ઉજ્જડ બાગનો બાગબાન bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉજ્જડ બાગનો બાગબાન

ઉજ્જડ બાગનો બાગબાન
અરવિંદભાઈ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શિક્ષક, સ્વભાવે શાંત અને પોતાના કામથી કામ રાખનારા એક સરળ માણસ હતા.
પચાસમે વર્ષે, પચ્ચીસ વર્ષનું લીલા છમ્મ બગીચા જેવું લગ્નજીવન સંકેલીને એમના ધર્મ પત્ની અચાનક ટૂંકી માંદગીમાં અવસાન પામ્યા. બાવીસ વરસનો યુવાન દીકરો અને હજુ તો હમણાં જ સાસરે વળાવેલી માસૂમ દીકરી આઘાતથી રડી રડીને સાવ અધમુવા થઈ ગયા. અને પોતાને એકલો મૂકીને સાવ આમ ચણવા આવેલું પક્ષી ઉડી જાય તેમ ઉડી ગયેલી પત્નીને મનોમન ખૂબ વઢયા, " સાવ આમ જતું રે'વાતું હશે ? હજુ તો કંઈ કેટલાય કામ બાકી છે, આ દીકરા સુમન સાટું સારી વહુ શોધવાનું, પછી એના બાળકોને વાર્તા કહેવાનું, સાથે હીંચકે બેસીને ઝૂલવાનું, ચાર ધામની જાત્રા કરવાનું,અને છેક સુધી સાથે રહેવાની વાત થઈ'તી તોય આમ સાવ અચાનક તું જઇ જ કેમ શકે ? અલી એ'ય તને જરીક પણ વિચાર નો આવ્યો ? આમ મધદરિયે મને એકલો મૂકીને ચાલી ગઈ ? તારા વગર હવે કેમ જીવીશ હું ?"
મહિનાઓ વીતી ગયા, આરવિંદભાઈને શોકમાંથી બહાર આવતા. વહેલી સવારે ઘરના
મંદિરમાં તાલબદ્ધ વાગતી ટંકોરી સાથે તેમની પત્ની કુસુમબેનના ભજનના મધુર સ્વરો સાંભળીને તેઓ જાગતા. દૈનિક ક્રિયાઓ પતાવે ત્યાં સુધીમાં મનગમતો સ્વાદિષ્ટ નાસ્તો અને ચા તૈયાર હોય. સ્કૂલે જતી વેળાએ દરરોજ દરવાજા સુધી મુકવા આવીને, "બપોરે જલ્દી આવજો" એમ અચૂક કહેવાનું જ! એક ઉત્તમ ગૃહિણીની તમામ વ્યાખ્યાઓ કુસુમબહેન માટે અધૂરી ગણાય એવું એમનું વ્યક્તિત્વ હતું.
ખૂબ જ સુખી કુટુંબ પર ન જાણે કોની નજર લાગી ગઈ ! એક હર્યો ભર્યો બગીચો સુકાઈ જવા લાગ્યો.
એ બગીચાની રખેવાળ ચાલી ગઈ હતી. સમાજમાંથી અનેક સૂચનો આવવા લાગ્યા.
" હજુ તો પચાસ વર્ષના છો, જુવાન ભલે ન કહેવાવો પણ હવે જ સાચી જરૂર હોય. જીવનની છેલ્લી ઓવરો રમવી હોય તો સામો છેડો સાચવાયેલો હોવો જરૂરી છે.બીજા લગ્ન કરી લો. કોઈ રાંડેલું કે છાંડેલું મળી રહેશે. ઘરમાં કામ કોણ કરશે.."
"હવે, આ સુમન બાવીસ તો ટપી ગયો છે, પરણાવવા જેવડો જ કે'વાય. કુસમબેન હોત તો તો ચાલેત, પણ હવે ઘર સાંભળવાની જવાબદારી ખરી ને ! સુમનને જ પરણાવી દેવાય..."
"ના..ના.. એ બિચારો હજુ કોલેજ પુરી કરી રહ્યો છે,અને હજુ ધંધાનું
કંઈ ઠેકાણું નથી. એમ તે કંઈ છોકરાને તે વળી પરણાવી દેવાતો હશે ?"
"હવે એને ધંધાની શી જરૂર છે ? દરરોજ તો એમની વાડીએ જતો રહે છે...એ ખેતીવાડી જ સાંભળશે, બીજું કાંઈ જ કરે તેમ નથી..."
શુ કરવું અને શું ન કરવું ! અરવિંદભાઈ પાસે પચીસ વીઘા જમીન હતી.શેરડી અને શાકભાજી
સારી આવક આપતા. સુમનને ખેતીનો ખૂબ જ શોખ હતો.કોલેજ જવા કરતા એને વાડીએ જવું ખૂબ ગમતું.એટલે જ સુમને એગ્રીકલચર બી.એસ.સી. કર્યું હતું.સવારે વહેલો ઉઠીને એ વાડીએ જ જતો રહેતો.ઓર્ગેનિક વેજિટેબલ્સનો એણે ખાસ્સો બિઝનેસ વિકસાવ્યો પણ હતો.
સગા વ્હાલા સાત દિવસ શોક મનાવી સૌ પોત પોતાના સંસારમાં લિન થઈ ગયા.
એક વરસ જેમ તેમ ખેંચી કાઢ્યું. રોજ બાપ દીકરો સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ જતા.સુમન વાડીએ અને અરવિંદભાઈ સ્કૂલે જતા રહેતા.સુમન તો છેક સાંજે જ ઘેર આવતો. બપોરનું બહાર અને સાંજે જાતે રસોઈ કરીને બાપ દીકરો ચલાવી લેતા.
આવું ક્યાં સુધી ચાલે ? પોતે ફરી પરણવું કે દીકરાને પરણાવવો એ ગડમથલ ખૂબ ચાલી.આખરે સુમનને પરણાવીને સંસારનું ગાડું માર્ગે તો ચડાવ્યું,પણ અરવિંદભાઈ
ની મુશ્કેલીઓ હવે જ શરૂ થઈ.
સવારે એમને સમયસર શાળાએ પહોંચવા વહેલું ઉઠવું પડતું. વહુ નહોતી ત્યારે તો એ જાતે જ ચા પાણી અને નાસ્તો બનાવી લેતા.સુમનને પરણાવ્યાં પછી થોડા દિવસ વિચાર્યું કે હજુ તો નવી નવી વહુ છે એટલે વહેલી ન ઉઠે. એટલે એમણે જાતે જ સવારનું ટાઇમટેબલ યથાવત રાખ્યું. પણ છ મહિના પછી પણ હાલત એની એ જ રહી.
મોટું મન રાખીને અરવિંદભાઈએ વહુ કે દીકરાને વહેલા ઉઠીને ચા નાસ્તો બનાવી આપવાનું કહ્યું નહી.
સુમનને તો વાડીએ જવાનું હોય એટલે એને સમયની કોઈ પાબંદી હતી નહીં. એ નિરાંતે અગિયાર વાગ્યે જમીને ચાલ્યો જતો અને છેક સાંજે સાત વાગ્યે ઘેર આવતો.
બપોરે અરવિંદભાઈને ઘેર આવતા દોઢ વાગી જતો.બપોરની રસોઈ તો સવારે દસ,સાડા દસ વાગ્યે જ બની જતી. કારણ કે સુમનને જમીને જ જવું હોય.શરૂઆતમાં અરવિંદભાઈ આવે ત્યારે નયના એમને ગરમ રોટલી બનાવી આપતી.અને દાળ શાક પણ ગરમ કરી આપતી.પણ એ માટે એને બપોરે ઉઠવું પડતું.કારણ કે સુમન જાય પછી એને ખાસ કંઈ જ કામ રહેતું નહી એટલે એ જમીને સુઈ જતી.
અરવિંદભાઈને વહુની દયા આવી.એટલે એમને ગરમ રોટલી અને દાળ શાકનો આગ્રહ જતો કર્યો.અને વહુ બેટાને નિરાંત કરી આપી.ઘરની એક ચાવી એમની પાસે પણ રહેતી એટલે વહુને બારણું ખોલવા આવવાની પણ જરૂર રહી નહીં. અરવિંદભાઈ પોતાની ચાવીથી ઘર ખોલીને જાતે જ રસોડામાં જઈ ઢાંકેલી, ઠંડી રસોઈ જમવા બેસી જતા.
અરવિંદભાઈને ભૂતકાળ સાંભરી આવતો.કુસુમબહેન હતા ત્યારે દરરોજ પોતાને પાણીનો ગ્લાસ ધરીને કહેતા, "આવી ગયા ? લો પાણી પી લો.અને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાવ,પછી આવો.તમારા માટે સલાડ કાપીને ફ્રિજમાં મૂક્યું છે એ હું ટેબલ પર મુકું છું, સલાડ ખાવ ત્યાં ગરમ ગરમ રોટલી ઉતારી આપું હો.. આજે બહુ પિરિયડ હતા કે ? થાકી ગયા હશો ને.., જમીને પછી સુઈ જાવ નિરાંતે, મેં એસી ચાલુ કરી દીધું છે, રૂમ ઠંડો થઈ ગયો હશે..."
અરવિંદભાઈએ પોતાના એ બેડરૂમના બંધ દરવાજા સામે જોયું. દીકરાની વહુ એ બેડરૂમમાં સૂતી હતી. એ વહુને પોતે સગ્ગી દીકરી
માની હતી, એની ઊંઘ ન બગડે એટલે આ ઠંડી રસોઈ પરાણે જમી લેતા હતાં. પણ એ વહુ, સસરાને પિતા સમજતી હોત તો ? શુ દીકરી પોતાના પપ્પા માટે ગરમ રોટલી કરવા પણ ઉભી ન થઈ શકે ?
બપોરે એસી રૂમમાં વહુ સુઈ ગઈ હોવાથી એમને બહાર હોલમાં સૂવું પડતું. સુમનને ઘણીવાર બીજા બેડરૂમમાં એસી મુકાવી દેવાનું કહેલું પણ એને જરૂરી લાગેલું નહીં.
જમીને એમને થોડીવાર ટીવી જોવાની આદત હતી. પણ નયનાની ઊંઘ બગડતી એટલે એને ટીવીનું રિમોટ સંતાડી દેવાનું એણે શરૂ કરેલું. પહેલી વાર જ્યારે એમને રિમોટ ન મળ્યું તે દિવસે સાંજે એમણે પુછેલું, "બેટા, રિમોટ ક્યાં ગયું ટીવીનું ?"
"તમે પણ શું પપ્પા ? બપોરના સમયે ટીવી ના જુઓ તો ના ચાલે ? ઘડીક તો એ સૂતી હોય, ત્યાં તમે ટીવી ચાલુ કરો...રાત્રે જોતા હોય તો ?" કહીને સુમને બેડરૂમમાંથી રિમોટ લાવી આપ્યું.
જમીને થોડીવાર ન્યૂઝ જોવાનું શરૂ કરે ત્યાં જ સુમન ફરી કહેતો, "પપ્પા, તમે ન્યૂઝપેપર તો વાંચો જ છો ને, અત્યારે નયનાને એની સિરિયલ જોવાની છે...."
"સારું, સારું બેટા.. આ તો જરા અમસ્તું..કંઈ નહીં ચાલો હું જરા બહાર જઈ આવું.." રિમોટ મૂકીને તેઓ બહાર જઈને સોસાયટીના ગાર્ડનમાં જઈને બેસતાં. કુસુમબહેન હતા ત્યારે બન્ને સાથે ચાલવા જતા, અને ચાલીને આવ્યા પછી અગિયાર
વાગ્યા સુધી સાથે જ ટીવી જોતા. કોઈ જૂનું પિક્ચર આવતું હોય તો વળી બાર પણ વાગી જતા. કોઈ રોકટોક નહોતી.સંપૂર્ણ આઝાદી અને પ્રેમથી ભર્યું ભર્યું જીવન હતું, પણ હવે જીવનરથનું એક પૈડું તો હતું નહીં અને બીજા પૈડાંને પણ ફરવાની મનાઈ હતી !!
બપોરે એ ઉઠતાં એટલે તરત જ કુસુમબહેન એમની સેવામાં તત્પર રહેતા, "ઉઠી ગયા ? ઊંઘ આવી હતી ને બરાબર ? લ્યો, મોં ધોઈને આવો, હું ચા મુકું છું."
નયનાને બપોરે ચા બનાવવી ગમતી નહીં. અરવિંદભાઈ ચાર વાગ્યે ઉઠી જતા.પણ નયનાને ત્રણ વાગ્યે એક્ટિવા લઈને શોપિંગમાં કે પછી પોતાની ફ્રેંડસ સાથે પિક્ચરમાં કે પોતાના પિયરમાં આંટો મારવા જવાનું જ હોય.એટલે સવારની જેમ બપોરે પણ અરવિંદભાઈ જાતે જ ચા બનાવી લેતા.
સુમન અને નયના એમની જિંદગીમાં ખૂબ જ મોજ મજા કરતા. પરસ્પરનો એમનો પ્રેમ જોઈ પોતાનો કોલેજકાળ અરવિંદભાઈને યાદ આવી જતો.અને ખૂબ ખુશ પણ થતા. દીકરા અને વહુનું પ્રેમાળ અને ખુશીઓથી હર્યું ભર્યું જીવન જોઈને કયો બાપ ખુશ ન થાય ?
એટલે એ બન્નેને નડતરરૂપ ન થવાય એનો શક્ય એટલો ખ્યાલ એ રાખવા લાગ્યા. બન્ને પિક્ચર જોવા ગયા હોય તો હોટલમાં જમીને આવતા. એટલે પોતે પણ ક્યારેક બહાર તો ક્યારેક જાતે રસોઈ બનાવીને જમી લેતા.
નયના એના પિયર મળવા ચાલી જાય ત્યારે સુમન ત્યાં જ જમવા પહોંચી જતો. અને એ દિવસોમાં અરવિંદભાઈની વ્યવસ્થા તેમણે જાતે જ કરી લેવી પડતી. શરૂઆતમાં જ એમણે કહી દીધું હતું કે, "તમારે મારી ચિંતા કરવી નહીં, હું મારી બધી જ વ્યવસ્થા કરી લઈશ"
એટલે હવે સુમન અને નયના પપ્પા ક્યાં જમશે એ ચિંતા ક્યારેય કરતા નહીં. ક્યારેક અરવિંદભાઈને મજા ન હોય તો પણ કોઈ કશું પૂછવાવાળું હતું નહીં. ક્યારેક, તબિયતને કારણે બહાર જમવા ન જઇ શકાય તેમ હોય કે જાતે પણ બનાવી શકાય તેમ ન હોય ત્યારે એમણે ભૂખ્યા જ સુઈ જવું પડતું.
ક્યારેક એવું પણ બનતું કે સુમન અને નયના બહાર ગયા હોય ત્યારે પડોશી ચંદુલાલ પરાણે પોતાને ત્યાં જમવા બોલાવી લેતો. ક્યારેક આજુબાજુ વાળા કંઈક વાનગી બનાવી હોય તો આપી જતા. આ બધું નયના જાણતી ત્યારે ખૂબ ગુસ્સે થતી.
" આજુ બાજુમાં જમવા જાઓ છો તો પછી એ લોકોને કેવું લાગતું હોય ? એ તો એમ જ વિચારશે ને કે નયના તો બસ રખડયા જ કરે છે, પોતાના સસરાને જમવાનું પણ ધ્યાન રાખતી નથી ! અમને ભૂંડા જ લગાડવા છે ને તમારે. કહેતા હોય તો અમે હવે તમારા જમવાના ટાઈમે ક્યાંય બહાર ના જઈએ બીજું શું ?"
"હા, પપ્પા. તમે એકબાજુ એમ કહો છો કે મારી ઉપાધી ના કરતા, અને પછી આજુ બાજુમાં જમો અથવા કોઈ તમારી દયા ખાઈને જમવાનું આપી જાય તો અમારું કેટલું ખરાબ દેખાય ? જરા વિચાર તો કરવો જોઈએ ને તમારે ! નયના સાચું જ કહે છે "સુમન નયનનો પક્ષ લઈને પિતા પર શબ્દ પ્રહાર કરતો.
"પણ, એ તો એ લોકોનો પ્રેમ છે દીકરા... વર્ષોથી આપણે અહીંયા એકબીજાના ભાઈભાડુંની જેમ, એક પરિવારની જેમ રહ્યાં છીએ, તારી મમ્મી હતી ત્યારે આ ચંદુલાલ અનેકવાર આપણાં ઘેર જમ્યો છે એ તું ભૂલી ગયો ? અને આપણા ઘરમાં જ્યારે તારી મમ્મી કંઈ પણ વાનગી બનાવે ત્યારે તું જ પહેલી પાંચ ડિશો દોડી દોડીને આજુબાજુ માં નહોતો આપી આવતો ? પડોશી કોને કહેવાય? આમાં તમારું ખરાબ ક્યાં દેખાયું ?"
"એટલે એમ જ ને કે હું તો કોઈ દિવસ કાંઈ વાનગી બનાવીને આજુ બાજુમાં આપતી જ નથી ? મમ્મીજીએ આ ખોટી જ રીત અપનાવેલી છે, આપણે આપણા માટે બનાવવાનું કે આજુબાજુવાળા માટે ? મને તો સાવ વિચિત્ર જ લાગે છે..."નયનાએ રડવા જેવું મોં કરીને કહ્યું.
"પણ તને કોણ કાંઈ કહે છે ? તમે લોકો સાવ ખોટી માથાકૂટ કરો છો, હું પણ ક્યાં તમને કંઈ કહું છું, તમે બન્ને શાંતીથી તમને ફાવે તેમ રહોને બેટા, બધા સમજે છે કે તમે હજુ હરવા ફરવા જેવડા છો, તો ક્યારેક વહેલા મોડું થાય, એમાં કંઈ આભ નથી તૂટી પડવાનું.."
"પણ મારી વાતો તો થાય જ ને, સોસાયટીમાં...."
"તો પછી મારા જમવાના ટાઈમે ઘેર આવી જવું , બીજું શું...વાત સમજવી જ નથી..."અરવિંદભાઈ કંટાળીને કહેતા.
"જોયુંને...સુમન, હું કહેતી હતીને ? આપણે સાંજે તો ઘેર આવી જ જવાનું..અમથા એમ કહે કે ફરો.. પણ મનથી તો રાજીપો ના જ હોય.."
"હા..પપ્પા નયના સાચું જ કહે છે.તમે ..." વહુઘેલા દીકરા પાસે બીજી કોઈ દલીલ હતી નહીં કે નહોતી નયનાની અણસમજને સમજવાની સમજણ.
"તમને જે લાગે તે સાચું બસ. હું તમારી જોડે લમણાંઝીક કરવા માંગતો નથી" કહીને અરવિંદભાઈ દુઃખી થઈને બહાર ચાલ્યા ગયા.
તે દિવસે નયનાએ દાઝે ભરાઈને અરવિંદભાઈની રોટલી અને શાકમાં મુઠ્ઠી ભરીને મીઠું નાખ્યું. અરવિંદભાઈ એક જ કોળિયો જમીને ઉભા થઇ ગયા.
"બહાર ચટપટા નાસ્તા કર્યા હોય એટલે ઘરનું ક્યાંથી ભાવે ?"
"આ ઉંમરે પેટ બગડે હો પપ્પા ? તમને એટલી તો ખબર જ હશે.."
વહુ પોતાને પરેશાન કરીને ઘરમાંથી દૂર કરવા માંગે છે એ સમજી જતા અરવિંદભાઈને વાર ન લાગી. એટલે "આ શાક અને રોટલી તું ખાઈ જો તો તને ભાન થાય કે મને શું ખબર છે અને શુ નથી !" મોં માં આવેલ એ શબ્દો પેલા ખારા ધુધવા જેવા કોળિયા સાથે ગળી ગયા.અને બહાર ચાલ્યા ગયા.
આમ ચાલતું જતું હતું. એમાં વળી એક નવી ઉપાધી શરૂ થઈ. એક દિવસ સુમને કહ્યું, "પપ્પા, તમે બપોરે ઘેર સુઓ ત્યારે મેઈન ડોર બંધ કરીને કેમ સુઓ છો ? નયના એકલી જ હોય છે ને ઘેર ? સોસાયટીમાં જેવી તેવી વાતો થાય છે..."
જાણે કે કોઈએ માથામાં હથોડો માર્યો હોય એમ આંખે અંધારા આવી ગયા અરવિંદભાઈને !
"દીકરા, આ શું બોલે છે તું ? હું તારો બાપ છું, અને એ પણ મારી દીકરી છે બેટા...."
"હું ક્યાં કંઈ કહું છું ? આ તો એમ કે ઘરનું મેઈન ડોર ખુલ્લું જ રાખો તો સારું,સેફટીડોર તો છે જ ને ? એ લોક કરી દેવાનું. કોઈને શા માટે મોકો આપવો જોઈએ ? તમે કેમ સમજતા નથી ?" સુમને ગુસ્સે થઈને કહ્યું.
"તે હવે તું મને સમજાવીશ એમ ? કોણ છે એવું બોલનાર આ સોસાયટીમાં ? જરા નામ તો આપ મને ! એનું ડાચુ તોડી નાખીશ. તારી મમ્મી નથી એટલે લોકો શુ ગમે તેમ બોલશે ?" અરવિંદભાઈ તાડુંક્યા.
"હવે કેટલાના ડાચા તોડવા જશો ? એના કરતાં ઘરનો દરવાજો ...."
"પણ બારણું ખુલ્લું હોય તો મને ઊંઘ નથી આવતી બેટા, અને બપોરે વાહન આવતા જતા હોય એનો અવાજ પણ આવે કે નહીં ? એમ કર, તમે લોકો આ બીજા બેડરૂમમાં સુવાનું રાખો.એટલે હું શાંતીથી મારા રૂમમાં સુઈ શકું. પછી ભલે આખું ઘર ખુલ્લું રહે, મને વાંધો નથી.." અરવિંદભાઈએ રસ્તો કાઢતા કહ્યું.
"પણ એ રૂમમાં ક્યાં એસી છે? અને હવે તમારે બેડરૂમમાં સૂઈને શુ કામ છે ?" નયનાએ વચ્ચે ઝંપલાવ્યું.
"થોડીક તો શરમ કર,બેટા. શુ તારા પપ્પાને પણ તું આમ જ કહે ખરી ? ભગવાન ન કરે અને તારા મમ્મી કાલે ઉઠીને ન હોય તો શું તારા પપ્પાને તું આવું કહીશ ?" અરવિંદભાઈનું હૃદય વલોવાઈ રહ્યું હતું પોતે વસાવેલી દુનિયાને એ પોતાના જ દીકરાની વહુ દ્વારા લૂંટાતી જોઈને એ લાચાર વિધુરની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
"મારા પપ્પા મારી ભાભી એકલી ઘેર હોય તો એક મિનિટ પણ ઘરમાં ન રહે સમજ્યા ? એ તમારી જેમ લપ ક્યારેય ન કરે..આ તો કેવું લાગે ?" નયનાએ ફરીવાર ઘા કર્યો.
"શુ એક બાપ એની દીકરી સાથે એક ઘરમાં ન રહી શકે ? એટલો બધો આ સમાજ અંધ થઈ ગયો છે ? જે એક શિક્ષકનું ચરિત્ર પણ નથી જોઈ શકતો ? બેટા નયના, તું મારી બીજી પુષ્પા જ છો, મારી પુષ્પા ભલે સાસરે ગઈ છે પણ તું મારી દીકરી જ છો બેટા, અને આ સોસાયટીનો એક એક જણ મને ઓળખે છે, એ લોકો આપણને ખરાબ નજરે જોશે તે દિવસે આ સોસાયટી રહેવા લાયક જ નહીં હોય દીકરા.. સવાલ દરવાજો બંધ કે ખુલ્લો રાખવાનો નથી, સવાલ તમે લોકોએ ઉભો કર્યો છે તેનો છે,સવાલ મારા ચારિત્ર્યનો છે, હું અરવિંદ પટેલ, મારા દીકરાની વહુ સાથે એકલો ઘરમાં રહું તેથી શુ લોકો ગમે તેમ વાતો કરશે ? અરે જીવડાં પડે એવા લોકોના મોં માં.. રિબાઈ રિબાઈને મરશે એવા લોકો.."
"પ્લીઝ, પપ્પા. નાની વાતને શુ કામ મોટી બનાવો છો, નયના સાચું જ કહે છે...તમે જરા દરવાજો ખુલ્લો રાખો તો શું વાંધો છે ? અને બપોરે તમારે ઊંઘવું જરૂરી છે ?" સુમને ઝગડો વધી જતાં નરમાશથી કહ્યું.
"કોઈ વાંધો નહીં, બેટા. તને મારાથી નયના અસુરક્ષિત લાગતી હોય તો હવે હું તારી ગેરહાજરીમાં ઘેર જ નહીં આવું બસ ? ન રહેગા બાંસ, ન બજેગી બંસી !!" કહીને અરવિંદભાઈ ઘરની બહાર ચાલ્યા ગયા. ઝગડાની શરૂઆત થાય એટલે તરત જ શરણાગતિ સ્વીકારીને એ બહાર ચાલ્યા જતા. નયનાને એ બિલકુલ ગમતું નહીં. એની ઈચ્છા અધૂરી રહેતી. પણ અરવિંદભાઈનો ચહેરો કોઈએ કોલસાથી કાળોમેશ કરી નાખ્યો હોય એવો થઈ જતો. પોતાના સામે લડીને શુ મળવાનું ? કોઈથી ન ડરનારો એ બહાદુર માણસ હતો. કોલેજકાળમાં કુસુમનો પ્રેમ પ્રાપ્ત કરવા એણે આખા સમાજ સામે બાંયો ચડાવી હતી. વિદ્યાર્થીઓની છેડતી કરતા મવાલીઓને એક એક આડા હાથની વળગાડીને ભોંય ચાટતા કરી દેનારો બહાદુર શિક્ષક હતો અરવિંદભાઈ. પણ ન જાણે કેમ એના વ્હાલા દીકરાની વ્હાલી વહુ એમની વેરી બની હતી.
ત્યાર પછીના દિવસથી અરવિંદભાઈએ હોટલમાં કાયમ માટે એક રૂમ બુક કરાવી લીધો. સ્કૂલેથી છૂટીને બપોરે હોટલમાં જતા રહેતા.અને મનપસંદ ડીશ ઓર્ડર કરતા.જમીને ત્યાં જ સુઈ જતા. જાગીને એક બટન દબાવતા જ નોકર ચા સાથે હાજર થઈ જતો. અને છેક સાંજે સુમન ઘેર આવી જાય પછી જ ઘેર જતા. અને ચૂપચાપ જમીને બહાર ચાલ્યા જતા. સોસાયટીમાં કે ક્યાંક બહાર બગીચામાં સમય પસાર કરીને રાત્રે અગિયાર વાગ્યે પોતાની ચાવીથી ઘર ખોલીને હોલમાં જ સુઈ જતા.એમની પથારી ફેરવીને પણ નયના વહુ હોલમાં એમની પથારી કરી આપતી !!
નયના આટલેથી અટકી નહોતી. એણે જ્યારે જાણ્યું કે પપ્પાએ બપોરની વ્યવસ્થા હોટલમાં કરી છે ત્યારે એણે ફરી ઝગડો કર્યો.
"તમે હોટલમાં રહો છો એટલે બધા એમ કહે છે, સુમને તમને કાઢી મુક્યાં છે..અમારી તો વાતો જ થાય ને..."
"તો હું શું કરું એ કહો, ઘેર રહું તો'ય વાતો થાય, ઘેર ન રહું તોય વાતો થાય, તો મારે હવે ક્યાં રહેવું એ કહેશો ?" અકળાઈને અરવિંદભાઈએ નયનાને પુછ્યું.
"અમે તમને ઘેર રહેવાની ક્યાં ના પડીએ છીએ..ખાલી ઘરનું મેઇન ડોર ખુલ્લું રાખવાનું કહ્યું એમાં તો ઘર છોડી દીધું, પપ્પા તમને નયના જોડે શુ વાંધો છે ? તમે કેમ સમજતા નથી ?" સુમને ગુસ્સે થઈને કહ્યું.
"સારું એમ રાખો બીજું શું !" ફરી એકવાર દીકરા અને વહુંની જીત થઈ.
બે વરસ બીજા વીત્યા. એ દરમ્યાન નયના પ્રેગન્ટ થઈ. પોતે દાદા બનવાના હતા એ સાંભળીને હૈયામાં ઊર્મિઓનું ઝરણું ફૂટી નીકળ્યું. નયના પ્રત્યેની કડવાશ એ ઝરણાંના નીરથી ધોવાઈ ગઈ. એના તમામ અત્યાચારો માફ કરીને વહુ પ્રત્યે વ્હાલ વરસાવવા લાગ્યા.
નયનાના સીમંતનો પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. આખરે દાદાના ખોળાનો ખૂંદનાર નાનકડો પૌત્ર દિપુ આવી પહોંચ્યો. એને હીંચકાવવો, રમાડવો અને કાલી કાલી ભાષામાં એની સાથે વાતો કરવામાં એમનો સમય ક્યાં ચાલ્યો જતો એ પણ એમને ખબર રહેતી નહીં.
પણ એ સુખ લાબું ચાલ્યું નહીં. એકવાર અરવિંદભાઈને ખૂબ તાવ આવ્યો અને શરદી થઈ ગઈ.એ બીમારીનો ચેપ ન લાગે એટલે નયનાએ દિપુને એમની પાસે આવવા દેવાનું બંધ કરી દીધું.અરવિંદભાઈની તબિયત સુધરી ગયા પછી પણ એમને દિપુ મળતો નહીં. ક્યારેક એમને તેડી લીધો હોય ત્યારે અરવિંદભાઈ ઉધરસ ખાય કે છીંક ખાય એટલે તરત જ નયના એમની પાસેથી દિપુને આંચકી લેતી, "લાવો એને મારી પાસે, તમે એને તમારો ચેપ લગાડશો...."
અને ત્યારબાદ દિપુ, અરવિંદભાઈનો હેવાયો ન થઈ જાય એ માટે નયનાએ ખાસ ધ્યાન રાખ્યું. ઘડીક પણ એ દિપુને રેઢો પડવા દેતી નહીં. અરવિંદભાઈ સ્કૂલેથી આવે ત્યારે સુવડાવી દેતી.અને સાંજે એને લઈને બહાર પાર્કમાં જતી રહેતી. જે બાળક દાદાની લાકડી બનવાનું હતું એને તેડીને રમાડવાનું સુખ પણ નયનાએ આબાદ રીતે છીનવી લીધું.
હવે અરવિંદભાઈની સહનશક્તિએ
જવાબ આપી દીધો હતો.એક સહારાની આશા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું.
એમની કુસુમ એમને ખૂબ યાદ આવતી. આજ એ જીવતી હોત તો પોતે કેટલા સુખી હોત એમ વિચારીને એ ખૂબ જ દુઃખી થતા હતા.કુસુમબહેનની યાદો સિવાય બીજી કોઈ બાબત એમના દિલને ઠંડક આપી શકતી નહીં.
ક્યારેક માથું દુઃખતું હોય તો એ ઠંડુ રાળનું તેલ માથામાં માલિશ કરી આપતી. તાવ આવ્યો હોય ત્યારે તો માથે ભીના પોતા મૂકીને તાવને ઉતરવા મજબુર કરતી. ધરાર ડોકટર પાસે લઈ જતી. છાતીમાં ક્યારેક દુઃખાવાની ફરિયાદ કરી હોય તો તો કાર્ડિયોગ્રામ કરાવ્યા વગર એને ચેન પડતું નહીં. "કેટલો પ્રેમ કરતી હતી ? અને આમ દગો દઈને ચાલી ગઈ !" અરવિંદભાઈની આંખોમાંથી એમની પ્યારી કુસુમની યાદો અશ્રુઓની ધાર બનીને વહેતી રહેતી. કલાકો સુધી રડી રડીને આખરે એ ઊંઘી જતા ત્યારે એમના સ્વપ્નમાં આવીને કુસુમબહેન કહેતા, "એ'ઇ, આમ મરદ થઈને રડવા શું બેઠા છો ? દીકરો ને વહુ હેરાન કરે છે એટલે આમ રોવા બેસાય ? ઓશિયાળા છો એના ? પગાર તો આવે જ છે ને ? અને હમણાં રિટાયર્ડ થશો પછી આખો દિવસ શુ રડ્યા જ કરશો ? બીજું બયરૂ લાવતા નથી આવડતું ? વહુ ઉઠીને તમને ઘરની બહાર રહેવાની ફરજ પાડે એમ ?
તમારા દિપુડાને રમાડવા ન દે ? તમે ઘરમાં એની સાથે એકલા રહો તો એ આંગળી ચીંધે એમ ? તમે બાયલા બનીને આ બધું સહન શેના કરો છો ? તમે કોના ઘણી છો એ તો ખબર છે ને ? કે ભૂલી ગયા ? કોઈનાથી સામી નજર પણ માંડી ન શકાય એવી કરાફાટ અને પચાસને પાછા પાડે એવી મને, તમે વશ કરી હતી કોલેજમાં, એ યાદ કરો... તમને મારા સમ છે જો આમ મારી યાદમાં રડી રડીને જીવન વિતાવો તો ! બીજુ ઘર કરો તો જ મારા આત્માને શાંતિ મળશે. તમને આમ હેરાન થતા જોઈને હું ભટક્યા કરીશ..."
અરવિંદભાઈની આંખ ખુલી ગઈ.
"શુ ખરેખર કુસુમ આવી હતી ? કે પછી મારી ભ્રમણા જ હતી માત્ર ? સાચ્ચે જ એ મને બીજું ઘર કરવા કહેતી હતી ?"
કોલેજકાળ દરમ્યાન છોકરાઓને ચીડવતી, અને ગમે ત્યારે છોકરાઓના ટોળા વચ્ચે થઈને જ ચાલતી બોલ્ડ કુસુમ એમને યાદ આવી ગઈ. "મારુ નામ તો કુસુમ છે, પણ હું ઢીસુમ છું, એટલે આધીના રે'જો, નકર ઢીમ ઢાળી દઈશ હા..." એમ બોલીને એ રસ્તામાં ઉભેલા ગમે તેવા છોકરાને ધક્કો મારી દેતી. એની બહેનપણીઓ સાથે શરત લગાવીને કોઈ પણ છોકરાને એ ફસાવી દેતી.
કોઈ સુકલકડી જેવા સામે આંખ મારીને ફ્લાઈંગ કિસ આપતી. પેલો મહિના સુધી એની આગળ પાછળ ફરતો. પછી કુસુમ એને અરીસો ગિફ્ટબોક્સમાં પેક કરાવીને ભેટ આપતી. ઉપર with love લખીને !!
એ કુસુમને પ્રેમમાં પાડીને દસ હજારની શરત જીત્યા પછી અરવિંદભાઈને સાચો સાચ પ્રેમ થઈ ગયો હતો. ઘર કુટુંબ અને સમાજની પરવા કર્યા વગર એમણે કુસુમને મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને જીવનમાં ખૂબ જ ખુમારી પૂર્વક જીવ્યા હતા.
પોતે શેરને માથે સવા શેર હતા એ કેમ ભુલાઈ ગયું ? કાલ સવારની આ છોકરી મને સાવજને એની બોડમાંથી બહાર કાઢી મૂકે ? અને હું શિયાળીયાની જેમ રડી રડીને રાત પસાર કરું ? હું ? હું અરવિંદ પટેલ ?
અરવિંદભાઈની અંદરનો અરવિંદ જાગી ઉઠ્યો. બીજા દિવસે સ્કૂલમાં જઈને આશાને પૂછી જ લીધું.
"આશા, મારા ઉજડી ગયેલા બાગની બહાર બનીને આવીશ તું ? તારા જીવનમાં વ્યાપેલા અંધકારને હું દૂર કરીને તારા મયંક સાથે તને અપનાવવા તૈયાર છું, બોલ શુ કહે છે ?"
અરવિંદભાઈ ગુજરાતી વિષયમાં એમ.એ.બી.એડ. હતા. સાહિત્ય એમનો પ્રિય વિષય હતો અને શેર શાયરીમાં પણ ઉસ્તાદ હતા. કુસુમને એ વિદ્યા વડે જ એમણે પરાસ્ત કરી હતી.
આશા એમની સ્કૂલમાં જ શિક્ષિકા હતી.અને એ પણ અરવિંદભાઈની જેમ એકલી પડી ગઈ હતી.એના પતિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા પછી એણે આ સ્કૂલ જોઈન્ટ કરી હતી.અને પંદર વર્ષનો એક દીકરો મયંક દસમા ધોરણમાં આ જ શાળામાં ભણતો હતો.
અરવિંદભાઈની પત્ની કુસુમબહેનના અવસાન પછી શાળાના આચાર્ય સાહેબે એકવાર આશાની વાત એમના કાને નાખી હતી. એ બિચારી એકલવાયું જીવન જીવતી હતી અને સમાજના મેલી નજર વાળા લોકો એની પાછળ ફરતા રહેતા. ઘણીવાર એની છેડતી થતી. શાળાના જ અમુક શિક્ષકો પણ આશાને જોઈને લાળ ટપકાવતા. આશા આ બધું મૂંગે મોંએ સહન કરતી.કોઈને ક્યારેય ફરિયાદ કરતી નહીં. કારણ કે જ્યાં ફરિયાદ કરવા જાય ત્યાં જ એના માટે જાળ બિછાવવામાં આવતી. એવા કડવા અનુભવો પછી કાંટાળી વાડમાં શરીર સંકોચીને એ ચાલતા શીખી ગઈ હતી.ક્યારેક કોઈ નાનો મોટો ઉજરડો એના મન અને શરીરને લોહી કાઢતો, પણ તોય એ હરફ સુધ્ધાં ઉચ્ચારતી નહીં.
એનો મયંક ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને એની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર જ એના જીવનનું એક માત્ર લક્ષ હતું.એની ઉંમર હજુ તો માંડ ચાલીસ વરસ હતી પણ દેખાવમાં એ ત્રીસ વર્ષની જ લાગતી.એટલે જ એ આશાની આશા આવા લોકો સેવતા.
આચાર્ય સાહેબને આ બધો જ ખ્યાલ હતો. અરવિંદભાઈ જેવો સજ્જન માણસ જો આશાને અપનાવી લે તો એના જીવન ફરતે અભેદ કિલ્લો રચાઈ જાય.અને અરવિંદભાઈને પણ સહારો મળી રહે. બે અટવાઇ ગયેલી જિંદગીઓ
ને એકબીજાનો સહારો મળી જાય એમ તેઓ ઇચ્છતા હતા.
પણ અરવિંદભાઈએ એમના દીકરાને પરણાવીને પોતાનો માર્ગ કરી લીધો હતો.આશા પ્રત્યે એ ખૂબ જ સ્નેહભાવથી વર્તતા.
ક્યારેય એમણે આશાને લોલુપ નજરે જોયું નહોતું. આશા પ્રત્યે એમના દિલમાં કૂણી લાગણી અવશ્ય હતી અને આશા પણ ખૂબ જ માનથી અરવિંદભાઈને જોતી.
એકબીજા પ્રત્યે સદભાવ ધરાવતા લોકો ઝડપથી એકબીજાની નજીક આવતા હોય છે.ઘરમાં થઈ રહેલા વહુના ગેરવર્તનની વાતો ક્યારેક તેઓ આશા સાથે શેર કરતા. આશા શાંતીથી એમને સાંભળતી. સાથે હોવા છતાં એકલા હોવાની આ સ્થિતિ એમનાથી સહેવાતી નહોતી.અને આઠેય પહોર આનંદમાં રહેતો જીવ હવે સાવ ઉદાસ અને મૂડલેસ રહેવા લાગ્યો હતો એ જોઈને આશાને અરવિંદભાઈ પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ પ્રગટી હતી.અને એ સહાનુભૂતિએ ધીમે ધીમે પ્રેમનું સ્વરૂપ લેવાં માંડ્યુ હતું.
જ્યારે અરવિંદભાઈએ એમના બાગમાં બહાર બનીને આવવાનું આંમત્રણ આપ્યું ત્યારે જાણે કે એ આભમાં ઉડવા લાગી.પણ મયંકની યાદ આવતા જ એ ધરતી પર આવી ગઈ. પંદર વરસનો બાળક પોતાની માતાના બીજા લગ્ન સ્વીકારી શકે ખરો ? આ પ્રશ્ન એના માથામાં ઘણની જેમ વાગ્યો.અને એ ઘાની પીડાએ અરવિંદભાઈની લગ્નની ઓફરને ઠુકરાવી.
આચાર્ય સાહેબે પણ આશાને ખૂબ સમજાવી પણ એ ન માની. દીકરાના કુમળા મનને તડકે બળીને એને છાંયડામાં આવી જવું ઠીક ન લાગ્યું.પણ અરવિંદભાઈના પ્રેમને એ ઠુકરાવી ન શકી.
સમાજની શરમે, સમાજને છેતરીને, સમાજની વાડાબંધી માં છીંડા પાડતો જ રહ્યો છે માણસ !
અરવિંદભાઈ અને આશા એકબીજાનો સહારો બની રહ્યા.