મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
બેચેની
ગામડાની શેરીઓમાં અંધારું ઉતરવાનું શરુ થઇ ગયું છે. સુકા થઇ ગયેલા નળમાં પાણીની ધાર ટપકવાની શરુ થઇ ચૂકી છે. અંધારું ઉતરવાની સાથે જ શેરીઓમાં લાગેલા થાંભલાઓ પર આગીયા જેવા લાગતા લાઈટના બલ્બ ચાલુ થઇ ચૂક્યા છે.
દેશની એક મોટી પાર્ટી આ વખતે ચૂંટણીઓમાં એ ઉમેદવારોને જ ટીકીટ આપવાની છે જેમની જીત પર તેમનો પૂરો વિશ્વાસ હોય. તેના માટે હાઈકમાન્ડ એક ખાસ સર્વેક્ષણ પણ કરાવી રહ્યું છે. સર્વેક્ષણ દળ દરેક મતદાન ક્ષેત્રમાં જઈને મતદાતાઓના મન પારખવાની કોશિશ કરી રહ્યું છે.
હું એક સર્વેક્ષણ દળના મારા બીજા બે સાથીઓ સાથે આ ગામડાની મુલાકાતે આવ્યો છું. જીપ આગળ વધી રહી છે.
“આ ખેતરોમાં બનેલી જે સમાધિઓ તમે જોઈ રહ્યા છો...” સ્થાનીય પ્રતિનિધિએ મારી આંખોમાં રહેલા આશ્ચર્યને જોઇને બોલવાનું શરુ કર્યું... “તે એ વીર પુરુષોની છે જેમણે આપણા દેશ માટે સર્વોચ્ચ બલીદાન આપ્યું છે...”
સાંજ ઢળતા પહેલા જ ગામમાં અમારા આવવાના સમાચાર પહોંચી ચૂક્યા હતા. દરેક જાતિ અને ધર્મના લોકો ચોરે આવીને ભેગા થઇ ગયા છે.
મેં બધા સાથે અલગ અલગ વાત કરીને એમનું મંતવ્ય જાણવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ બધાએ એક સૂરમાં તેને નકારી કાઢ્યો.
“કેમ...?”
“અમે નિર્ણય લઇ લીધો છે કે અમારે કેવો ઉમેદવાર જોઈએ...”
મારી આંખમાં હવે અસંખ્ય પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
મુખીનો દ્રઢ સ્વર દરેકના કાન સાથે અથડાઈ રહ્યો છે, “હા, આ વખતે આખા ગામે નિર્ણય કર્યો છે કે અમે એ જ ઉમેદવારને પોતાનો મત આપીશું જેના પરિવારનો કોઈ એક વ્યક્તિ દેશની સેવા માટે સરહદ પર ફરજ બજાવી રહ્યો હોય...”
મારા મોકલવા પહેલા જ સર્વેક્ષણનું પરિણામ રાજધાની પહોંચી ચૂક્યું છે અને હાઈકમાન્ડમાં બેચેની ફેલાઈ ગઈ છે.
***