Devil Return-2.0 - 17 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-2.0 - 17

ડેવિલ રિટર્ન-2.0

17

રાધાનગર પર પ્રચંડ હુમલો કરવાનાં આશયથી સરદાર પટેલ ગાર્ડન જોડે પહોંચેલા ક્રિસ અને એનાં ભાઈ-બહેનો ની સાથે બધાં ગુલામ વેમ્પાયર એક નવી મુસીબતમાં ફસાઈ ચુક્યાં હતાં. પોલીસની જીપો વચ્ચે ઘેરાયેલાં ક્રિસને એ સમજાઈ ચૂક્યું હતું કે દિપક એમની જોડે દગો કરી ગયો છે.

નાયકની આગેવાનીમાં પોલીસની છ ટુકડીઓ જીપ લઈને વેમ્પાયરનાં એ ટોળાં ફરતે વર્તુળાકાર ચક્કર બનાવીને ઉભી રહી ગઈ. જાણે મોતની વમળમાં ફસાઈ ગયાં હોય એવી હાલત વેમ્પાયર પરિવારનાં સદસ્યો મહેસુસ કરી રહ્યાં હતાં. દરેક જીપમાંથી આશરે 10-12 કિલો લસણને વેમ્પાયર જ્યાં ઉભાં હતાં ત્યાં પોલીસકર્મીઓ દ્વારા ફેંકવામાં આવ્યું.

લસણની તીવ્ર ગંધ વેમ્પયરોને કેટલી હદે નિર્બળ બનાવી શકે છે એ વાત ફાધર વિલિયમ થકી પોલીસકર્મીઓ જાણી ચુક્યાં હતાં. આથી જ અર્જુને પોલીસની દરેક જીપમાં સારી એવી માત્રામાં લસણ ભરી દીધું હતું. લસણની તીવ્ર ગંધ વેમ્પાયર માટે જાનલેવા પુરવાર થઈ શકવાની ક્ષમતા તો નહોતી જ ધરાવતી પણ આ ગંધ એ લોકોનાં શ્વાસમાં જતાં ની સાથે જ એમનું લોહી ઠંડુ કરવાનું શરૂ કરી દેતી. લોહી ઠંડુ પડતાં જ વેમ્પાયરોનાં હાથ-પગ ધીરે-ધીરે કામ આપવાનું બંધ કરી દેતાં.

વેમ્પાયર પરિવાર તો સદીઓથી વેમ્પાયર બની ચુક્યો હતો છતાં આજે પણ લસણની ગંધ એમને કાબુમાં લેવાં કારગર નીવડી રહી હતી. વેમ્પાયર ગુલામો તો આ લસણની ગંધથી ધૂંવા-પૂવા થઈ ચૂકયાં હતાં.

હવે લડી લેવું એ જ આખરી વિકલ્પ વધ્યો હોવાનું લાગતાં ક્રિસે સમય ગુમાવ્યાં વગર પોતાનાં ભાઈ-બહેનો અને બધાં જ વેમ્પાયર ગુલામોને આદેશ આપતાં કહ્યું.

"હુમલો.. હુમલો.. . "

ક્રિસનાં આમ બોલતાં જ બધાં જ વેમ્પાયર ગુલામો યંત્રવત પોલીસની જીપો પર તૂટી પડ્યાં. આવું કંઈક થશે એની ગણતરી નાયકને પહેલાં જ હતી એટલે આ સમયે શું કરવું એનું આયોજન એને કરી રાખ્યું હતું. વર્ષો સુધી અર્જુનની સાથે રહીને કામ કર્યું હોવાથી નાયક પણ અગમચેતી રૂપે પોતાની સાથે કંઈક નવી યુક્તિ જરૂર રાખતો.

વેમ્પાયર ગુલામો તો પોતાની જીંદગીની પરવાહ કર્યાં વગર પોલીસની જીપોની તરફ અગ્રેસર થઈ ચુક્યાં હતાં જ્યારે ક્રિસ અને એનાં ભાઈ-બહેનો યોગ્ય સમયની રાહ જોઈ પોતાનો શ્વાસ રોકી મેદાનની મધ્યમાં ઉભાં રહી ગયાં.

"પાણી નો છંટકાવ કરવામાં આવે.. "વેમ્પાયર ગુલામો જેવાં જ પોલીસની જીપોથી નજીક પહોંચ્યાં એ સાથે જ નાયકે વોકિટોકી મારફતે અલગ-અલગ જીપોમાં મોજુદ વાઘેલા, જાની, અબ્દુલ, અશોક અને સરતાજને ઓર્ડર કર્યો.

નાયકનાં આમ જણાવતાં જ દરેક જીપની આગેવાની રહી ગયેલાં પોલીસકર્મીએ પોતાની જીપમાં મોજુદ પોલીસકર્મીઓને એમની જોડે મોજુદ પંપમાંથી ચર્ચનાં હોલી વોટર, મસ્જિદનાં પાક જળ અને મહાદેવ ને અભિષેક કરેલાં જળ નું જે મિશ્રણ હતું એ ભેળવેલાં પાણી નો સ્પ્રે વેમ્પાયરોનાં ટોળાં પર કરવાનું શરૂ કરી દીધું.

લસણની તીવ્ર ગંધથી નિર્બળ બની ચુકેલાં વેમ્પાયર ગુલામો માટે પવિત્ર જળ નો છંટકાવ એક મહામુસીબત સાબિત થયો. અચાનક એમનાં શરીર પર પડેલું પવિત્ર પાણી એ લોકો માટે ઘાતક પુરવાર થઈ રહ્યું હતું. કોઈએ સળગતો લાવા એ લોકોનાં શરીર પર ફેંકી દીધો હોય એવી પીડા આ પવિત્ર પાણીનાં લીધે એ લોકોને થઈ રહી હતી.

"ભાઈ, આમ તો આ બધાં લોકો મરી જશે.. "ગુલામ વેમ્પાયરોની ચીસો અને દયનિય હાલત જોઈ ઈવ ક્રિસને ઉદ્દેશીને બોલી.

"હું જાણું છું કે આ લોકો હવે વધુ સમય હોલી વોટરથી થતી પીડા નહીં સહન કરી શકે.. પણ.. "ક્રિસ આટલું બોલી અટકી ગયો.

"શું પણ.. . તમે કંઈક કરો નહીં તો હું આ હરામી પોલીસકર્મીઓ પર હુમલો કરું છું.. "જ્હોન આવેશમાં આવી બોલ્યો.

"જ્હોન તું ધીરજ રાખ.. હું પણ આ પોલીસકર્મીઓને સબક શીખવાડવા ઈચ્છું છું પણ હાલપુરતું એમ કરવું શક્ય નથી. આ પવિત્ર જળ આ ગુલામોની માફક આપણી માટે પણ એટલું જ હાનિકારક છે જેની સાબિતી ગઈ વખતે મળી ચુકી હતી.. તો જ્યાં સુધી આ લોકો જોડે પાણીની માત્રા પુરી ના થાય ત્યાં સુધી ધીરજ રાખો.. "ક્રિસ પોતાનાં ભાઈ-બહેનો ને શાંત કરાવતાં બોલ્યો.

ક્રિસની વાતમાં વજન હતું એટલે ઈવ, ડેઈઝી, જ્હોન અને ટ્રીસા પોતાનાં ગુસ્સા પર કાબુ મેળવી ક્રિસની પડખે ઉભાં રહી ગયાં. પોતાની નજરો સામે એક પછી એક ગુલામ વેમ્પાયરોને મરતાં જોઈ એ લોકોનું લોહી ગરમ તો થઈ રહ્યું હતું પણ અત્યારે જોશમાં આવી પોતાની જીંદગી દાવ ઉપર મુકવાનું સાહસ ખેડવાની એ લોકોને કોઈ ઈચ્છા નહોતી. આખરે પાંચેક મિનિટ સુધી પવિત્ર જળનો સતત થઈ રહેલો છંટકાવ ગુલામ વેમ્પાયરો માટે ઘાતકી પુરવાર થઈ ચૂક્યો હતો અને એનાં લીધે પચાસનું જે ટોળું પોલીસની જીપ તરફ આગળ વધ્યું હતું એ જીપ સુધી પહોંચતાં-પહોંચતાં માત્ર બાર-તેર નું જ રહ્યું હતું.

"પવિત્ર જળ પૂરું થઈ ગયું.. "ગુલામ વેમ્પાયરો તરફ પાણીનો છંટકાવ કરી રહેલાં પોલીસ કોન્સ્ટેબલોપોતપોતાની જીપમાં મોજુદ સિનિયર પોલીસ ઓફિસરને સંબોધીને બોલ્યાં. આ વાત વેમ્પાયર ભાઈ-બહેનોનાં કાને પડી ચુકી હતી. આ શબ્દો સાંભળતાં જ એ લોકોનાં ચહેરા પર ચમક પથરાઈ ગઈ.

આ સાથે જ ક્રિસે પોતાનાં સાથે મોજુદ ઈવ, ટ્રીસા, ડેઈઝી અને જ્હોનની તરફ જોતાં આંખોથી જ કંઈક ગર્ભિત ઈશારો કર્યો. ક્રિસનો આ ઈશારો સમજી ચુકેલાં એનાં ચારેય ભાઈ-બહેનોએ હકારમાં પોતાની ગરદન હલાવી.

એ લોકોનું સંપૂર્ણ ધ્યાન હવે પોલીસની જીપ તરફ વધતાં બચી ગયેલાં વેમ્પાયર ગુલામો ઉપર કેન્દ્રિત હતું.. એ લોકો હવે ક્રિસનાં આદેશની રાહ જોઈને બેઠાં હતાં કે ક્યારે એ આગળ વધવાનું કહે.

જેવાં બચી ગયેલાં વેમ્પાયર ગુલામો જીપની નજીક પહોંચી ગયાં એ સાથે જ ક્રિસે હસીને પોતાનાં ભાઈ-બહેનો તરફ જોયું અને ગરદન ઝુકાવી આગળ વધવાનું જણાવ્યું. ક્રિસનાં આમ કરતાં જ વિચિત્ર ગર્જના સાથે ક્રિસ સહિત એનાં ચારેય ભાઈ-બહેનો પોલીસ જીપ તરફ અગ્રેસર થયાં.

વેમ્પાયર ભાઈ-બહેનોને આમ અચાનક પુરપાટ ગતિમાં પોતાની જીપ તરફ આગળ વધતાં જોઈ પોલીસકર્મીઓનો જીવ તાળવે ચોંટી ગયો.. !!

*****

પોતાનાં બંને અનુયાયી ચાર્લી અને બ્રાયન કોઈ મોટી આફતમાં મુકાઈ ચુક્યાં છે એ સમજી ચુકેલાં ફાધર વિલિયમ વધુ કંઈપણ વિચાર્યા વગર ઉતાવળમાં ચર્ચની બહારની તરફ ભાગ્યાં.

આ તરફ બગીચાનાં ઘાસ પર ડેવિડ વડે જોરથી હવામાં ઊંચકીને પછાળવામાં આવેલાં બ્રાયન અને ચાર્લી હજુપણ દર્દથી કરાહી રહ્યાં હતાં. ચાર્લી ને તો પગે પણ સારાં એવાં પ્રમાણમાં વાગ્યું હોવાથી એનું તો હવે ઉભું થવું પણ શક્ય નહોતું.

એ બંને હજુ વધારે જોરથી મદદ માટે અવાજ આપે એવાં ઉદ્દેશથી ક્રિસ એ બંને તરફ ધીરે-ધીરે આગળ વધ્યો. ડેવિડની આંખોમાં ચડી આવેલું લોહી જોઈ નીચે પડેલાં બ્રાયન અને ચાર્લી ડરથી થર-થર ધ્રુજી રહ્યાં હતાં.

બ્રાયને તો પોતાની જાતને સંભાળી અને ત્યાંથી ભાગી જવાની કોશિશ કરી જોઈ પણ ચાર્લીનાં ત્યાંથી ઉભાં થવાની કોશિશ છતાં નિષ્ફળ રહેતાં બ્રાયન એની તરફ આગળ વધ્યો અને સહારો આપી ચાર્લીને ઉભો કર્યો. ચાર્લીને ઉભો કરી બ્રાયન એને ડેવિડથી દુર લઈ જવાની કોશિશ કરવાં લાગ્યો. બ્રાયન ચાર્લીને ત્યાંથી ઉભો કરી હજુ ત્રણ-ચાર ડગલાં માંડ આગળ વધ્યો હતો ત્યાં ડેવિડે બ્રાયનની પીઠ પર જોરદાર લાત મારી એને ચાર્લીથી દુર ધકેલી દીધો.

આમ કરતાં ડેવિડ બગીચાની બનાવેલી ફેન્સિંગ પર જઈ પડ્યો.. ફેન્સિંગનાં લોખંડનાં તાર આ સાથે જ બ્રાયનનાં પેટનાં ભાગમાં ઉતરી ગયાં અને એની પીડાદાયક ચીસો વાતાવરણમાં ગુંજી ઉઠી. બ્રાયનની પોતાનાં લીધે થયેલી આ દયનિય હાલત જોઈ ચાર્લીનું હૃદય દ્રવી ઉઠ્યું. બ્રાયનનાં સહારાથી મહાપરાણે ઉભો થયેલો ચાર્લી બ્રાયનનો સહારો જતો રહેતાં ઘૂંટણભેર જમીન પર પડ્યો.

પોતાની તરફ આગળ વધતાં ડેવિડને જોઈ ચાર્લીને હવે પોતાની મોત નજીક લાગી રહી હતી.. ચાર્લી હિંમત કરી ત્યાંથી સરકતો સરકતો ડેવિડથી દુર જવાની કોશિશ કરી તો રહ્યો હતો પણ અડધી મિનિટમાં તો ડેવિડ એની જોડે આવી પહોંચ્યો. ડેવિડે ચાર્લી ની નજીક આવી એનાં શર્ટનો કોલરનો ભાગ પકડી ક્રુરતા સાથે એને ઊંચો કર્યો.

"મને છોડી દો.. તમારે અમારી જોડે શું દુશ્મની છે.. ?"ડેવિડની પકડમાં ફસાયેલો ચાર્લી કરગરતાં બોલ્યો.

"તમારી જોડે અમારે કોઈ દુશ્મની નથી પણ તમારાં ફાધરને અમારાં લોકો જોડે કારણ વગરની દુશ્મની લાગે છે. "લુચ્ચાઈભર્યું હસતાં ડેવિડ બોલ્યો.

"અમને કંઈ ના કરતાં.. "ચાર્લી ડેવિડ સામે હાથ જોડીને બોલ્યો.

"હું તમને જીવતાં છોડી તો દઉં.. પણ એ માટે તમારાં ફાધરને અવાજ તો આપ. "ડેવિડ બોલ્યો.

ડેવિડનાં આમ બોલતાં જ ચાર્લી ડેવિડનાં ત્યાં આવવાનું સાચું કારણ સમજી ગયો. એ જાણી ચુક્યો હતો કે ડેવિડ ત્યાં કેમ આવ્યો હતો. ફાધર વિલિયમને ચર્ચની બહાર બોલાવી એમનું કામ તમામ કરવાની મંછા સાથે ડેવિડ આવ્યો હતો એ જાણી ચુકેલાં ચાર્લીએ ડેવિડ દ્વારા ફાધરને મદદ માટે પોકારવાની વાતનો અસ્વીકાર કરતાં કહ્યું.

"હું કંઈપણ થઈ જાય પણ હવે ફાધર વિલિયમને બહાર આવવાં માટે નહીં કહું.. "

ચાર્લી દ્વારા પોતાની વાત માનવાનો અસ્વીકાર કરતાં સંકી મગજનો ડેવિડ રાતોચોળ થઈ ગયો અને એને ચાર્લીનો જમણો હાથ પકડી એને ઝાટકાથી ખેંચી લીધો જેનાંથી ચાર્લીનાં હાથનું હાડકું ખભેથી તૂટી ગયું. હાડકું તૂટવાની આ અસહ્ય પીડા છતાં ચાર્લી આ બધું દર્દ દબાવી મૌન સેવી ઉભો રહ્યો.

ચાર્લીનું દર્દ સહન કરી આમ મૂંગુ ઉભું રહેવું હવે ડેવિડ ને હેરાન કરી રહ્યું હતું. હવે આખરી દાવ અજમાવી લેવાનું નક્કી કરી ડેવિડે પોતાનું મોં ખોલ્યું જેનાં લીધે ડેવિડનાં બે અણીદાર દાંત ચમકી ઉઠયાં. ડેવિડે પોતાનું મોં આ સાથે જ ચાર્લીની ગરદન તરફ આગળ વધાર્યું.

ચાર્લીએ મોત હવે નજીક જોઈ જીસસ ક્રાઈસ્ટને યાદ કરતાં હવે પોતે જીવન ભર કોઈને પણ જાણે-અજાણે ખોટું લગાડ્યું હોય તો માફી માંગી અને આંખો મીંચી દીધી.

ડેવિડનો પોતાની નજીક પહોંચેલો ચહેરો એનાં શ્વાસોશ્વાસની ગરમીથી હવે ચાર્લી સ્પષ્ટપણે મહેસુસ કરી રહ્યો હતો. બ્રાયન પણ ચાર્લી હવે બે ઘડીનો મહેમાન છે એ સમજી ચુક્યો હતો. કાંટાળી ફેન્સિંગમાં ફસાયેલો હોવાથી એ ઈચ્છે તો પણ હવે ચાર્લીની મદદ કરી શકે એમ નહોતો.

"ખબર છે જો એને કંઈપણ કર્યું છે તો.. "ડેવિડનાં ધારદાર દાંત ચાર્લીની ગરદનથી માંડ એક ઈંચ દૂર હતાં ત્યાં ફાધર વિલિયમનો અવાજ ડેવિડનાં કાને પડ્યો.

ફાધર વિલિયમનો અવાજ સાંભળતાં જ ડેવિડે ચાર્લીને જોરથી ધક્કો મારી દૂર ફેંકી દીધો અને પછી પછી પોતાનાં બંને હાથ ફેલાવી કમરથી થોડો ઝૂકી ફાધર વિલિયમને જાણે માન આપી રહ્યો હોય એવી અદાથી ડેવિડ બોલ્યો.

"ફાધર વિલિયમ, તમારી જ રાહ જોતો હતો.. સારું થયું તમે આવી ગયાં નહીં તો આજે તમારાં આ બંને અનુયાયીઓ પ્રભુને પ્યારા થઈ જાત.. "આ સાથે જ ડેવિડનું કાળજું કંપાવી નાંખતું અટ્ટહાસ્ય વાતાવરણમાં ગુંજી વળ્યું.

*****

વધુ આવતાં ભાગમાં.

ફાધર વિલિયમને અર્જુન બચાવી શકશે.. ?વેમ્પાયર પરિવારનાં લોકો સાથે શું થશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED