ડેવિલ રિટર્ન-2.0 - 11 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ રિટર્ન-2.0 - 11

ડેવિલ રિટર્ન-2.0

ભાગ-11

ક્રિસની આગેવાનીમાં એનાં પાંચેય ભાઈ-બહેનો અને ડઝનભર વેમ્પાયર બની ચુકેલાં લોકો રાધાનગર શહેરમાં આવી પહોંચ્યાં હતાં. આ ડઝનભર લોકો ગતરાતે ક્રિસ અને એનાં ભાઈ-બહેનોનાં હુમલાનો શિકાર બન્યાં હતાં. ક્રિસનાં આયોજન મુજબ ક્રિસે પોતાનાં દરેક ભાઈ-બહેન ને ઓછામાં ઓછા બે લોકોને વેમ્પાયર બનાવવાનો આદેશ આપ્યો હતો. આ માટે એ લોકોએ ફક્ત કોઈ વ્યક્તિની ગરદન પર એક બચકું ભરી પોતાની લાળ એનાં લોહીમાં ભેળવી દેવાની હતી.. આમ થતાં જ એ વ્યક્તિ પણ વેમ્પાયર બનીને એ લોકોનો ગુલામ બની જવાનો હતો. મુસ્તફાને આ જ રીતે ડેવિડે પોતાનો ગુલામ વેમ્પાયર બનાવ્યો હતો.

ક્રિસનાં આદેશ મુજબ એનાં બધાં જ ભાઈ-બહેનોએ એ લોકોને પોતાનાં શિકાર બનાવ્યાં જે શહેરથી પ્રમાણમાં છેવાડાનાં ભાગમાં રહેતાં હતાં. ડેવિડે ફાર્મહાઉસ પર એક રૂપલલના સાથે હસીન સમય પસાર કરતાં એક વેપારી અને એ રૂપલલનાને પોતાનો શિકાર બનાવ્યો. એ વેપારી પોતાની પત્નીને મુંબઈ બિઝનેસ મિટિંગ માટે જવાનું બહાનું બનાવીને આવ્યો હતો અને રૂપલલનાનો કોઈ પરિવાર હતો નહીં એટલે એમની ગેરહાજરીની તાત્કાલિક નોંધ નહોતી લેવામાં આવી.

આ જ રીતે ઈવે બે પરપ્રાંતથી આવેલાં રાધાનગરની એક ફેકટરીમાં કામ કરતાં બે ભાઈઓને પોતાનો શિકાર બનાવ્યો હતો.. આ જ રીતે ટ્રીસા, ડેઈઝી, ક્રિસ અને જ્હોને પણ ખૂબ ગરીબ અને એકલ-દોકલ રહેતાં લોકોને જ પોતાનો શિકાર બનાવ્યાં હતાં. આજ કારણથી એક દિવસની અંદર કોઈને એ લોકોની ગેરહાજરી અનુભવાઈ નહોતી.

ક્રિસની પાછળ બીજાં અઢાર લોકો એમ કુલ ઓગણીસ લોકો ધીરી પણ મક્કમ ગતિએ રાધાનગર શહેરની હદમાં પ્રવેશ કરી ચુક્યાં હતાં. રસ્તામાં રાધાનગરનાં કુતરાઓ પણ આ વિચિત્ર લોકોને જોરજોરથી ભસવા લાગ્યાં. શાંત વાતાવરણમાં દૂરથી આવતો કુતરાઓનાં ભસવાનો અવાજ ગાર્ડન જોડે મોજુદ પોલીસકર્મીઓને સાફ-સાફ સંભળાઈ રહ્યો હતો.

આવો અવાજ એક રીતે વિચિત્ર લાગવો જોઈએ પણ આ ઠંડીનાં વાતાવરણમાં કુતરાઓ આમ જ ભસતાં રહેતાં હોવાનાં લીધે કોઈપણ પોલીસકર્મીને એ વિચિત્ર ના લાગ્યું. અચાનક એ અવાજ શાંત પણ થઈ ગયો અને વાતાવરણમાં પૂર્વવત સુનકાર વ્યાપી ગયો.

"સાહેબ, આ તરફથી કોઈક આવી રહ્યું છે.. "સરદાર પટેલ ગાર્ડન તરફ આવતાં રસ્તે ઉભેલાં અશોકે વોકિટોકી પર અર્જુનને માહિતી આપતાં કહ્યું.

આ સાથે જ ચારેય પોલીસની ટુકડીઓને અર્જુને સાવધાન રહેવાં જણાવી દીધું.. થોડીવારમાં તો અર્જુન સમેત બધાં પોલીસકર્મીઓએ જે દ્રશ્ય જોયું એ જોઈને એમની આંખો ફાટીને ફાટી રહી ગઈ.

ક્રિસની પાછળ આવતાં વેમ્પાયરોનું મોટું ટોળું ધીરે-ધીરે સરદાર પટેલ ગાર્ડન જોડે આવી રહ્યું હતું.. એ લોકોમાં સૌથી અગ્રેસર હતો ક્રિસ અને એની જોડે હતી ટ્રીસા. સ્ટ્રીટ લાઈટનાં પ્રકાશમાં ટ્રીસા નો ચહેરો નજરે પડતાં જ બધાં પોલીસકર્મીઓ સમજી ચુક્યાં હતાં કે આ વેમ્પાયરનું જ ટોળું છે.

"સાહેબ, આ તો છ કરતાં વધુ છે.. ?"અબ્દુલે પોતાની જોડે ઉભેલાં અર્જુનનાં કાનમાં ધીરેથી કહ્યું.

ફાધર વિલિયમનાં કહ્યાં મુજબ જો વેમ્પાયર ફેમિલીમાં કુલ સાત જ લોકો હોય તો આ બાકીનાં લોકો ક્યાંથી આવ્યાં એ અર્જુન માટે મોટો પ્રશ્ન હતો.. અબ્દુલનાં પ્રશ્નનો ઉત્તર આપવાનાં બદલે અર્જુને અબ્દુલને મોં પર આંગળી મૂકી ચૂપ રહેવાં કહ્યું.

અચાનક માથાનો દુખાવો બનીને આવેલી આ વાતનો તોડ કઈ રીતે નિકાળવો એનો ઉપાય અર્જુન હજુ શોધતો જ હતો ત્યાં ડેવિડની મનુષ્યને સૂંઘવાની શક્તિ એનાં કામે આવી અને એ ક્રિસની જોડે આવ્યો.

"ભાઈ, ત્યાં કોઈક છે. "જાની અને સરતાજ જે તરફ હાજર હતાં ત્યાં આંગળી કરીને ડેવિડ બોલ્યો.

ડેવિડે ક્રિસને શું કહ્યું એ તો અર્જુન કે અન્ય કોઈ પોલીસકર્મીઓને ના સંભળાયું.. પણ ડેવિડે પોલીસની એક ટુકડી તરફ ચીંધેલી આંગળીએ એ વાત તો સ્પષ્ટ કરી દીધી કે એ લોકોને અહીં પોલીસની હાજરીની ગંધ આવી ચૂકી હતી. હવે વધુ સમય ખર્ચ કરવામાં સમય બગાડવો પોષાય એમ નહોતો એટલે અર્જુને નાયક, વાઘેલા, જાની બધાંને વોકિટોકી પર સંદેશો આપી વેમ્પાયર પર પોતે એક થી પાંચ ગણે એ સાથે જ ફાયરિંગ કરવાનો આદેશ આપી દીધો. અર્જુનની ગણતરી હતી કે અચાનક અલગ-અલગ ત્રણ દિશાઓમાંથી પોતાનાં પર થયેલાં અંધાધૂંધ ફાયરિંગથી વેમ્પાયર ડરીને પોતે જ્યાં હાજર હતો એ તરફ આવવાં પ્રેરાશે. બધી જ યુ. વી લાઈટ નો હેન્ડલિંગ અર્જુને પોતાનાં હાથમાં રાખ્યું હોવાથી એની તરફ વેમ્પાયર આવે તો એમનો ખાત્મો થઈ જવાની અર્જુનની ગણતરી સાચી પણ હતી.

વોકિટોકી પર ધીરેથી અર્જુને આ સાથે જ એક થી પાંચ ગણવાનું શરૂ કરી દીધું.. અર્જુને પોતાની જોડે હાજર પોલીસકર્મીઓને હવે યુ. વી લાઈટ પોતે કહે ત્યારે ચાલુ કરવાનો આદેશ પણ આપી દીધો.

દરેક પોલીસકર્મી અત્યારે એક ગજબનાં ડરનાં અહેસાસ હેઠળ અર્જુનનાં કહ્યાં મુજબ પોતાની જાતને શક્તિશાળી રક્તપિશાચોની ટોળી સામે મુકાબલો કરવાં તૈયાર કરી ચુક્યો હતો. આવનારો સમય શું લઈને આવવાનો હતો એ વિશેની ધારણાઓ કરતો રાધાનગરનો બધો જ પોલીસ સ્ટાફ હવે અર્જુનનાં પાંચ ગણવાની રાહ જોઈ રહ્યો હતો.

ડેવિડની વાત સાંભળી ક્રિસે પણ પોતાનું ડોકું હકારમાં હલાવ્યું અને પોતાની પાછળ મોજુદ પોતાનાં ભાઈ-બહેનો તથા અન્ય ગુલામ બનાવાયેલાં વેમ્પાયરને પોતાની પાછળ એ તરફ હાથનાં ઈશારાથી આવવાં કહ્યું. એ લોકો ક્રિસનો આદેશ માની જાની જે પોલીસ ટુકડીની આગેવાની લઈને ચબૂતરા પાછળ છુપાયેલો હતો એ તરફ આગળ વધવા લાગ્યાં.

"એક.. બે.. . ત્રણ.. ચાર.. અને પાંચ.. "વોકિટોકી પર અર્જુને જેવી એકથી પાંચની ગણતરી પુરી કરી એ સાથે જ જાની સહિત એની જોડે મોજુદ સરતાજ અને અન્ય પોલિસકર્મીઓએ સૌપ્રથમ પોતાની જોડે મોજુદ રિવોલ્વર અને લી એનફીલ્ડ રાયફલમાંથી ગોળીબાર શરૂ કરી દીધો.

અચાનક પોતાની ઉપર થયેલાં આ ગોળીબારને લીધે હેબતાઈ ગયેલાં બધાં જ વેમ્પાયર અહીં-તહીં દોડવા લાગ્યાં.. આ જ સમયે નાયક અને વાઘેલાની ટુકડીએ પણ બધાં જ વેમ્પાયર પર એકધાર્યું ફાયરિંગ શરૂ કરી દીધું. વેમ્પાયર પરિવાર જોડે પોતાનાં ઘા આપમેળે થોડી જ ક્ષણોમાં રૂઝાઈ જાય એવી શક્તિ હોવાથી એ લોકોને આ ગોળીબારથી વધુ ફરક નહોતો પડી રહ્યો. પણ એમની જોડે આવેલાં ગુલામ વેમ્પાયર માથા પર ગોળી વાગતાં જ મૃત પામી રહ્યાં હતાં.

બે મિનિટ થયેલાં આ ગોળીબારમાં સાત જેટલાં વેમ્પાયર ગુલામોનું ઢીમ ઢાળી ચૂક્યું હતું અને એ બધાં પુનઃ મનુષ્ય બની જમીન પર મૃત અવસ્થામાં પડ્યાં હતાં. બીજાં વેમ્પાયર સ્વબચાવ માટે જે તરફથી ગોળીબાર નહોતો થઈ રહ્યો એ તરફ એટલે કે અર્જુનની ટુકડી ઉભી હતી એ દિશામાં અગ્રેસર થયાં.

પોતાની તરફ આગળ વધી રહેલાં વેમ્પાયરનો મુકાબલો કરવાની અર્જુને તૈયારી કરી લીધી હતી.. જેવાં જ એ લોકો યુ. વી લાઈટની રેન્જમાં આવ્યાં એ સાથે જ અર્જુને પોતાની જોડે હાજર પોલીસકર્મીઓને યુ. વી લાઈટ ચાલુ કરવાનો આદેશ આપી દીધો.

અર્જુનનો આદેશ મળતાં જ અબ્દુલ અને એક અન્ય કોન્સ્ટેબલે જઈને યુ. વી લાઈટ જેનાંથી ઓન થતી હતી એ સ્વીચ ને ચાલુ કરી દીધી.. આમ થતાં જ 'ખટ.. ' નાં ભારે અવાજ સાથે યુ. વી લાઈટ ચાલુ થઈ ગઈ. યુ. વી લાઈટમાંથી નીકળતો પ્રકાશનો રેલો સીધો ત્યાં મોજુદ બધાં જ વેમ્પાયર પર પડ્યો.

"ભાઈ અહીંથી નીકળીએ. આ લાઈટ બહુ ખતરનાક છે, આ જ લાઈટ નાં લીધે જ એ દિવસે મારું મૃત્યુ થયું હતું.. "યુ. વી લાઈટ ઓન થતાં જ ટ્રીસા એ ક્રિસનાં નજીક આવીને કહ્યું.

ક્રિસે ટ્રીસાની વાત સાંભળી પણ ત્યાંથી પાછાં પડવાની ડોકું નકારમાં હલાવી મનાઈ કરી દીધી. આ દરમિયાન ક્રિસ અને એનાં ભાઈ-બહેનોનાં ઘાવ આપમેળે રૂઝાઈ ચુક્યાં હતાં. પોલીસ જોડે મોજુદ ગોળીઓ પણ હવે લગભગ પુરી થઈ ચૂકી હતી. શાંત વાતાવરણમાં અચાનક થયેલાં અવાજે સરદાર પટેલ ગાર્ડન જોડે વસતાં રહીશોને ડરાવી મૂક્યાં હતાં. બહાર શું થઈ રહ્યું હશે એ જાણવાની તાલાવેલી આજુબાજુનાં રહીશોને થઈ જરૂર પણ કોઈ બારી ખોલીને બહાર જોવાની હિંમત ના કરી શક્યું.

ક્રિસને પોતાની પર આવતાં યુ. વી લાઈટ નો પ્રકાશ કેટલો ગંભીર છે એ સમજાતાં એને તાત્કાલિક ગુલામ વેમ્પાયરોને પોતાનાં અને પોતાનાં ભાઈ-બહેનો આગળ આવીને ઉભાં રહેવાનો આદેશ આપી દીધો. ક્રિસની આજ્ઞા માની એ વેમ્પાયર ગુલામો ઢાલની માફક ક્રિસ તથા એનાં ભાઈ-બહેનો આગળ આવીને ઉભાં રહી ગયાં. આ લોકોમાં મુસ્તફાનો પણ સમાવેશ થતો હતો.

અર્જુન મુસ્તફાને જોતાં જ ઓળખી ગયો કે એ દીવાદાંડી પર ચોકી કરતો મુસ્તફા જ છે.. અર્જુન અગાઉ મુસ્તફાને મળી ચુક્યો હોવાથી તુરંત જ મુસ્તફાને ઓળખી ગયો. હવે અર્જુન માટે એક મોટો પ્રશ્ન ઉકેલાઈ ગયો હતો કે વેમ્પાયર પરિવાર સાથે વધારાનાં લોકો હતાં કોણ. ?મુસ્તફા અને એની સાથે મોજુદ અન્ય લોકો આ વેમ્પાયર પરિવારનાં ગુલામ બનીને એમની માફક વેમ્પાયર બની ચુક્યાં છે એ અર્જુનને સમજાઈ ચૂક્યું હતું.

અર્જુનની જોડે મોજુદ એક કોન્સ્ટેબલ પણ મુસ્તફાની જોડે મોજુદ ગુલામ વેમ્પાયરમાંથી એક વ્યક્તિને ઓળખી ગયો જે રાધાનગરનાં પૂર્વ તરફ આવેલાં બગીચામાં ચોકીદાર હતો. અર્જુન સમજી ચુક્યો હતો કે આ બધાં ગુલામ વેમ્પાયર રાધાનગરનાં જ માસુમ લોકો છે જે વેમ્પાયર પરિવાર દ્વારા યોજનાપૂર્વક વેમ્પાયર બનાવાયા હતાં.

અત્યાર સુધી સાત આવાં જ માસુમ લોકો જે વેમ્પાયર બન્યાં હતાં એ પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યાં હતાં અને હવે વધુ બીજાં લોકો યુ. વી લાઈટનાં પ્રકાશમાં મોતને ભેટશે એ નક્કી હતું. જે રાધાનગરનાં લોકોની રક્ષા માટે પોતે જીવ આપવાં પણ તૈયાર રહેતો એ અર્જુનને ના છૂટકે આજે એ જ લોકોને પોતાનાં હાથે મારવા પડે એવાં સંજોગોનું નિર્માણ થઈ ચૂક્યું હતું.

એકવાર તો અર્જુનને થયું કે પોતે યુ. વી લાઈટ બંધ કરાવી દે પણ આમ કરવાં જતાં પોલીસકર્મીઓની જીંદગી જોખમમાં મુકાય એમ હોવાથી અર્જુને યુ. વી લાઈટને બંધ કરવું મુનાસીબ ના સમજ્યું.

થોડી જ વારમાં યુ. વી લાઈટનાં પ્રકાશમાં બાકીનાં વેમ્પાયર ગુલામો ધીરે-ધીરે પીડા અનુભવવા લાગ્યાં.. એમની ઉંચા અવાજે નીકળતી ચીસો એ વાતની સાબિતી હતી કે આ યુ. વી લાઈટ એમનાં માટે ખરેખર કેટલી જોખમી હતી. એમની આ હાલત જોઈ ઈવ, ડેઈઝી, ડેવિડ, જ્હોન અને ટ્રીસા ખૂબ જ ડરી ચુક્યાં હતાં પણ ક્રિસે એમને પાછાં વળવાની સાફ મનાઈ ફરમાવી દીધી અને કોઈપણ જાતનાં ડર વગર એ પોતાની જગ્યાએ ઉભો રહ્યો.

હજુ તો માંડ પાંચ મિનિટ વીતી હશે ત્યાં બધાં વેમ્પાયર ગુલામો પારાવાર પીડા પામી જમીન પર બેસી ગયાં.. એમનાં આખા દેહને કોઈએ આગ લગાવી હોય એમનું શરીર સળગી ગયું અને આખરે એ લોકો મોતને ભેટી જમીન પર ચત્તા સુઈ ગયાં.

એમનાં નીચે પડતાં જ યુ. વી લાઈટનો પ્રકાશ હવે વેમ્પાયર પરિવારનાં સભ્યો પર પડવા લાગ્યો જેનાં લીધે એ લોકોને પણ પીડા થવાં લાગી.. એમની આ હાલત જોઈ બધાં પોલીસકર્મી ઉત્સાહમાં આવી ગયાં.

અચાનક બધી જ યુ. વી લાઈટ ખટાકનાં અવાજ સાથે બંધ થઈ ગઈ અને આ સાથે ક્રિસનાં ચહેરા પર ભેદી સ્મિત ફરી વળ્યું.

"અબ્દુલ લાઈટ કેમ બંધ થઈ ગઈ.. ?"લાઈટ બંધ થતાં જ અર્જુને ઊંચા અવાજે સવાલ કર્યો.

"સાહેબ, જનરેટરમાં ડીઝલ પૂરું થઈ ગયું છે.. "અબ્દુલનાં આમ બોલતાં જ અર્જુન સમેત ત્યાં હાજર બાકીનાં પોલીસકર્મીઓનાં હાથ-પગ ફૂલી ગયાં. !!

*****

વધુ આવતાં ભાગમાં.

હવે શું થશે આગળ. ?વેમ્પાયર પરિવારનાં લોકો બ્રાન્ડનની હત્યા નો બદલો કઈ રીતે લેશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***