કૂબો સ્નેહનો - 23 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 23

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 23

અમ્માનો બદલાયેલો ભાવપલટો કળી ગયેલો વિરાજ હૈયે અધમણ ભાર સાથે, દિક્ષાને ખુશ કરવા માઉન્ટ આબુ જવા તો નીકળ્યો, પણ ઉદાસી એને ઘેરી વળી હતી. સઘડી સંધર્ષની....

❣️કૂબો સ્નેહનો ❣️

વહેલી સવારે એલાર્મ સાથે તવેથો ખખડવાના અવાજે વિરાજને સફાળો બેઠો કરી દીધો હતો. રસોડામાં અજવાળું જોઈને એ તરફ દોડ્યો, થેપલાંની સુગંધથી ઘર મહેંકી ઉઠ્યું હતું. અમ્માએ સાથે લઈ જવા માટેના નાસ્તાની તૈયારીઓ આદરી દીધી હતી. 'કેટલા વર્ષો પછી વહેલી પરોઢે રસોડું ખુલ્યું છે.. એક વાર બાપુ સોમનાથ દર્શને ફરવા લઈ ગયેલા ત્યારે આમજ અમ્માએ ઘણા બધા નાસ્તા સાથે લઈ લીધાં હતાં. બાપુને સુખડી બહુ ભાવતી!! અમ્માએ સુખડી, તીખી પુરી, થેપલાં..' રસોડા સુધી પહોંચતાં કેટલાયે વિચારોની ઘૂમરી ફરી વળી હતી. બંને એકમેકને જોઈને મંદ મંદ સ્મિત આપ્યું. એક જ સરખા વિચારો બેઉંને ઘેરી વળ્યાં હતાં એ ચોખ્ખું જણાઈ આવતું હતું.

થેપલાં બનાવતાં અમ્માને જોઈને મન મસ્તિષ્કમાં લાગણીનો પડઘો ગુંજી ઉઠ્યો હતો. પાછળથી અમ્માને આલિંગન આપી, ખભે માથું મૂકીને વિરાજે કહ્યું,

"અમ્મા તમે કહેશો તો જ અમેરિકા જવાની તૈયારી કરીશ. તમને દુઃખી કરીને આગળ વધવા નથી માંગતો."

"હું ખુશ છું વિરુ.. મેં વિચારી લીધું છે, મારે તને ના રોકવો જોઈએ. અત્યારે.. સમય છે તારે પોતાને સાબિત કરવાનો અને ઉંમર છે કામ કરવાની તો કેડ્ય બાંધીને જેટલું થાય એટલું કામ કરી લે. ઉડ ખુલ્લા આકાશમાં.. ઉગી જા હૈયે ભીની સંવેદનાઓ ભરીને.. મારા આશીર્વાદ તારી સાથે છે."

"અમ્મા તમે પેલું ગીત ગાતાં હતાં ને એ સંભળાવોને!! આજે બહુ મન છે.." રસોડાની આડશે સાંભળી રહેલી દિક્ષા ગળગળી થઈ ગઈ હતી. અમ્મા હરખાઈને ગીત ગણગણવા લાગ્યા.

હળવેથી લખી કંકોતરી હૈયામાં..
આંખ નીચોવી જાન જોડી એની જાણમાં..
મ્હેંકી ગીતોની એક ટોકરી..
નમણી કોયલ ચ્હેંકી આંગણમાં
લહેંરખે હવામાં જોને પેલી મંજરી..
સોળ સમણાં મેઘધનુષી ભાતના લ્હેરિયાં
ઝરુખે ડોકાઢે કુંવારા કિરણોની ટોળકી..
હળવેથી લખી કંકોતરી હૈયામાં..
આંખ નીચોવી જાન જોડી એની જાણમાં..

ગુપ્ત વેશે ફરતી'તી અહીંતહીં શ્વાસમાં
પગની ગુગરીઓ ધામો નાખે ગાનમાં..
ચપટીક ગુનગુન ગુંજન એમાં ભેળવ્યું
નહોતી ડાળીઓ બેસવાની ગગનમાં..
પતંગિયાં માફક ફડફડતી'તી દિલમાં,
અલવિદા કહીને ચાલી ગઈ જાનમાં..
હળવેથી લખી કંકોતરી હૈયામાં..
આંખ નીચોવી જાન જોડી એની જાણમાં.. ©રુહાના

માઉન્ટ આબુ ફરવા જવા નીકળેલાં પ્રેમી સારસ પંખીડાઓની પહેલ વહેલી આ હનીમૂન ટ્રીપ જ હતી.

બસમાં અંબાજી માતાના દર્શન કરી, આબુરોડ પહોંચ્યા ત્યાં સુધી વિરાજને મૌન જોઈને દિક્ષાને મનોમન પશ્ચાતાપ થયો અને વિચારી રહી હતી કે, 'પાછાં જવાની જીદ્ પકડી એટલેજ એ મારાથી નારાજ થઈ, દુઃખી થઈ ગયો છે. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી અને પસ્તાવો પણ હતો.

માઉન્ટ આબુની જીપમાં બેઠાં પછી આંખોમાં ઝળહળીયા સાથે દિક્ષાએ એને મનાવતાં કહ્યું,
"વિરુ, હું સમજી શકું છું, બહુ સમય પછી તું અમ્માને મળ્યો હતો અને ગામડાંની મોજ માણવા મળી હતી.. એ આનંદિત ક્ષણોને મેં તોડી નાખી છે.. સોરી!! હવે ફરી આવું ક્યારેય નહીં થાય. પ્લીઝ!! અન્ડરસ્ટેન્ડ મી.."

"એવું કંઈ નથી દિક્ષુ.. આ બધી બાબતોમાં તું પોતાને દોષીત ન માન.. આમપણ લગ્ન પછી હનીમૂન માટે આપણે કશેય ક્યાં જઈ શક્યાં હતાં??"

અને સ્હેજ વાર રહીને વિરાજ બોલ્યો,
"અમ્મા પોતાના જીવનની ઘટમાળના ધુમ્મસ તળે ઢંકાયેલો દિલનો બોજ દબાવી રાખીને આપણને બસ ખુશ જોવા માંગે છે. સમય અને સંજોગો પ્રમાણે પોતાની જાતને જીવનના બિબામાં ઢાળતા રહ્યાં છે. ઇન એની સિચ્યુએશન મેં એમને ક્યારેય હાવી થતાં નથી જોયાં!!"

"હું તારી ફીલીન્ગ્સ સમજી શકું છું વિરુ.."

"મારા અને મંજી ખાતર અમ્મા કઠિનમાં કઠિન વ્રતો આદરથી અને નિર્વિઘ્ને પૂરા કરતાં હતાં. સૂર્યને જળ અર્પણ કર્યા વિના અન્નનો દાણો પણ મોંઢામાં નહીં મૂકવો એવું સૂર્યોદયનું વ્રત આદર્યુ હતું. ચોમાસામાં તો ક્યારેક વાદળો તળે ઢંકાયેલા સૂરજ બે દિવસે દર્શન આપતાં ત્યારે અમ્માને નકોરડા ઉપવાસ કરવા પડતાં છતાં પણ ક્યારેય એ ચૂક્યાં નથી."

"આઇ નો વિરુ.. એટલે જ અમ્માને જીવનમાં ઝઝૂમતા જોઈને તું સમય સાથે બાથ ભીડવા તૈયાર થઈ ગયો છે.. તારા આ યુદ્ધમાં મારો તને પૂરો સાથ રહેશે અને ઈશ્વર પણ આપણી સાથે જ છે. એટલેજ આપણને બીગ ઓપર્ચ્યુનિટી આપી છે."

"હા દિક્ષુ.. બસ આપણે એનો ફુલપ્રુફ યુઝ કેવી રીતે કરીએ છીએ એ જ અગત્યનું છે. મળેલી આ ઓપર્ચ્યુનિટી હું ખોવા નથી માગતો.

"જે સ્થિર થઈ જાય તે જડ છે. સતત પ્રયત્નશીલ રહીને, બદલાતી પરિસ્થતિ સાથે તાલમેલ સાંધે, તે ઊંચામાં ઊંચા પર્વતો સર કરી જાય છે." બાજુમાં બેઠેલા વિરાજનો ખભો પંપાળીને દિક્ષા દુઃખી વાતોને બીજી તરફ વાળતાં બોલી,
"વિરુ, જો સામે વહેતું ઝરણું કેટલું બ્યુટીફુલ લાગે છે."

"યસ, સો નાઇસ દિક્ષુ.." અને એના ચહેરા પર મેઘધનુષી આનંદની નિર્જરણી ફૂટી નીકળી હતી. ખેતરમાં સારસ પંખીઓની જોડી ચણતી હોય એમ એકબીજામાં એકાકાર થઈ કુદરતી દ્રશ્યો માણી રહ્યાં હતાં.

નક્કી લેકને કિનારે આવેલી હોટૅલ કિનારાની બાલ્કનીમાં બેઠેલા બેઉં જણના મન દૂર સુધી ફેલાયેલા નક્કી લેકના પાણીમાં હિલોળા લેતું હતું. ઊંચા ઊંચા પર્વતો અહીંથી આહ્લાદક ભાસી રહ્યાં હતાં. ©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 24 માં વિરાજ અને દિક્ષાની માઉન્ટ આબુની ટ્રીપમાં શું મુગ્ધદિક્ષા વિરાજની આંખોમાં ખુશીઓની સંવેદના પાછી ભરી શકશે?

-આરતીસોની ©