મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
મેઈડ ઇન ચાઈના
ભારતીય લોક મંડળની રંગશાળામાંથી કઠપૂતળીઓનો નાચ જોઇને જ્યારે તેઓ રોમાંચિત થઈને બહાર નીકળ્યા તો ઉદયપુરની શેરીઓમાં સાંજ પગપેસારો કરવા માંડી હતી.
તેમના પગ રસ્તાની સામે પાર ઉભેલી ટેક્સીની તરફ ઝડપથી આગળ વધ્યા જ હતા કે પાછળથી આવેલા પત્નીના અવાજે તેમને રોકી લીધા હતા.
“સાંભળો તો...” એ પાછળ ફર્યા... “આજે તમે તમારા લાડકા દીકરાને તો ભૂલી જ ગયા.” પત્ની બોલી રહી હતી.
“શું?” એ ચોંકી ઉઠ્યા.
“વહુ માટે બંધેજની સાડી અને દીકરા માટે રાજસ્થાની મોજડી તો આપણે આજે સવારે જ ખરીદી લીધી હતી પણ પૌત્ર માટે...”
“ઓહ! ખરેખર તે મને બચાવી લીધો, નહીં તો ઘરમાં ઘુસવાની સાથેજ આપણું કોર્ટ માર્શલ થઇ જાત.”
નજીકમાં જ એક લારીમાં લાકડાના રંગબેરંગી રમકડાં સરસ રીતે સજાવીને મુક્યા હતા. એમની નજર કઠપૂતળીને શોધી રહી હતી.
“શું જોઈએ સાહેબ...?” રેકડીવાળાએ પૂછ્યું.
“તમે કઠપૂતળી નથી વેંચતા?”
“વેંચું તો છું સાહેબ, પણ આજે તો બધીજ વેંચાઈ ગઈ.”
“ઓહ!” એમના મોઢામાંથી નીકળી ગયું અને હાથ લાકડાની ચમકતી કાર તરફ વળ્યો. આ કાર એમની પત્નીને પણ ગમી ગઈ હોય એવું લાગ્યું. આવી કાર એ બંને પોતાની પહાડી અને અન્ય યાત્રાઓમાં બાળકો માટે અગાઉ પણ ઘણી વખત ખરીદી ચૂક્યા હતા.
એક બોક્સમાં બંધ કારની કિંમત જોવા માટે એમણે જેવું તેને હાથમાં લઈને ઉપાડ્યું કે... ‘મેઈડ ઇન ચાઈના’ લખેલા શબ્દો એમને સ્તબ્ધ કરી ગયા અને એમનો હાથ ભારતીય અર્થવ્યવસ્થાના નીચે ઉતરતા ગ્રાફની જેમ નીચેને નીચે જવા લાગ્યો.
***