Revenge - Story of Dark hearts - 2 books and stories free download online pdf in Gujarati

Revenge - Story of Dark hearts - 2

Revenge – Story of Dark Hearts
Episode - 2
“એ મારા મનનો ભ્રમ કેમ હોઈ શકે? મે થોડા દિવસ પહેલાજ લંડનમાં મારી નરી આંખે એને જોયો છે.”
સવારે આંખ ખુલતાની સાથેજ નીલમ નીરવનું ચેપ્ટર શરુ કરીને બેસી ગઈ. વિકસે તેને સમજાવ્યું કે એ ખાલી તારા મનનો ભ્રમ છે તને વારંવાર સપનામાં એ ચહેરો દેખાય છે એટલામાટે તું એને નીરવ સાથે કમ્પેર કરશ. પણ જ્યારે નીલમે ખુલાસો કર્યો કે તેણે થોડા દિવસ પહેલા લંડનમાં જ નીરવને નરી આંખે જોયો છે ત્યારે વિકાસ ને આશ્ચર્ય થયું. નીલમ એ વધુ સ્પષ્ટતાથી જણાવ્યું કે થોડા દિવસ પહેલા એ વિકાસ ને કહ્યા વગર બહાર એકલી શોપિંગ કરવા ગઈ હતી ત્યાં તેને નીરવ મળ્યો હતો. કેફેમાં એ કોઈક ગોરીયાઓ સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે નીલમ પણ એજ કેફેમાં ગયેલી. અચાનક બંનેની આંખો મળી, નીરવ પોતાની જગ્યાએથી ઊભો થઈને નીલમ તરફ આવી રહ્યો હતો, પણ પોતાના સપનાંમાં આવતા ચહેરાને અચાનક સામે જોઇને નીલમ ગભરાઈ ગઈ અને ત્યાંથી ભાગી આવી. નીલમની વાત સાંભળીને વિકાસે ખૂબજ ગંભીર રીતે કહ્યું.

“તારી વાત સાચી છે, આ તારા સપનાંવાળો જ વ્યક્તિ છે, નીરવ. એક સમયે આપણે ત્રણે ખૂબજ સારા મિત્ર હતા, બિઝનેસ પાર્ટનર હતા. બધુંજ બરાબર હતું. પણ એક દિવસ નીરવે તને પ્રપોઝ કર્યું અને તે મારા કારણે એને ‘ના’ પાડી હતી, કારણકે આપણે તો બાળપણથી જ એક બીજાના પ્રેમમાં હતા. બહારથી દેખાવ પૂરતું નીરવે આપણો સંબંધ સ્વીકાર્યો, પણ અંદરો અંદર તે બદલો લેવા તડપતો હતો, અને એક દિવસ ખબર પડી કે તેણે છેતરામણથી આપણું આખું બિઝનેસ ટેકઓવર કરીને આપણને આપણીજ કંપનીમાંથી અપમાનીત કરીને કાઢી મૂક્યા. પણ એટલામાં તેને સંતોષ ન થયો માટે તેણે તારી કારનું એક્સીડેન્ટ કરાવ્યું. જેમાં તારા માથામાં વાગ્યું અને તારી યાદશક્તિ ચાલી ગઈ. એ તને મારીને અને મને જીવતો રાખીને બદલો લેવા ઈચ્છતો હતો. પણ તું બચી ગઈ, કદાચ આપણા પ્રેમનાં કારણે. આ વાત નીરવ જાણે, એ પહેલાજ હું તને લંડન લઇ આવ્યો અને મારી બચેલી પ્રોપર્ટીઝ અને એફ.ડી. તોડીને અહી બિઝનેસ સ્ટાર્ટ કર્યું. હું ધારત તો તેને મારી શકત, પણ અંતે તો એ પણ મારી જેમ તારો એક પ્રેમી હતો, મે એને માફ કર્યો પણ કુદરતે એનો બદલો વાળી લીધો. બસ, હવે આજ છે આપણી દુનિયા, થોડી પૂરી અને તારા વગર ઘણી અધુરી. હું છેલ્લા દોઢ વર્ષથી રાહ જોઉં છું કે ક્યારે મને મારી નીલમ પાછી મળશે? અને મને વિશ્વાસ છે કે એક દિવસ એવો જરૂર આવશે જયારે મારી જૂની નીલમ મારી સાથે હશે.”
વાત કરતાં કરતાં વિકાસની આંખો ભીંજાઈ ગઈ છે એ જોઇને નીલમે વિકાસનું મોઢું પોતા તરફ કર્યું, વિકાસની આંખો લુછી અને ભેટી પડી. થોડીવાર માટે ઈમોશનલ થયેલા વિકાસના ચહેરા પરથી મુખવટો હટી ગયો અને ક્રૂર સ્મિત ફરકી ગયું, સાથે વિચાર આવ્યો કે થોડા દિવસ પહેલા જો નીરવ લંડનમાં હતો તો ફરી પાછો શા માટે આવ્યો હશે? અને પેલા ગોરિયાઓ કોણ હશે? ક્યાંક એ ગોરીયાઓ એજ તો નીરવને નથી માર્યો ને?
* * * * *


“તો હવે તમે પણ મારી સાથે ગદ્દારી કરશો?”
વિકસે પોતાની ઓફિસમાં સામે બેઠેલા ડો.પ્રભાકરને કહ્યું. આગલા દિવસે વિકસે નીલમને નીરવ વિષે અને પોતા વિષે બધી વાત કર્યા પછી સાંજે ઘરે પહોચતા તેને એક અલગ જ નીલમ જોવા મળી. એક દમ ખુશ અને હસતી નીલમ. નીલમે જાતે વિકાસ માટે ડીનર તૈયાર કર્યું. ડીનર પછી નીલમ સામેથી વિકાસના રૂમમાં ગઈ. પાછળનું ભુલાઈ ગયેલું બધું પાછળ છોડીને નીલમ વિકાસ સાથે નવી શરૂઆત કરવા ઈચ્છતી હતી. નીલમ સંપૂર્ણપણે પોતાનું સમર્પણ કરવા તૈયાર હતી. બંને એકબીજાની ખૂબજ નજીક આવી ગયા, એટલા નજીક કે એકબીજાના શ્વાસનો અનુભવ કરી શકતા હતા. પણ જેવી નીલમે આંખ બંધ કરી તેને ફરીથી નીરવનો ચહેરો દેખાયો જાણે એ પહેલા તે આવી જ ક્ષણોમાં નીરવ સાથે રહી હોય એવું ભાસ થયું. એ ગભરાઈને વિકાસને ધક્કો મારીને પાછળ હટી ગઈ. નીલમનું માઈન્ડ પાછું હાઈપર થતું જોઇને વિકાસે તેને ત્યાંજ સુઈ જવા કહ્યું. નીલમને ઊંઘ આવી ગઈ છે એ જોઇને વિકાસ ઉભો થયો અને ડ્રીંક તૈયાર કરીને બેડની બાજુમાંજ ખુરશી રાખીને બેઠો. નીલમ સામે જોતા તેના મોઢા પર ગુસ્સાના ભાવ આવ્યા જે નીરવ માટે હતા. “સાલો, માર્યા પછી પણ પીછો નથી છોડતો” કહીને તેણે એક સીપ લીધું અને બધું ડ્રીંક એક સાથે પૂરું કરી ગયો. ત્યારેજ ડો.પ્રભાકર એ નીલમને વોટ્સએપ પર મેસેજ કર્યો.

“મારે તને એક હકીકત જણાવવી છે, એવી હકીકત જે વિકાસ ક્યારેય નહિ જણાવે. પ્લીઝ મીટ મિ ટુમોરો.” મેસેજ સેન્ટ કરતાની સાથે તેમાં બ્લ્યુ ટીક્સ થયા અને રીપ્લેય આવ્યો

“કાલે વિકાસ સાથે હું ઓફીસ જઈશ એ સવારે ૧૧ વાગે મીટીંગ માટે જશે. તમે ત્યાંજ આવજો.”
ડો.પ્રભાકર તરતજ આવેલા રીપ્લેય માટે ખુશ થયા પણ એમને જાણ ન હતી કે એ રીપ્લેય વિકસે કરેલો છે. બીજા દિવસે ઓફિસમાં આવીને જોયું તો વિકાસ હતો. તેમને વિકાસને નીલમને બ્રેઈનવોશ વાળી વાત જણાવી દેવાની વાત કરી.
* * * * *

“તું જે કરે છે એના કરતા તો હું કંઇક સારુંજ કરું છું.”
ડૉ.પ્રભાકરે પણ સામે જવાબ આપતા કહ્યું. થોડીવાર સુધી વિકસે ડૉ. પ્રભાકરને સમજાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ ડૉ.પ્રભાકર કોઈ વાત માનવા તૈયાર નથી એ જોઇને વિકસે કહ્યું. “ઓકે, હું તમને વિચારવા માટે દસમિનીટ આપું છું. શાંતિથી વિચારી જુઓ, નહીતર પરિણામ શું આવશે એ તમે જાણો છો.” કહીને વિકસે પોતાની ટેબલ નીચે રહેલી એક સ્વિચ પગ વડે ચાલુ કરી. તેની સામેની દીવાલમાં રૂમ ફ્રેશનરમાં લાલ લાઈટ થઇ. વિકાસ ઉભો થઈને બહાર જવા લાગ્યો. જેવો તેણે દરવાજો ખોલ્યો, તેના પગ ત્યાંજ થંભી ગયા. સામે એક ઇન્ડિયન ઇન્સ્પેકટર ઉભો હતો.

“મેય આઈ કમ ઈન”
કહીને વિકાસ કંઈ કહે એ પહેલાજ એ ઓફીસની અંદર આવી ગયો. વિકાસ ઝડપથી પોતાની ખુરશી પર બેઠો અને ચાલુ કરેલી સ્વિચ પાછી બંધ કરી દીધી.
* * * * *


“મારા ઉપર ખોટા આક્ષેપો લગાવવાથી કંઈ નહિ મળે ઇન્સ્પેક્ટર શર્મા, સત્ય શું છે એ તપાસ કરો, સાચાં આરોપીઓને શોધો અને સાબિતી એકઠી કરો.”
થોડીવાર પહેલાજ ઓફિસમાં આવેલા ઇન્ડિયન ઇન્સ્પેક્ટર અભિનવ શર્માને વિકસે ચોખ્ખું સંભળાવી દીધું. ઇન્સ્પેક્ટર શર્માના આવતાની સાથેજ પોલીસ સામે વધુ વાત કરવામાં પોતે પણ ગુનામાં આવશે એ સમજીને ડૉ. પ્રભાકર ત્યાંથી નીકળી ગયા. એમના જવાથી વિકાસને ચીડ ચડી હતી, ઉપરથી ઇન્સ્પેક્ટર શર્મા પણ જાણે વિકાસ જ ગુનેગાર હોય એમ એની સાથે વાતચીત કરી રહ્યા હતા. પોતે કંઈ ન કર્યું હોવા છતાં પોતાને ગુનેગારની જેમ જવાબ આપવા પડતાં હતા એ વાતથી વિકાસ વધુ ઉશ્કેરાયો. પણ ઇન્સ્પેક્ટર શર્મા એ વિકાસના તીખા જવાબના બદલામાં એક ખુલ્લું હાસ્ય વેર્યું. વિકાસનું ઉશ્કેરાવું એમના માટે સારું હતું.

“હું આક્ષેપ નથી લગાવી રહ્યો મિ.વિકાસ, જસ્ટ વિચારી રહ્યો છું. જયારે આક્ષેપ લગાવીશ ત્યારે જવાબ દેવા માટે તમે તમારી ઓફિસમાં નહિ પણ મારી સાથે પોલીસ સ્ટેશનમાં હશો. લંડનની પોલીસ સી.સી.ટીવી. ના ફૂટેજ શોધે છે. કદાચ એમાં પેલા ગોરીયાઓના ચહેરા દેખાઈ આવે તો એમને ગમે ત્યાંથી શોધીને મૂળ વ્યક્તિ સુધી પહોચી શકે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે એ દિવસે જેટલા રસ્તામાં નીરવની ગાડી વડી હતી તે દરેક જગ્યાએ કેમેરા ઓફ હતાં. ઈટ મીન્સ કે આ એક ખૂબજ વિચારીને અને ઘણા પૈસા ખર્ચ કરીને ઘડેલું કાવતરું છે. હવે લંડનમાં નીરવના શત્રુઓમાં આટલા પૈસાવાળો વ્યક્તિ કોણ હોઈ શકે? એ તમે પણ તમારા માણસ દ્વારા એકઠી કરેલી માહિતી મુજબ વિચારી જુઓ.”

વિકાસને સાંભળીને ઝટકો લાગ્યો કે આ ઇન્સ્પેક્ટર ને કેમ ખબર પડી કે મે પણ તપાસ શરુ કરાવેલી. વિકસે પ્રશ્નાર્થ નજરે ઇન્સ્પેકટર શર્મા સામે જોયું. બદલામાં ઇન્સ્પેક્ટર શર્મા એ માત્ર એક નાનું સ્મિત ફરકાવ્યું.

“ઓકે, હવે મારા જવાનો સમય થઇ ગયો છે. જરા સંભાળીને રહેજો કદાચ નીરવનો શત્રુ તમારો પણ શત્રુ હોઈ શકે. બાય દ વે, રૂમ ફ્રેશનરની સુવાસ સારી છે.”
કહીને ઇન્સ્પેક્ટર શર્મા એ વિકાસ સામે આંખ મારી અને પોતાના ‘ઓ શેપના’ બ્લેક રેયબન ચશ્માં પહેરીને તીખું સ્મિત કરતાં ત્યાંથી નીકળી ગયા.

વિકાસ વિચારોમાં ખોવાયો હતો કે આ ઇન્સ્પેક્ટરને પોતા વિશે આટલી બધી માહિતી ક્યાંથી મળી? અને રૂમ ફ્રેશનરની કમેન્ટનો શો અર્થ હતો? ક્યાંક એને પોતાની ચલ વિશે સમજાઈ તો નથી ગયુંને? ત્યારેજ વિકાસને પ્રાઈવેટ નંબર પરથી કોલ આવ્યો. સામે છેડેથી માત્ર “હેલ્લો” બોલાતા એ સમજી ગયો કે આ ધીરજ છે.

“કેવું લાગ્યું ઇન્સ્પેક્ટરને મળીને? મે કહ્યું હતું ને વિકાસ, ઇટ્સ માય ટાઈમ તું રિવેન્જ. હવે તારો દરેક દિવસ, દરેક ક્ષણ, દરેક પગલું તને તારી બરબાદી તરફ લઇ જશે. બેસ્ટ ઓફ લક.”
વિકાસ કંઈ બોલે એ પહેલાજ કોલ કટ થઇ ગયો. વિકાસ ખૂબજ ગુસ્સામાં હતો. તેને થયું આ બધી ઘટનાની ખબર ભારત પહોચાડવી પડશે. એ તરતજ કોલ કરવાનોજ હતો કે તેને પાછો એક કોલ આવ્યો, સામેના વ્યક્તિનો અવાજ સાંભળીને એ આશ્ચર્યમાં બોલ્યો, “વ્હોટ? તમે લંડન ક્યારે આવ્યા? અને શા માટે?”
* * * * *
“વ્હોટ? તમે લંડન ક્યારે આવ્યા? અને શા માટે?”
વિકસે આશ્ચર્યમાં કહ્યું.

“મને પ્રશ્નો પૂછવાનો અધિકાર મે હજી કોઈને નથી આપ્યો.” સામે છેડેથી આધેડ વયની ઉંમરે પણ વજનદાર અવાજમાં કહેવાયું.

“ઓકે, હું તમને મળવા આવું છું.”

“તું ગેલો થઇ ગયો છે? તારી સાથે મને પણ ડૂબાડીશ. હું અહી માત્ર મારી પૌત્રીને મળવા આવ્યો છું.” સામેથી આજ્ઞાંકિત સ્વરમાં અવાજ આવ્યો. સાથે ઇન્સ્પેક્ટરથી બચીને રહેવા માટે કહીને એમણે કોલ કટ કર્યો અને પોતાના સેક્રેટરીને કહ્યું

“શુક્લા, નીરવની હત્યાના ત્રણ દિવસ પહેલા વિકાસ ક્યાં ક્યાં ગયો હતો અને કોને કોને મળ્યો હતો એ માહિતી એકઠી કરો. મને સાંજે ટોટલ રીપોર્ટ જોઈએ. જવાબમાં શુક્લાએ માત્ર “જી સર” કહીને માથું ધુણાવ્યું.

સાંજના સમયે બિઝનેસ અપડેટ જાણવા માટે વિકાસે ટીવીમાં ન્યુઝ ચાલુ કર્યા. ચેનલ ફેરવતા એક ચેનલ પર તેને ધીરજનો ઇન્ટરવ્યુ આવતો દેખાયો. જે જોઇને વિકાસના પગનીચેથી જાણે ધરતી ખસી ગઈ. ધીરજે ન્યુઝ ચેનલને પોતાના ઇન્ટરવ્યુમાં સાફ જણાવ્યું કે લંડનમાં તેને લંડનમાં રહેતા નીરવના સૌથી સ્ટ્રોંગ શત્રુ વિકાસ પર શંકા છે. અને અમુક વર્ષો પહેલા બન્ને વચ્ચે થયેલી તકરાર વિશે પણ જણાવ્યું. સાથે કહ્યું કે એણે આ સમાચાર લંડન પોલીસ અને ઇન્ડિયન પોલીસ ને પણ આપ્યા છે અને તેને પોલીસ પર અને કાયદા પર પૂરો વિશ્વાસ છે, એલોકો તપાસ હાથ ધરીને જરૂર સાચાં હત્યારાઓને પકડી પાડશે. ટીવીમાં એડ આવતાં વિકાસે ટીવી બંધ કરી દીધી. હવે શું કરવું એ તેને સમજાતું ન હતું. વિકાસના મગજમાં હવે ગુસ્સા કરતા ચિંતા વધવા લાગી. “જો પોલીસ તેના ઘર સુધી પહોચી જશે તો? જો પોલીસ નીલમની હકીકત જાણી જશે તો?” જેવા વિચારો તેના મગજમાં ઘૂમરાવા લાગ્યા. એ તરતજ કોટ લઈને ઓફિસથી બહાર જવા નીકળ્યો ત્યારેજ પાછો તેને કોલ આવ્યો.

“મે કહ્યું હતુંને મિ. વિકાસ, જયારે હું આક્ષેપ લગાવીશ ત્યારે જવાબ દેવા માટે તમે તમારી ઓફિસમાં નહિ પણ મારા પોલીસ સ્ટેશનમાં હશો. વહેલી તકે સીધા પોલીસ સ્ટેશન આવો, નહીતર મારે તમને તેડવા આવવું પડશે.”
કહીને ઇન્સ્પેક્ટર શર્મા એ કોલ કટ કર્યો. વિકસે તરતજ બધી વાત કોલ કરીને લંડન આવેલા મહેમાન ને જણાવી. જવાબમાં થોડા ગુસ્સા સાથે પોલીસ સામે ખૂબજ ચાલાકીથી વર્તવા માટે કહેવાનું સૂચવવામાં આવ્યું. વિકાસને થયું કે આવી પરિસ્થિતિમાં નીલમને પાછી ઇન્ડિયા મોકલવી જ યોગ્ય રહેશે, તેણે કારમાં બેસીને ઘરે ફોન લગાડીને નીલમનો બેગ અને પાસપોર્ટ રેડી રાખવા કહ્યું. પણ નીલમનો કોલ ઘરના નોકરે ઉપાડ્યો અને જણાવ્યું કે મેડમ તો આજે બપોરે જ પોતાનો બેગ અને પાસ પોર્ટ લઈને કોઈક સાથે ઇન્ડિયા જવા નીકળી ગયા છે. “આખરે નીલમ કોની સાથે ગઈ હશે? ક્યાંક ડોક્ટર પ્રભાકર સાથે તો નથી ગઈને?” વિકસે ડોકટર પ્રભાકરને કોલ લગાવ્યો પણ એમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો.
* * * * *
“એક ઇન્ટરવ્યુંમાં મારુ નામ આવવાથી હું જ હત્યારો છું એ સાબિત નથી થતું, તમને મારા લોયર ને જવાબ આપવો પડશે.”
પોલીસ સ્ટેશનમાં પહોચતા જ વિકાસે ઇન્સ્પેક્ટર શર્મા પર ભડકતાં કહ્યું. છેલ્લી પંદર મિનીટથી વિકાસ એની ટેબલ સામે બેઠો હતો અને ઇન્સ્પેક્ટર શર્મા આરામથી ચા પી રહ્યો હતો. વિકાસની ભડકાઉ વાતો સામે ઇન્સ્પેક્ટરએ પાછું હાસ્ય વેર્યું. હસતાં હસતાં ચા નો કપ ટેબલ પર મુકીને કહ્યું.

“કોણે કહ્યું કે હું એ ઇન્ટરવ્યુના કારણે તમારા પર શંકા કરું છું? ઓકે લેટ્સ સ્ટાર્ટ ઈટ. નીરવની હત્યા થઇ એ રસ્તા પરના સીસીટીવી કેમેરા બંધ હતા માટે કોઈના ચહેરા ન મળ્યા. પણ જે જે રસ્તા પર શૂટર્સની કાર દોડી ત્યાં કારના ટાયરના નિશાન મળ્યા છે, અને એ નિશાન પરથી અમે કારના માલિક સુધી પહોચ્યા છીએ.”

“શો વોટ? તો એ માલિક ને જઈને પકડો, મને શા માટે સ્ટેશનમાં બોલાવ્યો?”
વિકાસને વધુ ગુસ્સો આવ્યો.

“એજ તો કર્યું છે. એ નિશાન તમારી કારના છે.”

“વ્હોટ? મારી કાર તો...એક મિનીટ, એ દિવસે મારી કાર ડ્રાઈવર સર્વિસ માટે લઇ જવાનો હતો.”
વિકાસનો જવાબ સાંભળીને ઈન્સ્પેકટર પાછું હસ્યો.

“એવું તમારું કહેવું છે, તમારા ડ્રાઈવરનું નહિ.”
કહીને ઈન્સ્પેક્ટરે ડ્રાઈવરને બોલાવાનો ઈશારો કર્યો. એક હવલદાર ડ્રાઈવરને લઇ આવ્યો. ડ્રાઈવરે ડરતા ડરતા કહ્યું કે

“વિકાસ સાહેબે જ મને પોતાની કાર એરપોર્ટ પાસે પાર્ક કરીને ચાવી અંદરજ રાખવા કહ્યું હતું. મારો કંઈ વાંક નથી સાહેબ, મને કંઇજ નથી ખબર.”

“યુ બ્લડી લાયર.”
કહીને વિકાસ ડ્રાઈવની બોચી પકડીને તેને મારવા ગયો પણ ઈન્સ્પેક્ટરે તેનો હાથ પકડી લીધો.

“અપરાધ નંબર – ૨, પોલીસ સ્ટેશનમાં આવીને ગવાહ સાથે મારપીટ કરવાના પ્રયત્નો કરવા. હવલદાર નોટ ઈટ.”

“આ મને ફસાવવાની એક ચાલ છે, આને પેલા હત્યારા એ ખરીદી લીધો છે, સાલા તને તો હું છોડીશ નહી.”

“અપરાધ નંબર – ૩, ગવાહને જાનથી મારવાની ધમકી આપવી, નોટ ઈટ.”
ઈન્સ્પેક્ટરે ખૂબજ શાંતિથી હવલદારને સૂચના આપતા કહ્યું.

“મે આને મારવાની ધમકી નથી આપી.”

“હું તને છોડીશ નહી નો એજ અર્થ થાય મિ.વિકાસ.”
ઈન્સ્પેક્ટરે ફરીથી શાંતિ થી કહ્યું.

“યુ બાસ્ટર્ડ, તું પણ આની સાથે મળેલો છે, તે પણ પૈસા ખાધા છે, બોલ, કેટલા જોઈએ છે તને, બોલ....”

વિકાસે ઇન્સ્પેક્ટરની બોચી પકડતા કહ્યું, જેના જવાબમાં ઈન્સ્પેક્ટરે બોચી છોડાવીને વિકાસને જોરદાર લાફો માર્યો, પોતાના કપડા સરખાં કરતા કહ્યું

“અપરાધ નંબર – ૪,૫,૬ ઓન ડ્યુટી પોલીસ પર હાથ ઉપાડવો, લાંચ લીધા હોવાનો આક્ષેપ કરવો અને લાંચ આપવાના પ્રયત્નો કરવા, નોટ ઈટ. ઇટ્સ ઓવર મિ.વિકાસ આટલા આરોપોમાંથી તમારો વકીલ પણ તમને નહિ બચાવી શકે, તમને અત્યારેજ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવે છે.”

એક હવાલદાર વિકાસને લોકઅપમાં લઇ જવા આવ્યો, વિકસે તેની ગન જુંટવી લીધી અને હવાલદાર ને પકડીને ગનપોઈન્ટ પર રાખીને પોતાની સાથે બહાર લઇ જતા ઇન્સ્પેક્ટર અને ડ્રાઈવરને ગાળો અને ધમકી આપતા આપતા ત્યાંથી બહાર ભાગવા લાગ્યો. બહાર એક કાર વાળાને બહાર ફેંકીને હવલદારને ધકકો મારીને ભાગી ગયો. પોલીસની બહાર ઉભેલી ગાડી તેની પાછળ ગઈ.

“અપરાધ નંબર – ૭,૮, હવાલદારની ગન જુટવી અને હવાલદારને ગન પોઈન્ટ પર રાખીને ભાગી જવું.” કહેતાં ઇન્સ્પેક્ટરના ચહેરા પર એક કાતિલ સ્મિત ફરકી ગયું. એણે પોતાનો ફોન કાઢ્યો અને સામે છેડે કહ્યું “ગેમ સ્ટાર્ટસ નાવ. કોન્ગ્રેચ્યુલેશનસ.”
* * * * *
પરોઢે ૪ વાગે વિકાસ લંડનના સ્લમ એરિયામાં એક ફૂટપાથ પર સૂતેલા ફેમીલીની બાજુમાં ફાટેલા બ્લેન્કેટની આડમાં છુપાઈને સૂતો હતો. બદલાની ભાવનામાં કરેલા પોતાના કર્મોના કારણે એ આજે પાછો ફૂટપાથ પર આવી ગયો હતો. ફર્ક માત્ર એટલો હતો કે પહેલા તે પોતાની હાલત માટે નીરવને બ્લેમ કરી શકતો હતો, પરંતુ આજે તેની પાસે કોઈ ઓપ્શન ન હતું. છેલ્લા દોઢ કલાકથી પોલીસની ગાડીઓ ફરતી પણ બંધ થઇ હતી. માંડ પોલીસની નજરથી બચીને તે સ્લમ એરીયામાં છુપાયો હતો. બ્લેન્કેટમાંથી બહાર નીકળીને થોડે દૂર જઈને તેણે લંડન આવેલા ઇન્ડિયન મહેમાનને કોલ લગાડ્યો, ચાર રીંગ વાગ્યા પછી તેનો કોલ રીસીવ થયો.

“હેલ્લો ક્યાં છો તમે? આઈ નીડ યોર હેલ્પ.”
વિકાસે ચાલતા ચાલતા આસપાસ કોઈ જોઈ તો નથી રહ્યું એ તપાસતાં તપાસતાં ધીમા અવાજે કહ્યું.

“તારાથી મીલો દૂર, ઇન્ડીયા”
સામેથી મળેલો જવાબ સાંભળીને વિકાસ આશ્ચર્યમાં પડી ગયો.

“શું? આટલી જલ્દી ઇન્ડિયા?”

“તારી જેમ મારી પાસે પણ પ્રાઈવેટ જેટ છે, હું અહી માત્ર મારી પૌત્રીને મળવા આવ્યો હતો, તારી પીંજણમાં ભાગી દર બનવા નહિ. તારા કરેલા તું જ ભોગવ, મારાથી કોઈ આશા ન રાખ જે.”
સામેથી ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દેવાયું. એ સાંભળીને વિકાસના ચહેરા પર અકળામણના ભાવ આવી ગયા.
“પણ મને આ રીતે આવી હાલતમાં છોડીને તમે કેમ જઈ શકો? અહી પોલીસ અને પેલો ઇન્સ્પેક્ટર ગાંડાની જેમ મારી પાછળ પડી ગયા છે. હું ક્યા જાઉં?”
વિકાસે પોતાની અકળામણમાં થોડા ઊંચા અવાજે કહ્યું.

“મારી સામે બરડા પડવાની જરૂર નથી, પોતામાં બે ટકા જેટલી પણ અકકલ નથી અને મારી પાસેથી અપેક્ષા રાખશ કે તારી મદદ કરીશ. તારા કરેલા તું જ ભોગવ. તારા કારણે જો મને કંઈ નુકશાન ભોગવવું પડ્યું તો યાદ રાખજે હું તને નીરવની જેમ જીવતો નહિ છોડું.”
કહીને કોલ કટ થઇ ગયો.

વિકાસ પોલીસ સ્ટેશનથી ભાગ્યો છે એ સમાચાર ન્યુઝમાં આવતાજ ઇન્ડિયન મહેમાન ત્યાંથી રવાના થઇ ગયા. વિકાસ નો કોલ આવ્યો ત્યારે હજી તે પોતાના સેક્રેટરી સાથે ઘરે પહોચ્યા હતા, સેક્રેટરી શુક્લા પોતાના ઘરે જવાની પરવાનગી લેવા માટે ક્યારથી રાહ જોઇને ઉભો હતો એવામાં વિકાસનો કોલ આવી ગયો. કોલ પત્યાની સાથેજ તેણે ઘરે જવા માટે પરવાનગી માંગી.
“હમમમ, ઓકે જઈ શકે છે.” કહીને તે મહેમાન ઉભા થયા અને એક બેડરૂમનો દરવાજો ખોલીને અંદર નજર કરી. અંદર નીલમ આરામથી ઊંઘી રહી હતી. ઘેનના ઇન્જેક્શનના કારણે સૂતેલી યુવાન નીલામમાં તેમને બાળપણમાં ટેડીબેર સાથે હસતાં ચહેરે સૂતેલી નીલમ દેખાઈ. તેની બાજુમાં જઈને કપાળ પર એક ચૂમી લઈને આછું મીઠું સ્મિત કરતાં એ રૂમમાંથી બહાર આવ્યા અને ઊંડો શ્વાસ લઈને બોલ્યા
“વેલકમ હોમ મારી ઢીંગલી.”
* * * * *
આગળ શું થયું?
શું વિકાસે જ નીરવની હત્યા કરી છે?
શું વિકાસ લંડન પોલીસ દ્વારા ઝડપાઈ જશે?
જાણવા માટે વાંચતા રહો, keep reading
To be continue…
By – A.J.Maker

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED