ડેવિલ રિટર્ન 2.0
ભાગ-7
રાધાનગરમાં થઈ રહેલી હત્યાઓ પાછળ વેમ્પાયર ફેમિલી જવાબદાર છે એ જાણ્યાં બાદ અર્જુને ગમે તે કરી વેમ્પાયર ફેમિલીનો ખાત્મો કરવાનું મન બનાવી લીધું હતું. આ માટે એની એક યોજના બનાવી અને એ મુજબ પોલીસકર્મીઓને વર્તવા જણાવી દીધું. અર્જુન વેમ્પાયર ફેમિલીનો નાશ કરવાની પોતાની યોજનાને અમલમાં મૂકી ચુક્યો એ વાતથી અજાણ વેમ્પાયર ફેમિલીનો સૌથી નાનો ભાઈ બ્રાન્ડન પોતાનાં ભાઈ ડેવિડ ની વાત અવગણી રાધાનગર તરફ પ્રસ્થાન કરી ચુક્યો હતો.
અર્જુનની યોજના મુજબ એને જે રીતે ટ્રીસાને એ લોકો ખત્મ કરવામાં સફળ રહ્યાં એમ જ આગળ વધવું એ મુખ્ય પગથિયું હતું. આ ઉપરાંત અર્જુને ગતરોજ ની યોજનામાં જે ભૂલો થઈ હતી એમાંથી કંઈક શીખીને આ યોજના નક્કર બને એવાં અમુક પગલાં ભર્યાં હતાં. જેમાં સૌથી પહેલું પગલું હતું રાધાનગરમાં આવતાં રસ્તે માઇક્રોફોન લગાવેલાં ડોગ સ્કોવડનાં શ્વાન નિયત અંતરે બાંધવા.. આ શ્વાનની જોડે એક છુપાઈને બેસેલો પોલીસકર્મી પણ ગોઠવવાની અર્જુને ગોઠવણ કરી હતી. જો કોઈ શ્વાન અચાનક ભસે તો એ પોલીસકર્મી એ ત્યાંથી કોઈ ઓછાયો પસાર થાય છે કે નહીં એ નોંધી અર્જુનને જણાવવાનું હતું.
બીજી બાબત એ હતી કે જેવો જ કોઈ વેમ્પાયર પરિવારનાં સભ્ય સાથે મુકાબલો થાય તો એને યુ. વી લાઈટ નો ઉપયોગ કરીને જ મારવો.. અને પછી તાત્કાલિક એ વેમ્પાયર પરિવારનાં સભ્યની લાશને જમીનમાં ઉંધા મોંઢે દાટીને એની ઉપર મોટી માત્રામાં મીઠું અને લસણ નાંખી એની લાશને જમીનમાં દાટી દેવી.
અર્જુને શહેરમાં વધુ ટુકડી બનાવવાનાં બદલે બે ટુકડીઓ જ બનાવી હતી.. જેમાં એક ટુકડી મસ્જિદ જોડે હાજર હતી અને બીજી સરદાર પટેલ ગાર્ડન જોડે. દરિયાકિનારેથી શહેરમાં આવતાં રસ્તે પણ અડધો ડઝન પોલીસકર્મીઓ નિયત અંતરે ડોગ સ્કોવડનાં શ્વાન સાથે મોજુદ હતાં.. હા એ વાત સત્ય હતી કે જે પોલીસકર્મીઓને આ કાર્ય પોતાને આપવામાં આવ્યું એ જાણ્યાં પછી એ બધાં ભયભીત જરૂર હતાં. પણ અર્જુને એમને સમજાવ્યું કે એ લોકોએ કંઈપણ થાય છુપાઈને જ રહેવાનું છે અને કોઈ દેખાય તો એની જાણ મેસેજથી જ કરવાની છે ત્યારે એમને થોડી ધરપત થઈ.
સરદાર પટેલ ગાર્ડન જોડે અત્યારે અર્જુન, અશોક અને સરતાજ મોજુદ હતાં.. જ્યારે મસ્જિદ જોડે નાયક, અબ્દુલ અને જાની. આ ઉપરાંત એમની મદદ માટે ડઝનેક પોલીસકર્મી પણ બંને ટુકડીઓમાં સામેલ હતાં. ગાર્ડન જોડે ખુલ્લી જગ્યાએ સરતાજ સૂતો હતો જ્યારે મસ્જિદ જોડે અબ્દુલ.. ખુલ્લી જગ્યાએ આમ સુઈને એ લોકો વેમ્પાયર પરિવારનાં સભ્યને સરળ શિકારની લાલચે આકર્ષવાનાં હતાં જે રીતે એમને ટ્રીસા ને ફસાવી હતી.
ટ્રીસા કઈ રીતે પોલીસની ટીમનાં આયોજનમાં ફસાઈ એની વાત એને ડેઈઝી અને ઈવ ને તો જણાવી પણ પોતાનાં ભાઈઓને નહોતી જણાવી જેનું ખરાબ પરિણામ આગળ જતાં કોને કેટલું ભોગવવાનું હતું એ તો ફક્ત સમયની ગર્તામાં છુપાયેલું હતું.
****
કઈ રીતે સામાન્ય પોલીસકર્મીઓ મળીને પોતાની નાની બહેન ટ્રીસાની નિર્મમ હત્યા કરી શકે છે એ વિચારી રઘવાયેલો બ્રાન્ડન વગર વિચારે રાધાનગર તરફ ચાલી નીકળ્યો હતો. બ્રાન્ડન આજે કાળ બનીને રાધાનગરમાં પ્રવેશ્યો તો ખરો પણ બ્રાન્ડન એ વાતથી બિલકુલ અજાણ હતો કે અર્જુન કાળનો પણ કાળ બની એની રાહ જોઈ રહ્યો હતો.
દરિયાકિનારેથી રાધાનગર આવતાં રસ્તે એક મોટું વડનું વૃક્ષ હતું જેની વડવાઈઓનાં ફેલાવાનાં લીધે એ વૃક્ષની આસપાસનો વિસ્તાર ભૂતાવળ લાગતો હતો.. આ વડ વૃક્ષની ઉપર અંધકારની આડશ લઈને રાધાનગર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ માથુર છુપાયો હતો. વૃક્ષની નીચે જ એક લેબ્રાડોર પ્રજાતિનો પાલતુ શ્વાન આંટા મારી રહ્યો હતો. જેવો બ્રાન્ડન એ રસ્તે પસાર થયો એ સાથે જ એની હાજરીનો ભાસ થઈ ગયો હોય એમ એ શ્વાન ઘુરકવા લાગ્યો.
શ્વાનનાં ઘુરકવાથી માથુર સાવધ થયો અને એને ત્યાં શ્વાન જે દિશામાં ભસતો હતો એ તરફ નજર ફેંકી.. માથુરની નજરે વધુ કંઈ તો ના ચડ્યું પણ કોઈ અતિ ઝડપે શહેર તરફ જઈ રહ્યું હતું એવું માથુર જોઈ શક્યો. આમ થતાં માથુરે પોતાનો મોબાઈલ ફોન નીકાળી અર્જુનને ટેક્સ મેસેજ કર્યો.
"કોઈ આવી રહ્યું છે.. "
આવું જ કંઈ રાધાનગર શહેરનાં પ્રવેશદ્વાર સમાન જૂની પાણીની ટાંકી જોડે થયું.. ત્યાં છુપાયેલાં યાસીરે પણ એની જોડે મોજુદ કેલી નામનાં જર્મન શેફર્ડ શ્વાનનાં ઘુરકવાનાં લીધે ત્યાંથી ઝડપભેર પસાર થતાં ઓછાયા ને જોઈ અર્જુનને સાવધ રહેવાં જણાવી દીધું.
શહેરમાં આગળ વધતાં બ્રાન્ડનની હાજરી કન્યાશાળા જોડે છુપાયેલાં ઈશ્વર નામનાં સિનિયર કોન્સ્ટેબલે પણ નોંધી અને એ અંગેની માહિતી અર્જુનને ટેક્સ મેસેજ કરી પાઠવી. એક પછી એક ત્રણ અલગ-અલગ જગ્યાએથી આવેલાં ટેક્સ મેસેજનાં લીધે અર્જુન પુનઃ સતેજ થઈ ગયો અને નાયકને પણ મેસેજ કરી સંપૂર્ણપણે સતેજ રહેવાં જણાવી દીધું.
આ સાથે જ પોતાની બહેન ટ્રીસા ની જે દુર્દશા થઈ હતી એનો બદલો લેવાં નીકળેલાં બ્રાન્ડનનો મુકાબલો કરવાં એસીપી અર્જુન અને રાધાનગર પોલીસ સ્ટેશનનો પ્રત્યેક પોલીસકર્મી માથે કફન બાંધી તૈયાર થઈ ચૂક્યો હતો.
આને સંયોગ ગણો કે બ્રાન્ડનનાં ખરાબ નસીબ એ રાધાનગરમાં કન્યાશાળાથી સીધો સરદાર પટેલ ગાર્ડન તરફ જતાં રસ્તે ચાલી નીકળ્યો જ્યાં ખુદ મોત નો સોદાગર એસીપી અર્જુન એની વાટ જોઈને ઉભો હતો. (ભવિષ્યમાં મોતનો સોદાગર નામથી એસીપી અર્જુનને સાંકળતી સીરીઝનો નવો ભાગ આવશે. )
રાતનાં સાડા બાર વાગ્યાં જેટલો સમય થઈ ચૂક્યો હતો.. જ્યાં પાંચ વાગતાં જ અંધકાર પોતાનું સામ્રાજ્ય ફેલાવવાં લાગતો ત્યાં સાડા બાર વાગે તો અંધકાર અને હાડ થીજવતી ઠંડીનું એવું તે મોજું ફરી વળ્યું હતું કે સમગ્ર શહેરમાં ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી સ્મશાનવત શાંતિ પ્રસરી ચુકી હતી.
સરદાર પટેલ ગાર્ડનની સામે મોજુદ પીપળાનાં વૃક્ષ નીચે ઓઢીને સુતેલાં સરતાજને અર્જુન પહેલેથી જ સાવધ કરી ચુક્યો હતો કે હવે ગમે તે ક્ષણે એની ઉપર હુમલો થઈ શકે છે. સિંહને પકડવા જેમ બકરીને ધરવામાં આવે એમ બ્રાન્ડન ને મારવાં સરતાજ નો બકરી તરીકે ઉપયોગ થઈ રહ્યો હતો. આગળની રાતે આ જ તરકીબથી અર્જુને આબાદ રીતે ટ્રીસાને ફસાવી હતી એટલે અર્જુનને હતું કે પુનઃ એવું જ કંઈક બનશે પણ મનનાં ઊંડે અર્જુનને એ વાતનો ભય પણ હતો કે જો ગઈકાલ રાતનો પ્રસંગ રક્તપિશાચ ટ્રીસા એનાં પરિવારને સંભળાવી ચુકી હોય તો એમનાં આ આયોજન પર પાણી ફરી ચુકે એમ હતું.
આમ છતાં પોતાને સફળતા મળી જશે એવી આશાએ અર્જુને ગઈકાલની માફક જ પોતાની યોજના ને અમલમાં મુકવાનું નક્કી કર્યું હતું. ટ્રીસા ને કઈ રીતે અર્જુને પોતાની જાળમાં ફસાવી હતી એ બાબતથી અજાણ બ્રાન્ડન ઉતાવળો બની ક્રોધમાં પોતાનાં મોત સુધી આવી પહોંચ્યો હતો.
સરદાર પટેલ ગાર્ડન જોડે પહોંચતાં જ બ્રાન્ડન ની નજર પીપળાનાં વૃક્ષ નીચે સુતેલાં સરતાજ પર પડી. આટલો આસાન શિકાર જોતાં જ બ્રાન્ડન ની દાઢ ચસકી. બ્રાન્ડન સરતાજ તરફ આગળ વધવા જતો હતો ત્યાં એની છઠ્ઠી ઈંદ્રિયએ એને ચેતવ્યો. બ્રાન્ડન આગળ વધતાં અચાનક અટકી ગયો.
આટલી ઠંડીમાં કોઈ આ રીતે ખુલ્લામાં ના સુવે એવો વિચાર બ્રાન્ડનને આવતાં જ એને પોતાનાં પગ અટકાવી દીધાં.. પોતાની વિરુદ્ધ કંઈક તો ષડયંત્ર રચાઈ ચૂક્યું છે એની ગંધ બ્રાન્ડનને આવી ચૂકી હતી. પોતાની અગોચર શક્તિ વડે બ્રાન્ડને આજુબાજુ મોજુદ પોલીસકર્મીઓની હાજરી મહેસુસ કરવાનું શરૂ કર્યું.
"નક્કી અહીં કોઈક છે.. "આટલું બોલી બ્રાન્ડન પીછેહઠ કરવાં લાગ્યો.. બ્રાન્ડન નાં આમ કરતાં જ અર્જુન સમજી ગયો કે બ્રાન્ડનને એમની મોજુદગી નો અહેસાસ આવી ચુક્યો હોવો જોઈએ.. હવે વધુ સમય બગાડવામાં બ્રાન્ડનનાં ત્યાંથી છટકી જવાનો ભય લાગતાં અર્જુને મેદાનમાં ઝુકાવવાનું નક્કી કર્યું.
"એ કાયર, ક્યાં ભાગ્યો.. "અર્જુને બ્રાન્ડનની સામે આવતાં કહ્યું.
"કોને કાયર કહે છે તુચ્છ માનવી.. તું મને ઓળખતો નથી લાગતો.. "અર્જુનને સામે જોઈને બ્રાન્ડન ગુસ્સાભેર બોલ્યો.
"તને ઓળખીને મારે કરવું પણ શું.. ?પણ તું મારો પરિચય જાણી લે જેથી તને ખબર પડે કે તને મોતની ભેટ આપનાર વ્યક્તિ કોણ હતું.. "અર્જુન દાંત કસકસાવીને બોલ્યો.. આ અર્જુનની ચાલ હતી.. એ આ રીતે બ્રાન્ડનને ઉશ્કેરી એને યુવી લાઈટ ની રેન્જમાં લાવવા માંગતો હતો.
"તું ક્યાંક અર્જુન તો નથી ને.. ?"બ્રાન્ડન અર્જુન તરફ આગળ વધતાં બોલ્યો.
"હા હું જ અર્જુન છું.. એ અર્જુન જેને તારી નાની લાડકી બહેન ટ્રીસા ને તડપાવી-તડપાવીને મારી હતી. "અર્જુન જાણીજોઈને બ્રાન્ડનને ગુસ્સો દેવડાવતાં બોલ્યો.
"હું તને નહીં છોડું હરામી.. "આવેશમાં આવી બ્રાન્ડને અર્જુન પર છલાંગ લગાવી.. બ્રાન્ડન આવું કંઈક કરશે એ બાબત જાણતો હોવાથી અર્જુન વિજળીવેગે એક તરફ સરકી ગયો અને બ્રાન્ડન જમીન પર પટકાયો.
"યુવી લાઈટ ઓન.. "બ્રાન્ડન નાં જમીન પર પડતાં જ અર્જુને બાકીનાં પોલીસકર્મીઓને આદેશ આપ્યો.
અર્જુનનાં આદેશની રાહ જોઈ રહેલાં અશોક અને અન્ય પોલીસકર્મીઓએ તાત્કાલિક યુવી લાઈટ ચાલુ કરી દીધી.. અચાનક પોતાની ઉપર યુવી લાઈટ પડતાં જ બ્રાન્ડન નું આખું શરીર જાણે આગની ભઠ્ઠીમાં શેકાતું હોય એમ શેકાવા લાગ્યું.. આ બધું શું થઈ રહ્યું છે એ અંગે વધુ કંઈ વિચારવા યોગ્ય હાલતમાં બ્રાન્ડન હવે નહોતો. બ્રાન્ડને ત્યાંથી નાસી જવાની ઘણી કોશિશ કરી જોઈ પણ તેજ યુવી લાઈટ નાં પ્રકાશમાં એનાં હાથ-પગ સહિત આખું શરીર અસહાય બની ચૂક્યું હતું.
હજારો લોકોની હત્યા બાદ સ્મિત વેરતાં બ્રાન્ડનની આવી દશા જોઈ અર્જુન સહિત બધાં પોલીસકર્મીઓ અત્યારે સ્મિત વેરી રહ્યાં હતાં. પોતાનું આયોજન પુનઃ સફળ જવાનાં લીધે અર્જુન ખૂબ જ ખુશ માલુમ પડી રહ્યો હતો.
આખરે પાંચેક મિનિટની અપાર પીડા ભોગવ્યા બાદ બ્રાન્ડનનું શરીર ઠંડુ પડી ગયું અને એનું હૃદય અટકી ગયું.
"સાહેબ, લાગે છે આ મરી ગયો.. "અશોકે અર્જુનને ઉદ્દેશીને કહ્યું.
"હા આ મરી તો ગયો છે પણ હંમેશા માટે નહીં.. "અશોક ભણી જોતાં અર્જુન બોલ્યો.
"મતલબ.. ?"સરતાજ અર્જુનની વાત સાંભળી પ્રશ્નાર્થભરી નજરે અર્જુન તરફ જોતાં બોલ્યો.
"મતલબ કે જેમ ગઈકાલે આની બહેન આપણાં દ્વારા મર્યા બાદ પણ બચી ગઈ હતી એમ આ પણ બચી શકે છે.. "અર્જુન બ્રાન્ડનનાં મૃત શરીર તરફ જોતાં બોલ્યો.
"તો પછી આનું શું કરીશું.. ?"અશોક બોલ્યો.
"આ મૃતદેહનું શું કરીશું એની મને ખબર છે.. આ વખતે કોઈ ચૂક નહીં થાય. "બ્રાન્ડન નાં મૃતદેહને નજીક જઈ નિહારતાં અર્જુન સસ્મિત બોલ્યો.
એકતરફ જ્યાં બ્રાન્ડન અર્જુનની ચાલમાં ફસાઈને મરી ચુક્યો હતો ત્યાં વેમ્પાયર નાં રહેઠાણ બનેલાં જહાજ પર આ બાબતથી અજાણ બ્રાન્ડનનાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો આરામ ફરમાવી રહ્યાં હતાં. આ જહાજ પર અત્યારે એક વ્યક્તિ યંત્રવત બનીને જહાજનાં તૂતક પર પોતું કરી રહ્યો હતો.. એ વ્યક્તિ હતો મુસ્તફા.. !
*****
વધુ આવતાં ભાગમાં.
મુસ્તફા જહાજ પર શું કરી રહ્યો હતો. ?અર્જુન બ્રાન્ડન નાં મૃતદેહ સાથે શું કરશે. ?બ્રાન્ડનને એનાં ભાઈ-બહેનો બચાવી શકશે. ? કેમ એ લોકો રહેતાં હતાં એ જહાજ કોઈની નજરે નહોતું ચડ્યું. ?અર્જુને શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી બચાવવા કઈ યોજના બનાવી હતી.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
મર્ડર એટ રિવરફ્રન્ટ
The ring
~જતીન. આર. પટેલ (શિવાય)
***