Naam vinana sambandho books and stories free download online pdf in Gujarati

નામ વિનાના સબંધો

**નામ વિનાનો સંબંધ **

 

કૌશિક અને રેણુકાની સૌ પ્રથમ મુલાકાત તેમની ઓફિસમાં થઇ હતી. બંને સોફટવેર એન્જીનીયર હતા. રેણુકા તે દિવસે જ નોકરીમાં દાખલ થઇ હતી. કંપનીને મોબાઈલ એપ્લીકેશનો બનાવવાનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો તેના માટે નવા સોફટવેર એન્જીનીયરોની ભરતી કરવામાં આવી હતી. હજુ રેણુકાને કોઈ પ્રોજેક્ટ એલોટ થયો ન હતો એટલે તે ફ્રી હતી. કૌશિક એક એપ્લીકેશન ચેક કરી રહ્યો હતો તેમાં એરર આવતી હતી. તેણે ઘણો પ્રયત્ન કર્યો પણ ભૂલ મળતી ન હતી. રેણુકા બાજુમાં બેઠી બેઠી કૌશિકના પ્રોગ્રામને જોઈ રહી હતી. કૌશિક કંટાળીને રીલેક્સ થવા ઉભો થયો એટલે રેણુકાએ કહ્યું “ કૌશિક, પ્રોગ્રામમાં ક્યાં ભૂલ છે તે ચેક કરી લઉં ?” કૌશિક મૌન સંમતિ આપી કેન્ટીન તરફ રવાના થયો. તે પાછો આવ્યો ત્યારે રેણુકાએ પ્રોગ્રામની ભૂલ સુધારી એપ્લીકેશનને રન કરી દીધી હતી. કૌશિકને રેણુકાના જ્ઞાન પર માન ઉપજયું. ત્યારથી બંને મિત્રો બની ગયા. રેણુકા સોફ્ટવેર એન્જીનીયરીંગ ક્ષેત્રે નવા નવા પ્રયોગો કરવામાં માહેર હતી. કૌશિક રેણુકા પાસેથી અન્યના મોબાઈલ હેક કરવાનું પણ શીખ્યો હતો.

 

એક દિવસે કૌશિકે રેણુકાને કહ્યું “ મારે આજે થોડુક વહેલું જવું પડશે. મારે રહેવા માટે નવું મકાન શોધવાનું છે.”

રેણુકાએ હસતાં હસતાં કહ્યું “ મારી સાથે રહેવા આવીજા“

કૌશિક મજાકમાં બોલ્યો “ ઓ.કે. ડન પણ તું ક્યાં રહે છે ? કુંવારી છોકરીની સાથે મને તારો મકાન માલિક રહેવા દેશે ખરો ? ”

મજાક મજાકમાં વાત આગળ વધી. રેણુકાએ કહ્યું “મેં અને મારી બહેનપણીએ શહેરથી દુર નવી બંધાયેલા એક સ્કીમમાં એક “ટુ બી. એચ. કે.” ફ્લેટ ભાડે રાખ્યો હતો. મારી બહેનપણીને પુનામાં સારી ઓફર મળી એટલે તે ચાલી ગઈ છે. હું ફ્લેટ શેર કરવા કોઈ કંપની શોધું છું. તું આવી જા. હજુ ત્યાં આઠ દસ ફલેટમાં જ લોકો રહેવા આવ્યા છે. મોટા ભાગે નોકરીયાત અને સ્ટુડન્ટસ છે. બધું એડજસ્ટ થઇ જશે.”

 

કૌશિક રેણુકા સાથે રહેવા ચાલ્યો ગયો. સાથે રહેતાં રહેતાં બંનેને પ્રેમ થઇ ગયો એટલે લીવ ઇન રિલેશનમાં રહેવા લાગ્યા. રેણુકાના મા બાપ હયાત ન હતા. તે બે બહેનો જ હતી. તેની દીદીના લગ્ન પછી તેની દીદી તેને ભણાવવા માટે પોતાની સાથે રાખતી હતી. તેનો જીજાજી તેની દીદીને ખુબ મારતો હતો. રેણુકાનો અભ્યાસ પૂરો થયો અને તેને નોકરી મળી ત્યાંસુધી તેની બહેન તેના પતિનો અત્યાચાર સહન કરતી રહી ત્યાર બાદ તેણે પંખે લટકી આપઘાત કરી લીધો હતો. હવે દુનિયામાં રેણુકાનું નજીકનું કોઈ સગું ન હતું. કૌશિકને પણ માતા સિવાય કોઈ નજીકનું સગું ન હતું. તેની માતા કૌશિકને લગ્ન કરી લેવા દબાણ કરતી પરંતુ તેણે તેની માતાને જણાવ્યું હતું કે હાલ તે પોતાની કેરીયર બનાવવા ઈચ્છે છે અને પૂર્ણ રૂપે પગભર થાય પછી તે લગ્ન કરશે.

 

રેણુકાની વાત જાણી કૌશિકે રેણુકા સાથે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું પરંતુ રેણુકાએ તેની બહેન પર થતો અત્યાચાર જોયો હતો એટલે જ્યાં સુધી કૌશિકને અને તેના સ્વભાવને પૂરે પૂરો જાણી ન લે ત્યાં સુધી લગ્નના બંધનમાં બંધાવવા અનિચ્છા દર્શાવી. તે એક બોલ્ડ યુવતી હતી. તેને લગ્ન વિના કૌશિક સાથે શારીરિક સબંધ બાંધવામાં કોઈ છોછ ન હતો. સમય પસાર થતો ગયો. રેણુકાને હવે કૌશિક સાથે લગ્ન કરી તેમના સબંધોને કાયદેસરતા બક્ષવા યોગ્ય જણાતાં તેણે કૌશિકને લગ્ન કરી સંસાર વસાવી લેવા જણાવ્યું 

 

 

 

પરંતુ હવે કૌશિક લગ્નની બાબત ટાળવા લાગ્યો. કૌશિકની માતા પુત્રના લગ્ન જોયા વિના ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યા.

 

રેણુકાએ કૌશિકને લગ્ન કરી લેવા અવાર નવાર દબાણ કરવાનું ચાલુ રાખ્યું પરંતુ કૌશિક તે બાબત ટાળવા લાગ્યો. બંનેની શારીરિક જરૂરીયાતો સંતોષાઈ જતી હતી અને જીવન આગળ વધતું જતું હતું. જેમ જેમ સમય પસાર થતો રહ્યો તેમ તેમ બંને વચ્ચે પ્રેમ ઓછો થતો ગયો અને ઝગડા વધવા લાગ્યા. એક જ છત નીચે રહેતા હોવા છતાં બંને દુર થતા ગયા. હવે જાનવરોની જેમ ફકત શારીરિક જરૂરીયાત સંતોષવા સિવાયનો કોઈ સબંધ રહ્યો નહતો.

 

આર્થિક સદ્ધરતાના કારણે કૌશિકમાં સ્વચ્છંદતા પ્રવેશી ગઈ હતી. તે દારૂનું સેવન કરવા લાગ્યો. રેણુકાએ કૌશિકને સમાજમાં લગ્ન સિવાયના સબંધો નામ વિનાના અને અનૈતિક સબંધો છે અને સમાજ હજુ આવા સબંધોને માન્યતા આપતો નથી તેમ જણાવી તેની સાથે લગ્ન કરી તેમના સબંધોને સમાજમાં સન્માન આપવા ફરીથી ભારપૂર્વક વિનંતિ કરી પરંતુ કૌશિકે તે બાબતને ગૌણ માની તે તરફ દુર્લક્ષ સેવવા લાગ્યો.

 

એક દિવસે કૌશિક ખુબ દારુ પીને આવ્યો. રેણુકાને દારૂથી સખ્ત નફરત હતી તેથી તેણે કૌશિકને ઘરમાંથી નીકળી જવા કહ્યું. કૌશિકે રેણુકાને ધક્કો માર્યો. તે ફર્શ પર પડી ગઈ અને આખી રાત કણસતી રહી. સવારે કૌશિક રેણુકાને દવાખાને લઇ ગયો. રેણુકાના જમણા પગનો ગુટકો તૂટી ગયો હતો. ઓપરેશન કરવું પડ્યું. રેણુકા અપંગ થઇ ગઈ. તેણે હવે બગલ ઘોડીના સહારે બાકીનું જીવન જીવવું પડશે તેવું ડૉકટરે જણાવ્યું. કૌશિકને હવે અપંગ રેણુકા બોજ લાગવા માંડી. તે રેણુકાને તેના હાલ પર છોડી ચાલ્યો ગયો.

 

કૌશિકને દારૂના વ્યસનના કારણે લિવરમાં ઇન્ફેક્શન થયું હતું. તે બિમાર રહેવા લાગ્યો. ઘણા સમયથી ઉપચાર ચાલુ હોવા છતાં તેની તબિયતમાં કોઈ સુધારો થતો ન હતો. દિવસે દિવસે તેનું શરીર નબળું પડતું જતું હતું. એક દિવસે તે પથારીમાં પડ્યો પડ્યો કણસતો હતો ત્યારે તેના ઘરની બહાર કોઈ ભિખારીએ મદદની યાચના કરી. તેને પથારીમાંથી ઉઠવાનું મન થતું ન હતું છતાં ભીખારીની આજીજી સાંભળી તે થોડુક પરચુરણ લઇ તેને આપવા બહાર આવ્યો. ભિખારી પોતાની અપંગ પત્નીને તેની પીઠ પાછળ બેસાડી ભીખ માગવા ઉભો હતો.

 

આટલું ચાલવામાં નબળાઈના કારણે કૌશિકને હાંફ ચઢી ગયો. તેને ગભરામણ થઇ અને ઉલટી થવા લાગી એટલે તે નીચે બેસી ગયો. ભિખારીએ કૌશિકની હાલત જોઈ પોતાની પત્નીને તેની પીઠ પરથી નીચે ઉતારી કૌશિકની પીઠ પર હાથ ફેરવ્યો. કૌશિકને થોડીક રાહત થઇ.

 

કૌશિક સ્વસ્થ થયો ત્યાં સુધી ભિખારી ત્યાં ઉભો રહ્યો. કૌશિકે ભીખારીને પૂછ્યું “ ભાઈ, કેમ તું આ બાઈને તારી પીઠ પર બેસાડી ભીખ માગે છે ?

 

ભિખારી બોલ્યો, “ સાહેબ, આ મારી પત્ની છે. અમે બે જ જણા છીએ તો કોના ભરોસે મારી પત્નીને મૂકી ને આવું ! આ અપંગને આખો દિવસ કોણ સાચવે ? તેની જરૂરીયાતો કોણ પૂરી કરે ? તે મારી પત્ની છે એટલે સાહેબ તેને સાચવવાની જવાબદારી પણ મારી જ છે એટલે હું તેને સાથે લઈને ફરું છું.” કદાચ વધારે પડતું બોલાઈ ગયું હોય તેવું તેને લાગતાં તે ચુપ થઇ ગયો.

કૌશિકે ભિખારીને પુછ્યું, “તારી પત્ની જન્મથી અપંગ છે ?”

ભિખારી, “ ના સાહેબ, એક વખતે અમારી વચ્ચે ઝઘડો થતાં તેણે આપઘાત કરવા ટ્રેન આગળ ઝંપલાવ્યું મેં તેને ખેંચી લીધી તેમ છતાં તેના બંને પગ કપાઈ ગયા. “ કૌશિકના મોઢામાંથી હળવો સિસકારો નીકળી ગયો.

 

 

 

કૌશિક “ કેટલા વર્ષ થયા એક્સિડન્ટ ને ?”

ભિખારી “ દસ વર્ષ, સાહેબ“

ભિખારીએ ભોળાભાવે કૌશિકને પુછ્યું ”સાહેબ તમારા ઘરમાં તમારી દેખભાળ રાખવા વાળું બીજું કોઈ નથી ?”

કૌશિકે કોઈ જવાબ ન આપ્યો. ભિખારીને થોડી રકમ આપી રવાના કર્યો.

 

કૌશિક ઘરમાં આવી પથારીમાં પડ્યો. એક પતિ હોવાના નાતે છેલ્લા દસ વર્ષથી અપંગ પત્નીને તેની સામાજિક જવાબદારી સમજી હસતા મોઢે સાચવનાર તે ભિખારીની પત્નીભક્તિ અને માણસાઈ જોઈ તેનું હૃદય દ્રવી ઉઠ્યું.

 

ભિખારીના શબ્દો ”સાહેબ તમારા ઘરમાં તમારી દેખભાળ રાખવા વાળું બીજું કોઈ નથી ?” એ તેના હૃદયમાં ઉથલ પાથલ મચાવી દીધી હતી. તેને રેણુકાની ખુબ તિવ્રતાથી યાદ આવી ગઈ. તેને થયું જો તેણે રેણુકા સાથે લગ્ન કરી તેણે કાયદેસરની પત્નીનો દરજ્જો આપ્યો હોત તો આજે તે તેની પાસે હોત અને તેની સેવા કરતી હોત. તેને એ વિચારીને ખુબ અફસોસ થયો કે એક ભિખારી પોતાની અપંગ પત્નીને પોતાની પીઠ પર બેસાડી હસ્તે મોઢે તેનું જીવન ગુજારે છે જયારે તેણે રેણુકાને પંગુતાની હાલતમાં તરછોડી દીધી હતી. તેને પોતાની જાત પર ઘૃણા ઉપજી. તેણે તેની ભૂલ સધારી રેણુકાને અપનાવી લેવાનો નિર્ધાર કર્યો. તેના આ નિર્ધારથી તેના શરીરમાં એક અકલ્પનિય તાજગી આવી ગઈ. જાણે તે બીમાર જ ન હોય તેવું તેને અનુભવાવા લાગ્યું.

 

કૌશિકે રેણુકાને વોટ્સઅપ અને ઈમેઈલ દ્વારા તેનો તાત્કાલિક સંપર્ક કરવાની વિનંતી કરતા સંદેશા મુક્યા. કૌશિકના બંને મેસેજ બે દિવસ સુધી વાંચ્યા વિનાના પડ્યા રહ્યા એટલે તેને રેણુકાની ફિકર થવા લાગી. તેણે રેણુકાનો મોબાઈલ હેક કરી તેનું લોકેશન મેળવ્યું. તે બેંગ્લોર હતી. કૌશિક બેંગ્લોર પહોચ્યો. ત્યાં જઈ ફરી તેનું લોકેશન ફાઈન્ડ કરતાં બેંગ્લોરની એક હોસ્પીટલનું લોકેશન મળતું હતું. તે હોસ્પિટલ પહોચ્યો. રેણુકા હોસ્પિટલમાં મરણ પથારીએ હતી. તેનું શરીર સાવ કંતાઈ ગયું હતું. તેની પથારીની બાજુમાં લાકડાની બગલ ઘોડીઓ રેણુકાની અપંગતા દર્શાવતી હતી. તે કણસતી હોવા છતાં આંખો બંધ કરી કૌશિક....કૌશિક... નું રટણ કરતી હતી. કૌશિક રેણુકાની તેના તરફની આસક્તિ જોઈ પ્રશ્ચાતાપથી રડી પડ્યો. તેના ગરમ આંસુ રેણુકા પર પડતાં રેણુકાએ પોતાની આંખો ખોલી.

 

કૌશિકને જોઈ રેણુકાના મુખારવિંદ પર આનંદ મિશ્રિત ફિક્કું હાસ્ય ફેલાયું. કૌશિક તેની પથારી પર બેઠો. તેણે રેણુકાનો હાથ પોતાના હાથમાં લીધો. બંનેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા માંડી. કૌશિક રેણુકાનું શિર તેના ખોળામાં લઇ તેના લુખ્ખા વાળોમાં હાથ ફેરવવા લાગ્યો. બંને કંઈ બોલતા ન હતા પરંતુ બંનેના હૃદયો એક બીજાની લાગણીનો પડઘો પાડતા હતા.

 

રેણુકા કૌશિકની માવજતમાં સાજી થવા માંડી. પુરા એક મહિના પછી રેણુકાને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી. કૌશિક સૌ પ્રથમ રેણુકાને મંદિર લઈ ગયો. ત્યાં તેણે રેણુકા સાથે લગ્નના સાત ફેરા ફરી તેના માથામાં સિંદુર પૂરી તેમના નામ વિનાના સબંધોને સમાજને સ્વિકાર્ય નામ આપી સન્માન બખશ્યું.

 

કૌશિકે રેણુકાને કહ્યું, “ રેણુકા, આજે મને એહસાસ થયો કે જીવન જીવવા માટે નૈતિકતા અને સામાજિક બંધનો કેટલા જરૂરી છે અને આટલી નાની વાત સમજવામાં મેં જીદગીના ઘણા કિમતી વર્ષો બરબાદ કરી નાખ્યા છે. મને માફ કરજે.”

“ દેર સે આયે, દુરુસ્ત આયે “ કહી રેણુકાએ કૌશિકની આગોશમાં પોતાની જાતને સમાવી દીધી.

 

 

- આબિદ ખણુંસીયા ( "આદબ" નવલપુરી)

- તા. ૦૨-૦૧-૨૦૧૯.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED