Devil Return-2.0 - 9 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-2.0 - 9

ડેવિલ રિટર્ન-2.0

ભાગ-9

અર્જુન પોતાની ચાલાકીથી બ્રાન્ડન ને મારવામાં સફળ થાય છે. બ્રાન્ડનની મોત થઈ ચૂકી છે એ પોતાની ચમત્કારિક શક્તિથી જાણી ચુકેલો ક્રિસ પોતાનાં બાકીનાં ભાઈ-બહેનો આગળ ગળગળો થઈને જણાવે છે કે હવે એમનો પરિવાર સાત ની જગ્યાએ છ નો થઈ ગયો છે.

"મતલબ.. ?"બ્રાન્ડન સાથે અજુગતું કંઈક બની ગયું હોવાનો અંદેશો આવી જતાં ડેવિડ ક્રિસને ઉદ્દેશીને બોલ્યો.

"ડેવિડ, એનો મતલબ એમ કે બ્રાન્ડન હવે જીવિત નથી.. આપણાં બ્રાન્ડનની કોઈએ હત્યા કરી દીધી.. અને એ રીતે એનાં મૃતદેહનો નાશ કર્યો કે આપણે ટ્રીસાની માફક પુનઃજીવીત પણ નહીં કરી શકીએ.

"આવું કરનાર બીજું કોઈ નહીં પણ અર્જુન જ હશે.. મારી જેમ જ બ્રાન્ડન પણ એની જાળમાં ફસાઈ ગયો હશે. મેં બ્રાન્ડન ને એ વિશે એકવાર જણાવ્યું હોત તો એવું બનત કે બ્રાન્ડન આજે જીવિત હોત. "આટલું બોલતાં-બોલતાં તો ટ્રીસા રડી પડી.

"તો ભાઈ બીજો કોઈ ઉપાય નથી જેનાં વડે બ્રાન્ડનને પુનઃજીવિત કરવાની કોઈ શકયતા હોય.. ?"ઈવ આશાભરી નજરે ક્રિસ તરફ જોતાં બોલી.

"કાશ એવી કોઈ યુક્તિ હોત તો સારું હતું.. હું મારાં નાનાં ભાઈને કંઈપણ કરીને બચાવી લેત જો એ શક્ય હોત.. "ક્રિસ વ્યથિત સ્વરે બોલ્યો.

"ચલો, અત્યારે જ બ્રાન્ડનનાં હત્યારાઓ ને એમનાં અંજામ સુધી પહોંચાડીએ.. "મોટાં ભાગે શાંત રહેતો જ્હોન આવેશમાં આવીને બોલ્યો.

"જ્હોન, અત્યારે કોઈ ક્યાંક નહીં જાય. જોવો હવે સૂર્યોદય થવાં આવ્યો છે અને ત્યાં બ્રાન્ડનની હત્યા કરનારાં લોકો આપણાં ત્યાં જવાની જ રાહ જોઈને બેઠાં હશે. "ક્રિસ જ્હોનને શાંત કરાવતાં બોલ્યો.

"તો શું આપણે ચૂપચાપ બેસી રહેવાનું.. ?"ડેઈઝી નાં અવાજમાં આક્રોશ વર્તાતો હતો.

"બ્રાન્ડનની જેને પણ આ હાલત કરી એ લોકોને તો હું કોઈકાળે જીવિત નહીં છોડું.. પણ એ માટે અત્યારે યોગ્ય સમય નથી. આજે રાત થાય એ સાથે જ આપણે આપણાં બ્રાન્ડનની હત્યા કરનારાં લોકોને એમનાં કર્યાની સજા આપવાં આપણે બધાં સાથે જઈશું. "ક્રિસ પોતાનાં બધાં ભાઈ-બહેનો તરફ જોઈને ગુસ્સાભર્યાં સુરે બોલ્યો.

બ્રાન્ડનની મોતનાં દુઃખ અને અર્જુન સાથે બદલો લેવાની ભાવના ક્રિસ સહિત બાકીનાં વેમ્પાયર ભાઈ-બહેનોનાં ચહેરા પરથી સમજાઈ શકાતી હતી. શક્ય હોત તો એ લોકો અત્યારેજ પોતાનાં ભાઈ બ્રાન્ડનની હત્યા કરવાં રાધાનગર તરફ નીકળી જાત.. પણ સમય અને સંજોગોને માન આપી એ લોકો એ આજનાં આ દિવસનાં પસાર થવાની રાહ જોવાનું મુનાસીબ સમજ્યું અને ભગ્ન હૃદયે પોતપોતાનાં રૂમ તરફ અગ્રેસર થયાં.

****

રાધાનગરમાં આજનો સૂર્યોદય અર્જુનની સાથે દરેક પોલીસકર્મીનાં ચહેરા પર સ્મિત લઈને આવ્યો હતો. જે રીતે એ લોકોએ ગતરાતે અર્જુનની યોજનાને અમલમાં મૂકી બ્રાન્ડન રૂપે એક વેમ્પાયરનો અંત કર્યો એ પછી પોલીસકર્મીઓએ ખરેખર રાહતનો દમ ભર્યો હતો.

પોતપોતાની ડ્યુટી પૂર્ણ કરી બધાં જ પોલીસકર્મી જ્યારે રાધાનગર પોલીસ સ્ટેશન પાછાં આવ્યાં ત્યારે વાઘેલાએ ખુશ થઈને બધાં ને સૌરાષ્ટ્રનાં ગાંઠિયાની પાર્ટી આપી. વાઘેલા જેવો કંજૂસ માણસ સામે ચાલીને બીજાં પાછળ ખર્ચો કરે એ બાબત પરથી જ સમજાતું હતું કે એક વેમ્પાયરને મારવો એ લોકો માટે કેટલી મોટી બાબત હતી.

બધાં પોલીસકર્મી ખુશખુશાલ થઈને ગાંઠિયા અને ચટણીની મિજબાની ઉડાવતાં હતાં ત્યારે અર્જુન ચિંતિત વદને પોતાની કેબિનમાં બેઠો-બેઠો કંઈક વિચારી રહ્યો હતો. અર્જુન બહાર હાજર નહોતો એ બાબતનું ધ્યાન જતાં નાયક એક પ્લેટમાં ગાંઠિયા અને પપૈયાનું કચુંબર લઈને અર્જુનની કેબિનમાં પ્રવેશ્યો.

"લો સાહેબ, આ ગરમાગરમ ગાંઠિયા ખાઓ.. . તમે નહીં માનો પણ આજે તો વાઘેલાએ 2000 રૂપિયાનાં ગાંઠિયા મંગાવ્યા.. "અર્જુનની તરફ પ્લેટ ધરતાં નાયક ઉત્સાહમાં આવી બોલ્યો.

અર્જુને શૂન્યભાવ સાથે પ્લેટ હાથમાં લીધી અને નાયકની લાગણીને માન આપી પપૈયાનાં કચુંબર સાથે ગાંઠિયા ખાવાનું શરૂ કર્યું.

"શું થયું છે સાહેબ, કેમ આમ મૂંઝાયેલાં લાગો છો.. ?"અર્જુનનાં મનનાં ભાવો વાંચી ગયો હોય એમ નાયક અર્જુન તરફ જોતાં બોલ્યો.

નાયક નાં સવાલનો જવાબ આપતાં અર્જુન બોલ્યો.

"નાયક.. ગઈકાલે રાતે આપણે જે સફળતા મેળવી એનાં લીધે વધુ ખુશ થવાની જરૂર નથી. આપણે જાણીએ છીએ કે આપણે જેને મારવામાં સફળ થયાં એ બ્રાન્ડનનાં બીજાં છ વેમ્પાયર ભાઈ-બહેન હજુ જીવિત છે.. આજની રાત ક્યાંક એ બધાં પોતાનાં ભાઈની મોતની બદલો લેવાં આવી પહોંચશે તો એમની સામે ટક્કર કઈ રીતે લઈશું એ અંગે કોઈ નક્કર આયોજન કરવું રહ્યું.. કેમકે એ લોકો અત્યાર સુધી તો બ્રાન્ડનની મોત અંગે જાણી ચુક્યાં હશે અને એની સાથે ટ્રીસા પોતે કઈ રીતે આપણી જાળમાં સપડાઈ એ અંગે પણ પોતાનાં ભાઈ-બહેનો ને જણાવી ચુકી હશે. મને નથી લાગતું કે હવે ગઈકાલ અપનાવેલી યોજના પુનઃ અમલમાં મુકીશું તો એમાં સફળ થઈશું. "

અર્જુનની વાત સાંભળી નાયક ઘણીવાર વિચારતો રહ્યો પછી કંઈક મનમાં આવતાં બોલ્યો.

"સાહેબ, ક્યાંક એવું પણ બને કે બ્રાન્ડનની હત્યા પછી એ લોકો ડરીને પાછા હુમલો કરવાનું ના પણ વિચારે અને આ શહેર છોડીને પાછાં ચાલ્યાં પણ જાય.. "

"બની શકે કે તું કહે છે એવું થાય પણ એની શકયતા બહુ ઝુઝ છે.. જે રીતે ફાધર વિલિયમે એ વેમ્પાયર પરિવાર વિશે જણાવ્યું એ પરથી તો લાગે છે કે કંઈપણ થાય એ વેમ્પાયર પરિવાર ત્રીસ દિવસ થયાં વગર આ શહેર કોઈપણ સંજોગોમાં નહીં છોડે. "અર્જુનનાં અવાજમાં બેચેની હતી.

"એ તો હવે આજે રાતે જ ખબર પડશે.. "નાયક બોલ્યો.

"સારું.. તો હવે હું ઘરે જવાં નીકળું.. આજે રાતે શું કરીશું એ અંગે વિચારીને સાંજે જણાવું. "અર્જુને આટલું કહી એક ગાંઠિયો મોંમાં મુક્યો અને પોતાની પોલીસ હૅટ માથે ચડાવી પોતાની ખુરશીમાંથી ઉભો થયો.

"સારું, વાંધો નહીં.. "નાયક અદબભેર બોલ્યો.

આ સાથે જ અર્જુન પોતાની બુલેટ પર સવાર થઈને ઘર તરફ જવાં નીકળી પડ્યો.

*****

અર્જુન ઘરે પહોંચ્યો ત્યારે એની પત્ની પીનલ એની રાહ જોઈને જ ઉભી હતી.. અર્જુને ઘરે પહોંચી પીનલને ગઈકાલ રાતે જે કંઈપણ ઘટિત થયું એ અંગે સંપૂર્ણ વિગત જણાવી. બ્રાન્ડનનું જે દિલેરીથી અર્જુને કામ તમામ કર્યું હતું એ સાંભળી પીનલનો ચહેરો હરખાઈ ગયો.

"હવે અભિમન્યુ ને કેવું છે.. ?"અચાનક અભિમન્યુ વિશે ખ્યાલ આવતાં અર્જુને પીનલને પૂછ્યું.

"અરે એને હવે સંપૂર્ણ સારું થઈ ગયું છે અને આજે તો એ સ્કૂલે પણ ગયો છે.. "પીનલ બોલી.

"તો તો પછી આજે ઘરે ફક્ત હું અને તું.. "આટલું બોલી અર્જુન પીનલની નજીક આવ્યો અને પીનલનો ચહેરો હાથમાં લઈ પ્રેમથી નિહાળવા લાગ્યો.

"જનાબ તમારી દાનત સારી નથી લાગતી.. "પીનલ શરમાઈને બોલી.

"દાનત પણ સારી છે અને ઈરાદો એ નેક છે.. "આટલું કહી અર્જુને હળવેકથી પીનલનાં અધર ચુમી લીધાં.

આ સાથે જ અર્જુન અને પીનલ વચ્ચે એકબીજાને પ્રેમની અદભુત અનુભૂતિ કરાવવાનો સંપૂર્ણ પ્રયત્ન શરૂ થઈ ગયો. રાતે પોતાની ડ્યુટીનાં લીધે પીનલ સાથે સુંદર ક્ષણો પસાર નહીં કરી શકવાનો જે અફસોસ અર્જુનને હતો એનો અંત પીનલ સાથે વિતાવેલી અંગત પળો માણ્યા બાદ થઈ ચૂક્યો હતો.

આખરે પરમસુખનો આનંદ પ્રાપ્ત કર્યાં બાદ રાતભરનો થાકેલો અર્જુન ઘસઘસાટ સુઈ ગયો અને પીનલ આ સાથે જ પોતાનાં ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ.

સાંજે ચાર વાગે અર્જુને ઉઠીને સ્નાન કર્યું અને ચા-નાસ્તો કરી પીનલ અને અભિમન્યુ જોડે થોડી હસી-મજાકની વાતો કર્યાં બાદ પોતાની ફરજ માટે વફાદાર અર્જુન બુલેટ પર સવાર થઈને નીકળી પડ્યો રાધાનગર પોલીસ સ્ટેશન તરફ. બુલેટનાં પૈડાંથી પણ વધુ ગતિમાં દોડતું અર્જુનનું મગજ આજે રાતે પોતે કઈ રીતે બ્રાન્ડનનાં બાકીનાં ભાઈ-બહેનો સાથે મુકાબલો કરશે એ અંગે વિચારી રહ્યું હતું.

*****

રાધાનગરનાં ઘણાં ખરાં લોકો પણ ગઈકાલે જે કંઈપણ થયું એ અંગે જાણી ચુક્યાં હતાં. અર્જુન સહિત બધાં પોલીસકર્મીઓ દ્વારા જે રીતે પોતાનો જીવ દાવ પર મૂકીને શહેરીજનો માટે જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો એ જોઈ સમસ્ત રાધાનગરનાં લોકો અર્જુન અને એની પુરી પોલીસ ટીમનાં વખાણ કરી રહ્યાં હતાં.

આજે રાતે કંઈક મોટું બનવાનું છે એવો અંદેશો આવતાં અર્જુને આજે બે ટીમનાં બદલે એક જ ટીમ બનાવી આજની રાત સરદાર પટેલ ગાર્ડન જોડે પસાર કરવાનું બધાં પોલીસકર્મીઓને જણાવી રાખ્યું હતું.. અર્જુને યાસીર શેખને કહી વધુ યુ. વી લાઈટ ની વ્યવસ્થા કરાવી દીધી હતી.. જનરેટરથી ચાલતી પચાસેક જેટલી યુ. વી લાઈટ વેમ્પાયર પરિવારનો ખાત્મો કરવાં પૂરતી હતી એ બાબતે શંકાને સ્થાન નહોતું.

આ સાથે અર્જુને પોલીસ સ્ટેશનમાં મોજુદ બધાં જ હથિયારો સરખે ભાગે પોલીસકર્મીઓને આપીને જરૂર પડે તો એ હથિયારોનો ઉપયોગ કરવાની સૂચના પણ એ લોકોને આપી દીધી હતી. આ સિવાય બે પોલીસ જીપ પણ ત્યાં હાજર હતી. ચાલીસ જેટલાં પોલીસકર્મીઓને છુપાવવા નાની-સુની બાબત તો નહોતી છતાં સરદાર પટેલ ગાર્ડનની નજીક આવેલાં વૃક્ષો અને ચબૂતરાનાં લીધે દસ-દસ ની ચાર અલગ-અલગ ટુકડીમાં વહેંચાયેલી પોલીસની ટીમ ત્યાં કોઈની નજરે ના ચડે એમ છુપાઈને પુરી સાવધાની સાથે ગોઠવાઈ ચુકી હતી.

દરિયાકિનારેથી રાધાનગર શહેરનાં રસ્તે અર્જુને શ્વાન સાથે જે પોલીસકર્મીઓ ગોઠવ્યાં હતાં એમને ત્યાં રાખવામાં વધુ પડતું જોખમ લાગતાં એમને ત્યાંથી દૂર કરી દીધાં હતાં.

હવે જો વેમ્પાયર પરિવારનાં બાકીનાં સભ્યો રાધાનગરમાં પ્રવેશ કરશે તો શહેરની મધ્યમાં આવેલાં સરદાર પટેલ ગાર્ડન જોડેથી અવશ્ય પસાર થશે એવી અર્જુનની ગણતરી હતી. જે રીતે આજે અર્જુન અને એની ટીમ સજ્જ થઈને ઉભી હતી એ પરથી એ તો નક્કી હતું કે જો બ્રાન્ડનનો બદલો લેવાં એનાં બાકીનાં ભાઈ-બહેન આવશે તો એમની દશા પણ બ્રાન્ડન જેવી જ થશે.

રાતનાં લગભગ સાડા બાર થઈ ગયાં હોવાથી આખું રાધાનગર અંધકાર અને ઠંડીની ચાદર ઓઢીને સુઈ ગયું. અત્યાર સુધી કોઈપણ અજુગતી ઘટના બની ન હોવાનાં લીધે અર્જુનને રાહત જરૂર હતી પણ આમ છતાં એ કંઈક તો ના બનવાનું બનશે એવું કહેતું અર્જુનનું મન એને સહેજ પર ગફલતમાં ના રહેવાં વારંવાર ચેતવી રહ્યું હતું.

અચાનક રાધાનગરનાં દરિયામાં કંઈક હલચલ થઈ અને છ મનુષ્ય આકૃતિ દરિયાની સપાટી પર ચાલીને દરિયાકિનારે આવતી માલુમ પડી.

ચંદ્રની આછેરી રોશનીમાં એ લોકોનાં ચહેરા સ્પષ્ટ તો નહીં પણ થોડાં ઘણાં અંશે નજર આવી રહ્યાં હતાં.. એ લોકો બ્રાન્ડન નાં ભાઈ-બહેનો જ હતાં. ક્રિસની આગેવાનીમાં રાધાનગર તરફ વધતાં એ લોકોનાં ચહેરા પર અતિશય ક્રોધ માલુમ પડતો હતો.

આવેશમાં રાધાનગર તરફ વધતાં વેમ્પાયર પરિવારનાં એ છ સદસ્યોને જોઈ એટલું તો સમજી શકાતું હતું કે આજની રાત રાધાનગરનાં લોકો માટે નવું જોખમ લઈને આવી ચૂકી હતી.

દરિયાકિનારે પહોંચતાં જ ક્રિસે પોતાનાં ભાઈ-બહેનો તરફ જોયું અને ચહેરો હલાવી આંખોથી કંઈક ઈશારો કર્યો.. ક્રિસની વાત સમજી ગયાં હોય એમ એનાં બાકીનાં ભાઈ-બહેનોએ પણ પોતપોતાનો ચહેરો હકારમાં ધુણાવ્યો.

આ સાથે જ એ છ લોકો દરિયાકિનારેથી છુટા પડી અલગ-અલગ દિશામાં રાધાનગર શહેર તરફ ચાલી નીકળ્યાં. વેમ્પાયર પરિવારનાં આ સભ્યોને દરિયાકિનારે મોજુદ નાળિયેરીનાં વૃક્ષ પર બેસેલી એક ચિબરી જોઈ રહી હતી.. એ લોકોનાં રાધાનગર તરફ જતાં જ એ ચિબરી કકર્ષ અવાજ કરતી કરતી ત્યાંથી ઉડીને રાધાનગર શહેર તરફ અગ્રેસર થઈ. !!

******

વધુ આવતાં ભાગમાં.

વેમ્પાયર પરિવારનાં લોકો બ્રાન્ડનની હત્યા નો બદલો કઈ રીતે લેશે..? વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED