મૃત્યુ પછીનું જીવન - ૧૯ Amisha Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછીનું જીવન - ૧૯

મૃત્યુ પછીનું જીવન—૧૯

આપણે પહેલાં જોયું, એમ રાઘવ હવે એનાં ખૂનીને શોધવા વ્યાકુળ થઇ રહ્યો છે . ત્રણેય નજીકનાં મિત્રો , જેનાં પર એને આશંકા હતી. છતાંય, સૌથી વધુ શંકા તો રાશીદ પર જ ઘોળાતી હતી. ફરી રાઘવ યાદ કરતો રહ્યો કે એ રશીદને કઈ રીતે મળ્યો હતો ....તે દિવસે જૂની હવેલી પાસે અંકલ એની હેરાફેરીની કુનેહ પારખી એને ટીમમાં સામેલ કરે છે અને ત્યાં એનો અને રશીદનો ભેટો થાય છે; જેમાં એને પોતાનું જ પ્રતિબિંબ દેખાય છે, એ જ જુસ્સો ,જુનુન...અને બંને સાથે કામ કરતાં કરતાં ગાઢ મિત્રો બની જાય છે. બંને સોપાયેલ દરેક કામ સાથે જ કરતાં થઇ જઈ છે. અને એક દિવસ અંકલ બંને ને હાજી મસ્તાન પાસે લઇ જાય છે. હવે આગળ ....રાઘવ એની અને રાશીદની કહાની યાદ કરી રહ્યો છે ....

‘બાબા સાહેબ ઉર્ફે હાજી મસ્તાન અમને બંનેને લઇ મુંબઈ ડોક પર લઇ ગયા. અમે બધા હાજી મસ્તાનને ‘બાબા સાહેબ’ કહેતાં. ત્યાં બાબા સાહેબે અમને બંનેને ડોક પર કુલીનાં ઓથોરાઈઝડ કાર્ડ બનાવી આપ્યાં. અને બંનેને ડોક પર કુલી તરીકે ગોઠવી આપ્યાં, જ્યાં અમારે ઓથોરીટીનાં આદેશ પ્રમાણે સામાન આમથી તેમ મુકવાનો કે ફેરવવાનો હોય. એ પછી બીજે જ દિવસે, બાબા સાહેબે અમારી મુલાકાત એક આરબ સાથે કરાવી. અમારે ઓન ડ્યુટી ઓથોરીટીનું કામ કરવાનું અને ડ્યુટી પછી આરબનું. આ અમારી મંઝીલની શરૂઆત હતી; જ્યાં એવી બે મહત્વની ઘટના બની કે જેનાં પરથી અમારાં બંનેનાં ફ્યુચર નિર્ધારિત થયાં . કહેવાય છે ને , આપણી સામે બે ચોઈસ હોય અને જે ચોઈસ આપણે નક્કી કરીએ એ ચોઈસ જ આપણો આગળનો રસ્તો નક્કી કરતી જાય ...અમારી સાથે પણ એવું જ કંઈ થયું ...

દિવસ આખો અમે ઓથોરીટીનાં આદેશ પ્રમાણે સામાન આમથી તેમ ફેરવતાં અને ખુબ જ થાકતાં , કારણ અમે બંને આવી મજુરીથી ટેવાયેલાં નહોતા. અંકલ સાથે જે નાના મોટાં કામ કરતાં , એમાં મોટે ભાગે હેરાફેરી જ વધારે હોય ...પણ અહીં તો સવાર થી સાંજમાં નીચોવાઈ જતાં, પણ પછી સાંજ પડતી અને અમારો દિવસ શરુ થતો, અંધારી આલમનો...

આરબ સંધ્યા સમયે જયારે બધું ડોકનું કામ સમેટાય જાય પછી, એક ખુણામાં લઇ જઈ, અમને બંનેને ૪ ૪ સોનાનાં બિસ્કીટ આપતો, જે અમારે રાતના ૧૧ વાગ્યાં સુધીમાં જણાવેલ સરનામે પહોચાડી દેવાનાં અને ફરી ડોક પર પહોચી સુઈ જવાનું ....રાત પડતા પેલાં સોનેરી સપનાઓથી અમારી હથેળીઓ ભરાઈ જતી ..અને એને હાથમાં પકડવાનાં અને સુંઘવાનાં સપના જોવામાં ને જોવામાં મહેનતથી ભરેલો અમારો દિવસ ચપટીમાં પસાર થઇ જતો...૧૦૦ ગ્રામ સોનાનાં બિસ્કીટ હાથમાં પહેલી વાર પકડ્યા, ત્યારે હજારો સોનેરી સપનાઓ સળવળી ઉઠ્યા...એક દિવસ એવો પણ આવશે જયારે આવા સોનાનાં બિસ્કીટો મારા મુકામ પર આવતા હશે ...સપના જોવા પર ગરીબોનો પણ અધિકાર છે , એવી ત્યારે જ ખબર પડી. અને એ પણ ખબર પડી કે અમારા બંનેમાં પૈસો કમાવાની આમ શ્વાસ લેવા જેવી ભુખ અમીરોના ટેડી બેર બોયઝ કરતાં હજાર ગણી વધારે છે . અને એ ઘડી અમે બંનેએ એને સાકાર પણ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો.

પણ અમને ખબર નહોતી કે ડેસ્ટીની હર મુકામ પર અમારી કસોટી લેવા તૈયાર જ બેઠી છે ..! સોનેરી સપનાઓ જોવાની કિમત પણ એમનાં એવી જ તગડી હોય ને ...! એક દિવસ , ફરી સંધ્યા સમયે એ આરબ બિસ્કીટ આપવાં જ જતાં હતાં અને ડોક પર પુલીસ આવી ચઢી, એ આરબ માટેનું એરેસ્ટ વોરંટ લઈને...આરબને ખબર પડી ગઈ કે પુલીસ બહાર છે અને એને શોધતી અંદર આવી રહી છે. અને કંઈ જ વિચાર્યા વિના એ આરબે આખી બિસ્કીટ ભરેલી પેટી જ મારા હાથમાં સોપી દીધી. અને ચીલ ઝડપે મને પાછળનાં દરવાજેથી ભગાડી દીધો. ' રાઘવ એ દિવસની ઘટના જાણે આજે જીવતો હોય એમ દ્રશ્યોને સામે વહેતાં જોઈ રહ્યો.

રાઘવ એ દિવસે સપનાઓનું આખે આખું જેકપોટ સંભાળીને ઘરે લઇ ગયો. ઘરે જઈને એણે એ પેટી ખોલી , અઓહોહો ...સોનાનાં ઝળકાટથી એની આંખો ચકાચોન્દ થઇ ગઈ. મન ભરીને જોયાં કર્યું એ દ્રશ્ય. પછી પેટી બંધ કરીને જાણે કંઈ જ ન જોયું હોય એમ , ઘરની પાછળની બંધ પડેલી ટાંકીમાં સંભાળીને મુકી આવ્યો. કદાચ આ સોનામાં એ ફીલ નહોતી , જે રોજ આરબ હાથમાં આપતાં હતાં..કદાચ એટલે કે પારકું સપનું હતું, આરબે જયારે એને હાથમાં સોપ્યું , ત્યારે એની આંખોમાં ડોકાતી મજબુરી અને ભરોસો રાઘવે જોઈ લીધાં હતાં ...એની બાના શબ્દો એને યાદ હતાં, જે કરે એ પુરા ઈમાનથી કરજે .’

આ બધું મનમાંથી પસાર થઇ રહ્યું તું ,ને રાશીદ ઘરે આવી પહોચ્યો. એની સાતમા આકાશે પહોચેલી ખુશી દેખાઈ રહી હતી.

“ચાલ , બેઠો શું છે? સામાન પેક કર, માલ ક્યા છે?

“કેવો સામાન ? કયો માલ ?”

“બહુ હોશિયાર ન બન, યાર ,વિચાર કર. જે સપનું સાકાર કરવાનું આપણે વિચારતા તા ,એ સાકાર કરવાનો મોકો મળી ગયો છે આજે જ ..! આપણા બન્નેની જીન્દગી મસ્ત સેટ થઇ જાય એવો ચાન્સ સામેથી આવી ને ઊભો છે, આ જ છે હેરાફેરીની દુનિયા, કાલે માલ એનાં હાથમાં હતો ને આજે આપણા હાથમાં. મોકો ઝડપી લો તો શેઠ , નહીતર જીંદગીભર આ લોકોના ચાકર ..

“કેવો માલ ને કેવી વાત , હું તો આપી આવ્યો બાબા સાહેબને ”

''અરે, તું પાગલ છે કે શુ? કરોડો રૂપિયાનો માલ , હાથમાં આવેલી લોટરી આમ જવા દેવાય? ક્યાં તો તું જુઠું બોલીને બધું એકલા જ ખાવા માંગે છે, ક્યા તો તું સાવ જ મુર્ખ છે ..” રાશીદ લાકડી ઉગામીને રાઘવ સામે લડવા તૈયાર થઇ ગયો . તે દિવસે રાશીદની આંખોમાંથી ઉતરતાં અંગારા આજે પણ દઝાડી રહ્યાં હતાં , રાઘવને જાણે ....રાઘવે એનાં ઈમાનને દોસ્તીથી પણ ઉપરનું સ્થાન આપ્યું તું ,જે રાશીદ ને ખટકયું હતું . રાઘવની સામે એનો દોસ્ત નહી, પણ જન્મોજનમનો વેરી ઊભો હોય એવું લાગ્યું . રાઘવને એને શાંત કરવામાં જ સમજદારી લાગી .

“જો તને એમ લાગતું હોય કે હું બધું લઈને ભાગી જવા માગું છું ,તો તું પણ અહી રોકાઈ જા ,મારી સાથે જ .અને માલ મારી પાસે છે એવી તને શંકા હોય , તો તું આખું ઘર જાતે જ ફંફોસી લે.”

તે દિવસે સમયને સાચવવા રાઘવે જુઠાણું ચલાવ્યું, રાશીદ સામે , કારણ એ રાશીદને પણ ઓળખતો હતો અને હાજી મસ્તાનને પણ .પણ એ જુઠાણું આખરે બેય ની દોસ્તી નો જીવ લઈને ગયું...

-અમીષા રાવલ

----------------------------------------------------------------------------------------------------------------------------------------------
સોનાની એ પેટી કોનાં હાથમાં જશે ? કેશુભાની આગલી ચાલ શું છે ? એનાં ઘરનાં ખોવાયેલાં કાગળો શું પરિણામ લઈને આવે છે ? આં બધા સવાલોનાં જવાબ મેળવવાં આગળ વાંચતા રહો ..અને આપનાં રેટીંગ આપતાં રહો .