Valentines Day books and stories free download online pdf in Gujarati

Valentine's Day

Valentine's Day

વૈશાખ આજે સવારથી જ થોડો ચિંતાતુર જાણતો હતો. ના, એવું કંઇ નો’તું કે તેના જીવનમાં પ્રેમની કમી હોય. સુપ્રિયા તેને ખુબ પ્રેમ કરતી હતી. તેઓના ફૂલ જેવા બે માસુમ બાળકો આદિત્ય અને આરાધ્યા પણ મમ્મી-પપ્પાને ખુબ પ્રેમ કરતા હતા. અરે વૈશાખ અને સુપ્રિયાના લગ્ન જ પ્રેમથી થયા હતા. I Mean, લવ મેરેજ...! વૈશાખ એક જાણીતા ન્યુઝ પેપરમાં કોલમ લખતો હતો. અલબત આ તેમનો શોખ હતો મૂળ તો તેનો ટ્રાવેલિંગનો બિઝનેસ હતો.

આજે વૈશાખ ચિંતાતુર જાણતો હતો તેનું કારણ પણ એ જ હતું, આ ન્યુઝ પેપરની કોલમ. આમ તો વૈશાખ નિર્ધારિત સમયથી એક કે બે દીવસ વહેલા જ મેટર સબમિટ કરી દેતો હતો પણ આ વખતે “Valentine's Day” પર એક આર્ટીકલ લખવાનો હતો. મગજમાં પ્રેમ માટેના, પ્રેમીઓ માટેના જાત-જાતના વિચારો આવતા હતા. પણ કોઈ વિચારમાં એટલું પોટેન્શિયલ નો’તું દેખાતું કે જેના પર કંઇક નવી વસ્તુ વાચકોને પીરસી શકે.

વિચારોના વમળમાં અટવાયેલા વૈશાખે રોજીંદી ક્રિયાઓ પતાવી આજે ઓફિસે ચાલતા જવાનું વિચાર્યું. બહાર રાખેલા શુ રેક પરથી શુઝ લઇ વૈશાખે રોબોટિક રીતે જ શુઝ પહેર્યા અને તેના પગની સાથે-સાથે વિચારો એ પણ વેગ પકડ્યો.

“શું પ્રેમ કોઈ છોકરા - છોકરી વચ્ચે જ થઇ શકે ?”

“લગ્ન પછીનો પ્રેમ અને લગ્ન પહેલાના પ્રેમમાં શું ફર્ક હોય ?”

“પ્રેમ અને આશક્તિમાં કંઇ તફાવત ખરો ?”

“માતા-પિતાનો પોતાના સંતાનો માટે હોય છે તેને પણ પ્રેમ જ કહેવાય ને ?”

“શું કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ની:સ્વાર્થ પ્રેમ કરી શકે ?”

“શેઠ અને નોકર વચ્ચે પ્રેમનો સબંધ હોઈ શકે ?”

“આપણા ઋષિમુનીઓએ પ્રેમની કોઈ પરિભાષા સમજાવેલી હશે ?”

“શું આ જગતમાં શોધવાથી પ્રેમ મળે એવું છે ?”

આવા જાત-જાતના વિચારોમાં મગ્ન વૈશાખ, ઓફિસ તરફ ધીમા ડગલે આગળ વધી રહ્યો હતો. તેવામાં અચાનક એક “ધડામ...!!” અવાજે તેની વિચારશૃંખલા તોડી. કોઈ નવ યુવાન, નવી નકોર બાઈક સાથે કોર્નર પર ઉભા કરાયેલા વાઈ-ફાઈના ટાવર સાથે ઠોકાણો...!! આસ-પાસ લોકો ભેગા થઇ ગયા. એક-બે જણે માનવતા બતાવી અને પેલા યુવકને ઉભો કર્યો. બાકીના બધાએ આ તમાસાને કચકડામાં કેદ કરવા પોતપોતાના મોબિલમાં વિડીયો રેકોર્ડીંગ શરુ કર્યું.

વૈશાખ પણ લોકોની આ ભીડમાનો એક હતો. તે નવ યુવાનની દુર્દશા જોવા આગળ આવ્યો. વૈશાખે જોયું તો, આ તો તેના પાડોસી શર્મા અંકલનો નીતિન હતો. 3-4 લોકોએ ભેગા મળી નીતિન અને તેની નવી બાઈકને ઉભી કરી.

વૈશાખે ખભ્ભો આપતા પૂછ્યું, “નીતિન, બેટા તને વાગ્યું તો નથી ને ?”

“ના, અંકલ મને તો નથી કંઇ થયું પણ આ બાઈક નવે નવી હતી તેને બહુ વાગ્યું છે”

“કંઇ વાંધો નહિ, બાઈક તો રીપેર થઇ જશે, ચાલ હું તને ઘેરે મૂકી જાઉં”

એમ કહી વૈશાખ બાઈક લઈને નીતિનને તેની ઘેરે મુકવા ગયો.

નીતિનના ઘેરે પહોંચતા જ વૈશાખને યાદ આવ્યું કે “સારું થયું હું તને મુકવા પાછો આવ્યો, નહીતર મારે ઓફીસેથી છેક પાછુ આવવું પડેત. આજે હું ઓફીસની ચાવી તો ઘેરે જ ભૂલી ગયો હતો” વૈશાખ, નીતિનના ઘરની બાજુમાં જ રહેતો હતો. બાઈક પાર્ક કરી વૈશાખ તેના ઘેરે ઓફિસની ચાવી લેવા ગયો અને નીતિન તેમના ઘેરે ગયો. પણ આ શું ? વૈશાખ ઘરમાંથી ચાવી લઈને જેવો બહાર આવે છે કે તરત તેના કાને શર્માજીનો અવાજ પડે છે.

“ગધેડા જેવા, એક બાઈક ચલાવતા નથી આવડતું ? નવે નવું બાઈક લઇ આપ્યું તેના 2 દિવસે ય નથી થયા અને ભાઈ સાહેબ ઠોકીને આવ્યા...!!”

સરિતાબેન કંઇક કહેવા જાય ત્યાં જ શર્માજીએ તેને પણ જુડી નાખ્યા, “આ તારા જ લાડના કારણે થયું છે, દીકરાને બાઈક અપાવો, બાઈક અપાવો...!! લે અપાવ્યું ! કર્યું ને પરાક્રમ ?!”

વૈશાખ ઉંબરે જ અટકી ગયો. તેને સમજાતું ન હતું કે બે દિવસ પહેલા આ આખું ફેમીલી નીતિનના 12th. Scienceના રીઝલ્ટથી કેટલું ખુશ હતું..! કેટલા વહાલથી, પ્રેમથી પોતાના લાડલાને નવું બાઈક લઇ આપ્યું. અને જયારે આજે એ બિચારાથી એક્સીડંટ થયો તો બધો જ પ્રેમ ઉડી ગયો...!!? “શું માં-બાપનો સંતાનો પ્રત્યેનો પ્રેમ એ સાચો પ્રેમ ના કહેવાય ?”

ફરી પાછુ વિચાર વલોણું વૈશાખના મગજમાં શરુ થયું.

“લે, હજુ તમે ઓફિસે નથી ગયા ? જાવ જલ્દી, મોડું નથી થતું ?”

પાછળથી સુપ્રિયાએ આવીને ટકોર કરી.

“હા, હા.... જાઉં જ છું. આ તો ચાવી ભૂલી ગયો હતો એટલે”

“અરે હાં, હું તો તમને પૂછવાનું જ ભૂલી ગઈ. આ બધી ચોપડીઓ કંઇ કામની ના હોય તો રદ્દીમાં આપી દઉં ?”

વૈશાખે બધી જૂની, ફાટેલી ચોપડીઓ પર નજર કરી અને તેમાંથી એક ચોપડી હાથમાં લીધી અને કહ્યું, “આ એક બુક મારે કામની છે બીજી બધી આપી દેજે”

વૈશાખ કબીરજીની જૂની, જર્જરિત બુકના પાના ઉઠ્લાવતો ઉઠ્લાવતો ઓફીસ તરફ આગળ વધ્યો. અચાનક તેના પગ થંભી ગયા. કબીરજીની બુકનું એક વાક્ય વાંચતા જ જાણે તેને “Valentine's Day” પરનો આખો આર્ટીકલ મળી ગયો. તે વાક્ય હતું. 'घड़ी चढ़े, घड़ी उतरे, वह तो प्रेम न होय,

अघट प्रेम ही हृदय बसे, प्रेम कहिए सोय।' એટલે કે જે ચઢી જાય કે ઉતરી જાય તે સાચો પ્રેમ ન હોય, સચો પ્રેમ તો અવધ-અઘટ હોય. જે ચઢે નહિ અને ઉતરે પણ નહિ, કોન્સ્ટંટ રહે.

વાહ, આ જ સાચો પ્રેમ છે.

“પણ જગતમાં શું આવો પ્રેમ ક્યાય હોઈ શકે ? આવો તો કોઈ માં-બાપને પણ સંતાનો પ્રેત્યે ના હોય અને કોઈ પ્રેમીને પણ પોતાની પ્રેમિકા પર ના હોય...!! તો શું આ બધો મોહ જ હશે ?”

ફરી પાછુ વૈશાખનું મગજ વિચારોના વમળમાં પરોવાયું..!! તેને ટી.વી. પર જોયેલી મહાભારત સીરીયલનો એક એપિસોડ યાદ આવી ગયો.

જેમાં ભગવાન કૃષ્ણ, ગુરુદ્રોણને યુદ્ધભૂમિમાં “તેનો પુત્ર અસ્વત્થામા મરાયો” ના ખબર આપે છે, ત્યારે ગુરુદ્રોણ પુત્રના વિયોગમાં ખુબ વિલાપ કરે છે.

તેને સમજાવતા વાસુદેવ કહે છે, “ગુરુદેવ, આપનો અસ્વત્થામા પ્રત્યે જે છે તે પ્રેમ નહિ પણ મોહ છે ?”

ગુરુદ્રોણ આશ્ચર્ય સાથે પૂછે છે, “વાસુદેવ, આ કેવી રીતે શક્ય છે ? શું દરેક પિતા પોતાના સંતાનને પ્રેમ નથી કરતા હોતા ?”

“પ્રેમ અને મોહ વચ્ચે શું તફાવત છે તે ક્યારેય વિચાર્યું છે ગુરુદ્રોણ ?”

“પ્રેમથી જ તો મોહ નો જન્મ થાય છે ને નારાયણ !!”

“ના, ખરા અર્થમાં જ્યાં પ્રેમ છે ત્યાં મોહનું અસ્તિત્વ જ નથી. પ્રેમનો જન્મ કરુણાથી થાય છે અને મોહનો જન્મ અહંકારથી થાય છે.

પ્રેમ કહે છે કે, “મારા પુત્રને ઈશ્વર સંસારના બધા સુખો આપશે” અને મોહ કહે છે કે, “હું મારા પુત્રને સંસારના બધા સુખો આપીશ”

પ્રેમ કહે છે કે, “મને મારા પુત્ર પર ગર્વ થાય” અને મોહ કહે છે કે, “મારા પુત્રને મારા પર ગર્વ થાય”

પ્રેમ મુક્તિ આપે છે અને મોહ બાંધે છે.

પ્રેમ ધર્મ છે ગુરુદેવ અને મોહ અધર્મ...!!

ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખે પ્રેમની ખરી વ્યાખ્યા સાંભળી ગુરુદ્રોણના મનનું સમાધાન થયું અને સાથે-સાથે કબીરજીની પ્રેમની આ વ્યાખ્યા સાથે સરખામણી કરીને વૈશાખનું મન પણ સમાધાનને પામ્યું.

મસ્તિસ્કના વમળો થોડા શાંત થયા અને વૈશાખ પોતાની ઓફિસે પહોંચી પોતાની ડાયરીમાં “Valentine's Day” પર કોઈએ ક્યારેય ના વાંચ્યો હોય કે ના સાંભળ્યો હોય તેવો “સાચા પ્રેમ” પર એક આર્ટીકલ લખ્યો અને મનોમન જ પોતાના સંતાનોને પોતે હવેથી સાચો પ્રેમ કરશે તેવી ગાંઠ વાળી.

- નવનીત મારવણીયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED