માથાભારે નાથો - 30 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માથાભારે નાથો - 30



મગન,નાથો અને ચમેલી કેન્ટીન તરફ ગયા. તારિણી દેસાઈનો પિરિયડ ભરવાની એકેયની ઈચ્છા નહોતી.
આજે બન્ને રમેશની બાઇક લઈને આવ્યા હતા.આમ તો એ બાઇક કહેવા પૂરતી જ રમેશની હતી.
"તમારા લોકોના ગોટા બહુ વખણાય છે ? તું કોઈ દી લાવી તો નહીં અમારી સાટું.."નાથાએ ખુરશીમાં બેસતા કહ્યું.
"મેં કેમની લાવું ? તમાડા લોકોનું કાંઈ નક્કી ની મલે..હું લાવું અને ટમે લોકો ની આવો ટો ? ચલો આજ ટમે માડી ઘેડ.. મેં ટમને લોકાને
મસ્ટ ગોટા ખવડાવટી છું"
ચમેલીએ મગનની આંખોમાં જોઈને સ્માઈલ આપ્યું. એ સ્માઇલમાં એક ઇજન હતું..મગન જાણતો હતો, ચમેલી એને પ્રેમ કરવા લાગી છે. પણ મગનને એના પ્રત્યે એવા કોઈ ભાવ નહોતા. નાથાએ પહેલા જ કહ્યું હતું કે તું એને ઘાસ નહીં નાખ..પણ મગને માત્ર રમૂજ ખાતર એની સાથે નેનથી ચેનચાળા કર્યા હતા.અને ચમેલી એને પ્રેમ સમજી બેઠી હતી.
મગનને આ ખ્યાલ આવ્યો ત્યારે મોડું થઈ ગયું હતું. કોઈના દિલ સાથે આ રીતે રમત કરવાનું મગનને ગમતું નહોતું.નાથો આ બાબતમાં સ્પષ્ટ હતો. જેની સાથે પરણવું હોય એને જ પ્રેમ કરવો એવો નાથાનો સિદ્ધાંત હતો.પણ મગનના પ્રેમના સિદ્ધાંતો થોડા અલગ હતા.
કોઈ તરસ્યાને પાણી પાવાથી હમેંશા પુણ્ય મળે છે એમ એ નાથાને કહેતો. પણ નાથો ચોખવટ વગર કોઈના દિલની લાગણીઓ સાથે રમત રમવાની ના પાડતો.કોઈના આશિષ ન લઈ શકાય તો કંઈ નહીં પણ કોઈના નિસાસા ન લેવાય એવી સમજણ એને નાનપણથી જ હતી.અને એટલે જ એ છોકરીઓ સાથે અંતર રાખતો.
ચમેલી આજે મગનને પુછવા માંગતી હતી. કેન્ટીનમાં નાસ્તો પતાવીને બીજું લેક્ચર ભરવા એ લોકો જવાના હતાં.આગળ ભણવાનો મગનનો બહુ વિચાર નહોતો પણ નાથાએ, " પલાળ્યું છે તો હવે મુંડાવી જ નાંખીએ" એમ કહીને એને કોલેજમાં ખેંચી લાવ્યો હતો.હવે પૈસાનો તો કોઈ પ્રોબ્લેમ હતો નહીં.
નરશી માધાના હીરાના પડીકાએ આ લોકોના જીવનની દશા અને દિશા બદલી હતી. એટલે હવે બપોર સુધી ભણવામાં કોઈ અડચણ આવે એમ નહોતું.
"પછી ટેં શું વિચાડ્યું..મગન આઈ લવ યુ.."ચમેલીએ સેન્ડવીચ સોસમાં બોળીને
એના ગોળ ગલોફામાં ઠુસાવતા કહ્યું...
નાથો અને મગન,ચમેલીના અણધાર્યા આવા સવાલથી ચમક્યા..
"ડુંભાણું કર્યું છે તે સળગ્યા વગર રે..? દે હવે જવાબ."
નાથાએ સેન્ડવીચ ઉપાડતા મગનને ઠોસો માર્યો.."દારૂગોળા પાંહે તાપણું કરીને બેઠો..હવે તું જ ઓલવ ભાઈ..I M Exit.." કહીને નાથો બીજો કટકો ઉપાડીને ત્યાંથી ચાલતો થયો.
"ઓ નાઠા..ટૂં સમજવાની..ટારા આ ડોસ્ટને..મેં એને બોવ લવ કડટી છું.." ચમેલીએ નાથાનો હાથ પકડ્યો..
"જો બોન..મને આવી વાતુંમાં બવ હમજન પેલેથી જ પડતી નથ્થ..અટલે મને છોડી દે..અને તારું તું ફોડી લે..."કહીને નાથો રોડ તરફ ભાગ્યો.
મગનની આંખોમાં ચમેલીએ એની લંબગોળ આંખો પરોવી...
"મગન, લવમાં કોઈ જબડ જસ્ટી નઠ્ઠી હોટી.માડું બોડીલુક ગુડલુકીંગ ની મલે. ટેં મને પહેલીવાડ જોઈ ટીયારે મડનીયું કહેલું એ મને યાડ છે..માડો કોઈ આગ્રહ બી નઠ્ઠી કે તું મને લવ કડે... એ ટો ડીલની લાગની મલે ટો જ ઠટો હોય છે.બટ મગન, હું તને બો જ લવ કડતી છું..અને મને કોઈ રોકી બી ની શકે તને લવ કડતા..આ ચમેલી હંમેશને માટે ટાડી છે..તું ટાડા દિલમાં મને સ્ઠાન આપે કે ની આપે..મેં તો તને માડું ડીલ સોંપી ડિઢું છે...
આઈ બેડલી લવ યુ એન્ડ નીડ યુ અલસો..યુ કેન યુઝ મી ફોડ યોડ પ્લેઝડ..મગન આઈ કેન ગીવ યુ બેસ્ટ લવ.." આમ કહી ચમેલી રડવા લાગી.
ચમેલીના દિલમાં ઉઠેલી પ્રેમની અપાર લાગણી જોઈ મગને એની આંખમાંથી દડતાં આંસુઓ લુછયા.
"સોરી, ડિયર ચમું..હું તને ખૂબ ગમું છું, તું મને લવ કરવા લાગી છો પણ ચમું મારા દિલમાં તારા પ્રત્યે એવી કોઈ જ ફીલિંગ નથી યાર..હું તને મારી એક દોસ્ત તરીકે જ જોઉં છું..
આઈ એમ સોરી ફોર ધેટ..
એવું નથી કે તું બેડલુકિંગ છો..ચમું યુ આર બ્યુટીફુલ ગર્લ..ઈન લવ, બોડી ઈઝ નોટ ઈમ્પોર્ટન્ટ. ફીલિંગ્સ આર ઈમ્પોર્ટન્ટ..
ડોન્ટ થીંક નેગેટિવ અબાઉટ યુ..આઈ લાઈક યુ. યાર..બટ આઈ એમ સોરી..મને તારા તરફ પ્રેમની કોઈ જ લાગણી થતી નથી..."મગને ચમેલીનો હાથ પોતાના હાથમાં લઈને એના આંસુ લૂછયા.
"ઓકે..બટ હું ટો તને લવ કડતી જ રહીશ..ઓલવેઝ. આઈ એમ યોર્સ.."
મગન વિચારમાં પડી ગયો. "સાલ્લુ પ્રેમની અભિવ્યક્તિ કરવામાં ઈંગ્લીશ બહુ અગત્યનું છે. ચમુંએ અને મેં પણ સારું અંગ્રેજી ફાડયું..!"એના મોઢા પર સ્માઈલ આવી ગઈ..
ચમેલી એને હસતો જોઈને ગુસ્સે થઈ, "કેમ હસટો છે..? ટું મારા પડ હસે છે..આઈ નો..ટું એમ વિચાડતો હઈશ કે મેં શું જોઈને તને પડપોઝ કડ્યું..માડે માડી જાટને એકવાડ અડીસામાં જોઈ લેવા જેવી હટી.. એમ જ ટું વિચાડે છે ને ?"
"અરે મારી માં.. બસ કર હવે તું..ડાર્લિંગ ચમું..યુ આર બેસ્ટ..આ તો તું ઇંગ્લીશમાં બોલી અને મેં પણ ઇંગ્લીશમાં તને જવાબ આપ્યો એનું મને હસવું આવ્યું. ડિયર ચમુ તું તારા માટે આટલું ખરાબ ન વિચાર..યાર..તું ખૂબ જ સુંદર છોકરી છો.."
"ટો હું તને કેમ ગમટી નઠ્ઠી..એ કેવની.."ચમેલીએ ઉદાસ થઈને કહ્યું.
"અરે મેં એવું નથી કહ્યું..હવે તને કેમ સમજાવું.."
મગન અકળાયો.
"ટો કહી ડેવની આઈ લવ યુ..માડી સાઠે તું મેડેજ ની કડતો..ઓન્લી લવ કડવામાં ટાડું શું જાય છે..હું તને બોવ જ લવ કડતી છું.."
"પાગલ છે તું સાવ.."
"હા હા..એકડમ જ પાગલ છું..આઈ લવ યુ સો મચ મગન.."ચમેલીએ મગનના બન્ને હાથ પકડી લીધા..
મગનની અંદરનો પુરુષ સળવળી ઉઠ્યો.."એક છોકરી સામેથી પોતાને સમર્પિત કરી રહી છે..એનું દિલ ન તોડવું જોઈએ..હા કહી દે..મગના..તરસ્યા હોઈએ ત્યારે પાણી ડોળુ હોય તોય પી લેવાય.."
બીજી જ પળે સંસ્કારી મગન ઉભો થયો, "હાલી ન મળ..કોઈના દિલની લાગણીઓ સાથે રમત ન કરાય..પ્રેમ નથી તો નથી..માત્ર વાસના સંતોષવા આવી ભોળી છોકરીનું જીવન બરબાદ ન કરાય.."
"કડે છે ને મને લવ ટું..? બોલને મગન...મને ટારો પ્રેમ જોઈએ છે..તું નહીં મલે ટો ચાલહે..પન ટારો લવ..મગન ટારો લવ.. જોઈએ છે મારે.."
મગન ચમેલીને જવાબ આપે તે પહેલાં જ બહાર રોડ પર જોરદાર ધડાકો સંભળાયો..
"અરે...દોડો..કોઈ છોકરાને ગાડી વાળાએ ઉડાવ્યો..." કેન્ટીનમાંથી કોઈએ રાડ પાડી..
એ સાથે જ કેન્ટીનમાંથી કેટલાક છોકરાઓ ગેટ તરફ દોડ્યા.મગને એ અવાજો સાંભળ્યા..ચમેલીના હાથ છોડાવીને એ પણ ગેટ તરફ દોડ્યો.
રોડ પર એક કાર ઝાડ સાથે બહુ ખરાબ રીતે અથડાઈ હતી. અને એક પાતળા બંધાનો યુવાન ડીવાઇડરની બાજુમાં બેહોશ થઈને પડ્યો હતો..
"નાથા.. આ..આ..." મગનના ગળામાંથી રાડ નીકળી ગઈ..એ દોડ્યો.. લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું..
નાથાના માથામાં ભયંકર ચોટ લાગી હતી.ડાબો પગ ગોઠણ નીચેથી તુટી ગયો હોય એમ પડ્યો હતો. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. કારમાં સ્ટિયરિંગ પર બેઠેલો યુવાન પણ બેહોશ હતો..
મગને દોડીને નાથાને ઢંઢોળ્યો.. પણ નાથો ગંભીર રીતે ઘાયલ થયો હતો..
"નાથા..નાથા.."મગને નાથના ગાલ પર ટપલી મારી. એક ક્ષણ માટે નાથાએ આંખો ખોલી..ફરી એ બેહોશ થઈ ગયો.
ચમેલી પણ મગનની પાછળ દોડી હતી.કોઈકે રીક્ષા રોકી હતી.ફટાફટ મગને લોકોની મદદથી નાથાને રિક્ષામાં નાખ્યો.. નાથાનું માથું મગને પોતાના ખોળામાં લીધું.લોહીથી મગનના પણ કપડાં લથબથ થઈ ગયા. ચમેલીએ એનું સ્કૂટર રીક્ષા પાછળ દોડાવ્યું.
સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તાત્કાલિક નાથાને દાખલ કરવામાં આવ્યો.એના માથામાં સિરિયસ ઇંજરી
હતી.તાત્કાલિક બ્લડની જરૂર ઉભી થઇ.મગન અને નાથાનું બ્લડગ્રુપ એક જ હતું. સદનસીબે ચમેલીનું બ્લડગ્રુપ પણ B જ નીકળ્યું. સમાન બ્લડગ્રુપના વ્યક્તિઓ જલ્દી મિત્રો બની જતા હશે ?
"ડોકટર, માડા શડીડમાં ખાસ્સું લોહી છે..તમાડે જેટલી પન જડુડ હોય એટલું ખેંચી લેવ..પણ માડા ભાઈને બચાવી લેવ."
ચમેલીએ લેડી ડોકટરના હાથ પકડી લીધા..
ચમેલી અને મગનનું બ્લડ નાથાને ચડાવવામાં આવ્યું.
નાથના ડાબા પગમાં અને ડાબા હાથમાં મલ્ટીપલ ફેક્ચર હતા.
માથામાં વાગેલો ઘા ખૂબ ગંભીર હતો. સિવિલ હોસ્પિટલમાં નાથાને પ્રાથમિક સારવાર અવપવામાં આવી.પણ મગજને નુકશાન થયું હોવાથી ઓપરેશન કરવુ જરૂરી હતું. નાથો હજુ હોશમાં આવ્યો ન્હોતો.
ચમેલીએ હોસ્પિટલના ફોનથી એના પપ્પા ચંપકલાલને રૂપિયા લઈને તાબડતોબ સિવિલ હોસ્પિટલ પર આવી જવા ફોન કર્યો.મગને બે બોટલ લોહી આપીને ડોક્ટરને નાથાની હાલત પુછી.
"સાહેબ,તમે એને કંઈ થવા ન દેતા..પૈસાની ચિંતા ન કરતા સાહેબ..નાથો મારો જીગરી દોસ્ત છે સાહેબ...
તમે કહેશો એટલા પૈસા હું લઈ આવીશ.. પણ.. પણ.."
"તું શાંતિ રાખ ભાઈ..એના માથામાં ગંભીર ચોટ લાગી છે..કદાચ ઓપરેશન કરવું પડે..! તું એના સગા વ્હાલાને બોલાવી લે..અને હિંમત રાખ દોસ્ત.."કહીને ડોકટર એમની કેબીનમાં ચાલ્યા ગયા.
મગન રિસેપ્શન કાઉન્ટર પર દોડ્યો. રમેશની સ્કૂલ પર ફોન કરીને એને નાથાના સમાચાર આપ્યા.અને મુંબઈ રાઘવને પણ ફોન કરી દીધો.
ચમેલી મગનને સાંત્વન આપવાનો પ્રયત્ન કરતી રહી.બન્ને ઓપરેશન થિયેટરની બહાર બેઠા હતા. નાથાને કંઈ થઈ જશે તો ? એ સવાલ મગનના માથા ઉપર હથોડાની જેમ ઝિંકાઈ રહ્યો હતો.બન્ને હાથે ગાલ દબાવીને એ નીચું જોઈને ભગવાનને યાદ કરતા મનોમન પ્રાર્થી રહ્યો, "હે ભગવાન, નાથાને કંઈ જ થવા ન દેતા..એનું આયુષ્ય ખુટી ગયું હોય તો મારું આયુષ્ય અડધું એને આપી દો..પ્રભુ, હું એના વગર નહી જીવી શકું.."
મગનની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યાં.એ જોઈને ચમેલી પણ રડવા લાગી. રડતાં રડતાં એ બોલી, " મગન, ટું ચિંટા ના કડ...નાઠાને કશું જ ની ઠાય..એ હમના જ ભાનમાં આવીને તને બોલાવહે.."
થોડીવારમાં ચંપકલાલ પણ આવી ગયા.પોતાની દીકરીના એક જ ફોને એ પચાસ હજાર રૂપિયાનું બંડલ લઈને મારતે સ્કુટરે આવી પહોંચ્યો હતો.
ચમેલી અને મગનને મળીને એ પણ બેઠો.
"જો દિકડા, બિલકુલ ચિંટાની કડતો..હું આવી ગયો છું..ટું માડી ચમેલીનો ફ્રેન્ડ છો અને ફ્રેન્ડની ફીલિંગ મેં હમજટો છું..હું હમના જ ડૉક્ટડને મલી લેવ છું.."
ચંપક ડોક્ટરને મળવા ગયો.મળીને આવ્યા પછી તરત જ એણે મગનને અહીંથી મહાવીર હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વાત કરી..
"ટારા ડોસ્ટને ટાત્કાલિક મહાવીડમાં લઈ લઈએ..ટાં આગડી જલડી સાડવાડ મલહે.."
મગન, ચંપકની વાત સાંભળીને વિચારમાં પડ્યો.
ત્યાં જ રમેશ હાંફળો ફાંફળો થઈને આવ્યો.એની સાથે જેન્તી પણ હતો.
મગન ઉઠીને રમેશને વળગી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો..
એને રડતો જોઈને રમેશ પણ રડી પડ્યો. નાથાને થયેલો અકસ્માત ખૂબ ગંભીર હતો.
થોડીવારે ડોકટરે મગન અને રમેશને બોલાવ્યા.બન્નેના મોં રડી રડીને સુજી ગયા હતા.
"જુઓ યંગમેન..ખૂબ સીરિયસ ઇંજરી છે. માથામાં વાગેલા ઘાવને કારણે હેમરેજ થઈ ગયું હોવાના ચાન્સ છે, એટલે એ કોમામાં ચાલ્યો ગયો છે, ઓપરેશન કરવું પડે તેમ છે, તમે તાત્કાલિક મહાવીર હોસ્પિટલમાં શિફ્ટ થઈ જાવ.."
ડોકટરની વાત સાંભળીને રમેશ અને મગનના પગ ઢીલા પડવા લાગ્યા. હૃદયમાં ન સમજાય તેવી સંવેદના થવા લાગી અને ગળે ડૂમો ભરાઈ ગયો.
મગન કંઈ બોલી પણ શકતો ન હતો..!
ચંપકલાલે તરત જ નિર્ણય લઈને એમ્બ્યુલન્સના પૈસા ભર્યા અને નાથાને મહાવીર હોસ્પીટલમાં શિફ્ટ કરવા જરૂરી કાર્યવાહી કરવા લાગ્યો.
"રમેશ, આપણે નાથના ઘેર જાણ કરવી પડે..લે હું તને એના ગામની પંચાયત ઓફિસનો ફોન નંબર આપું છું, તું STD માંથી ફોન કર અને નાથના ફાધરનો સંપર્ક કરીને સમાચાર આપ. આપડી રૂમનું સરનામું લખાવજે.અથવા અહીં એનું કોઈ સબંધી હોય તો એમનું સરનામું મેળવી લેજે..આપણે નાથાને બચાવી લેવાનો છે
રમેશ,નાથા વગરના જીવનની હું કલ્પના પણ કરી શકતો નથી.."
"મારી પણ એ જ હાલત છે, તારો ફોન આવ્યો એટલે હું રજા લેવા પણ ઉભો રહ્યો નથી.જેન્તી મને સોસાયટી પાસે જ મળી ગયો, તમે લોકો આજ બાઇક લઈને આવતા રહ્યાં હતા એટલે હું જેન્તીને સાથે લાવ્યો..પણ આ બન્યું કેવી રીતે.. તમે બન્ને સાથે નહોતા ?" રમેશે કહ્યું.
મગને ચમેલી સામે જોયું.ચમેલી બેન્ચ પર બેસીને મગનને જોઈ રહી હતી
"અમે કેન્ટીનમાં નાસ્તો કરતા હતા.."મગને ગમગીન બનીને બનેલું વૃતાંત રમેશને કહ્યું.
એ દરમ્યાન એમ્બ્યુલન્સ આવી ગઈ.બેહોશ નાથાને પ્રાથમીક સારવાર આપવામાં આવી હતી.એના હાથ અને પગમાં મલ્ટીપલ ફેક્ચર હતા.માથામાં અને હાથપગમાં પાટાપિંડી કરવામાં આવી હતી. ચમેલી અને મગને આપેલું લોહી નાથાને ચડાવવામાં આવ્યું હતું. તેમ છતાં એ ખતરાથી બહાર નહી હોવાનું ડોકટર જણાવી રહ્યા હતા.ઓર્થોપેડિક અને ન્યુરો સર્જન એમ બે ડોકટરની જરૂર નાથાને પડવાની હતી.
તાબડતોબ નાથાને મહાવીર હોસ્પિટલના ઇમેજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો.સુરતના ખ્યાતનામ ન્યુરો સર્જનને બોલાવીને નાથાના મગજમાં થયેલી ઇંજરી વિશે નિદાન કરીને ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું. એ માટે જરૂરી ડિપોઝીટ 50 હજાર ચંપકલાલે તરત જ ભરી દીધા. અને નાથાને યમરાજના હાથોમાંથી છોડાવવાની તજવીજ હાથ ધરવામાં આવી.
* * * * * * * * * *
મગનનો ફોન આવ્યો ત્યારે રાઘવ સંઘવી શેઠની ઓફિસમાં જ આવેલી એની પેટા ઓફિસમાં હીરાનું એસોર્ટ કરી રહ્યો હતો. નાથના અકસ્માતના સમાચાર સાંભળીને એણે તરત જ સુરત, સુરેશ ગોળકીયાને ફોન કર્યો.
અને તાત્કાલિક નરેશ રૂપાણીનો સંપર્ક કરીને સિવિલ હોસ્પિટલ દોડાવ્યો. સુરેશ અને નરેશ બન્ને સિવિલમાં તપાસ કરીને મહાવીર પર પહોંચ્યાં
ત્યારે નાથાને હજુ ત્યાં એડમિટ કરવામાં આવ્યો હતો. ચંપકલાલે પૈસા ભર્યા હોવાથી સારવાર શરૂ થઈ હતી.સુરેશ તરત જ પૈસાની વ્યવસ્થા કરવા બજારમાં ભાગ્યો.
રાઘવ ફોન મૂકીને તરત જ ટેક્ષી કરીને રેલવે સ્ટેશન ભાગ્યો.આંગડિયા પેઢીમાં બે લાખ રૂપિયાનો હવાલો પડાવીને રાઘવે સુરતની ટ્રેન પકડી હતી.
* * * * * * * * * * * *
અમરેલી જીલ્લાના ગામડાઓમાં પંચાયત ઓફિસ અને કેટલાક સુખી અને સંપન્ન ઘરોમાં એ સમયે ટેલિફોનની લેન્ડ લાઈન સુવિધાઓ હતી.
નાથાના ગામ ભાડેરની પંચાયતમાં રમેશે ફોન કર્યો.
અને નાથાના ઘેર સમાચાર આપ્યા.
નાથાના બા બાપુજીને સમાચાર મળતા એ લોકો પણ સુરત આવવા નીકળી ગયા.
* * * * * * * * * *
મહાવીર હોસ્પિટલમાં ડો.સંદીપ પેઠેએ નાથાનું સફળ ઓપરેશન કર્યું.પણ મગજની વધુ પડતી ઇંજરી ને કારણે નાથો હજુ હોશમાં આવ્યો નહોતો.
આગામી ચોવીસ કલાકનો સમય ખૂબ જ અગત્યનો હતો.મગન અને રમેશ ખાધા પીધા વગરના જ બહાર બેસી રહ્યા હતાં.
ચમેલી રાત્રે મગન અને રમેશ માટે ટિફિન લઈને આવી હતી.ચમેલી અને ચંપકની મદદ મળી એટલે નાથાની સારવાર જલ્દીથી શરૂ થઈ શકી હતી.
રાત્રે દસ વાગ્યે રાઘવ પણ આવી ગયો. રાઘવને મગન અને રમેશ વળગી પડ્યા.ત્રણેય મિત્રો એકબીજાને સધિયારો આપી રહ્યા હતા. ત્રણેયની આંખો ભીંજાઈ હતી.
નાથાને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.હજુ
પણ નાથો સેફ હોવાનું ડોકટરે કહ્યું નહોતું. જો એ ચોવીસ કલાકમાં ભાનમાં આવી જાય તો વાંધો નહીં આવે તેમ ડોકટર કહેતા હતા.
ICU ની બહાર લોબીમાં સન્નાટો છવાઈ ગયો હતો.
કોઈ કશું બોલતું નહોતું.
ચમેલી પણ મગનનો હાથ પકડીને બેસી રહી હતી.
જો બીજો કોઈ સમય હોત તો રમેશ અને રાઘવ, મગનની ફીરકી લઈ લેત. પણ આજ નાથાની ગંભીર પરિસ્થિતિમાં ત્રણેય ગંભીર હતા.આખરે મગને ચમેલીને કહ્યું, " ચમું, તું હવે ઘેર જા.અહીં તારું કાંઈ કામ નથી..અમે ત્રણેય અહીં બેઠા છીએ.."
"ના, હવે.મેં પન ટાડી સાઠ્ઠે જ રહીશ..ઘેડ જઈને મને કંઈ ચેન ની પડે.."ચમેલીની વાત સાંભળીને રાઘવ અને રમેશના મોં પર સ્મિત આવી ગયું.બન્નેએ એકબીજા સામે સૂચક દ્રષ્ટિએ જોયું.એ જોઈને મગન પણ હસી પડ્યો.
"અરે ચમું..તું ઘેર જાને યાર...સવારે નાસ્તો લઈને આવજે.સવારે તો નાથો પણ તારા ગરમ ગરમ ગોટા માગશે.."મગને કહ્યું.
ચમેલી કમને ઉભી થઈ.
"સાડું.. તું એમ કેટો હોય તો મેં જાઉં છું..બવ ચીંટા ની કડતો. બઢું બડાબડ ઠેઈ જવા..નાઠાને કંઈ ની ઠહે.." કહીને એ ઘેર જવા નીકળી.
ત્રણેય મિત્રો, મટકું માર્યા વગર આખી રાત જાગ્યા.
સવારે નાથના બા બાપુજી અને એના કુટુંબી ભાઈઓ આવી ગયા.અને નાથાનો કબજો લીધો.નાથના બા બાપુજીએ મગનનો ખુબ ખુબ આભાર માન્યો.
નાથો હજુ પણ ભાનમાં આવ્યો નહોતો. એટલે બધાના મોં પર ચિંતાના વાદળો હતા. નાથાની બા પણ આવતાની સાથે જ રડતાં હતા. હવે મગન, રાઘવ અને રમેશ એ લોકોને સાંત્વન આપવા લાગ્યા.
ડોકટરે જરૂરી દવાઓ મંગાવી એ મગન જઈને લઈ આવ્યો.અને એ દવાઓ જે નર્સને હાથમાં આપી એ નર્સ થોડીવાર મગન સામે જોઈ રહી.અને એણે મીઠું સ્મિત કર્યું.
મગનને નવાઈ લાગી.
"શુ તમે મને ઓળખો છો ?" મગને પૂછ્યું. દવાઓ લઈને અંદર જઈ રહેલી નર્સે માથું હલાવીને હા પાડી. ફરીવાર મગનને સ્માઈલ આપીને એ બોલી,
"એકવાર જ મેં તમને અને આ પેશન્ટને જોયા હતા.હું તમને બન્નેને ઓળખું છું..
તમને મળવા હું ત્રણચાર વખત કોલેજમાં આવી હતી.પણ તમે લોકો મને મળ્યા જ નહીં..અને આજે મળ્યા તો કેવી પરિસ્થિમાં મળ્યાં..મારી ઉપર તમારો ખૂબ મોટો ઉપકાર છે..હું તમારું નામ તો નથી જાણતી..પણ આ પેશન્ટનું નામ જાણું છું.તમે એના દોસ્ત જ હશો.." કહીને એ મગનને વિચાર કરતો મૂકીને અંદર ચાલી ગઈ.
કોણ હતી એ ? ક્યારે મળી હતી એ નર્સ ? અને શું ઉપકાર કર્યો હતો મેં અને નાથાએ ? સાલું કઈ યાદ આવતું નહોતું.
બીજા દિવસે સવારથી જ નાથના સગા સંબધીઓ નાથાને જોવા આવવા લાગ્યા હતા. ચમેલી સવારમાં નાસ્તો લઈને આવી હતી.નાસ્તો કરીને ત્રણેય મિત્રો, નાથના બા બાપુજીને મળીને ફ્રેશ થવા રૂમ પર આવ્યા ત્યારે કાંતાએ નાથાની તબિયત અંગે અનેક સવાલો કરીને મગનને મુંજવી નાખ્યો.
કેમ કરતા એક્સીડન થયું, હવે નાથાભાઈને કેમ છે ? હાય હાય..હજી ભાનમાં નથી આવ્યા..? કંઈ થાશે તો નઈને ઇમને..? તમે ધ્યાન રાખજો હો.."વગેરે અનેક સવાલો કાંતાએ કર્યા હતા.
કાંતાને પણ સાંત્વન આપીને ફરી ત્રણેય હોસ્પિટલ આવ્યા.હજુ પણ નાથાની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો.
રાઘવે ડોક્ટરને મળીને નાથાની પરિસ્થિતિ જાણવાની કોશીશ કરી.અને જરૂરી હોય તો નાથાને મુંબઈ શિફ્ટ કરવાની પણ વાત કરી.
જે રીતે નાથાને વાગ્યું હતું એવા કેસમાં પેશન્ટને હોશમાં આવતા વાર લાગે જ,એવું કહીને ડોકટરે હજુ ચોવીસ કલાક રાહ જોવાનું કહ્યું.
મગન નિરાશ વદને બહાર બેઠો હતો.ત્યાં જ પેલી નર્સ ત્યાંથી પસાર થઈ.એ મગનને જ જોઈ રહી હતી. નર્સના યુનિફોર્મમાં ઊંચી અને પાતળી એ છોકરી બેહદ ખુબસુરત લાગી રહી હતી.એના ચહેરા પર રમી રહેલું સ્માઈલ,ગમે તેવા દર્દીને પથારીમાંથી ઉભો કરી દેવા સક્ષમ હતું.પણ નાથાની પરિસ્થિતિ ગંભીર હોઈ મગન અત્યારે બિલકુલ મૂડમાં નહોતો.
મગને એની તરફ નિરાશ અને માયુસ નજરે જોઈને ફિક્કું સ્મિત કર્યું.
"ડોન્ટ વરી..માય ફ્રેન્ડ.હી વિલ બી ઓલ રાઈટ સુન"
કહીને એ નાથાની સારવાર કરવા લાગી ગઈ. દવાઓ અને જ્યુસ નાથાને આપવામાં આવ્યું હતું. સવારમાં નાથાના શરીર પર સ્પંજ પણ આ નર્સ ખુબ જ પ્રેમથી કરતી હતી.
આખો દિવસ નાથના રિલેટિવ્ઝ આવતા રહ્યા. એમના માટે પાસની વ્યવસ્થા અને એક પછી એકને અંદર જવા દેવાની વ્યવસ્થામાં ત્રણેય મિત્રોએ ખૂબ દોડાદોડી કરી. નાથાના બાપુજીએ થયેલા ખર્ચ વિશે પૂછ્યું.એમના ચહેરા પર ખૂબ જ દુઃખ ઉભરાઈ રહ્યું હતું. નાથાની બાની આંખોમાંથી આંસુ સુકાતા ન હતા. જુવાન જોધ દીકરો મરણ પથારીએ પડ્યો હતો..એક માંનો જીવ કેમ શાંત રહી શકે..!
મગને એમને સાંત્વન આપીને ખર્ચની ચિંતા નહિ કરવાનું કહ્યું.નાથાના બાપુજીએ ત્રણેય દોસ્તોનો ખૂબ ખૂબ આભાર માન્યો.
પેલી નર્સ પણ નાથાના બા બાપુજી પાસે આવીને ધીરજ રાખવા સમજાવવા લાગી. નાથા જેવા લોકોને ક્યારેય કંઈ જ થઈ શકે એમ એ કહી રહી હતી.
અમે મગનને મીઠું સ્મિત આપી રહી હતી.પણ એ સ્મિતમાં કંઈક અનેરો ભાવ મગનને જણાઈ રહ્યો હતો.
જાણે વર્ષોથી એ ઓળખતી ના હોય ! અને
વર્ષો પછી એકાએક મળી ગયા પછી જે આંનદ થાય એ આનંદની ઝલક એના એ સ્મિતમાં મગન જોઈ રહ્યો.
"મને અને નાથાને બન્નેને આ નર્સ કઈ રીતે ઓળખતી હશે ? અમને મળવા કોલેજ પણ આવી હતી.."
મગન મનોમન વિચારી રહ્યો. કોઈપણ રૂપાળી છોકરી તરફ થતું આકર્ષણ આ નર્સ વારંવાર સ્માઈલ આપી રહી હોવા છતાં કેમ નહોતું થતું ? શું નાથાની ગંભીર પરિસ્થિતિ આના માટે જવાબદાર હતી..?
કંઈક અલગ લાગણી મગન એના પ્રત્યે અનુભવી રહ્યો હતો.
કોણ હતી એ ?