મારી ચૂંટેલી લઘુકથાઓ - 58 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 58

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

મારું નિવેદન

એ કહે છે કે હું મરી ગઈ છું પણ મને પુરેપુરો વિશ્વાસ છે કે હું જીવતી છું અને મારા પુરેપુરા ભાનમાં હું આ નિવેદન આપી રહી છું. આ બાબતને કારણે અમારા બંને વચ્ચે રાત્રે જ અબોલા થઇ ગયા હતા.

જો હું ખરેખર મરી ગઈ હોત તો અત્યારે તમારી સામે રૂબરૂ કેવી રીતે થઇ શકું? શું મરેલો વ્યક્તિ કોઈ સાથે સંવાદ કરી શકે? જો હું એમ કહું કે હું નહીં પરંતુ એ મરી ચૂક્યો છે તો શું એ એનો સ્વીકાર કરશે ખરો?

એ સાચું છે કે ઘેરાયેલી રાત્રીમાં એ ચાર જાનવરોએ મારો દેહ પીંખી નાખ્યો છે પણ એટલે શું મારે માની લેવાનું કે હું મરી ચૂકી છું? હું જીવતી છું. અને આ સો ટકા સાચી વાત છે અને તેનું પ્રમાણ એ છે કે મેં એ આખી ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવીને આવી છું અને સવારે મારે ફરીથી પોલીસ સ્ટેશને આ જ સંદર્ભમાં જવાનું છે.

“તારે શી જરૂર હતી પોલીસ સ્ટેશને જવાની અને આ બધાની ફરિયાદ નોંધાવવાની?” રાત્રે બધુંજ જાણી લીધા પછી આ તેની પ્રતિક્રિયા હતી.

“તો શું મારે ચુપચાપ બેસી રહેવાનું હતું? મને સતત એવું લાગી રહ્યું હતું કે મારી પીઠ પર જાણેકે કીડીઓ સળવળી રહી છે અને હું મારો હાથ પાછળ કરીને તેને ખંખેરી નાખવા માંગતી હતી પરંતુ મારો હાથ ત્યાં સુધી પહોંચી નહોતો રહ્યો.

“તો હવે આ બધાથી તને શું મળી જવાનું છે?” એક પ્રશ્ન એ તરફથી ઉછળીને મારી પાસે આવ્યો.

“કેમ નહીં...?”

“આ બધું થયા પછી તું હવે મરી ગઈ છો અને મડદાંઓ પાસેથી કશું જ મળતું નથી.”

“તું ખોટું બોલી રહ્યો છે, એક દમ ખોટું. હું જીવતી છું... સો ટકા જીવતી છું. અને જીવતા લોકો લડાઈ કરવાથી ભાગતા નથી.

કદાચ તેની પાસે હવે કોઈજ જવાબ રહ્યો ન હતો. એ મોઢું ફેરવીને બેસી ગયો હતો.

હું ખુરશીમાં ફસડાઈ પડી છું અને મારા જીવિત હોવાનું પ્રમાણ શોધી રહી છું કારણકે આ પ્રમાણ સાથે જ મારે સવાર પડતાની સાથેજ પોલીસ સ્ટેશને જવાનું છે.

***