મારી ચૂંટેલી લઘુકથાઓ - 56 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 56

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

મુક્તિ

રામબાબુના ઘરની સામે શેતરંજીઓ પથરાયેલી છે. તેઓ પોતે એક ખૂણામાં નિરાશ થઈને બેઠા છે. કેટલાક સગાં-સંબંધીઓ પણ તેમની સામે નિરાશવદને બેઠા છે. ઘરના આંગણામાં વૃદ્ધ થઇ ગયેલા લીમડાના એક ઝાડ પરથી અસંખ્ય પાંદડાઓ નીચે પડીને આ શેતરંજીઓ પર પડી રહી છે. આજે ચાલીસ દિવસ બાદ આ ઘરના દરવાજાઓ ખુલ્યા છે.

રામબાબુની પત્ની છેલ્લા ચાલીસ દિવસથી હોસ્પિટલની પથારીએ કેન્સરથી લડતા લડતા જીવન અને મૃત્યુ વચ્ચે લથડીયાં ખાઈ રહી હતી. ક્યારેક વોર્ડ તો ક્યારેક આઈસીયુ. રામબાબુએ આ ચાળીસ દિવસોમાં ક્યારેય પોતાની પત્નીને એકલી છોડી ન હતી. વોર્ડમાંતો પત્નીના બેડની બાજુમાં મુકેલી સેટી જ એમનું સરનામું બની ગયું હતું, આઈસીયુમાં પણ તેઓ ગાર્ડ અને સિસ્ટરની સામે દર કલાકે હાથ જોડીને પત્નીની સામે પોતાની અડધી બીડેલી આંખો સાથે ઉભા રહી જતા હતા.

પત્નીની સાથે અલગ મકાનમાં રહેનારો એમનો એકમાત્ર પુત્ર, મિત્રો-સંબંધીઓ, પડોશીઓ વારંવાર હોસ્પિટલ આવી આવીને થાકી ગયા હતા અને એ બધા પણ રામબાબુની ધીરજ પર આશ્ચર્ય વ્યક્ત કરતા હતા. આ સિત્તેર વર્ષના વૃદ્ધને અચાનક એવી તે કેવી શક્તિ મળી ગઈ છે તેમ તેઓ વિચારતા રહેતા હતા.

હા, પણ હવે એ દૈવી શક્તિ ધરાવતો વૃદ્ધ અત્યારે પોતાના ઘરની બહાર પાથરવામાં આવેલી શેતરંજી પર સાવ ઢીલો થઈને બેઠો છે. એ હમણાંજ પોતાની પત્નીના અંતિમસંસ્કાર કરીને પરત થયો છે.

“ભાઈ રામબાબુ, દુઃખી ન થા. ભાભીનું મૃત્યુ નથી થયું, એમને તો મુક્તિ મળી છે.” રામદયાલ હાથ જોડીને ઉભા થાય છે.

“હા ભાઈ, એ તો ખબર નથી કે તેને મુક્તિ મળી છે કે નહીં, પરંતુ આપણને બધાને જરૂરથી મુક્તિ મળી ગઈ છે.” રામબાબુના હાથ જોડવાની સાથેજ બાકી બચેલા લોકો પણ ઉભા થઇ ગયા છે.

***