મારી ચૂંટેલી લઘુકથાઓ - 52 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 52

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

વિકલ્પ

કાલે રાત્રે ગામડાથી મારા મિત્રના આવેલા ફોને મને ગૂંચવાડામાં નાખી દીધો છે. આખી વાત તમને કહેતા અગાઉ મારે મારી પારિવારિક પૃષ્ઠભૂમિ વિષે થોડું-ઘણું જણાવી દેવું પડશે નહીં તો હું મારી વાત તમને પૂરી રીતે સમજાવી શકીશ નહીં.

મારા પરિવારમાં અત્યારે ચાર પેઢીઓ છે. મારા દાદી (દાદાજી જીવિત નથી), પિતાજી-માતાજી, હું-મારી પત્ની અને મારો ચોવીસ વર્ષનો લગ્ન કરી ચૂકેલો પુત્ર. હું મારા માતાપિતા તેમજ પુત્ર અને પુત્રવધૂ સાથે શહેરના ત્રણ માળના મકાનમાં રહું છું.

મારા હજાર પ્રયાસો કરવા છતાં પણ મારી નેવું વર્ષના દાદી ક્યારેય શહેર આવીને અમારા આ મકાનમાં રહેવા માટે તૈયાર નથી થઇ. આ ઝઘડો કાયમનો છે. ગામડાના ઘરને દાદી પોતાનું માને છે અને શહેરના ઘરને મારી માતા પોતાનું બને છે. મારી પત્નીનું માનવું છે કે તેનું તો અત્યારસુધી કોઈ ઘર છે જ નહીં. પુત્ર અને પુત્રવધૂનું એ લોકો જાણે અને સમજે.

હા તો વાચકો! રાત્રે ગામડાથી આવેલા મારા મિત્રના ફોને મને વિચલિત તો કર્યો જ છે પરંતુ ગૂંચવાડામાં પણ નાખી દીધો છે. ગામડામાં દાદીમા સખત બીમાર છે અને ત્યાં તેમની સંભાળ રાખવા માટે જે મહિલા મેં રાખી છે તે પણ હવે તેમની સંભાળ રાખવા માટે અસમર્થ છે.

આખી રાત મેં ખૂબ વિચાર કર્યો પરંતુ હજી સુધી હું કોઇપણ નિર્ણય પર પહોચી શક્યો નથી.

વાચકો! આખી રાતના મનોમંથન બાદ મારી સામે ચાર વિકલ્પ ઉભરીને આવ્યા છે. પહેલો – હું નોકરીમાંથી એક મહિનાની રજા લઈને પત્ની સાથે દાદીમાની સેવા કરવા ગામડે જતો રહું. કદાચ હું પત્નીને ગમેતે રીતે મનાવીને પોતાની સાથે લઇ શકીશ. બીજો – હું માતાજી સામે હાથ જોડીને પ્રાર્થના કરું કે તેઓ ગમે તે રીતે કરીને દાદીમા સાથે એડજસ્ટ કરી લે, જો કે આમ થવું કદાચ જ શક્ય થશે. ત્રીજો – હું દાદીમાને સીધા જ હોસ્પિટલમાં દાખલ કરી દઉં અને ચોવીસ કલાકની નર્સને પેમેન્ટ કરીને તેમની સેવામાં લગાવી દઉં. જો કે આનાથી મારા પર જે આર્થિક દબાણ આવશે એ મારી કમર તોડી નાખશે. પણ કોઈને કોઈ રીતે મારે એ ખર્ચો તો વહન કરવો જ પડશે. ચોથો વિકલ્પ એવો છે કે હું પણ મારા પિતા અને પુત્રની જેમ આ પરિસ્થિતિ સમક્ષ આંખો બંધ કરીને જે થાય છે તે થવા દઉં.

તો વાચકો! તમે મને કયો વિકલ્પ પસંદ કરવાની સલાહ આપો છો? કદાચ તમારી સલાહ જ મને આ તકલીફમાંથી બહાર કાઢી શકશે.

***