મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
વળતર
પ્રેમપાલ દસ વર્ષ પછી પોતાના મિત્ર મહા સિંહને મળવા ગામડે આવ્યો છે. આ દસ વર્ષમાં આ ગામડું એક નાનકડા નગરમાં પરિવર્તિત થઇ ચૂક્યું છે. હાઈવે અને ગામડાની વચ્ચે પહેલા જ્યાં લીલાલીલા ખેતરો ફેલાયેલા રહેતા હતા ત્યાં હવે ધુમાડો કાઢતી ચીમનીઓવાળા કારખાનાઓ ઉભા છે.
ગામડાનું બજાર પણ હવે આ નાનકડા નગરનું બજાર બની ગયું છે. ચૌધરી ન્યાદરા સિંગનું ત્રણ માળનું હવેલી જેવું મકાન બજારની શેરીના નાકેથી જ દેખાય છે. તેની પોતાની કોઈ અલગ જ શાન રહી છે. હવે તો એ વિચારવા અને સમજવા જેવી વાત છે કે આ હવેલીને કારણે ચોધરી ન્યાદરા સિંગનો વટ પડે છે કે ચૌધરી ન્યાદરા સિંગને કારણે આ હવેલીનું સન્માન થાય છે.
સામે ખાટલા પર એક વૃદ્ધ હુક્કો ગગડાવી રહ્યા છે.
“કાકા, રામ... રામ...” પ્રેમપાલ આગળ વધીને તેમના ચરણસ્પર્શ કરે છે.
“કોણ...?” અરે, પ્રેમપાલ દીકરા તું? ક્યારે આવ્યો?” એમની અનુભવી આંખો જલ્દીથી પ્રેમપાલને ઓળખી ગઈ છે.
“બસ જુઓ આ ચાલ્યો જ આવું છું કાકા! મહા સિંહ ક્યાં છે...?”
“શું કહું દીકરા...”
“કેમ કાકા? બધું બરોબર તો છે ને?” એ થોડો આશંકિત થઇ જાય છે.
“હવે આ સાચું છે કે ખોટું એ તો ખબર નથી.” ચૌધરી સાહેબ કદાચ ઘણું બધું કહેવા માંગે છે પરંતુ કહી શકતા નથી.
અંદરથી ખડખડાટ હાસ્યના અવાજો આવે છે. પ્રેમપાલની નજર એ તરફ જતી રહી છે... પ્રશ્નથી ભરેલી નજર.
“હા બેટા! એ અંદર બેઠકમાં પોતાના ગુંડા જેવા મિત્રો સાથે જુગાર રમી રહ્યો છે... ઇંગ્લીશની બોટલ પણ હશે...” એ ક્ષોભ સાથે કહે છે તો પ્રેમપાલ પણ ચોંકી જાય છે.
“આ તમે શું કહી રહ્યા છો કાકા? મહા સિંહ તો આવો...” પ્રેમપાલ પોતાની વાત પણ પૂરી કરી શકતો નથી.
“વાંક મહા સિંહનો નથી દીકરા.”
“તો...?”
“સરકારે અમારી જમીન લઇ લીધી... અમે બરબાદ થઇ ગયા દીકરા!”
“વળતર તો તગડું...”
“એ વળતર તો આ વિનાશના મૂળમાં છે દીકરા! પહેલા આટલો બધો પૈસો કોણે જોયો હતો? હવે કરવા માટે કશું બચ્યું નથી અને પૈસો ચિક્કાર છે એટલે આવું તો થવાનું જ હતું... અને પછી ધરતીને વેંચીને ઉભો કરેલો પૈસો આજ સુધી કોઈને પચ્યો છે ખરો...?
ન્યાદરા સિંહ હાંફવા લાગ્યા હતા. એક પ્રશ્ન થઇ રહ્યો છે. અંદર બેઠકમાંથી હસવાનો અવાજ જોરથી આવી રહ્યો છે. પ્રેમપાલના પગ અંદર બેઠકની તરફ જવા માટે ઉઠી શકતા નથી.
***