સાત બેનનો ભાઈ.
માણસને પોતાનો વંશ આગળ ધપાવનાર વારસદારની એટલી બધી શુ કામ જરૂર હોતી હશે ? આપણને આપણા દાદાના પિતાજીનું નામ પણ ખબર હોતી નથી, તો પછી આપણા વંશજો આપણને શુ કામ યાદ કરે ? જીવનમાં કોઈ એવું કામ આપણે કરી ગયા હોઈએ તો આખી દુનિયા યાદ કરે. બાકી આ પૃથ્વી ઉપર અબજો માણસો જન્મીને મરી ગયા.એમને એમની ચોથી પેઢી પણ યાદ કરતી નથી.
અને હા, માણસની પાસે એટલી સંપતી હોય તો એ સંભાળવા માટે કોઈ વારસદાર હોવો જરૂરી બને.
પણ, પાંચ દસ વીઘા જેટલી નાની અમથી જમીન અને પડું પડું થતું છાપરા જેવું ઘર જેને વારસામાં મળ્યા હતાં એવો હું જન્મ્યો ત્યારે અમારા ઘરમાં કનૈયાનો જન્મ થયો હોય એવો માહોલ હતો. મારા દેવામાં ડૂબેલા બાપનો તારણહાર હું ઉપરવાળાની આખરે થયેલી મહેરબાની હતો, કારણ કે સાત સાત દીકરીઓ પછી આઠમો અવતાર હું હતો. શ્રી કૃષ્ણ પણ દેવકીનું આઠમું સંતાન હતા પણ એમની એકે'ય બેનને કંસે જીવતી રહેવા દીધી નહોતી, બાકી લાવો હું તમને લખી આપું કે જો કૃષ્ણની એ બહેનો જીવતી રહી હોતને તો એ ક્યારેય ભગવાન બની શક્યા ન હોત ! આખી જિંદગી બહેનોના પ્રસંગોમાં ભાઈ તરીકેની ફરજો નિભાવવામાંથી નવરા થાત તો પાવો વગાડેત ને !!
મારી બધી જ બહેનોના હેતના, બે કાંઠામાં માંડ સમાય એવા પ્રવાહમાં હું તણાવા લાગ્યો. સાત ખોટનો હું એવા તે લાડકોડમાં મોટો થયો કે જાણે હું કનૈયો જ ના હોઉં ! ઘરમાં મારો પડ્યો બોલ જીલાતો. હું ઘોડિયામાં સૂતો હોઉં ત્યારે મને હીંચકાવવા માટે મારી બહેનો વચ્ચે હરીફાઈ જામતી. "મારો ભઇલો, મારો ભઇલો" કરતી કરતી એ બધી જ પોતાનો ભાગ મને ખવડાવતી. હું રડતો ત્યારે એ સાતેય બેનડીઓ, મને છાનો રાખવા અડધી અડધી થઈ જતી અને કંઈ કેટલીય તરકીબો કરીને મને હસાવતી. એકની કમરેથી બીજીની કમરે હું તેડાતો રહેતો.જમીન ઉપર મારો પગ પણ પડવા દે, તો તો એ બેનડીઓનું હેત ઢોળાઈ જ જાય ને ! મારા પપ્પાએ હું કરોડોની કિંમતનો હીરો હોઉં એટલી કાળજીથી મને મોટો કર્યો છે. તમને થશે કે હું કેવો ભાગ્યશાળી !
રક્ષાબંધનના દિવસે ગામના બધા જ છોકરાઓને મારી ખૂબ જ ઈર્ષા થતી.કારણ કે મારો હાથ, કાંડાથી કોણી સુધી નાની મોટી અને અવનવી ડિઝાઈનની રાખડીઓ શોભી ઉઠતો. એ રાખડીઓ અને સાથે મળતી ચોકલેટોથી હું જાણે કરોડપતી હોઉં એમ છાતી ફુલાવીને ચાલતો.પણ એ રાખડીઓના ભાર નીચે હું જીવનભર ચગદાઈ જવાનો છું એ મારા પિતાને પણ ખબર નહી હોય ? કદાચ એ અભણ અને ગરીબ બાપને તો પોતાનો વંશ આગળ વધે એટલું જ કામ હતું. એક પછી એક સાત દીકરીઓ જન્મી તોય એમણે દીકરાની આશા છોડી નહોતી.અને ઉપરવાળાએ કદાચ મારી માંની દયા ખાઈને હાર સ્વીકારી હશે અને મારા કરમના ચોપડામાં સરવાળા બાદબાકી કરીને મને સાત બેનડીના વીરનો અવતાર દીધો હશે.
હું સમજવા શીખ્યો ત્યારે મારી જેવડા બીજા છોકરાઓ પોતાને મન ફાવે ત્યાં રખડતા અને રમતા. નદીમાં ન્હાવા જતા, ઝાડ પર ચડતા, આંબલી પીપળી રમતા. પણ હું તો સાત ખોટનો હતોને ! મને ખુબ જ સાચવવાની જવાબદારી મારી સાતેય બહેનો ખૂબ નિભાવતી. હું જરા દોડું તો એ મારાં તાતને ફરિયાદ કરતી કે "પપ્પા, ભઇલો, મેં ના પાડી તોય દોડતો'તો. પડી જ્યો હોત તો ?"
મારા પપ્પા મને હળવેથી ખિજાઇને અને મારી માં પ્રેમથી સમજાવીને મને દોડવાની ના પાડતા. બીજા છોકરા અને મારામાં શુ તફાવત છે એ મને એ વખતે કેમે'ય સમજાતું નહી. જીવનમાં મારે જે મહાન કર્યો કરવાના હતા એ માટે મને ખુબ જ સાચવવો જરૂરી હતો ને !!
એમ હું બહેનોની છાંયડીમાં સચવાઈને, અપાર લાડ કોડમાં ઉછર્યો.એક રાજકુમાર જેવી જ મારી સત્તા હતી.હું જે માગું એ મને મળતું. નવાં નવાં કપડાં,બુટ મોજા,નવું નવું દફતર -- એ પણ નિશાળ સુધી ઉપાડનારી એકાદી બહેન સાથે જ હોં ! બીજા છોકરાઓ આગળ મારો તો રોલો પડતો રોલો !!
બીજા છોકરાઓને તો લેશન જાતે કરવું પડે, મને તો મારી બેનડીઓ લખી આપે. સાહેબને ચોખ્ખું કહેલું મારા પિતાજીએ કે "મારે આ સાત ખોટનો એકનો એક છે હો સાહેબ, ઇને નો આવડે તો ભલે, પણ મારતા તો નહીં જ."
પછી સાહેબની તાકાત છે કે મને આંગળી પણ અડાડે ?
હું તો બસ, રાજા હતો અને મારી આ સાતે'ય બહેનો મારી પ્રજા હતી. હું હુકમ કરતો, અને બેનડીઓ દોડી દોડીને મારા હુકમની બજવણી કરતી. રમતમાં મારે કોઈ દિવસ દાવ દેવો જ શાનો પડે ?
મારી સાતેય બહેનો એમની ઉંમર પ્રમાણે ઘરકામ,ખેતરનું ખેતીકામ તો વળી એક બે બહેનો ગામના બીજા લોકોના ખેતરમાં દાડી દપાડી (મજૂરી) કરીને રૂપિયા રળી લાવતી. અને મારા માં બાપ એ રૂપિયા બચાવતા. કારણ કે આખરે એ સાતેય પારકી થાપણો હતી ને ! મારાથી જે બે મોટી એટલે કે છઠ્ઠો અને સાતમો નંબર હતો એ બન્નેને મારી જવાબદારી સોંપવામાં આવી હતી. મારુ દફતર નિશાળ સુધી ઉપાડી લેવાંનું, નિશાળમાં મારુ ધ્યાન રાખવાનું, રિસેસમાં મને ભાગ ખવડાવી જવાનું, વળી છૂટીએ ત્યારે દફતર ઉપાડીને ઘેર લાવવાનું, મારા હાથપગ મોઢું ધોઈ આપીને મને નાસ્તો કરાવવાનું,પછી મારુ લેશન કરી આપવાનું,મને રમવા લઈ જવાનું, અને રમતમાં મારી ઉપર દાવ આવે તો એ દાવ આપી દેવાનું કામ આ બેઉં બેનડી હસતા મુખે કરતી. બોલો હશે કોઈ આવો ભાગ્યશાળી ? ભગવાન શ્રી કૃષ્ણને પણ ગેડી દડાંની રમતમાં દાવ જાતે જ દેવો પડયો હતો !!
સમય કોઈનો ક્યાં થાય છે તે મારો થાય ! મારી બહેનો જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ મારા પિતાએ એક પછી એક ને, ક્યારેક એકસાથે બે ને સાસરે વળાવવા માંડી. અને મારી પ્રજામાં ઘટાડો થવા લાગ્યો.આખરે બધી જ બહેનો એમને ઘેર ચાલી ગઈ. ત્યારે મારા શાસનનો જાણે કે અંત આવ્યો. સાત દીકરીઓના પ્રસંગો પતાવીને મારા પિતા પણ પતી ગયા. માથે દેવાનો ડુંગર, આઠ આઠ વખત સુવાવડ કરીને હાડપિંજર જેવી થઈ ગયેલી બીમાર માં અને પડું પડું થતું દેશી નળિયાં વાળું માટીનું મકાન-- આટલી બધી સંપતીના એક ના એક વારસદાર તરીકે મને નીમીને તેઓ સ્વર્ગે (મારા પિતા હોવાથી તેઓ સ્વર્ગમાં જ જાય ને !) સિધાવી ગયા. હવે એમની અ..ધ...ધ..(!) કહી શકાય એટલી સંપતીને સાચવવા અને મારા પિતાનો વંશ આગળ વધારવા મારે કોઈક નસીબદાર છોકરી શોધવાની હતી.પિતાજીના નસીબમાં એમનો વેલો આગળ વધ્યો કે નહીં એ જોવાનું કદાચ લખ્યું નહીં હોય, પણ એમના આ જીવન ધ્યેયની ભાગીદાર મારી માંદલી માં તો જરૂર જીવતી હતી.
"સાત સાત બહેનો છે, અને ઘરમાં કંઈ જ બળ્યું નથી, અને એની માં તો માંદી રે'છે, એના ઘરમાં દીકરી દેવા કરતા તો કૂવામાં નાખવી સારી"
લગ્નના બજારમાં મારી માર્કેટ વેલ્યુ આ પ્રમાણે આંકવામાં આવી. હકીકતમાં મારા ઘરમાં કંઈ જ બળ્યું નહોતું,મારી માંદી માંનો જીવ એ જાગતી હોય ત્યાં સુધી બળ્યા કરતો. હું જો વાંઢો રહી જઈશ તો મારા પિતાનો વંશ કેવી રીતે આગળ વધશે ? આ સવાલ આગ બનીને મારી માંને દઝાડી રહ્યો હતો.
આખરે મારા સાત જીજાઓ શુ કામના હતા હેં ? એમનો એકનો એક સાળો, અને મારી સાત બેનડીઓ નો વીર હું વાંઢો રહું ? મારા કરમના ચોપડામાં હજુ તો બાદબાકીના દાખલાઓનું પ્રકરણ સાવ બાકી જ હતું ને !
મારા જીવનની છેલ્લા સરવાળા જેવી તમારી ભાભી આખરે મારા જીવનરથનું બીજું પૈડું બનવા આવી ગઈ.એ બિચારીનો ચોપડો પણ કંઈક મારી જેવો જ હશે, કે પછી ભગવાનના ક્લાસમાં અમે બેઉં છેલ્લી બેન્ચમાં બેસીને વાતો કરતા હઈશું એટલે અમને ક્લાસમાંથી બહાર કાઢી મૂક્યાં હશે ?
મધુ એના નામ પ્રમાણે ખૂબ જ મધુર હતી. મારા મોટા જીજાજીના સગામાં થતી હતી.એટલે મારા ઘરમાં કાંઈ જ ન બળ્યું હોવા છતાં એને (સુખી ભલે ન થાય પણ) દુઃખી નહીં થવા દેવાની ગેરેન્ટી મારા જીજાએ મારા સસરાને આપેલી. એટલે મારા સસરાએ મધુ મને આપેલી.મેં અને મધુએ અમારા જીવનના દાખલાને ગણવાનું ચાલુ કર્યું.અને અમારા પહેલા દીકરાનું -મારા પિતાના વંશનું- મોં જોઈને, એ શુભ સંદેશો મારા સ્વર્ગવાસી પિતાને આપવા મારી માંદી માં પણ સ્વર્ગે (સ્વર્ગે જ હો )સિધાવી ગઈ.
હું મને વારસામાં મળેલી ત્રણ વીઘા (પહેલા દસ હતી, પણ સાત બહેનોને પરણાવા માટે સાત વીઘા મારા પૂજ્ય પિતાજીએ વેચી દીધી હતી, એ તમને કહેવાનું હું ભૂલી ગયો હતો) જમીન ખેડવા લાગ્યાં અને અમારું દારિદ્રય ફેડવા ગામમાં બીજાના ખેતરમાં પણ મજૂરી કરવા લાગ્યા. તળાવને વાટકાથી ભરવાનું ભગીરથ કાર્ય અમારા ભાગ્યમાં આવ્યું હતું.
બહેનોને પરણાવીને બાપા તો જતા રહ્યા.પણ બધી બહેનોને વારા ફરતી સીમંત કરીને તેડી લાવવાની અને સાતે સાત બહેનોની પહેલી ડિલિવરીના ખર્ચની જવાબદારી મારા માથે જ આવી હતી.
હીરા ઘસતા શીખીને હું ઘાટનો અચ્છો કારીગર બની ગયો.અને તનતોડ મહેનત કરીને મેં અને મધુએ એ બધા જ પ્રસંગો પતાવ્યા. વચ્ચે મધુના સીમંતનો પ્રસંગ પણ આવી ગયો. મધુએ અમારા પહેલા બાળકનું નામ હર્ષ અને બીજા બાળકનું નામ આનંદ રાખ્યું.
ઉનાળામાં ભણીયાઓ અને ભાણકીઓથી મારું ઘર ભરાઈ જતું. બહેનો મારી ગરીબીની દયા ખાઈને બધી એક સાથે આવતી નહિ.પણ ત્રણ ત્રણ બહેનોએ વારા કરેલા. એ ભકુંડાને ભાગ ખાવો હોય, રમકડે રમવું હોય, જાય ત્યારે બેનુંને કંઇક હાથમાં દેવાનું હોય...
હું મારી પાસે હોય એ બધું ખરચી નાખતો. અમારા કુટુંબમાં કાકાદાદાના ભાઈઓ પણ હતા.એ વળી ક્યારેક મને ગરીબને ટેકો કરતા એટલે હું, ભાઈને ઘેર પિયરમાં મળવા આવેલી બહેનોને, અને મામા મામા કરીને મારા ખભે ચડી બેસતાં મારા ભાણેજડુંને રાજી કરી શકતો. પણ મારા બાળકો ભાગ વગરના રહી જતા.કારણ કે એમના ભાગનું તો ભણીયાઓ ખાઈ પી જતા. પણ મામા તરીકે હું પાછો પડું તો તો સ્વર્ગમાં બેઠેલા મારા માં બાપનો આત્મા ન દુભાય ?
બહેનોના કુટુંબમાં કોઈને કોઈ પ્રસંગો આવ્યા જ કરતા. એ દરેક પ્રસંગે મારી બહેનને કોઈ મેણું ન મારી જાય એટલે મારે જવું જ પડે. અને ભાઈથી કંઈ ખાલી હાથે તો ન જ જવાયને ! બિચારી મધુને એના પિતાએ આપેલા ઘરેણાં ક્યારે કામમાં આવવાના હતા ? અને એ'ય બિચારી કહેતી, "વેચી નાખોને આ ઘરેણાં..., મારે ક્યાં પે'રીને જાવું છે !' એની વાત તો સાચી જ હતી. કારણ કે અમારે કોકના ખેતરમાં મજૂરી કરવા કંઇ ઘરેણાં પહેરીને થોડું જવાનું હોય ?
બહેનોના પ્રસંગો સાચવતા સાચવતા અમેં અમારા બે બાલુડાને પણ મોટા કરતા રહ્યા. મોટી બહેન તો મારા કરતાં બાર વરસ મોટી હતી. એને ઘેર પહેલો પ્રસંગ આવ્યો. મામાનો ભાણીયો પરણતો હતો ને !
મારે જે સાત મામેરા કરવાના હતા એની શુભ શરૂઆત થઈ હતી. આ વરસે મારી ત્રણ વિઘાની વાડીમાંથી અને ગામની મજૂરીમાંથી વરસ સારું હોવાથી અમે થોડું સારું કમાયા હતા. એમ હતું કે ઘરની પછીત નવી ચણી લઉં. વળી વિચાર બદલ્યો કે પછીતમાંથી મારા ઘરમાં કોણ ઘુસી જવાનું છે ? લાવ્યને મધુને સોનાની બંગડી કરાવી દઉં.
પણ મધુએ ઠીક યાદ કરાવ્યું. મોટી બેનને મામેરું લઈને જાવું પડશે ને !
મારી મધુ તો મધુ જ હો !
મારા જીજાજીએ તો ખૂબ ધામ ધૂમથી ભણીયાને પરણાવ્યો હો. અને હું'ય કાંઈ પાછો પડું ? બે'ય છોકરાઓ માટે શે'રમાં જઈને ગુજરીમાંથી જિન્સનું પેન્ટ અને ટી શર્ટની એક એક જોડી લઈ દીધાં. "રેંકડીમાં સરસ મળે, દુકાનવાળાને તો શું છે કે ભાડા, લાઈટબીલ અને નોકર ચાકરના પગાર ચડતાં હોય એટલે એ લોકો મોંઘું વેંચતા હોય" એમ મારી મધુ મને સમજાવતી. એટલે મેં'ય એક જોડી જિન્સની ઠબકારી. લે શુ વાત કરો છો ? મામો મોળો પડે ઇ કાંઇ ચાલે ? મધુને'ય મેં કીધું કે એકાદી સાડી તું'ય નવી લઈ લે ને. બેનને ન્યા લગન છે ઇ આપણા ઘરનો જ પ્રસંગ કહેવાય. પણ એણે તો કહ્યું કે મારી પાસે તો નવી જ સાડી છે. (હમણાં બે વરસ પહેલાં જ એ મળવા પિયર ગઈ ત્યારે મારી સાસુએ લઈ આપી હતી, મધુ પાછી ચિવટવાળી બહુ જ હો ! કપડાં સાચવી રાખે, સારા પ્રસંગે પહેરવા થાય ને !")
પુરા પાંચ હજાર રોકડા અને બીજા બે હજારની કેટલીય વસ્તુઓ, મારા જીજાજી અને ભાણા માટે કાપડની મોટી દુકાનમાંથી ફડાવેલી કપડાંની જોડી,બહેનના સાસુની સાડી અને સસરાને ગરમ શાલ. મારી મોટી બહેન તો મામેરું જોઈને રડી પડી.
સગા વ્હાલા મોં માં આંગળા નાખી ગયા હો. બાકી વટ પાડી દીધો.
ભાણાની જાનમાંથી પાછા આવીને અમે ભાણાની નવવધૂ સાથે ફેમિલી ફોટો (પહેલવેલો હોં !) પડાવ્યો અને નવદંપતીને આશીર્વાદ આપ્યા. બે'યને પચાસ પચાસની નવી નક્કોર નોટ હો. લે...એ... હું એનો સગો મામો છું, શુ યાર તમે વાત કરો છો !!
બીજા દિવસે ઘેર આવવા બસમાં બેઠા.અને કંડક્ટરે ટિકિટનું પૂછ્યું ત્યારે મને ફાળ પડી. હરખમાં ને હરખમાં સો રૂપિયા તો ઢોલી ઉપર ઉડાડી દીધા'તા. બે'ય છોકરાની અને અમારી બન્નેની ટિકિટના પૈસા તો હતા નહીં. મેં મધુ સામું જોયું. આ મધુ પણ ગજબ છે હોં ! ન જાણે ક્યાંથી એણે સો રૂપિયાની નોટ કાઢી, "મને ખબર જ હતી, વળતી વખતે ટીકીટ લેવાં આ સો રૂપિયા મેં પે'લેથી જ સંતાડી રાખ્યા'તા"
મને એક બક્કી ભરી લેવાનું મન થયું. પણ એમ કાંઈ ધોળા દી'એ બધાના ભાળતા બક્કી ભરાય ? શુ તમે'ય યાર વાત કરો છો !
પછી અમે બે'ય માણહ જે લાગી પડયાને બે વરસ સુધી. ખૂબ મહેનત કરી. મને ક્યારેક ક્યારેક બીડી પીવાની ટેવ પડી ગયેલી, એ'ય મેં તો બંધ કરી દીધી. મધુએ જ કીધું'તું, "હવે સાચા થઈને મન્ડો રળવા, હમણાં બીજી બેનનું મામેરું આવશે..."
મારા આ બીજા જીજાજી જરીક શોખીન ખરા હોં. એમને સૂટ સિવડાવવાની ઈચ્છા હતી એટલે મામેરામાં મારે એમને એક જોડી કપડાં તો લેવાના જ હોય ને ! તે મને કહે કે ,"હું સૂટ સિવડાવી લઉં છું, તું બિલ આપી દેજે, અને મામેરામાં સૂટ જ મૂકી દેજે એટલે સારું દેખાય.અને તારી બેનને હાર (સોનાનો જ હોયને, ભલા માણસ. શુ તમે'ય મોળું વિચારો છો !!) કરાવવો છે તો મામેરામાં તું લઈ આવતો હોય તો મારે ખર્ચો નહીં."
બેનના મામેરામાં તો હું પાછો પડું એમ નહોતો.પણ બીજા નંબરની આ બેનને મારા જીજાજી કહે એ પ્રમાણે મામેરું કરું તો મોટી બેનને અને મોટા જીજાજીને ખોટું લાગે ને ! અને હજુ બીજી પાંચ બહેનો લાઈનમાં ઉભી'તી. હાથના કાંડાથી કોણી સુધી રાખડીઓ બાંધીને ફુલ્યા નહોતા સમાતા, યાદ છે ને !
આ ધર્મસંકટ કોની આગળ જઈને કહેવું ? મારે બીજો ભાઈ તો હતો નહીં કે મળીને ચર્ચા વિચારણા કરીએ ! જે ગણો એ હું અને મારી મધુ..મધુએ જ સુજાડ્યું, " મોટી બેનને વાત કરો. જો એમને વાંધો ન હોય તો આપણે પટેલે (જીજાજી નં 2) કીધું એ પરમાણે કરી દેવી "
મારી મોટી બહેન તો ભારે સમજણી. એણે જ્યારે જાણ્યું કે જી.નં- 2 મામેરું મોટું માંગી રહ્યાં છે ત્યારે એના ગુસ્સાની પાર રહ્યો નહીં. પણ પછી મધુએ જ સમજાવ્યું કે તમે કાંઈ ન બોલતા. નકામું તમારે બહેનો બહેનોને સબંધ બગડશે.તમને વાંધો ન હોય તો અમે ગમે તેમ કરીને પોગી વળશું."
અને તમે નઈ માનો, બીજી બેનનું મામેરું પણ આપણે જોરદાર કર્યું હો. અને આ વખતે તો મેં વળતી વખતે ટીકીટ લેવાના સો રૂપિયા ખીચીમાં અલગ જ મુકી રાખ્યા'તા.
(દર વખતે મધુની મૂડી વપરાઈ નો જાય ? શુ યાર તમે વાત કરો છો !)
બે મામેરા કર્યા પછી, મારા ઉપર દેવાનો જે ડુંગરો ખડકીને મારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગે સિધાવી ગયેલા એ ડુંગરાનું કદ ઘણું વધી ગયું. જી નં 2 ની ફરમાઈશ પુરી કરવા મારે મારી ત્રણ વીઘા જમીન ગીરવે મુકવી પડી અને વ્યાજનું ચકરડું ચાલું કરવું પડ્યું. પણ મધુની મધુરતાં એટલી મધુર હતી કે ના પૂછો વાત. (તમે ક્યાં પૂછો છો, હું જ કહી રહ્યો છું ને !) મધુ જેવી ઘરવાળી અપાવવા માટે મારા મોટા જીજુને મારી ચામડીના જુતા બનાવીને પહેરાવું તોય એમનો આ ઉપકાર ઉતરે નહી હો !
વ્યાજ અને દેવાના ડુંગરાને તોડી પાડવા મધુએ એના પિયરમાંથી એક ભેંસ ધામેણામાં મંગાવી લીધી.(પોતાની દીકરીને સાસરામાં ઘી દૂધ વગર ખાવું ન પડે એટલા માટે જુના સમયમાં ગાય કે ભેંસ આપવામાં આવતી,જેને ધામેણું કહેવાય- સૌરાષ્ટ્રના જૂની પેઢીના વાચકોને ખ્યાલ જ હોય, પણ નવી પેઢી કે જેમણે ગામડું જોયું જ નથી એમના માટે ધામેણાની વ્યાખ્યા આપવી જરૂરી હોઇ શકે.)
અને એ ભેંસના દૂધ અને ઘીનો વેપાર ચાલુ કર્યો. ઘાસ ચારો તો ગીરવે મુકેલી જમીનમાં થતો જ હતો, એટલે ઉપાધી નહોતી.
એ એક ભેંસમાંથી અમે બેઉ જણે ત્રણ ભેંસ કરીને ત્રીજી અને ચોથી બહેનનું મામેરું કર્યું અને વ્યાજ ભર્યું.
હજી ત્રણ બહેનના ત્રણ મામેરા બાકી હતા ત્યારે એક અણધાર્યો ખર્ચ આવીને ઉભો રહ્યો.
મધુને કેટલાય દિવસથી ઝીણો ઝીણો તાવ આવતો હતો. "એ તો અમથું " એમ કહીને એ કામ કર્યા કરતી. હું પરાણે એને ગામના સરકારી દવાખાને લઈ ગયો. ડોક્ટરે દવા આપીને આરામ કરવાની સલાહ આપી હતી. પણ આરામ કરવો મધુને પોસાય ?
ઝીણો તાવ પોતાનું આ અપમાન સહન કરી શક્યો નહીં હોય તેથી એ એના મોટાભાઈને બોલાવી લાવ્યો ! થોડા દિવસો પછી મધુને ટાઢ આવીને ભયંકર તાવ ચડ્યો. જીવનનો અડધો રસ્તો'ય હજી કાપ્યો નહોતો ત્યાં મારા રથનું બીજું પૈડું ભાંગી પડે તો તો હું'ય જીવી ન શકું. કુટુંબના ભાઈઓ વહારે આવ્યા,પણ એ'ય બિચારા એમના સંસારના કળણમાં કમર સુધી ખુપેલાં હતા એટલે મને ટેકો કરે તો કેટલો કરી શકે !
મધુને શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવી પડી.આંતરડામાં થયેલી ગાંઠ, અમારા પ્રેમની ગાંઠ કરતાં કંઈ મોટી નહોતી, તો'ય મારી બધી જ મૂડી અને ત્રણે ત્રણ ભેંસોને -અમારી આવકના મુખ્ય સ્રોતને ભરખી ગઈ. મેં બધી જ ભેંસો વેચી દીધી, તોય પચાસ હજાર જેટલું દેવુ મારી ઉપર ચડી ગયું.બહેનોએ મદદ કરી પણ એતો ઉછીના આપ્યા કહેવાયને ! મારે ભાઈ ઉઠીને કંઇ બહેનોના પૈસા રખાય ? હું રાત દિવસ હીરા ઘસવા લાગ્યો. હીરાની સાથે મારું શરીર પણ ઘસાવા લાગ્યું. નાનો મોટો ખાડો હોય તો હું અને મધુ બુરી દેત, પણ આ તો આખો દરિયો બુરવા જેવી વાત હતી !
મધુને ઘી દૂધનો ખોરાક રાખવાની સલાહ આપી હતી ડોક્ટરે, મારા ઘરમાં ઘી દૂધ દેતી ત્રણ ત્રણ ભેંસો હતી. પણ મધુના નસીબમાં એ ભેંસોનું દૂધ કદાચ નહી હોય એમ ન માનતા ! ભલે મેં બધી ભેંસો વેચી દીધી'તી, પણ એ જ ભેંસોનું દૂધ અને ઘી વેચાતું લાવીને મેં એને ખવડાવ્યું. હું કાંઈ જેમ તેમ થોડો છું ? શુ યાર તમે વાત કરો છો !
મધુની બીમારી દરમ્યાન મારી બહેનો મારી સાથે નહોતી એમ નહીં માનતા હો, મારા બન્ને દીકરાઓને વારા ફરતી બધી જ ફઈઓએ સાચવી લીધા હતા.અને મને પણ ખૂબ મદદ કરી હતી. નાનપણમાં મને તેડી તેડીને જમીન ઉપર પગ પણ નો'તી મુકવા દેતી એ બહેનો આવા સમયે દૂર ઉભી રહે ખરી ?
મધુને તો મેં યમરાજના હાથમાંથી છોડાવી હતી.યમરાજને કહ્યું હતું કે બાપુ, તમે ક્યાંક બીજે હાથ મારોને યાર, મારે હજી મારી ત્રણ બહેનોના મામેરા કરવાના છે, મારા બાળકોને ભણવવાના છે, અરે મારે મધુ વગર ચાલે તેમ જ નથી.જો તમે મધુને લઈ જ જવાના હોવ તો એ એકલી તો નહીં જ આવે, મને પણ તમારે લઈ જવાની તૈયારી રાખવી પડશે ! યમરાજને મારી દયા આવી હોય કે ગમે તેમ પણ મધુને એમણે છોડી દીધી. પણ મારા ગળા ફરતે ગાળિયો મજબૂત કરતા ગયા.
મારા બન્ને બાળકો ગામની પ્રાથમિક શાળામાં ભણતા.અને કુદરતી રીતે જ ભણવામાં ખૂબ હોશિયાર હતા. મોટો હર્ષ હવે આઠમાં ધોરણમાં આવ્યો હતો અને એને આગળ ભણાવવા માટે શહેરમાં હોસ્ટેલમાં મુકવો પડે તેમ હતો. સ્કૂલની અને હોસ્ટેલની ફી ભરીને એને ભણાવવો કે ભણતો ઉઠાડીને બહેનોના મામેરા યજ્ઞમાં હોમી દેવો એ નિર્ણય લેવાનો હતો. મધુને તો તમે ઓળખો જ છો ને ! ગમે તેમ થઈ જાય ,એ એના દીકરાની જિંદગી બગડવા દે ખરી ? પણ પૈસા ક્યાંથી લાવવા એ સવાલનો મારી પાસે તો કોઈ જવાબ નહોતો.
શુ કરવું એ સમજાતું નહોતું.
"પપ્પા, મને તમે ભણવા મુકશો ને ?" હર્ષનાં એ સવાલનો હું શું જવાબ આપું. પણ મધુ કાંઈ મૂંગી રહે ?
"હા, વળી. તારે ભણવા જાવાનું જ છે હો બેટા..!" કહીને એણે હર્ષને રાજી રાજી કરી દીધો. જાણે કે લાખો રૂપિયાની લોટરી લાગી હોય એમ એ એના દોસ્તોને આ સમાચાર આપવા દોડી ગયો.
"મારે'ય ભઈલા હારે ભણવા જાવું છે હો મમ્મી ?" નાનો આનંદ પણ બોલ્યો. મધુએ બેઉ બાળકોના નામ હર્ષ અને આનંદ પાડેલા. પણ કમ નસીબે હું એ બેઉં બાળકોને હર્ષ કે આનંદ આપી શક્યો નથી.એમની ખુશીના ભોગે કાયમ મેં મારી બહેનો અને ભણીયાઓને સાચવ્યા છે. જ્યારે જ્યારે મારા બાળકો માટે કંઈક રમકડાં, નવા કપડાં કે કોઈ મનગમતી વસ્તુ લેવાનું વિચાર્યું ત્યારે ત્યારે મારી બહેનો,ભાણીયા અને ભાણકીઓને લઈને મળવા આવતી. બહેન ભાઈને ઘેર પિયરમાં આવે તો ખરી જ ને ! હું એક નો એક ભાઈ,અને એ સાત સાત બહેનો. એટલે મારા બાળકોની ખુશી મારે વહેંચવી જ પડી.એટલું જ નહીં ઘણી વખત એમને રડાવીને પણ ભાણીયાને રાજી કરવા પડ્યા છે.
"હા, હો તું આઠમા ધોરણમાં આવીશને એટલે તારે'ય જવાનું હો..." મધુએ આનંદને પણ રાજી કર્યો.અને મારી સામું જોયું. હું તો ચોતરફથી ઘેરાઈ ગયેલા,અને લડી લડીને થાકી ગયેલા કોઈ યોદ્ધાની માફક નિરાશ વદને બારીની બહાર દૂર દૂર જોઈ રહ્યો હતો. ક્ષિતિજમાં ક્યાંક કોઈ રસ્તો હોય અને ક્યાંકથી કોઈક મદદ આવે તો હું મારા દીકરાને શહેરમાં ભણવા મૂકી શકું અને મારી બહેનોના મામેરા પાર પાડી શકું.
મારા જીવનમાં આવી પડેલા મધુની બીમારીના મસ મોટા ખર્ચના ખાડાને બુરવા હું એ ખાડાની આસપાસ આંટા મારીને એને કેમ બુરવો એ વિચારતો હતો. ત્યાં હર્ષના ભણવાનો ખર્ચ આવ્યો. બેન બનેવીને વાત કરીને કોઈક રસ્તો કાઢશું એમ વિચારીને દિવસો પસાર કરી રહ્યા હતા.
પણ કહે છે ને કે દુષ્કાળમાં અધિક માસ હોય અને દૂબળા ઢોરને બગાઈ જાજી હોય, એમ મારે'ય સાલી ઉપાધિઓ ખૂટતી જ નહોતી.
કારણ કે મારો કરમનો ચોપડો પ્રભુએ જોઈને જ આ આઠમા વીરનો અવતાર આપેલો ને !!
હીરા ઘસતા ઘસતા મારા શરીરે મને જવાબ આપી દેવાનું શરૂ કર્યું હતું. ઘણા સમયથી મને સતત માથું દુખ્યાં કરતું હતું. શરૂઆતમાં માથાની ટિકડીઓ એ દુઃખાવાને નાથી શકતી. પણ પછી તો બે બે અને ત્રણ ત્રણ ટિકડીઓ પણ દુઃખાવાને કંટ્રોલમાં લાવી શક્તી નહોતી. પણ હું એ ગણકારું ખરો ?
પણ જ્યારે રાત્રીના સમયે મને ભયંકર પીડા થવા લાગી ત્યારે છાનામાના મોટા દવાખાને જઈને મેં તપાસ કરાવી. મારા મગજમાં ગાંઠ થઈ હતી અને જો સમયસર ઓપરેશન નહી થાય તો એ ગાંઠ ફૂટી જવાની હતી અને સાથે હું પણ...
હવે શુ કરવું ? જમીન અને મકાન બે'ય વેચી દઉં તો મારા ઓપરેશનો ખર્ચ નીકળી જાય,પણ આગળનું દેવું તો ઉભું જ રહે. અને પછી તો મારા છોકરાઓ અને મધુ રસ્તા ઉપર જ આવી જાય ને ! મારી મધુ, મને કેટલી વ્હાલી છે, એના વગર તો હું જીવી જ કેમ શકું ? પણ મારી વગર એ જીવી જશે. ભારે હિંમતવાળી છે, જમીનનો ટુકડો અને માથે છાપરું હશે તો મારી મધુ ચોક્કસ લડી લેશે, અમારા બેઉ બાળકોને ભણાવશે પણ ખરી અને બાકીના મામેરા'ય કરી નાખશે. ભગવાને મને ભલે ચાલવા માટે પગ નબળા દીધા પણ ટેકાની લાકડી મધુના સ્વરૂપે ખૂબ મજબૂત આપી હતી હોં !!
હું માથાંનો ભયંકર દુખાવો સહન કરીને મોતની રાહ જોતા જોતા દિવસો કાપી રહ્યો હતો. પણ મોત આવે તો ને ! હું એને ગળે લગાડવા બે હાથ ફેલાવીને ઉભો હતો, અને બે હાથ જોડીને પ્રભુને વિનવી રહ્યો હતો કે "હે નાથ, મારા કરમના ચોપડાને જરીક ફરીવાર જોઈ લ્યોને, હવે તો મારા ઓલ્યા ભવના તમામ ગુન્હાની સજા મેં કાપી જ નાખી હશે, જરીક જોઈ તો લ્યો પ્રભુ, સારું કેલ્ક્યુલેટર લઈને જરીક ફરીને સરવાળા બાદબાકી કરી જોવોને, કદાચ અમારા માણસોની જેમ કોઇ ભૂલ બુલ રહી ગઈ હોય તો સુધારી આપો, હે મારા કાળીયા ઠાકર, મારાથી હવે સહન નથી થાતું. તું બીજા હજાર દુઃખ દઈ દે પણ આ માથાનું દુઃખ પાછું લઈ લે. અને એમ ન કરવું હોય તો હવે મને જ લઇ લે ને બાપા..."
પણ એમ કાંઈ માગ્યા મોત'ય મળે ખરા ? આખરે મેં જ ઉપડી જવાનો નિર્ણય કર્યો.
અનાજમાં નાખવાની એક જ ટીકડી કાફી હોય છે, દીવો ઓલવી નાખવા માટે એ ટીકડી ફૂંક નહિ પણ ઝાપટનું કામ કરતી હોય છે એમ મને જાણવા મળેલું. પણ કદાચ મારા કોડિયામાં તેલ વધુ હોય તો ? એટલે મેં ત્રણ ચાર ટીકડી ગળી જવાનો નિર્ણય કર્યો. મારા બેઉ દીકરાઓને ખૂબ વ્હાલ કરીને કહ્યું કે બેટા તમે બેઉ ખૂબ ધ્યાન આપીને ભણજો હોં, તમારી મમ્મીને કયારેય હેરાન કરતા નહિ હોં, અને બધી જ ફઇઓના ઘેર જજો અને એમનું કામ પણ કરજો હોં "
"કેમ પપ્પા, તમે અમને એવું કહો છો ? તમે ક્યાંય જાવ છો ?" હર્ષ મને પૂછતો હતો.મેં એને માથે હાથ મૂકીને કહ્યું કે "કદાચ મારે કમાવા માટે ખૂબ દૂરના દેશમાં જવું પડે"
"ના, ના પપ્પા તમે ક્યાંય નહીં જતા હોં ને. પૈસા નો હોય તો મારે નથી ભણવું, મને હીરા શીખવાડી દયો. પપ્પા હું જલ્દી હીરા શીખી જઈશ અને એક મહિનામાં દસ હજાર નું કામ કરીશ, આપણે ભાઇને ભણવા મોકલશું, હોં ને પપ્પા, તમે ક્યાંય નો જતા,અમને તમારી વગર નહીં ગમે. હોં ને પપ્પા..."
નાનો આનંદ પણ મને વળગી પડ્યો."પપ્પા, મારે'ય નથી ભણવું, ભઇલો દસ હજારનું કામ કરશે તો હું'ય દસ હજારનું કામ કરીશ, હું'ય હીરા ઘસીસ,પછી તો પપ્પા આપણે દર મહિને વીસ હજાર આવશે, પછી પપ્પા આપણે હીરાનું કારખાનું નાખશું હોં ને પપ્પા, પણ તમે દૂરના દેશ નો જતા, આપડા ઘરે જ રે'જો, હું ને ભઇલો બેય કામશું પછી તમેં અને મમ્મી બે'ય ઘરમાં નિરાંતે સુજો. આપણે તમારા માથાની દવા કરાવશું હોં ને પપ્પા..."
મારા બેઉં બાળવીરોની વાત સાંભળીને મારું હૈયું હાથ ન રહ્યું. મેં બન્ને ને ગળે વળગાડ્યા અને પોક મૂકીને હું રડી પડ્યો. મારી પોક સાંભળીને ફળિયામાં કામ કરતી મધુ દોડી આવી. મને રડતો જોઈને મારા બન્ને દીકરાઓ પણ રડવા માંડ્યા અને મારી આંખોમાંથી વહેતા મારા દુઃખ અને દરિદ્રના આંસુઓ લુછવા માંડ્યા.
આ દ્રશ્ય જોઈને મધુ બારણામાં જ જડની જેમ ઉભી રહી ગઈ. સમ દઈ દઈને મધુએ મને પૂછ્યું તો'ય મેં મારા માથાના દરદની સાચી વાત મધુને ન જ કરી. એને ઓછું દુઃખ હતું તે આ ઘણ જેવો ઘા હું એની ઉપર કરું ?
દીકરાઓ અને મધુને આમ એકલા મુકીને માથાના દુઃખાવા સામે હારીને મરી જવાનો કાર્યક્રમ મેં અંતે પડતો મુક્યો. બીજા દિવસે એ મોતનો સમાન હું જે પેપરના પડીકામાં લાવ્યો હતો એ પડીકું ખોલીને મેં ટીકડીઓ હાથમાં લીધી. પીવા માટે નહીં હોં... ફક્ત મને એ ટીકડીઓ જોવાનું જ મન થયું'તું. મૃત્યુના માર્ગની એ ટીકડીઓ ટીકીટ જો હતી !!
કોઈ એમ કહેતું હોય ને કે ભગવાન બગવાન જેવું કાંઈ હોતું નથી, તો લાવજો મારી પાંહે. ઉપરવાળો જેને દાંત આપે છે એને ચાવવાનું પણ આપે જ છે, અને ભગવાન ભૂખ્યાં ઉઠાડે છે પણ ભૂખ્યાં કોઈને સુવાડતો હરગિજ નથી. મુશ્કેલીઓ મૂકે છે તો એમાંથી નીકળવાનો માર્ગ પણ મુકેલો જ હોય છે, બસ તમારે ધીરજ રાખીને બહાર નીકળવાની એ બારી શોધી લેવી પડે !
એ ટિકડીઓનું પડીકું જે કાગળમાં વીંટાઈને આવ્યું હતું એ છાપાના કાગળનો ટુકડો હતો અને એ ટુકડામાં જ મારી તમામ મુશ્કેલીઓમાંથી એક ઝાટકે બહાર નીકળવાનો રસ્તો હતો. જાણે કે સળગતા મકાનમાંથી બહાર કુદી પડવાની મને બારી જ મળી ગઈ !
એ છાપામાં બી પોઝિટીવ ગ્રુપના માણસની જરૂર હોવા બાબતની જાહેરાત છપાઈ હતી. યોગ્ય વળતર આપવામાં આવશે એવું પણ લખ્યું હતું. શાના માટે જરૂર હતી એવી કોઈ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી એટલે મને ખુબ જ નવાઈ લાગી. અને છાપું કઈ તારીખનું હશે એ પણ મને ખબર નહોતી. પણ ભાગતા ભૂતની ચોટલી પણ ભલી એ હિસાબે મેં એ ચબરખીમાં લખેલા ફોન નંબર પર ફોન કર્યો ત્યારે મને જાણવા મળ્યું કે કોઈ કરોડોપતી માણસને કિડનીની જરૂર હતી. અને મારે એ કરોડપતી માણસની જરૂર હતી. ભગવાને મારા ચોપડાનો હિસાબ મારી વિનંતીને ધ્યાનમાં લઈને ફરીવાર કર્યો હતો અને એમાં મારા ખાતે સુખ જમા નીકળતું હતું.
મેં બાળકોને અને મધુને છ મહિના માટે દૂરના દેશમાં જવાનું અને પૈસા રળી લાવવાનું સમજાવી દીધું.
એ ધનરાજે મારા માથાની ગાંઠ ફૂટે એ પહેલાં છોડી નાખી. અને મેં મારી અલમસ્ત કિડનીની જોડ ખંડિત કરીને એની જોડી ખંડિત થતી બચાવી હતી.
છ મહિના પછી ધનરાજ મને પોતાની ફોરવીલ લઈને મારા ગામ મુકવા આવ્યો ત્યારે અમારા ગામમાં અચરજનું ઘોડાપુર ફરી વળ્યું. મને સુદામાને મારો દોસ્ત કૃષ્ણ ધનરાજના સ્વરૂપે મળ્યો હોવાની વાર્તા સ્થાનિક સમાચારોમાં પણ છપાઈ હતી.
મારા ઝૂંપડાને સ્થાને આલીશાન હવેલી ઉભી છે, મારી મધુને સાડીઓ અને ઘરેણાની કોઈ તાણ નથી. મારા બાળકો શહેરની સારામાં સારી સ્કૂલમાં ભણે છે, અને મારી બાકી રહેલી ત્રણેય બહેનોના મામેરા અમે બેઉં એ એવા કર્યા કે આખું ગામ આંખો ફાડીને જોઇ રહ્યું.