Mahekta Thor - 15 books and stories free download online pdf in Gujarati

મહેકતા થોર.. - ૧૫

ભાગ- ૧૫

(વ્યોમ પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરે છે, હવે આગળ એની સાથે શું થાય છે એ જોઈએ.....)

વ્યોમે રાડ નાખી એટલે જે કઈ પણ કામ વગર દવાખાને આવેલા એ લોકો ફટાફટ બહાર નીકળી ગયા. બીજા બધા જે દર્દીઓ હતા એ અને એમની સાથે આવેલા હતા એ બધા મોટાભાગના ટોળું વળી વ્યોમના ટેબલ પાસે આવી ઉભા રહી ગયા. ફરી વ્યોમ અકળાયો. એણે છગનને બોલાવીને કહ્યું,

"આ બધાને એક એક કરીને મોકલ, આમ કઈ દવાખાનામાં અવાતુ હશે, કઈક મેનર્સ શીખવ આ બધાને."

વ્યોમ મનોમન બબડયો, ક્યાં આ ગમારોની વચ્ચે મને નાખી દીધો પ્રમોદ શાહે....

વ્યોમનુ ઉદ્ધત વર્તન ગામલોકો માટે નવું હતું. બહાર બેઠેલા શાંતા ડોશી બોલ્યા,

"મારા વિરલ હમો દાક્તર તો પાસો બીજો થાહે જ નઈ...."
ને એમની આંખો ભીની થઈ ગઈ.
આજુબાજુમાં બેઠેલા લોકોએ પણ નિઃસાસો નાખ્યો.
"હાસુ બોયલા શાંતા ડોહી, એના જેવો તો માણા દુનિયાની માલિકોયર ન મળે, ઈ તો ભગવાન એનું રૂપ ધરીને આયવો'તો....."

હજી ચર્ચા લાંબી ચાલત પણ છગન બહાર આવી એક પછી એક દર્દીઓને અંદર મોકલવા લાગ્યો એટલે ચર્ચા બન્ધ થઈ. વ્યોમ એક પછી એક દર્દીને તપાસતો ગયો ને દવાઓ આપતો ગયો. હજુ વ્યોમ ડૉકટર ન હતો બન્યો કે નહતી એની પાસે કોઈ ડિગ્રી, પણ પ્રમોદભાઈએ બધી જ વ્યવસ્થા કરી દીધી હતી એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એમ ન હતો, પણ વ્યોમ સામાન્ય રોગના દર્દીઓની જ સારવાર કરી શકે એમ હતો, બહુ મેજર રોગ હોય તો એને બાજુના શહેરની હૉસ્પિટલ પર દર્દીને મોકલી આપવો એવી સ્પષ્ટ સૂચના મળી હતી.

પણ ગામના મોટાભાગના દર્દી અહીં જ આવતા ને વ્યોમ પણ કોઈ પણ જાતના ડર વિના સારવાર પણ આપતો.

એક દિવસ છગન દોડતો દોડતો આવ્યો ને બોલ્યો,
"સાહેબ, એક છોકરીને સાપ કરડ્યો છે, તમે જરાક આવો ને..."

વ્યોમને થયું કે સિરિયસ કેસ છે તો એ જવા માટે તૈયાર થયો. એને જરૂરી સામાન છગનને આપ્યો ને એની સાથે ચાલતો થયો.

ગામને છેડે એક ઝુંપડા જેવા ઘરની અંદર વ્યોમ ગયો. વ્યોમને કઈક અલગ સુગંધ આવતી હોય એવું લાગ્યું, અંદર જઈને જુએ તો ધુપસળીઓનો ઢગલો, પાસે એક દસેક વર્ષની છોકરીને સુવડાવી હતી ને એક ભાઈ આંખ બંધ કરી કઈક મનમાં બબડતા હતા. વ્યોમ બોલ્યો,

"આ શુ કરો છો તમે બધા ? "

ત્યાં બેઠેલા ચાર પાંચ માણસોએ વ્યોમ તરફ જોયું એમાંના એક ભાઈ ઉભા થઈ ને આવ્યા ને બોલ્યા,

"છગના તને ના નતી પાયડી કે અમારે દાક્તર પાહે નથ ઝાવું, તો હુ કરવા આને તું લઈ આયવો."

સાપનું ઝેર ઉતારવા એ બધા અહીં બેઠા હતા. વ્યોમને ઘડીભર તો થયું કે જો આમને કઈ પડી ન હોય તો મારે શું લેવાદેવા પણ પછી થયું કે અહીં સુધી આવ્યો છું તો પછી મહેનત કરવામાં કઈ ખોટું નથી. વ્યોમ આગળ આવ્યો ને એ છોકરીનો હાથ પકડી ધબકારા જોવા લાગ્યો, છગન પાસેથી પોતાનું સ્ટેથોસ્કોપ લઈ ધબકારા જોયા બહુ ધીમા પડી ગયા હતા. વ્યોમ બોલ્યો,

"આને ઝડપથી દાખલ કરવી પડશે. જો સાપ ઝેરી હશે તો ડી-ટ્યૂબોક્યુરારીનની અસર નીચે એને લકવા પણ થઈ શકે ને મૃત્યુ પણ.."

આટલું કહેવા છતાં છોકરીના ઘરના કોઈ હલ્યા નહિ. અંધશ્રદ્ધાની તાકાત એટલી બધી હોય છે કે એ માણસના વિચારોને બાંધી લે છે, અતિ વિશ્વાસને કારણે સત્ય પણ ખોટું, ને છળકપટ લાગે. કહેવાય છે કે શ્રદ્ધા ને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે પણ એવું નથી બહુ મજબૂત દીવાલ છે, ને અંધશ્રદ્ધામાં ડૂબેલો માણસ એ દીવાલ ઓળંગી જ નથી શકતો, ને ખરું સત્ય એને ત્યારે જ સમજાય છે જ્યારે બધું રફેદફે થઈ ગયું હોય. અહીં પણ એવું જ થયું, ભુવા પાસે ગોઠવાયેલા લોકોને એ માણસ સાક્ષાત ભગવાન જ લાગતો હતો. વ્યોમ હવે વધુ ઉગ્ર થયો. એ છોકરીને લઈ જવા માટે આગળ આવ્યો ત્યાં તો બધા એકીસાથે બરાડી ઉઠ્યા,

"સાયબ, તમી તમારું કામ કરો ને હાલતી પકડો, સોકરીના ભાયગમાં જી હયસે ઈ થાહે..."

છોકરીની માએ પોક મૂકી. એની આંખો કહેતી હતી કે એને આ જે વિધિ થાય છે એમાં ભરોસો નથી પણ એ પતિની બીકે કઈ બોલતી ન હતી. વ્યોમને જોઈ એ બોલી,

"ફૂલ જીવી સોકરીને મારી નાખવી સે સ્હુ, હું તો કવ સુ ઈને દવાખાના ભેગી કરો, પણ મારું તો માને કૂણ..."

હવે ખરેખરી મુસીબત સર્જાઈ. છોકરીની મા હિંમત કરીને વ્યોમના પક્ષે આવી ગઈ. અત્યારે સુધી આંખ બંધ કરી બેઠેલા ભુવા જેવા લાગતા ભાઈ ઉભા થયા ને બોલ્યા,

"જો મગના મેં પેલા ઝ કીધુતું કે તમની વિહાહ ન હોય તો રેવા દે, જો આ તારી બાઈને મારા ઉપર વિહાહ નથ તો તું સોકરીને દાક્તર પાહે લઈ જા, જા."

હવે બે પક્ષ પડી ગયા, ઘરનો સ્ત્રીવર્ગ વ્યોમની તરફેણમાં ને પુરુષો બધા અંધશ્રદ્ધા ના ટેકે. સ્ત્રી-પુરુષ વચ્ચેની જંગમાં તો સ્ત્રીઓ જીતે એમ કદાચ બને પણ અંધશ્રદ્ધા સામે આજે એમનું જીતવું શક્ય લાગતું ન હતું. છગન હવે બોલ્યો,

"હું રતીમાને બોલાવી આવું હમણાં..." ને એ દોડતો ગયો.

પોતાનો ખેલ બગડશે એવું લાગતા ભુવા બનેલા ભાઈએ પુરુષોને ઉશ્કેરવાનું ચાલુ કર્યું. ને પુરુષો હવે વધુ ઉગ્ર બનતા ચાલ્યા, વ્યોમને કહે,

"સાયબ સેલી વાર કઈએ સીએ, તમી તમારો કેળો પકળો, અમારા ઘરમાં માથું મારોમાં નકર જોવા જેવી થાહે, આ ધારીયું કોઈનું હગુ નઈ થાય."

ધારીયાની બીકે કઈ વ્યોમ પાછો પડે એમ ન હતો, પણ એ ખુદ હેરાન થઈ કોઈની મદદ કરે એવો એનો સ્વભાવ પણ ન હતો. વ્યોમે સમજાવવાના પ્રયત્ન કર્યા પણ કોઈ માન્યું નહિ એટલે એને ત્યાંથી ખસી જવું યોગ્ય લાગ્યું. વ્યોમ ત્યાંથી નીકળી ગયો...

હોસ્પિટલમાં હવે કોઈ હતું નહીં તો વ્યોમ ઘરે જતો રહ્યો. રાત પડી ને હજુ તો વ્યોમને ઊંઘ આવી હતી ત્યાં તો એને દરવાજો જોરથી ખખડ્યો. કરમદાસ ને પહેલા દિવસે મળેલા સૃજનભાઈ બંને સામે ઊભા હતા. વ્યોમે કરમદાસને સૂચન કર્યું જ હતું કે ઇમરજન્સી સિવાય એને ઊંઘમાંથી કોઈએ જગાડવો નહિ. ને આ બંનેના મોઢા પરથી લાગ્યું કે કંઈક ગંભીર વાત છે.કરમદાસ બોલ્યા,

"સાહેબ રતીમાને માથામાં લાગ્યું છે, દવાખાનાની ચાવી તમારી પાસે છે બાકી તો છગન સંભાળી પણ લેત..."

વ્યોમને એટલી તો ખબર પડી ગઈ હતી કે આ રતીમા ગામની કોઈક મહત્વની વ્યક્તિ છે પણ ક્યારેય મળ્યો ન હતો બસ એના હાથની વાનગીઓ રોજ આરોગતો...

વ્યોમ ચાવી લઈ બંનેની સાથે નીકળ્યો, બહાર જઈને જુએ તો લોકોનો મેળો જામ્યો હતો, વ્યોમને આશ્ચર્ય થયું કે આ રતીમા માટે આટલા બધા લોકો કેમ આવ્યા હવે તો એને મળવું જ પડશે.. કોણ છે આ રતીમા ??

(રતીમા કોણ હશે ? વધુ વાત આવતા ભાગમાં....)

© હિના દાસા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED