ડેવિલ રિટર્ન-2.0 - 12 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 4

    જાેકે, પોલીસને શંકા હોવાથી તેમના પર વોચ રાખવામાં આવી હતી. પર...

  • ખજાનો - 22

    " ડોન્ટ વરી યાર..! તે માત્ર બેભાન થયો છે તેને બીજી કોઈ તકલીફ...

  • મમતા - ભાગ 107 - 108

    ️️️️️️️️મમતા :૨ ભાગ : ૧૦૭( મોક્ષા મુંબઈથી પાછી ફરે છે. આરવના...

  • લેખાકૃતી - 1

    લેખ : ૦૧મારો સખા : મૃત્યુજ્યારે હું કોઈના પણ મૃત્યુ નાં સમાચ...

  • ભાગવત રહસ્ય - 54

    ભાગવત રહસ્ય-૫૪   પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે –સાતમા દિવસે મર...

શ્રેણી
શેયર કરો

ડેવિલ રિટર્ન-2.0 - 12

ડેવિલ રિટર્ન-2.0

12

"સાહેબ ડીઝલ પૂરું થઈ ગયું છે.. "અબ્દુલનાં આમ બોલતાં જ ત્યાં મોજુદ બધાં પોલીસકર્મીઓનાં જાણે મોતિયા મરી ગયાં. પહેલાં તો કોઈને એ સમજાયું નહીં કે આખરે આવી નોબત આવી કઈ રીતે. ?હમણાં દિપક જ્યારે ચેક કરીને ગયો હતો એ સમયે તો બધું વ્યવસ્થિત હતું તો પછી અત્યારે આમ અચાનક ડીઝલ પૂરું થઈ જવાનું કારણ શું. ?

અબ્દુલનાં આમ બોલતાં જ અર્જુન આગળ શું કરવું એ વિશે વિચારવા લાગ્યો.. આ તરફ પોતાની ઉપર આવતાં યુ. વી લાઈટનાં પ્રકાશનાં લીધે થોડી ક્ષણો પહેલાં પીડા ભોગવી રહેલાં વેમ્પાયર પરિવારનાં બધાં સભ્યો ઉત્સાહમાં આવી ગયાં હતાં. આમ અચાનક લાઈટ બંધ થઈ જવી અને ડીઝલ પૂરું થઈ જવું એ બધું એ લોકોની સમજથી ઉપર હતું.. ખાલી ક્રિસ એક જ એવો વ્યક્તિ હતો જે આ બધું થશે એવું જાણતો હોય એમ હજુપણ શાંત મુખમુદ્રા સાથે ઉભો હતો.

અત્યારે અર્જુન માટે સૌથી પહેલું કાર્ય હતું પોતાનાં સાથી મિત્રોનો જીવ બચાવવો.. આ માટે કંઈપણ કરી છૂટવા એ તૈયાર હતો પણ એકલાં હાથે તો આ લોકોને હરાવવા અશક્ય છે એ જાણતો અર્જુન તત્ક્ષણ કોઈ નિર્ણય પર ના આવી શક્યો.

"વાઘેલા, નાયક, જાની તમે તમારી ટીમ સાથે અહીંથી નીકળો.. "અર્જુને વધુ કંઈ ના સૂઝતા વોકિટોકી પર તાત્કાલિક ઓર્ડર આપી દીધો.

અર્જુનનો દરેક ઓર્ડર માથે ચડાવતાં એનાં સાથી પોલીસકર્મીઓએ આ વખતે અર્જુનનો આ ઓર્ડર માનવાનો નનૈયો ભણી દીધો. એ લોકોએ સ્પષ્ટ જણાવી દીધું છે આખરી શ્વાસ સુધી એ લોકો અર્જુનની સાથે જ છે. આ સાંભળી અર્જુનને પોતાનાં સ્ટાફનાં દરેક સભ્યો પ્રત્યે ગર્વની લાગણી ઉત્તપન્ન થઈ.

પોતાની તરફ આગળ વધી રહેલાં ખૂંખાર વેમ્પાયર પરિવારનાં સભ્યોને રોકવા માટે કંઈક તો કરવું જ પડશે એ વિચારી અર્જુને એ. કે 47 પોતાનાં હાથમાં લીધી અને પોતાની ટીમમાં મોજુદ બાકીનાં પોલીસકર્મીઓને વેમ્પાયર પરિવારનાં સભ્યો પર ફાયર કરવાં જણાવી દીધું. અર્જુનની ટીમ જોડે હજુ પણ ગોળીઓ વધી હતી જેનો ઉપયોગ આ લોકોને થોડો સમય રોકવા માટે કરવાનું અર્જુને મન બનાવી લીધું હતું.

અર્જુનનાં "ફાયર" બોલતાં જ ધડાધડ સેંકડો ગોળીઓ વેમ્પાયર પરિવારનાં સભ્યો તરફ છોડવામાં આવી. ગોળીઓની અસર રૂપે એ લોકોને સારાં એવાં પ્રમાણમાં ઈજાઓ પણ પહોંચી અને દર્દ પણ થયું. આમ છતાં એ લોકોને વધુ કંઈ નુકશાન નહોતું થઈ રહ્યું. ગોળી એમનાં શરીરને ચીરીને આરપાર તો નીકળી જતી પણ તરત જ એ ઘા રૂઝાઈ જતો.

આ બધું દ્રશ્ય જોઈને અર્જુનની પડખે ઉભેલાં પોલીસકર્મી અચરજની સાથે ભય અનુભવવાં લાગ્યાં. ત્રણ-ચાર મિનિટમાં તો એ લોકોની ગોળીઓ પણ પુરી થઈ ગઈ. હવે આગળ શું કરવું એ વિચારતાં એ લોકો પ્રશ્નસુચક નજરે અર્જુન તરફ જોઈ રહ્યાં.

આવું પ્રથમ વખત બની રહ્યું હતું કે અર્જુન જોડે આગળ શું કરવું એનો કોઈ ઉપાય જ નહોતો. અચાનક અર્જુને જોયું તો પોલીસની બાકીની ત્રણ ટુકડીઓ અશોક, નાયક, વાઘેલા, જાની અને સરતાજની આગેવાનીમાં વેમ્પાયર પરિવારનાં સભ્યો તરફ દોડીને આવી રહી હતી. એ દરેકનાં હાથમાં લાકડી, દંડો, કે પછી કારતુસ વગરની ખાલી રાઇફલ હતી.

આખરે આ જ એક ઉપાય હતો એ વિચારી અર્જુન સમેત એની ટુકડીનાં પોલીસકર્મીઓ પણ વેમ્પાયર પરિવારનાં સભ્યોની તરફ યલગાર કરી આગળ વધ્યાં.

ચારે દિશામાંથી પોતાની તરફ આગળ વધી રહેલાં ચાલીસ પોલીસકર્મીને જોઈ વેમ્પાયર પરિવારનાં સભ્યો સાવધ થઈ ગયાં. મોત ને સામે ઉભેલી જોવાં છતાં કોઈ જાતનાં ડર વગર પોતાનો મુકાબલો કરવાનું સાહસ કરી રહેલાં આ પોલીસકર્મીઓને જોઈ ક્રિસ સમેત બધાં વેમ્પાયર પરિવારનાં સભ્યોને ભારે નવાઈ લાગી.

એ વેમ્પાયર પરિવારનાં સભ્યો ચાલીસની જગ્યાએ સો લોકોનો પણ મુકાબલો કરવાં પોતે સક્ષમ હોવાનું જાણતાં હોવાથી કોઈપણ જાતની ચિંતા વગર આ બધાં પોલીસકર્મીઓ જોડે કઈ રીતે લડવું એ વિચારવા લાગ્યાં. એ લોકો જોડે બીજો કોઈ વિકલ્પ આમ પણ વધ્યો ન હોવાથી આ મુકાબલો કરવાં એમને પોતાની જાતને તૈયાર કરી દીધી.

ક્રિસે આંખોનાં ઈશારાથી જ પોતાનાં ભાઈ-બહેનો ને જણાવી દીધું કે હવે કઈ રીતે પોતાની સામે ઉભેલાં આ પોલીસકર્મીઓ જોડે બે-બે હાથ કરવાનાં છે. નાયક અને જાની ની ટીમ સૌથી પહેલાં એ વેમ્પાયર ભાઈ બહેનો પર તૂટી પડી. નાયકે પોતાની જોડે રહેલી રાઇફલ માં લગાવેલી છરી વડે ઈવને ઇજાગ્રસ્ત કરવામાં સફળતા મેળવી તો જાની એ જ્હોન ની છાતીની આરપાર છરી ઉતારી દીધી.

ઈવ અને જ્હોનની ઇજા આમ તો સામાન્ય મનુષ્ય માટે જીવલેણ હતી પણ આ ચમત્કારી શક્તિઓ ધરાવતાં વેમ્પાયર ભાઈ-બહેન તો આ નજીવી ઈજા હોય એમ નાયક અને જાની તરફ જોવાં લાગ્યાં. એ લોકોનાં ઘા આપમેળે રૂઝાવા લાગ્યાં એ જોઈ નાયક અને જાની એકબીજાનો ચહેરો તકતાં વિચારશુન્ય અવસ્થામાં ઉભાં થઈ ગયાં.

આ તરફ સરતાજ, અશોક, વાઘેલા અનુક્રમે ટ્રીસા, ડેવિડ અને ડેઈઝીનાં સામે મેદાને પડ્યાં હતાં અને અર્જુન પોતાની તમામ શક્તિ લગાવી ક્રિસની સામે બાથ ભીડી રહ્યો હતો. પાંચ મિનિટની અંદર તો અર્જુન તથા અન્ય સિનિયર પોલિસ અધિકારીઓ ઈજાગ્રસ્ત થઈ જમીન ઉપર પડ્યાં હતાં. જેમાં અશોકની હાલત સૌથી ગંભીર માલુમ પડી રહી હતી. ડેવિડે અશોકનાં ખભે બચકું ભરી એને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો.

વાઘેલાની કમર અને જાનીનાં પગે પણ સારો એવો માર વાગ્યો હતો. અર્જુન, અબ્દુલ, નાયક અને સરતાજ પણ વેમ્પાયર પરિવારનાં સભ્યોની શક્તિ આગળ વામણા સાબિત થઈ જમીન પર પડેલાં હતાં. પોતાનાં સિનિયર અધિકારીઓની આવી દશા જોઈ હિંમત હારી ચુકેલાં અન્ય પોલીસકર્મી આમ-તેમ દોડવા લાગ્યાં.

એ લોકોને ત્યાંથી ભાગતાં જોઈ ક્રિસે પોતાનાં ભાઈ-બહેનોને પહેલાં એ લોકો પર આક્રમણ કરવાં આદેશ આપ્યો.. ક્રિસનાં આમ બોલતાં જ જ્હોન, ઈવ, ડેઈઝી, ડેવિડ અને ટ્રીસા એક પછી એક પોલીસકર્મીઓ પર તૂટી પડ્યાં. પોલીસકર્મીઓની સંખ્યા વધુ હોવાથી એમનાંમાંથી કોઈને મારવામાં તો વેમ્પાયર પરિવારનાં સભ્યો સફળ ના થયાં પણ દસેક જેટલાં પોલીસકર્મીઓની ગરદન પર બચકું ભરી એ લોકોની અંદર પોતાની લાળ ભેળવવામાં એ બધાં સફળ થયાં હતાં.

"ભાઈ, હવે બોલો આગળ શું કરવાનું છે.. ?"ડેવિડે જમીન પર પડેલાં લાચાર પોલીસકર્મીઓ તરફ જોતાં ક્રિસને ઉદ્દેશીને કહ્યું.

"બ્રાન્ડન ની હત્યા કરનારાં આ લોકોને કોઈપણ સંજોગોમાં જીવિત મૂકવાં યોગ્ય નથી.. "ડેઈઝી આક્રોશમાં આવી બોલી.

"હા ભાઈ, આ લોકો એ બ્રાન્ડન જોડે જે કર્યું એની એક જ સજા હોઈ શકે છે જે છે મૃત્યુદંડ.. "ટ્રીસા ક્રોધિત સુરમાં બોલી.

"શાંતિ રાખો થોડી.. તમે કહો છો એવું જ થશે.. પણ પહેલાં એ વ્યક્તિને સજા આપીએ જેનાં લીધે આપણો ભાઈ મૃત્યુ પામ્યો છે. એ અર્જુન ને જ ખતમ કરી દઈએ જેનાંથી આપણી જીંદગીને ભવિષ્યમાં ખતરો હોવાનું પાયમોન દેવે કહ્યું છે. "ક્રિસ જમીન પર પડેલાં અર્જુનની તરફ જોઈને બોલ્યો.

અર્જુનનાં ઢીંચણ અને પેટનાં ભાગે ગંભીર માર વાગ્યો હોવાથી એ ઈચ્છવા છતાં પણ ઉભો નહોતો થઈ શકતો. ક્રિસની વાત સાંભળી એનાં બધાં ભાઈ-બહેન ક્રિસની જોડે આવીને ઉભાં રહ્યાં અને ક્રિસની સાથે-સાથે અર્જુનની તરફ આગળ વધ્યાં.

વેમ્પાયર પરિવારનાં સભ્યો હવે નજીકમાં પોતાને મારી નાંખવાનાં છે એ જાણતાં અર્જુને આખરી ઉપાય સ્વરૂપે પોતાનાં જોડે રહેલી રિવોલ્વરમાંથી એક પછી એક છ ગોળીઓ વારાફરથી દરેક વેમ્પાયર પરિવારનાં સભ્ય પર ચલાવી જોઈ. અર્જુન જાણતો હતો કે એ લોકો પર ગોળીની કોઈ અસર નહીં થાય છતાં એને આમ કર્યું.

અર્જુનની તરફ મોત આગળ વધી રહ્યું હતું એ જોઈ નાયક અને સરતાજ દોડીને અર્જુનની જોડે આવ્યાં અને ખભેથી ટેકો આપી અર્જુનને ઉભો કરી ત્યાંથી દૂર લઈ જવાની કોશિશ કરવાં લાગ્યાં.

"સરતાજ, સાહેબને જલ્દીથી જીપ તરફ લઈ ચાલ.. "નાયક સરતાજ ને ઉદ્દેશીને બોલ્યો.

હજુ એ લોકો જીપથી ત્રીસેક ડગલાં દૂર હતાં ત્યાં તો ડેવિડે સરતાજને અને જ્હોને નાયકને હવામાં દસેક ફૂટ ઉંચા ફંગોળી દીધાં.. આમ થતાં એ બંને જોરદાર રીતે જમીન પર પટકાયા અને પીડાનાં લીધે દસ-પંદર સેકંડમાં તો બેહોશ થઈ ગયાં.

આ સાથે જ અર્જુન પુનઃ જમીન પર ફસડાઈ પડ્યો.. અત્યાર સુધી સેંકડો અપરાધીઓને પોતાનાં દમ ઉપર હંફાવનારો અર્જુન આજે પોતાનાં સમગ્ર સ્ટાફ સાથે પણ આ શૈતાની શક્તિઓ આગળ હાંફી ગયો હતો.

મોત સામે હોય તો એકવાર આખરી પ્રયાસ કરવો જોઈએ એમ માનતાં અર્જુને આખરે રહી-સહી હિંમત ભેગી કરી એક યોદ્ધાની માફક એ વેમ્પાયર પરિવારનાં સભ્યોનો મુકાબલો કરવાનું નક્કી કર્યું.. અર્જુને પોતાની જોડે જમીન પર પડેલી રાઈફલમાંથી છરી નીકાળી અને એને કસીને હાથમાં પકડી.

એક જોરદાર ત્રાડ નાંખી અર્જુન ઉભો થયો અને હાથમાં છરી લઈ ક્રિસ અને એનાં ભાઈ-બહેનો તરફ દોડવા લાગ્યો. રસ્તામાં અર્જુનની સામે આવેલાં જ્હોનને તો અર્જુને પોતાનાં જોડે રહેલી છરી વડે ઘાયલ કરી દીધો પણ ડેવિડે બીજી જ ક્ષણે અર્જુનને ગરદનથી પકડી હવામાં પાંચેક ફૂટ ઊંચો કરી જમીન પર જોરદાર રીતે પછાળ્યો.

આખરે અર્જુનની રહી-સહી હિમતે પણ જવાબ આપી દીધો. પારાવાર પીડા સાથે અર્જુન બેહોશીની હાલતમાં પહોંચી જ ગયો હતો.. . અર્જુનનું હવે કામ તમામ કરવાં ક્રિસ ધીરા ડગલે ચહેરા પર શૈતાની સ્મિત સાથે અર્જુનની તરફ ધીરે-ધીરે ડગ માંડતો આગળ વધી રહ્યો હતો.

પોતે હવે અમુક ક્ષણોનો જ મહેમાન છે એવું વિચારતાં અર્જુને મનોમન પરમકૃપાળુ પરમાત્માને કંઈક ચમત્કાર કરવાં અરજ કરી. અર્જુન બેહોશ થવાની કગાર ઉપર જ હતો ત્યાં એને કંઈક દિવ્ય અનુભૂતિ મહેસુસ થઈ.

અચાનક ક્રિસ અને એનાં ભાઈ-બહેનો અર્જુન તરફ આગળ વધતાં વધતાં અટકી ગયાં અને એમને પોતાની ગરદન ઘુમાવી પાછળની તરફ જોયું.

થોડી જ ક્ષણોમાં એ લોકોની પીડાજનક ચીસો અર્જુનનાં કાને પડી અને અર્જુનનાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું. અર્જુન આગળ શું થયું એ જોવે એ પહેલાં તો એની આંખો બંધ થઈ ગઈ અને એ બેહોશ થઈને ઢળી પડ્યો.

****

વધુ આવતાં ભાગમાં.

ત્યાં કોણ આવ્યું હતું.. . ?વેમ્પાયર પરિવારનાં લોકો સાથે શું થશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***