મારી ચૂંટેલી લઘુકથાઓ - 53 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 53

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

હોસ્પિટલના ભૂત

આ એક થાકી ગયેલી સવાર હતી. જાન્યુઆરીના આળસુ સુરજનો પ્રકાશ શહેરની ખ્યાતનામ પ્રાઈવેટ હોસ્પિટલની ઉપર ફેલાવા લાગ્યો હતો. રાત્રે દર્દીઓના અડધા જાગેલા સગાંઓ હવે ચા ના ઘૂંટડા પીતા પીતા ડોક્ટરોના આવવાની રાહ જોઈ રહ્યા હતા.

શાંતિલાલ છેલ્લા દસ દિવસોથી આ હોસ્પિટલના એક ખાનગી વોર્ડમાં દાખલ થયા છે. હાર્ટ એટેક પછી તરત જ બાયપાસ સર્જરી કરવામાં આવી હતી તેમ છતાં તેમની હાલત નિરંતર બગડતી જાય છે. કાલ સાંજથી તેમને ફરીથી આઈસીયુમાં લઇ જવામાં આવ્યા છે.

શાંતિલાલની પત્ની અને તેમનો દીકરો રાકેશ લાઉન્જમાં ચિંતિત બેઠા બેઠા ડોક્ટરના બહાર આવવાના અને તેમના દ્વારા આપવામાં આવનારી સૂચનાની પ્રતીક્ષા કરી રહ્યા છે.

સફેદ કોટ પહેરેલા અને ગળામાં સ્ટેથેસ્કોપ લઈને ડોક્ટર જેવા પોતાના સહાયક સાથે બહાર નીકળ્યા કે રાકેશ તેમની તરફ ધસ્યો.

“બધું ભગવાન ભરોસે છે...” ડોક્ટરે ઉપર છતની તરફ જોયું, એવી રીતે જાણેકે તેઓ ઉપરવાળા પાસેથી કોઈ માહિતી મંગાવી રહ્યા હોય.

“ડોક્ટર સાહેબ...!” રાકેશનો સ્વર લથડવા લાગ્યો.

“તેમને મગજમાં સ્ટ્રોક આવ્યો છે અને તેમને હવે વેન્ટીલેટર પર મુકવામાં આવી રહ્યા છે. તમે કાઉન્ટર પર ત્રણ લાખ રૂપિયા જમા કરાવીને તરતજ મને મળવા આવો.” આટલું કહેતાની સાથેજ ડોક્ટરે કેટલાક કાગળિયાં તેને પકડાવીને આગળની તરફ વધી ગયા.

રાકેશે પોતાની માનો ધ્રુજતો હાથ પકડીને તેને ખુરશી પર બેસાડી અને મોબાઈલ પર નાના ભાઈનો નંબર ડાયલ કરવા લાગ્યો. ધ્રુજતી આંગળીઓ તેનો નંબર શોધવામાં નિષ્ફળ નીવડી રહી છે.

“સાહેબ...” રાકેશે ડોકું ઉચું કરીને જોયું તો સામે વોર્ડ બોય ઉભો છે.

“?...” રાકેશ પ્રશ્ન ભરેલી દ્રષ્ટિથી વોર્ડ બોયના ચહેરાને તાંકવા લાગ્યો.

“સાહેબ, તમે પૈસા જમા ન કરાવતા...” એ ચોર નજરે આસપાસ જોઈ રહ્યો છે.”

“?...” રાકેશની આંખોમાં પ્રશ્ન તો છે પણ તેના મોઢામાંથી અવાજ નથી નીકળી રહ્યો.

“તમારો દર્દી તો ગઈકાલે રાત્રે જ પતી ગયો છે...” આટલું કહીને તે ચુપચાપ ત્યાંથી ખસકી ગયો.

“શું...?” જાણેકે એક હથોડો રાકેશના માથા પર પડ્યો અને તેને જોરથી વાગ્યું હોય એવું લાગ્યું, લાઉન્જમાં સફેદ કપડાં પહેરીને હોસ્પિટલના ભૂત નાચવા લાગ્યા છે.

***