજર પા કપ અને કાંદો એક કપ લઇ લો. કાંદો મધ્યમ ઝીણો કરવો. લસણની અને આદુંની પેસ્ટ એક-એક ટીસ્પૂન લેવી. જ્યારે મરચાની પેસ્ટ બે ટીસ્પૂન. સોયાસોસ એક ટીસ્પૂન અને જરૂર મુજબ મીઠું લેવું. સૌપ્રથમ એક બાઉલ લઇ એમાં મેંદો, મીઠું અને એક ચમચી તેલ લઇ થોડું થોડું પાણી નાખતા જઇ લોટ બાંધો. લોટને હાથમાં તેલ લઇ મસળી નાખવાનો અને એક કટકો ઢાંકી અડધો કલાક રાખી મૂકવાનો. હવે સ્ટફિંગ બનાવવાની વિધિ કરો. ગેસ પર એક પાનમાં તેલ ગરમ કરીને તેમાં લસણ અને આદું-મરચાની તૈયાર પેસ્ટ નાખો. પછી કાંદા નાખી પારદર્શક થાય ત્યાં સુધી શેકો. ગાજર નાખી ત્રણ મિનિટ શેકો અને કોબીજ નાખી દસેક મિનિટ થવા દો. એમાં સોયાસોસ નાખી ભેળવીને ગેસ બંધ કરી સામાન્ય તાપમાને ઠંડું થવા દો. હવે લોટના ગુલ્લા પાડી ઢાંકી રાખો. અને પછી પૂરી વણી એક-દોઢ ચમચી પૂરણ ભરી મોમોઝનો આકાર આપી તેની કોર વાળી લો. તેને વરાળમાં પાચ મિનિટ અધકચરા બાફો. પછી ઠંડા કરવા મૂકો. હવે એક કઢાઇમાં તેલ નાખી મધ્યમ તાપથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મોમોઝને તળો. અને સોસ કે લાલ ચટણી સાથે ગરમ ગરમ પીરસો. બનાવતી વખતે એ ધ્યાન રાખશો કે પૂરીમાં પૂરણ નાખતા પહેલાં મીઠું નાખીને મિક્સ કરવાનું.
* પનીરની સબ્જી બનાવતા પહેલાં પનીરને કાપીને સીધું તળી લેવાને બદલે ગરમ ઉકળતા પાણીમાં રાખી મૂકવાનું. ૭-૮ મિનિટ રાખવાથી પનીર નરમ બની જશે. અને શાક બનાવતી વખતે ચવ્વડ કે કઠણ બનશે નહીં.
* તમાલપત્રનો ભૂકો કરીને જો વાનગીમાં નાખવામાં આવે તો તેનો સ્વાદ વધી જાય છે.
* ખજૂર અને દ્રાક્ષને મિક્સરમાં ગ્રાઇન્ડ કરતી વખતે જો લીંબુના રસને ભેળવવામાં આવે તો સ્વાદ વધી જશે.
* બ્રેડને વધારે સમય સુધી તાજી રાખવી હોય તો ફ્રિઝમાં નહીં પણ ફ્રિઝરમાં મૂકવાની રાખો.
* ભજીયાને નરમ બનાવવા હોય તો તેના મિશ્રણમાં બે ચમચી તેલ નાખી દેવાનું. ભજીયા સ્વાદિષ્ટ પણ બનશે.