Revenge - Story of Dark hearts - 1 AJ Maker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Revenge - Story of Dark hearts - 1

Revenge – Story of dark Hearts
Episode - 1
આખો પાર્ટીપ્લોટ તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો, બિઝનેસ કમિટીના પ્રોગ્રામમાં અત્યર સુધીમાં સૌથી નાની ઉમરના ચેરમેન તરીકે નીરવના નામની ઘોષણા થઇ. રેડ બ્લેઝર, નેવી બ્લ્યુ જીન્સ, લુઇસ ફીલીપના ઓફિસિયલ સૂઝ, મજબૂત બાંધો, ગ્રીન એન્ડ બ્લેક ફ્રેમવાળા ચશ્મામાં તરી આવતી ઉત્સાહ ભરેલી પણ તીખી ચમકવાડી આંખો અને ગોરા ચહેરા ઉપર હંમેશ યથાવત્ રહેતા એટીટ્યુડવાળા સ્મિત સાથે નીરવ સ્ટેજ પર સન્માન સ્વીકારવા ગયો. છેલ્લા પાંચ વર્ષથી “બિઝનેસમેન ઓફ ધી યર” બનવાવાળો નીરવ આજે આખી બિઝનેસ કમિટીનો ચેરમેન બની ગયો. માઈક પર પોતાના સ્ટ્રગલ ભરેલા શરૂઆતી જીવનની અને એ જીવનમાં સાથ આપનારી પોતાની બિઝનેસ પાર્ટનર નીલમ વિશે વાત કરતાં તેણે નીલમ સામે જોયું અને તેને સ્ટેજ પર આવવા ઈશારો કર્યો. નીલમ પણ તેની સાથે સ્ટેજ પર આવી ત્યારે નીલમના નામથી ટૂંક સમયમાં શરૂથવાવાળા નવા બિઝનેસ વિશે જાહેરાત કરી. મીડિયાવાળા આ બિઝનેસ કપલના ફોટા પાડવા લાગ્યા. ફોટાની ફ્લેશ સાથે ચમકતી આંખે બંને એ એકબીજા સામે જોયું અને આછું સ્મિત કર્યું.

આ બધુંજ બે વર્ષ પછી નીરવ પોતાના ઘરે બેસીને વિડીયો પ્લેયરમાં જોઈ રહ્યો હતો. વિડીયો પ્લેયર ઓફ કરીને તેણે દીવાલ પર ચંદનના હાર સાથે લટકતાં નીલમના ફોટા સામે જોયું. મોઢા ઉપર દુઃખ સાથે એક આછું સ્મિત ફરક્યું. બે વર્ષ પહેલાનો સક્સેસફૂલ નીરવ આજે બરબાદીના દરવાજે ઊભો હતો. એક વર્ષ પહેલા નીલમની મૃત્યુ સાથે જાણે તેના બિઝનેસ પાવર અને પોઝીટીવ માઈન્ડનું પણ મૃત્ય થઇ ગયું હતું. ઘરે બેઠા બેઠા એ પોતાની જૂની યાદો તાજી કરી રહ્યો હતો, ત્યારેજ તેને એક કોલ આવ્યો. ફોન પર વાતો સાંભળતા સાંભળતા તેના ભવાં સંકોચાયા, આંખોમાં ક્રોધ જાણે ભભૂકી ઉઠ્યો. ફોન કટ કરીને તેણે વોટ્સએપ ઓન કર્યું અને હમણાંજ આવેલા ફોટા જોયા. એજ ક્રોધે ભરાયેલી આંખે તેણે નીલમના ફોટા સામે જોયું, ઊભો થયો અને ફોટા પરનો ચંદનનો હાર તોડીને ફેંકી દીધો.

એક વર્ષ પહેલા
બિઝનેસ કમિટીનો પ્રોગ્રામ પત્યા બાદ નીરવે તરતજ ઇન્વેસ્ટર્સ અને ઇન્વેસ્ટર એજન્ટ સાથે મીટીંગ ગોઠવી. પ્રોગ્રામમાં જાહેર કરેલા નવા બિઝનેસ વિશે પ્રેઝન્ટેશન આપ્યું. એક નવા આવેલા ઇન્વેસ્ટર એજન્ટ સિવાય બાકીના બધા નીરવ સાથે ડીલ કરવા રાજી થઇ ગયા. બધાને નીરવના બિઝનેસ પાવર કરતાં તેના જુનુન પર વધુ વિશ્વાસ હતો. અથવા એમ પણ કહી શકાય કે એના જુનુન નો ડર પણ હતો, જેના શિકાર થવા માટે પોતે રાજી ન હતા. પણ નવા આવેલા એજન્ટને નીરવનો અનુભવ ન હતો માટે, તેણે એકલાએ વિરોધ કર્યો પરંતુ બહુમતી સામે એનું કંઈ ન ચાલ્યું. બધાં જાણતા હતા કે એની હવે શું હાલત થવાની છે. પણ કોઈએ તેને સમજાવવાનો પ્રયત્ન ન કર્યો. બહુમતીના કારણે નીલમના નામે શરુ થનારા બિઝનેસ ને લીલી ઝંડી મળી ગઈ. મીટીંગ પતાવીને નીલમ એજ બિઝનેસ માટે બેંગ્લોર જવા નીકળી ગઈ. નીરવ તેને ડ્રોપ કરવા પોતના પી.એ. ધીરજ સાથે એરપોર્ટ સુધી ગયો. એરપોર્ટથી બહાર આવીને ધીરજે પૂછ્યું કે

“સર, આપણે ક્યાં જવાનું છે?”
ત્યારે નીરવે બંધ આંખે કહ્યું

“જ્યાં પાપોનું પ્રાયશ્ચિત થઇ શકે ત્યાં.”
ધીરજ નીરવનો ઈશારો સમજી ગયો. તેને થયું કે શું પાપોનું પ્રાયશ્ચિત કરવું આટલું સહેલું છે? પણ નીરવ સામે કંઈ બોલવાની હિંમત ન ચાલી. ધીરજ પણ નીરવ સાથે હિમાચલ પ્રદેશમાં આવેલા નીરવના ગુરુજીના આશ્રમ તરફ જવા માટે નીકળી પડ્યો.
વર્તમાન દિવસ
અચાનક નીરવ ઝબકયો. તેને ખ્યાલ આવ્યું કે તેના હાથમાંથી એક ગ્લાસ પડી ને તૂટી ગયો છે. તે પાછો સોફા પર વ્યવસ્થિત બેઠો. હોલમાં નીલમના ફોટા પરનો હાર, અગરબત્તીના સ્ટેન્ડ અને બીજી અમુક નીલમની યાદગીરી સ્વરૂપે રાખેલી વસ્તુઓ વિખેરાયેલી પડી હતી. હોલના સેન્ટરમાં આવેલા યુ શેપના સોફાની વચ્ચે આવેલી કાંચની ટેબલ પર સ્કોચની બોટલ, આઈસ બાઉલ અને ગ્લાસ પડ્યા હતાં. નીરવે નવા ગ્લાસમાં બે ક્યુબ્સ સાથે નવો પેગ તૈયાર કર્યો અને સાથે બ્લેક સિગારેટ સળગાવી. એક હાથમાં બ્લેક અને ગ્લાસ લઈને બીજા હાથે તેણે ધીરજને કોલ કરીને તાત્કાલિક લંડનની ટીકીટ બૂક કરવા કહ્યું. ધીરજ સમજી ગયો કે થોડા કલાકો પહેલા પોતે કરેલા કોલનું જ રીએક્શન છે એ કંઈ કહે એ પહેલાજ નીરવે

“આ દુનીયા મને સુધારવા નહિ દે ધીરજ, અહી બધાને જૂના નીરવની જ જરૂર છે, અસલી નીરવની જરૂર છે. કોન્ગ્રેચ્યુલેશન, યોર બોસ ઇસ બેક.”

કહીને નીરવે કોલ કટ કરી નાખ્યો. નીરવની વાત સાંભળીને ધીરજ અંદર સુધી ધ્રુજી ગયો. તેને સમજાયું કે પોતે માંડ શાંત થયેલા વાવાઝોડાને પાછો શરુ કર્યો. એ વાવાઝોડું હવે કેટલી તબાહી મચાવશે એજ જોવાનું બાકી રહ્યું. નીરવની આંખોમાં ક્રોધ, નશો અને બદલાની આગની આગની લાલાશ તરી આવી હતી. એજ ભડકતી જ્વાળામુખી સમાન આંખે નીરવે નીલમના ફોટા સામે જોયું. નીરવના ચહેરા ઉપર ક્રૂર સ્મિત ફરકી ગયું.
* * * * *

લંડનના વેસ્ટમીનીસ્ટરમાં Portman street, Marble Arch એપાર્ટમેન્ટમાં આવેલી પોતની ઓફિસમાં વિકાસ ખૂબજ ગુસ્સામાં બેઠો હતો. છેલ્લા સવા વર્ષથી જ એ લંડન શીફ્ટ થયેલો. થોડીવાર પહેલાજ વીક પ્રેઝન્ટેશન તૈયાર કરાવવા બદલ તેણે પોતાના પી.એ.ની ઝાટકણી કાઢી હતી. એવામાં લંડનમાં જ રહેતા વિકાસના મિત્ર અને સાયકેટ્રીસ્ટ ડૉ. પ્રભાકરનો કોલ આવ્યો અને વિકાસને જણાવ્યું કે નમિતા હજી ટ્રીટમેન્ટ માટે એમની પાસે પહોચી નથી. વિકાસના ગુસ્સામાં વધારો થયો. પોતાની બ્લેક મર્સિડીઝની ચાવી લઈને તે ઝડપથી ઘરે જવા નીકળ્યો. નમિતા છેલ્લા એક વર્ષથી ડૉ. પ્રભાકર પાસે સાયકો ટ્રીટમેન્ટ લઇ રહી હતી. એક એક્સીડેન્ટમાં તેની યાદ શક્તિ ચાલી જઈ હતી. અને તેને વારંવાર સપનામાં કોઈક બીજો વ્યક્તિ દેખાતો હતો. એ કોણ છે તે નમિતા ઓળખી ન શકતી. પરંતુ એને હંમેશાં લાગતું કે એનો એ વ્યક્તિ સાથે કંઇક સંબંધ છે. ડૉ. પ્રભાકર મુજબ એ માત્ર નમિતાનું ખરાબ સપનું હતું. એના મગજ માંથી એ ભય અને સપનાઓ દૂર કરવા એની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. ઘરે જઈને વિકાસે નમિતાને ખૂબજ શાંતિથી સમજાવ્યું અને ડોક્ટર પાસે લઇ આવ્યો. ડોકટરે નમિતાની ટ્રીટમેન્ટ શરુ કરી અને થોડીવાર પછી તેને બેહોશીનું ઇન્જેક્શન આપીને એમણે વિકાસ પાસે આવીને કહ્યું.

“કેશ હજી પણ ક્રીટીકલ છે વિકાસ. તે હજી લગ્ન માટે તૈયાર નથી. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ એના મગજ માંથી સંપૂર્ણ રીતે જૂની યાદો હજી નથી નીકળી.”

“નો પ્રોબ્લેમ ડોક્ટર હું રાહ જોવા તૈયાર છું.”
વિકાસે શાંતિથી કહ્યું.
“વાહ...પ્રેમ આંધળો હોય છે એ સાંભળ્યું હતું. પણ પ્રેમમાં પડેલા વ્યક્તિનો પોતાના પ્રેમ માટે પાગલપન અહી જોવા મળ્યું.”
ડોકટરની વાત સાંભળીને વિકાસના ચહેરા પર ગર્વની જગ્યાએ ગુસ્સો અને ક્રૂરતા ભરેલું લુક્ખું હાસ્ય આવ્યું.

“આ પ્રેમનો પાગલપન નથી ડોકટર. આ બદલાનો પાગલપન છે. ઈટ ઈઝ પ્યોર રિવેન્જ. સવા વર્ષ પહેલા નીરવે જે મારી સાથે કર્યું એનો બદલો તેને નીલમથી હંમેશાં માટે દૂર કરીને હું લઇ રહ્યો છું. તમને નહિ સમજાય કે નીલમ વગર નીરવને તડપતાં અને બરબાદ થતાં જોવાનો આનંદ અને સંતોષ શું છે. બસ તમે એક વાતનું ધ્યાન રાખજો કે નમિતાને ખ્યાલ ન પડવો જોઈએ કે એ નીલમ છે અને આપણે એનો બ્રેઈનવોશ કર્યો છે. આગળ બધું હું પોતે સંભાળી લઈશ.”

કહીને વિકાસ બહાર ચાલ્યો ગયો. વિકાસની આંખોમાં અને વાતોમાં બદલાની આગ જોઇને ડૉ. પ્રભાકરને આશ્ચર્ય થયું. કોઈ સાથે બદલો લેવા માટે વ્યક્તિ આટલી હદે ક્રૂર બની શકે એ એમણે આજે જોયું. ડૉ.પ્રભાકરને લાગ્યું કે વિકાસનો સાથે દઈને એમણે ભૂલ કરી છે. બસ ભગવાન ભવિષ્યમાં એ ભૂલ સુધારવા માટે એક ચાન્સ આપે તો સારું.

* * * * *
“તને જીવતો જવા દઉં છું એ ઘણું છે, જો નીલમે મારા હાથ બાંધ્યા ન હોત તો તું જાણે છે કે તારો શું હાલ થાત.”
નીરવે અપમાન વાચક અને ગુસ્સો ભરેલા સ્વરે વિકાસને કહ્યું. વિકાસ નીલમનો બાળપણનો મિત્ર હતો. પોતાના નામથી શરુ થવા વાળા નવા બિઝનેસમાં વિકાસને પાર્ટનર બનાવવા માટે નીલમે નીરવને ખૂબજ રીક્વેસ્ટ કરી હતી. આમ જોઈએ તો એ એક પ્રકારની સ્ત્રી હઠ હતી. જેની સામે નીરવને જુકવું પડ્યું હતું. કહેવા માટે તેણે નીલમની રીક્વેસ્ટને માન આપીને વિકાસને પાર્ટનર બનાવ્યો હતો, પરંતુ બદલામાં બેંગ્લોરમાં ચાલતા વિકાસના બિઝનેસમાં નીરવે પાર્ટનરશીપ આપવાના કરાર કરાવ્યા હતા. પરિણામે નીરવ વધુ એક કંપનીમાં જોડાઈ ગયો હતો અને તેને વિકસાવવા તે જાતે ખૂબ મહેનત કરતો. બિઝનેસ આગાળ વધે છે એ જોતાં વિકાસ એ પણ કોઈ વિરોધ ન કર્યો, પરંતુ ત્યારે એ ભવિષ્યમાં થનારી ઘટનાથી કે નીરવના અસલ સ્વરૂપથી અવગત ન હતો. શરૂઆતમાં બધું જ બરાબર ચાલ્યું આવતું હતું. એક દિવસ પોતાની બાળપણની મિત્રતાને સંબંધમાં પરિવર્તિત કરવા વિકાસે નીલમને પ્રપોઝ કર્યું. પરંતુ નીલમે એ સંબંધનો સ્વીકાર ન કર્યો. નીરવે આવેશમાં આવીને કોઈ પગલું ન લીધું.

“આ તો સામાન્ય વાત છે તું છો જ એટલી બ્યુટીફૂલ કે કોઈ પણ તારા પ્રેમમાં પડી જાય.”
કહીને નીરવે વાત ઉડાડી દીધી. વિકાસ ને થયું કે બધું પહેલા જેવુંજ સામાન્ય છે, હકીકત તો એને ત્યારે ખબર પડી જ્યારે નીરવે વિકાસનું બિઝનેસ પોતાના નામે કરી લીધું, કંપનીમાં એક મોટા ગોટાળાના આરોપમાં વિકાસનું નામ સંડોવી દીધું અને નુકશાનની ભરપાઈ કરવા માટે વિકાસની અન્ય પ્રોપર્ટી પણ જપ્ત કરી લીધી.

“વિકાસે આ બધું પ્રેમની નિષ્ફળતાનો બદલો લેવાની ભાવનાથી કર્યું છે.”
કહીને નીલમના મનમાં પણ વિકાસ માટે નફરતના બીજ રોપી દીધા ઓફિસમાં બધાની વચ્ચે તેને બેઆબરૂ કરીને એક પણ પૈસો આપ્યા વગર કાઢી મૂક્યો.

અચાનક વિકાસ સપનાંમાંથી જાગ્યો. ઘર આવી જતા ડ્રાઈવરે કાર ઊભી રાખીને વિકાસને જગાડ્યો હતો. નીરવ સાથે બધીજ ઘટના જાણે હમણાંજ બની હોય તેમ સપનામાંથી બાહર આવ્યા છતાં વિકાસના ચહેરા પર ગુસ્સાના ભાવ હતા. નીલમ હજી ઊંઘમાં હતી. એનું માથું વિકાસના ખભા પર હતું. નીલમની સામે જોતા વિકાસના ચહેરા પર નાનું હાસ્ય આવ્યું. થોડું ગર્વીલું, થોડું ક્રૂરતા ભર્યું. વિકાસ જાતેજ નીલમને તેના રૂમમાં મુકવા ગયો. રૂમમાંથી બાહર આવતાં જ તેનો ફોન રણક્યો, સામે પક્ષેથી થોડો આજ્ઞા વાચક અને ચિંતા ભર્યો અવાજ હતો.

“તમે ચિંતા ન કરો અહી એને હું પહોચી વળીશ.”
કહીને વિકાસે ફોન કટ કર્યો અને આકાશ તરફ જોઇને કહ્યું
“વેલકમ ઇન લંડન મિ.નીરવ.”
* * * * *

“ટૂંક સમયમાં તારે એક મોટી વિપત્તિનો સામનો કરવાનો છે. તારો અહંકાર, તારો ગુસ્સો, તારા કર્મો, તારા શત્રુ બનીને આવી રહ્યા છે. આ બધું એટલા માટે નથી જણાવી રહ્યો કે તે મને એક સામાન્ય ઝૂપડીમાં રહેતા સન્યાસીમાંથી એક મોટા આશ્રમનો મહંત બનાવ્યો છે. તે એ બધું ક્યા આશયથી કર્યું છે એ હું જાણું છું, સમજુ છું. હું સન્યાસી છું મૂર્ખ નથી. ભલે ખોટા આશયથી, પણ તેં મારી પાસેથી કંઠી બંધાવી છે. તને ખોટા કર્મ કરતા તો હું રોકી ન શક્યો પણ એ કર્મોના કારણે આવનારી વિપત્તિથી સાવધાન જરૂર કરી શકું છું. તું એમ માનીને અહી આવે છે કે તારા પાપોનું પ્રાયશ્ચિત થશે, પણ દરેક કર્મનું પ્રાયશ્ચિત નથી થઇ શકતું. ઘણા એવા કર્મો છે જેના માટે ઈશ્વર ફક્ત સજા આપે છે. તે અત્યાર સુધી વધુ પડતા સજાપાત્ર થવાનાજ કર્મ કર્યા છે. તારા હાથ લોહીથી રંગાયેલા છે, ખરડાયેલા છે. તારું હૃદય સાવ કાળું પડી ગયું છે. એવા હૃદયમાં ઈશ્વરનો વાસ હોઈ જ ન શકે. ઈશ્વર પાસે ક્ષમા માંગવા માટે ચોખ્ખું હૃદય જોઈએ, પ્રાયશ્ચિતની સાચી સમજ અને ભાવના જોઈએ. જેનાથી તું ઘણો દૂર છો. હું પાછો પોતાની જૂની ઝુંપડીમાં, એકાંતમાં જઈ રહ્યો છું. આ આશ્રમમાં હવે મારા રહેવા લાયક કોઈ સ્થાન નથી. હું તારા માટે પ્રાર્થના જરૂર કરીશ, કદાચ ઈશ્વર તારા કર્મો કરતા વધુ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરે, પણ મહેરબાની કરીને હવે જ્યારે ખરા અર્થમાં પ્રાયશ્ચિત કરવું હોય ત્યારેજ મારી પાસે આવજે. જો તારો અભિમાન, અહંકાર અને ક્રૂરતા તને મારી પાસે પહોચવા દે તો.”

પ્લેન લંડન પહોચી આવ્યા ની સૂચના આપવામાં આવી. નીરવ વિચારોમાંથી ઝબકયો. બે વર્ષ પહેલા કહેલી આચાર્ય સત્યપ્રકાશની વાતો નીરવને આજે પણ શબ્દસહ યાદ હતી. એમના કહેવા પ્રમાણે એણે કર્મોનું ફળ ભોગવ્યું પણ ખરું. ત્યારે એને પોતાની ભૂલો સમજાયી અને પ્રાયશ્ચિતનો અર્થ સમજાયો. પણ આજે એ પ્રાયશ્ચિતને ભૂલીને ફરી પાછો પોતાના એજ અસલ સ્વરૂપમાં આવી ગયો હતો. એરપોર્ટ પર સિક્યુરીટી ક્રોસ કરીને તેને કોલ લગાડ્યો અને ફ્રેન્ચભાષામાં વાત કરવા લાગ્યો “હું લંડન પહોચી આવ્યો છું. રેડી રહેજે હું ડાયરેક્ટ તને જ મળીશ” કહીને કોલ કટ કર્યો. ધીરજ આશ્ચર્યથી નીરવ સામે જોવા લાગ્યો. જેના પ્રત્યુત્તરમાં નીરવે ધીરજ સામે આંખમારી અને બંને એરપોર્ટની બહાર આવ્યા ત્યારેજ એમના પર હુમલો થયો.

સામેથી શૂટર નિશાન ચૂકી ગયો અને ગોળી આગળ ઉભેલી કારને વાગી. ફાયરીંગનો અવાજ સાંભળીને બન્ને નીચે નમી ગયા. એટલામાં બીજી બે ત્રણ વખત ફાયરીંગ થઇ. પોલીસનું ધ્યાન પણ સામે ઊભેલા શૂટર તરફ ગયું. એમણે પણ સામે ફાયરીંગ કરી. પણ શૂટર બચી ગયો. બીજા ચાર શૂટર્સ પણ આગળ આવ્યા અને પોલીસ અને નીરવ પર ફાયરીંગ કરવા લાગ્યા. નીરવ અને ધીરજ ત્યાંથી ભાગ્યા. થોડી નજીકમાં એક માણસ હજી કાર માંથી બહાર નીકળી રહ્યો હતો, એને ધક્કો મારીને નીરવે ધીરજને ઈશારો કર્યો અને બંને કારમાં બેસીને ત્યાંથી ભાગવા લાગ્યા. એમને ભાગતા જોઇને પાંચે શૂટર્સ પણ એક કાર હાઈજેક કરીને એમની પાછળ ગયા. શૂટર્સને નીરવ અને ધીરજની પાછળ જતાં જોઇને પોલીસ એમની પાછળ આવી. શૂટર્સ લગાતાર પોલીસની ગાડી અને આગળ નીરવ ની કાર પર ફાયરીંગ કરી રહ્યા હતાં. નીરવ ખૂબજ ઝડપથી કાર ભગાવીને દૂર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ધીરજનું ધ્યાન નીરવની કમર પર ગયું જ્યાંથી લોહી નીકળી રહ્યું હતું.

“સર, તમને તો ગોળી વાગી છે...”
“અત્યારે એકજ વાગી છે, આ લોકોના હાથમાં આવી ગયા તો ચાર પાંચ બીજી વાગશે.”

નીરવના મોઢા પર પીડા અને ભય એક સાથે દેખાઈ રહ્યા હતા. ભીડ વાળા રસ્તા પરથી નીકળવાના કારણે શૂટર્સનો નિશાન લાગતો ન હતો. પાછળ પોલીસની ગાડી ટ્રાફિકના કારણે અટકી ગઈ, પોલીસે નજીકના સ્ટેશન પર શૂટર્સની કાર ની લોકેશન બતાવી અને પોતે દોડીને કારની પાછળ જવા લાગ્યા. અચાનક નીરવની કાર સામે બે બસ આવી, તેણે રસ્તો ફેરવીને કાર ડાબી બાજુ વાળી, પણ કાર વળતાંજ તેને પોતાની ભૂલ સમજાઈ. સામે સાવ ખુલ્લો રસ્તો હતો એવામાં શૂટર્સનો નિશાન ચૂકવી દેવું મુશ્કેલ હતું. છતાં એ ઝડપથી કાર ભગાવવા લાગ્યો. શૂટર્સની કાર એમની પાછળ જ આવી રહી હતી. આ વખતે શૂટરનો નિશાન ચૂક્યા વગર નીરવની કરના ટાયર પર લાગ્યો અને કાર હવામાં ત્રણ પલ્ટી ખાઈને રોડની વચ્ચે ઉંધી પડી ગઈ. શૂટર્સની કાર નજીક આવી. બે માણસ નીચે ઉતર્યા. ડ્રાઈવિંગ સીટ બાજુ નીરવનો ડાબો હાથ બહાર દેખાઈ રહ્યો હતો. શૂટરે નજીક જઈને નીરવની નસ તપાસી અને પોતાના સાથીને નીરવ મારી ગયો છે એવો ઈશારો કર્યો. છતાં પોતાના આત્મ સંતોષ માટે નીરવને વધુ બે ગોળી મારી અને નીરવનો ફોટો પાડીને બીજી બાજુ જોવા ગયો. શૂટરે ધીરજ સામે ગન પોઈન્ટ કરી પણ ત્યારેજ ધીરજની પણ આંખો બંધ થઇ ગઈ. શૂટરના એક સાથીએ ફ્રેન્ચમાં કહ્યું

“ઝડપથી આવ, પોલીસ આવી રહી છે, બીજાને મારવાના પૈસા નથી મળવાના.”
પોતાના સાથીની વાત સાંભળીને શૂટર ઝડપથી ભાગી ગયો.
* * * * *

વિકાસ ડ્રોઈંગરૂમમાં બેસીને ચા પીતાં પીતાં છાપું વાંચી રહ્યો હતો. એના મોબાઈલમાં અનનાઉન નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો. જેમાં લખ્યું હતું
“યોર રિવેન્જ ઇસ ઓવર.”
સાથે નીરવની ડેડબોડીના ફોટા હતા. મેસેજ જોતાંજ વિકાસની ચા ગળામાંજ અટકી ગઈ અને ઉધરસ આવતા થોડી ચા બહાર આવી ગઈ. હાથ અને મોઢું સાફ કરીને તેને ન્યુઝ ચેનલ શરુ કરી જેમાં ઇન્ડિયન બિઝનેસ ટાયકૂન નીરવની મૃત્યુના સમાચાર આવી રહ્યા હતા.

“આ એજ છે...”
નીરવની મૃત્યના સમાચારમાં એનો ફોટો સ્ક્રીન પર દેખાડવામાં આવતો હતો. એકબાજુ ડેડબોડીનો ફોટો અને બીજીબાજુ કોઈ ફંકશનમાં અલગ-અલગ પોઝમાં પડેલા નીરવના ફોટા દેખાઈ રહ્યા હતા. અનાયાસે હોલમાં આવેલી નીલમે એ ફોટો જોયો અને ગભરામણ અને આશ્ચર્ય સાથે બોલી

“આ એજ છે...નીરવ...નીરવ દેસાઈ નામ છે એનું?”
નીલમે સ્ક્રીન પર આવતું નીરવનું નામ વાંચ્યું. અચાનક નીલમ નો અવાજ સાંભળીને વિકાસ ભડકી ગયો. એ તરતજ ઉભો થઈને નીલમને અંદર જવા માટે કહેવા લાગ્યો. પણ નીલમે એની વાત ન માની. વિકાસ પરાણે તેને રૂમ તરફ ખેચી ગયો અને નીલમની સંભાળ રાખવા માટે ઘરમાંજ રહેતી નર્સ ને બોલાવીને નીલમને અંદર લઇ જવા કહ્યું. પોતાના સપનું હકીકત છે એ જાણીને નીલમ હેબતાઈ ગઈ હતી. એ વારે વારે નીરવ વિષે જાણવા માટે વિકાસ ને પૂછી રહી હતી પણ વિકસે તેને કંઇં જવાબ ન આપ્યો અને નર્સ સાથે બળ જબરીથી રૂમમાં લઇ ગયો. નીલમ ખૂબજ હાઇપર થાય છે એ જોઇને નર્સે તેને ગેન નો ઇન્જેક્શન આપીને સુવડાવી દીધી. વિકાસ પાછો બહાર આવ્યો અને સોફા પર બેઠો. ટી.વી.માં હજી એજ સમાચાર આવી રહ્યા હતા. હવે નીલમને શું જવાબ દેવો? કઈ રીતે સમજાવવું? એવા સવાલ મનમાં આતંક ફેલાવવા લાગ્યા. ત્યારેજ તેને કોલ આવ્યો અને સામેથી આધેડ વયના વ્યક્તિની ગાળોનો વરસાદ થવા લાગ્યો “સાલા ડફોળ, નકામા, એને મારવાનો નહતો, એને જીવતો રાખીને બદલો લેવાનો હતો.” વિકાસના મોઢા પર ગુસ્સો, ભય અને કંટાળાના ભાવો એક સાથે આવવા લાગ્યા. “બટ મે નીરવ ને નથી માર્યો. આ મારું કામ નથી.” વિકાસે પોતાનો બચાવ કરતાં કહ્યું.

“તો કોણે માર્યો? લંડનમાં તારા સિવાય કોણ છે એની જાન નો દુશ્મન?”

“આઈ ડોન્ટ નો એનીથિંગ. મને પણ થોડીવાર પહેલાજ ખબર પડી છે.”
કહીને વિકાસે પોતાને આવેલા એક અનનાઉન નંબરથી આવેલા મેસેજ વિશે વાત કરી. સામે પક્ષેથી થોડી વધુ ગાળો સાથે લંડનમાં રહેતા નીરવના ઓળખાણ વાળા, સગા, મિત્ર, શત્રુ કે હિતશત્રુ જે કોઈ પણ હોય એની તપાસ કરવાનો હુકમ આવ્યો અને કોલ કટ થયો. વિકાસે પોતાના સેક્રેટરીને પોતાને મળેલ આદેશ મુજબ તપાસ કરવા કહ્યું.

ટી.વી. પર ઘાયલ થયેલા ધીરજ નો ઇન્ટરવ્યુ આવી રહ્યો હતો, જેમાં તેણે જણાવ્યું કે

“અહી એના જીવને પણ હવે જોખમ છે, લંડનમાં નીરવના અમુક શત્રુઓ હતા. પણ હમણાં ડેડબોડી ઇન્ડીયા લઇ જઈ ને અંતિમ ક્રિયાઓ પતાવીને એ પોલીસને એ વિષે જાણ કરશે.”

વિકાસે ટી.વી. બંધ કરી અને સોફા પર માંથું ઢાળીને આંખ બંધ કરીને બેઠો. ત્યારેજ પાછો એને કોલ આવ્યો. આ વખતે સામે ધીરજ હતો.

“તું બદલો લેવા માટે આટલી હદ સુધી જઈશ એવું મે સપનામાં પણ ન’તું વિચાર્યું. નીરવને મારીને તે ખૂબજ ખોટું કર્યું છે વિકાસ, નાઉ ઇટ્સ ટાઈમ તું માય રિવેન્જ, હું તને દેખાડીશ કે બદલો કોને કહેવાય.” વિકાસ કંઈ બોલે એ પહેલાજ કોલ કટ થઇ ગયો. વિકાસે ગુસ્સામાં ફોન જમીન પર પછાડ્યો અને ઉભો થઈને ફોન સામે જોઇને બબડવા લાગ્યો
“આઈ ડોન્ટ કીલ્ડ ધેટ બ્લડી બાસ્ટર્ડ...”
વિકાસ પાછો સોફા પર બેઠો અને વિચારવા લાગ્યો કે પોતા સિવાય આટલી હદે નીરવને નફરત કરવા વાળું કોણ હોઈ શકે?


આગળ શું થયું?
કોણે માર્યોનીરવને અને શા માટે?
જાણવા માટે વાંચતા રહો keep reading
To be continue
By – A.J.Maker