મારી ચૂંટેલી લઘુકથાઓ - 34 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 34

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

જનપથના ચાર રસ્તા

શાહી સવારી રાજપથ પર આગળ વધી રહી છે. વિન્ટેજ વિક્ટોરિયા બગીમાં અરબી ઘોડાને બદલે ગુલામોને જોડવામાં આવ્યા છે. ભીસ્તીઓ પોતાની મશકમાંથી આગળ આગળ છંટકાવ કરતા જઈ રહ્યા છે. સુંદર યુવતિઓ પુષ્પવર્ષા કરી રહી છે. બંને તરફ પ્રજા હાથ જોડીને અભિવાદન કરી રહી છે. તેમની આંખો નીચે ઝુકેલી છે. કોઈને પણ આંખ ઉંચી કરવાની અનુમતી નથી. રાજ સેવક હન્ટર લઈને ઉભા છે.

પ્રચંડ સૂરજ હવે માથા પર આવીને ચમકી રહ્યો છે. શાહી સવારી એક તોરણદ્વાર પાસે આવીને પહોંચી રહી છે. ગુલામોના પગ થાકી રહ્યા છે. તેમની ચાલ સુસ્ત પડી રહી છે અને ત્યાંજ કોચમેનની ચાબુક તેમની પીઠ પર જોરથી સબાકો બોલાવે છે.

“આ ખોટું થઇ રહ્યું છે!” સુરક્ષાની અભેદ્ય કિલ્લેબંધી તોડીને તોરણદ્વાર તરફથી એક અર્ધનગ્ન વ્યક્તિ કુદકો મારીને રાજપથ પર પહોંચી ગયો.

સુરક્ષાકર્મીઓ તેના પર કુદી પડ્યા.

“ઉભા રહો!” રાજપુરુષનો ગંભીર અવાજ રાજપથ પર ગુંજી ઉઠ્યો તો સુરક્ષાકર્મીઓના પગ ત્યાંને ત્યાંજ સ્થિર થઇ ગયા.

“શું ખોટું થઇ રહ્યું છે નવયુવાન?” ભારે અવાજમાં સત્તાનો સ્વર સામેલ હતો.

“તમારી બગીમાં ઘોડાની જગ્યાએ માણસોને જોડવામાં આવ્યા છે.”

“ના નવયુવાન, અમારી બગી તો ઘોડાઓ જ ખેંચી રહ્યા છે.”

“તમે ખોટું બોલી રહ્યા છો...”

“રાજપુરુષનું વચન ક્યારેય અસત્ય નથી હોતું. કોચમેન, શું અમારી બગ્ગીમાં માણસોને જોડવામાં આવ્યા છે?”

“નહીં રાજપુરુષ, બગીમાં તો અરબી ઘોડાઓજ જોડવામાં આવ્યા છે. ગયા મહીને જ તો તમે અરબી વ્યાપારી પાસેથી તેને ખરીદ્યા છે.”

“હવે તો તું સંતુષ્ટ છે ને નવયુવાન?” રાજપુરુષ વિશ્વાસભર્યા અવાજે કોચમેનને બગીને આગળ વધારવાનો આદેશ આપી ચૂક્યો છે.

કોચમેનના વારંવાર ચાબૂક મારવા છતાં બગી આગળ નથી વધી રહી. અર્ધનગ્ન વ્યક્તિ સામે છાતી તાણીને ઉભો છે. બગીમાં જોડાયેલા ગુલામો હવે સીધા ઉભા થઇ ગયા છે. કોચમેન અને રાજપુરુષ સાથે બગી પણ હવે પાછળની તરફ ખસી રહી છે. રાજપથની બંને બાજુએ ઉભી રહેલી પ્રજાની દ્રષ્ટિ હવે ઉપર ઉઠી રહી છે. સુરક્ષાની કિલ્લેબંધી હવે તૂટી ગઈ છે. ભીડે આગળ વધીને પેલા અર્ધનગ્ન વ્યક્તિને પોતાના ખભે ઊંચકી લીધો છે. રાજપુરુષ રસ્તા પર ઉભા ઉભા ધ્રુજી રહ્યો છે.

સામે જ જનપથના ચાર રસ્તા છે.

***