Devil Return-2.0 - 18 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-2.0 - 18

ડેવિલ રિટર્ન-2.0

18

અર્જુનની ગેરહાજરીમાં અર્જુનનાં ખાસ સાથીદાર એવાં નાયકની આગેવાનીમાં પોલીસકર્મીઓએ ગજબની હિંમત અને સાહસનો પરિચય આપતાં રાધાનગરનાં લોકો માટે કાળ બનીને આવેલાં વેમ્પયરોને બરોબરનો પાઠ ભણાવી દીધો હતો. પોલીસની આ વ્યૂહાત્મક ચાલ સામે પોતાનાં બધાં હથિયાર હેઠાં મૂકી ચુકેલાં ક્રિસ અને એનાં ભાઈ-બહેનોનાં ચહેરાની રોનક એ સાંભળી પાછી આવી ગઈ કે પોલીસ ટીમ જોડે રહેલું પવિત્ર પાણી પૂરું થઈ ચૂક્યું છે.

પવિત્ર પાણીથી બચી ગયેલાં વેમ્પાયર ગુલામો મૃત ગુલામ વેમ્પયરોની ઉપર થઈને પોલીસની જીપો તરફ આગળ વધી રહ્યાં હતાં. એ લોકો હવે પોતાનાં માટે ઢાલનું કામ કરશે એ વિશ્વાસથી ક્રિસે પોતાનાં ભાઈ-બહેનો તરફ જોઈ એમને પોલીસની ટીમ પર હુમલો કરવાનો સંકેત કરી દીધો.

ક્રિસનો આદેશ મળતાં જ ગુસ્સેથી ભરાયેલાં ઈવ, જ્હોન, ટ્રીસા અને ડેઈઝી ક્રિસની આગેવાનીમાં પોલીસની અલગ-અલગ દિશામાં ઉભેલી જીપો તરફ આગળ વધ્યાં.

પવિત્ર જળ પૂર્ણ થઈ ગયું હોવાં છતાં નાયકનાં ચહેરા પર પૂર્વવત શાંતિ મોજુદ હતી. કોઈ જાતનો ઉદ્વેગ કે ઉચાટ નાયકનાં ચહેરા પર નહોતો આવ્યો જે દર્શાવી રહ્યું હતું કે હજુ બધું નાયકનાં કન્ટ્રોલમાં હતું અથવા તો નાયક જોડે નવો કોઈ પ્લાન રેડી હતો.

વેમ્પાયર ગુલામો હવે એક એક કરીને જીપનાં બોનેટ પર ચડી ગયાં હતાં છતાં નાયકે કોઈ જાતનું પગલું ભર્યાં વગર શાંતિ જાળવી રાખી. જેવાં ક્રિસ અને એનાં ભાઈ-બહેનો પોલીસની જીપ સુધી છેક પહોંચી ગયાં એ સાથે જ નાયકે વોકી-ટોકી ઉપર બધી જ ટુકડીઓને આદેશ આપતાં કહ્યું.

"લાઈટ ઓન.. "

નાયકનાં આમ બોલતાં જ ટક નો જોરદાર અવાજ થયો અને એ સાથે જીપની ઉપર લગાવેલી યુ. વી લાઈટ ચાલુ થઈ ગઈ. આમ થતાં જ ક્રિસ સમેત એનાં ભાઈ-બહેનો સ્તબ્ધ થઈ ગયાં. એ લોકોને પૂર્ણરીતે મૂર્ખ બનાવવામાં આવ્યાં છે એ બાબતનો એમને અંદાજો આવી ચુક્યો હતો પણ આ દરમિયાન ઘણું મોડું થઈ ચૂક્યું હતું. જીપનાં બોનેટ પર ચડેલાં વેમ્પાયર ગુલામોને તો તાત્કાલિક યુ. વી લાઈટની ગંભીર અસર થઈ.

"ભાઈ હવે શું કરીશું.. ?"ટ્રીસા ચિંતિત અવાજે બોલી.

"હવે છેલ્લાં શ્વાસ સુધી લડયાં સિવાય કોઈ વિકલ્પ નથી મારી બેન.. "ક્રિસ નિઃસાસો નાંખતાં બોલ્યો.

"ભાઈ, આમ આપણાં પરિવારનો ખાત્મો થઈ જશે એવું તો સપનેય વિચાર્યું નહોતું.. "મોતને નજરો સામે જોઈ ડેઈઝી વ્યથિત સુરે બોલી.

"તો ચલો ત્યારે મર્યા પહેલાં આ પોલીસકર્મીઓમાં અમુકને તો આપણી સાથે લેતાં જઈએ. "ક્રિસ બોલ્યો.

આ દરમિયાન બચી ગયેલાં બધાં વેમ્પાયર ગુલામો યુ. વી લાઈટનાં તીવ્ર પ્રકાશનાં લીધે સળગીને ખાખ થઈ ચુક્યાં હતાં. હવે વેમ્પાયર પરિવાર જીપ પર લગાવેલી યુ. વી લાઈટનાં કેન્દ્રબિંદુએ આવી ચુક્યો હતો. આવાં કપરાં સમયમાં જ્હોને એક નિર્ણય પોતાનાં ભાઈ ક્રિસને સંભળાવ્યો જે સાંભળી ક્રિસનું હૈયું હચમચી ગયું.

"ભાઈ, એક કામ કરો તમે આપણી બધી બહેનો સાથે અહીંથી નીકળો.. હું ગમે તેમ આ લોકોને રોકી રાખું છું. "

"પણ જ્હોન.. તું એકલો કઈ રીતે આટલાં બધાં લોકોનો સામનો કરીશ. ?"જ્હોનની તરફ પ્રશ્નસુચક નજરે જોતાં ક્રિસ બોલ્યો.

"ક્રિસની વાત સાચી છે જ્હોન.. એકલાં હાથે આ લોકોને તું નહીં રોકી શકે.. "ઈવ જ્હોનનાં માથે હાથ રાખીને બોલી.

"હું રહીશ જ્હોનની સાથે.. અમે બંને સાથે મળીને આ લોકોને અમુક સમય વ્યસ્ત રાખીએ.. ત્યાં સુધી ભાઈ તમે ઈવ અને ટ્રીસાને લઈને અહીંથી નીકળી જાઓ. "ડેઈઝી બોલી.

"પણ ડેઈઝી.. ?"ક્રિસની આંખોમાં સો સવાલ હતાં.

"ભાઈ વિચારવાનો વખત નથી.. જો વધુ સમય વિચારવામાં બગાડશો તો આપણાં પરિવારનો સંપૂર્ણ નાશ થઈ જશે એનાં કરતાં એ બહેતર છે કે હું અને ડેઈઝી ગમે તે કરી આ લોકોને વ્યસ્ત રાખીએ અને તમે ઈવ અને ટ્રીસાની સાથે અહીંથી નીકળો. "જ્હોન બોલ્યો.

આખરે ના છૂટકે ઈવ અને ક્રિસે જ્હોન તથા ડેઈઝી ની વાત સ્વીકારી લીધી. જ્હોન અને ડેઈઝીને હવે એ લોકો ફરીવાર જોઈ નથી શકવાનાં એ ખ્યાલ આવી ગયો હોવાં છતાં એ સિવાય બીજો કોઈ વિકલ્પ ના બચ્યો હોવાથી ક્રિસે ઈવ અને ટ્રીસા ને પોતાની જોડે રહેવાં કહ્યું.

જ્હોને પોતાની બહેન ડેઈઝી તરફ જોયું અને ઈશારાથી જ ડેઈઝી ને કંઈક કહ્યું. ડેઈઝી એ જ્હોનનો ઈશારો સમજી પોતાનાં બંને હાથની હથેળી એકબીજા પર મૂકી અને એને પેટ નજીક ગોઠવી દીધી. આમ થતાં જ જ્હોન બે ડગલાં પાછળ હટ્યો અને દોડીને ડેઈઝીનાં હાથ પર પગ મૂકી છલાંગ લગાવતાં અશોક જે જીપમાં હતો એની ઉપર પહોંચી ગયો. લસણની તીવ્ર ગંધથી પોતે વધુ સમય લડી નહીં શકે એ જાણતો હોવાં છતાં જ્હોન પોતાનાં ભાઈ-બહેનોને બચાવવા કટિબદ્ધ થયો હતો.

જ્હોનની ટેક્નિક અપનાવી ડેઈઝી પણ ક્રિસની મદદથી વાઘેલાની જીપ ઉપર ચડી ગઈ. જીપ પર પહોંચી જ્હોન અને ડેઈઝીએ યુ. વી લાઈટનાં કેબલ તોડી નાંખ્યા અને પછી કૂદીને જીપનો આગળનો કાચ તોડી નાંખ્યો. આમ થતાં જ જીપની અંદર મોજુદ પોલીસકર્મીઓ ડરી ગયાં અને મદદ માટે પોતાનાં સાથી કર્મચારીઓને અવાજ આપવાં લાગ્યાં.

પોતાનાં સાથી કર્મચારીઓને તકલીફમાં જોઈ નાયક, જાની, સરતાજ અને અબ્દુલ પોતપોતાની જીપ લઈને એ તરફ આગળ વધ્યાં. આ તકનો લાભ લઈને ક્રિસ પોતાની બંને બહેનો ઈવ અને ટ્રીસા સાથે સાચવીને ત્યાંથી પલાયન થઈ ગયો.

જ્હોન અને ડેઈઝી કોઈ પોલીસકર્મીને વધુ કંઈ નુકશાન પહોંચાડે એ પહેલાં જ બાકીની જીપની યુ. વી લાઈટ એમની તરફ આવી પડી. એકધારા યુ. વી લાઈટનાં પ્રકાશથી જ્હોન અને ડેઈઝી ભારે પીડા અનુભવવા લાગ્યાં અને જીપ પરથી તરફડીયા ખાઈને જમીન પર પડ્યાં.

પોતાની પર પડી રહેલી યુ. વી લાઈટ નાં સતત પ્રકાશનાં લીધે જ્હોન અને ડેઈઝીનું પુરેપુરૂં શરીર સળગી રહ્યું હતું. એમની દર્દનાક ચીસો વાતાવરણમાં આ સાથે જ ગુંજવા લાગી. બે-ત્રણ મિનિટમાં તો એ બંને તડપી-તડપી ને મૃત્યુ પામ્યાં.

પોલીસકર્મીઓની પકડથી દૂર પહોંચી ગયેલાં ક્રિસ, ઈવ અને ટ્રીસા એ જ્યારે પોતાનાં ભાઈ-બહેન ની અંતિમ ચીસો સાંભળી ત્યારે એમનું હૃદય દ્રવી ઉઠ્યું.. એમની આંખો ભીની થઈ ગઈ. અત્યાર સુધી હજારો લોકોની હત્યા કરનારાં વેમ્પાયર પરિવારનાં બચેલા સદસ્યો અત્યારે ભારે મને એકબીજાને ભેટીને રડી રહ્યાં હતાં.

"ભાઈ, હવે આ શહેરમાં રહેવું આપણાં માટે જોખમરૂપ છે.. "ઈવ ક્રિસને સંબોધી બોલી.

"હા ભાઈ.. પાયમોન દેવની એ ભવિષ્યવાણી સત્ય સાબિત થઈ જેમાં એમને અર્જુનનાં આ શહેરમાં આપણી જીંદગીને ખતરો હોવાનું કહ્યું હતું. "ટ્રીસા પણ રડમસ અવાજે બોલી.

ક્રિસ પોતાની બંને બહેનોની વાતનો શું પ્રત્યુત્તર આપે એ વિચારી થોડો સમય ચૂપ રહ્યો.. આખરે એને પોતાની બહેનોનાં હિતમાં એક નિર્ણય લીધો કે પોતે ઈવ અને ટ્રીસાને લઈને આ શહેર છોડીને પાછો વેલ્સકી ટાપુ પર ચાલ્યો જશે.

"સારું તો આપણે આજે જ આ શહેર છોડીને ચાલ્યાં જઈએ પણ એ પહેલાં આપણે આપણું ઘંટડી વાળું બોક્સ લાવું પડશે. "ક્રિસે ઈવ અને ટ્રીસા તરફ જોતાં કહ્યું.

"સારું.. તો ચલો જઈએ. "ઈવ ક્રિસની તરફ જોતાં બોલી.

આ સાથે જ ક્રિસે પોતાની આંખો બંધ કરી અને પોતાની ઘંટડી ક્યાં છે એની મનોમન પોતાની ચમત્કારી શક્તિ વડે જાણકારી મેળવી. થોડીવારમાં ક્રિસે આંખો ખોલી અને ઈવ તથા ટ્રીસા તરફ જોઈને બોલ્યો.

"ચલો ત્યારે જઈએ ધંટડી લેવાં"

*****

આ તરફ જ્યાં અર્જુનની ગેરહાજરીમાં પોલીસકર્મીઓ પોતાનાં અદમ્ય સાહસ અને બુદ્ધિનાં જોરે જ્હોન અને ટ્રીસાને મારી ચુક્યાં હતાં તો બીજી તરફ ડેવિડ પોતાનાં ભાઈ-બહેનની મોતથી બેખબર ફાધર વિલિયમની હત્યા કરવાંનાં મનસૂબા સાથે ચર્ચ પહોંચી ગયો હતો.

ચાર્લી અને બ્રાયન નામનાં ફાધરનાં અનુયાયીઓ પર હુમલો કરી ડેવિડે ફાધર વિલિયમને ચર્ચની બહાર આવવાં મજબુર કરી મૂક્યાં. ફાધરને પોતાની સામે ઉભેલાં જોઈ ડેવિડનો ચહેરો ખીલી ઉઠ્યો.

"એ રક્તપિશાચ તારી હિંમત કઈ રીતે થઈ અહીં સુધી આવવાની.. "ડેવિડનો બિહામણો ચહેરો જોવાં છતાં પણ નીડરતાથી ફાધર વિલિયમ એને ઉદ્દેશીને બોલ્યાં.

"મારી હિંમત વિશે મને પૂછવાની તારી કઈ રીતે હિંમત થઈ.. ?"ધીરે-ધીરે ફાધરની તરફ આગળ વધતો ડેવિડ ઉદ્ધતાઈથી બોલ્યો.

"આ લોર્ડ જીસસનું ઘર છે.. અહીં તારાં અને તારાં એ માસુમોનાં રક્ત પીનારાં ભાઈ-બહેનો માટે કોઈ જગ્યા નથી. "ફાધર વિલિયમ બોલ્યાં.

"હું જાણું છું કે હું અંદર નથી શકવાનો એટલે જ મેં તને અહીં બહાર આવવાં મજબૂર કર્યો.. તારાં લીધે જ એ દિવસે એ ઈન્સ્પેકટર અને એની ટીમ અમારાં હાથે મરતાં-મરતાં બચી હતી પણ આજે હું એ વાતનો હિસાબ લઈને જ રહીશ.. "કકર્ષ અવાજે ડેવિડ બોલ્યો.

ડેવિડનાં ચહેરા પર મોજુદ લુચ્ચાઈભર્યું સ્મિત અને એની આંખોમાં ઉતરી આવેલું લોહી જોવાં છતાં ફાધર વિલિયમ કોઈ જાતનાં ડર વગર પોતાનાં સ્થાને અડગ ઉભાં હતાં.. એમને તો અત્યારે દર્દથી કરાહતાં ચાર્લી અને બ્રાયનની ચિંતા થઈ રહી હતી.

"તું અહીં મારી હત્યા કરવાં આવ્યો છે તો તું મારી હત્યા કરી શકે છે.. પણ મારાં આ બે અનુયાયીઓને હવે કંઈપણ નુકશાન ના પહોંચાડતો.. "ફાધરે ડેવિડને ઉદ્દેશી કહ્યું.

"સારું એ મારું વચન છે કે હું તારાં આ બંને ચમચાઓને જીવતાં મૂકી દઈશ પણ એ માટે તારે મારાં હાથે મરવું જ પડશે. "ડેવિડ ફાધર વિલિયમની નજીક પહોંચી બોલ્યો.

"ફાધર, તમે અંદર ચાલ્યાં જાઓ.. ભલે અમારું જે થવું હોય એ થાય પણ તમે પોતાની જાતને આ દુષ્ટને હવાલે ના કરશો. આ શહેરનાં માસુમ લોકોને તમારી તાતી જરૂરિયાત છે. "બ્રાયને મહાપરાણે પોતાની જાતને ફેન્સિંગમાંથી છોડાવી ફાધર વિલિયમને ઉદ્દેશી કહ્યું.

"ફાધર.. અમારાં કરતાં તમારી જીંદગી વધુ મહત્વની છે.. અમારાં માટે તમે પોતાની જીંદગી દાવ પર ના મુકશો. "ચાર્લી પણ બ્રાયનની જેમ જ ફાધર ને અવાજ આપી બોલ્યો.

"તમારી આગળ હજુ ઘણી જીંદગી પડી છે.. જો પ્રભુ ઇચ્છતાં હોય કે હું એમની જોડે ચાલ્યો આવું તો મને એ મંજુર છે. આમ પણ હું હવે વધુમાં વધુ કેટલું જીવવાનો. "ફાધર વિલિયમ હવે ચાર્લી અને બ્રાયનની જીંદગીનાં બદલામાં પોતાની જીંદગીને દાવ પર મૂકી ચુક્યાં હતાં એ એમની વાતો પરથી સ્પષ્ટ હતું.

"તો ચલો હવે તમારાં પૂજ્ય ફાધરને બાય-બાય બોલી દો કેમકે હવે એમની શ્વાસો થોડી જ વારમાં અટકી જશે. "ડેવિડનાં અવાજ પરથી લાગતું હતું કે એ ઉપહાસ કરી રહ્યો છે.

આમ બોલતો-બોલતો ડેવિડ હવે ફાધર વિલિયમની નજીક આવી પહોંચ્યો. ફાધરે પણ હવે પોતાની જાતને ડેવિડને હવાલે કરી દેવાનું મન બનાવી લીધું હોય એમ પોતાની બંને આંખો બંધ કરી લીધી અને આ સમયે પણ સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં ઉભાં રહી ગયાં.

પોતે પોતાનાં ભાઈ ક્રિસનું સોંપેલું કાર્ય યોગ્ય રીતે કરી ચુક્યો હતો એ વાતની ખુશી સાથે ડેવિડે પોતાનાં ચહેરાને ફાધર વિલિયમની ગરદન તરફ આગળ વધાર્યો.. પોતાની નજરો સામે ફાધર વિલિયમને મોતનાં મુખમાં જતાં જોઈ બ્રાયન અને ચાર્લીએ તો નજરો ફેરવી લીધી. અચાનક વાતાવરણની નીરવ શાંતિને ચીરતો બાઈકનાં એન્જીનનો અવાજ ગુંજી ઉઠ્યો.. જેનાં બંધ થતાંની સાથે જ એક ઘેરો અવાજ ડેવિડનાં કાને પડ્યો.

"ફાધર વિલિયમને કાંઈ ના કરતો નહીં તો હું તને જીવતો નહીં છોડું.. "

પોતાને આમ ખુલ્લી ધમકી કોને આપી એ જોવાં ડેવિડે ગરદન ઘુમાવી અવાજની દિશામાં જોયું.. ફાધર વિલિયમ જાણી ગયાં હતાં કે આ અવાજ કોનો હતો એટલે એમનાં ચહેરા પર ખુશી ઉભરાઈ આવી.. અને ડેવિડ એ વ્યક્તિને જોતાં અચરજથી બોલી પડ્યો.

'ઈન્સ્પેકટર અર્જુન.. તું અત્યારે અહીં.. "

******

વધુ આવતાં ભાગમાં.

ફાધર વિલિયમને અર્જુન બચાવી શકશે.. ?વેમ્પાયર પરિવારનાં લોકો સાથે શું થશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED