હાથફેરો bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાથફેરો

વાર્તા : "હાથફેરો"

ઘરનું સંચાલન ડોશી પાસે હતું. બન્ને દીકરાઓ અને ડોસાની કમાણી ઘેર આવે એટલે તરત જ ડોશી, સાપ દેડકું ગળે એમ એ આવકને ગળી જતા. ઘરમાં રાખેલા ખખડધજ કબાટના બન્ને બારણાના નકુચામાં પરોવાઈને લટકતું હડમતાળુ, (જુનવાણી અને પ્રમાણમાં મોટું તાળું) ડોશીની કમરે ઝુલતી અને કટાઈ ગયેલી ડોશી જેવી જ ઘરડી ચાવીઓને કેમે'ય કરીને સારતું નહિ.એટલે ડોશી "આ મારું રોયું ખુલતું જ નથી ઝટ, ચંદુડાને કયને નવું આણવું જોહે " એમ બબડે એટલે બીકનું માર્યું તરત જ ખુલી જતું. આ હડમતાળુ પણ ગજબ હતું, એને ડોશીની ચાવીઓ સાવ ગમતી નહિ હોવાથી એ ડોસાએ સંઘરેલા એક લોખંડના વાળા સાથે આડો સબંધ બાંધી બેઠું હતું.
જ્યારે ડોશી આઘી પાછી થઈ હોય (ડોશી પાછી થાય-મરી જાય તો સારું એમ ઘરના બધા ઇચ્છતા પણ ડોશી પાછી થવાને બદલે માત્ર આઘી પાછી જ થતી !!) ત્યારે ડોસા એની પાસે આવતા.ખૂબ જ પ્રેમથી એ હડમતાળાને હાથમાં લઈ ચુમતા ત્યારે ખુશીનું માર્યું બાપડું એ તાળુ ખુલું ખુલું થઈ જતું.પછી ખૂબ નજાકતથી જ્યારે પેલો વાળો હડમતાળાની અંદર પેસતો ત્યારે એ અનેરો રોમાંચ અનુભવીને ફટાક લઈને ખુલી જતું.ત્યારબાદ ડોશીના હિસાબમાં બહુ મોટી ભૂલ ન આવે એ રીતે ડોસા હાથફેરો કરીને તાળાં ને પ્રેમથી બંધ કરી દેતા. કારણ કે એ તાળાને માત્ર ખોલવા માટે જ ચાવીની જરૂર પડતી, બંધ કરવા ચાવી જરૂરી નહોતી.
ઘરમાં જરૂરી બધી જ વસ્તુઓ ડોશી જ ખરીદી કરતા. સોસાયટીના નાકે ચેલારામ મારવાડી કરિયાણાની દુકાન લઈને બેઠો હતો.એ ચેલારામના નામમાં જ રામ હતા, કામમાં બિલકુલ એ શકુનીની ઓલાદ હતો.પણ ડોશીને પહેલા ખોળાના દીકરા જેટલો વ્હાલો હતો.કારણ કે એ ડોશીના મનમાં એવું ઠસાવવામાં સફળ થયો હતો કે આખા શહેરમાં ચેલારામ જેટલો સસ્તો વેપારી, દીવો લઈને શોધવા જાવ તોય જડે નહિ !! એ ચેલારામ ડોશીની મૂડી બે ટકાના વ્યાજે રાખતો.અને વ્યાજ જેટલું પણ થાય એ મૂડીમાં ઉમેરીને વ્યાજનું વ્યાજ ગણીને ડોશીની મૂડીનો આંકડો મોટો કર્યે જતો હતો.પણ આજ દિવસ સુધી એણે વ્યાજ પેટે પાવલી પણ ડોશીને આપી ન્હોતી. ડોશી અમરપટ્ટો લખાવીને આવી હોય એમ ચેલારામને વધુને વધુ રૂપિયા આપ્યે જતા હતા.અને ચેલકો ડોશી જેવી લોભીયણોની મૂડી મોટી થવાની રાહ જોઇને કરિયાણાની દુકાન ખોટ ખાઈને પણ ચલાવી રહ્યો હતો.
ડોશીનું ઘર સંચાલન પણ કાબીલેદાદ હતું. લક્ષમીજીને ઘરમાં આવવાનો માર્ગ નેશનલ હાઇવે જેવો અને જવાનો માર્ગ સાંકડી કેડી જેવો એમણે રાખેલો.પોતે વહેલા ચાર વાગ્યે ઉઠીને તૈયાર થઈ જતા. ઠંડા પાણીથી નહાવાથી અમૂકરોગ અડતા આવતા જ નથી એવું એ જાણી લાવેલા એટલે આખું ઘર શિયાળામાં પણ ઠંડા પાણીથી ન્હાવા ટેવાઈ ગયુ હતું. બાળકોને સાંજે જ નવડાવી દેવામાં આવતા અને શિયાળાની ટાઢ જેને લાગતી હોય એ ન ન્હાય તો પણ ડોશીને કોઈ વાંધો નહોતો.
ડોશીને લાઈટબીલ આવે એ બિલકુલ ગમતું નહી.(એક લાઈટબીલ જ શા માટે, કોઈપણ બિલ એમને પસંદ નહોતું) એના નિવારણ માટે એણે મોટા દીકરા લાલા પાસે મીટરમાં આંકડી નખાવીને એને ફરવાની મનાઈ ફરમાવી હતી. પણ વિધુતબોર્ડના અધિકારીની નજરમાં આ આંકડી આવ્યા વગર રહી શકી નહીં.અને ડોશીના ઘરનો લોડ ગણી ને દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો ત્યારે ડોશીએ એ સાહેબને પહેલા માફી માટે વિનવણી કરી જોઈ.પછી કોક નખોદીયાએ અમને સલવાડી દેવા આ કારસો કર્યો હોવાનું ગાણું પણ ગાઈ જોયું. તો પણ, સાહેબ ટસ ના મસ ના થયા ત્યારે બસ્સો પાંસો ખિસ્સામાં નાખીને હાલતું થવાની સ્કીમ પણ ડોશીએ લાલ આંખ કરીને સમજાવી જોઈ. સાહેબના ઘેર રહેલા એમના બીબી બચ્ચાંની દુહાઈ પણ કામમાં ન આવી ત્યારે પેટ ભરીને ગાળો ભાંડી.અને આવતા ભવમાં નરકમાં જવાનો શ્રાપ આપીને રડતાં રડતાં દસ હજાર ચૂકવ્યાં. અને આખો દિવસ ભૂખ્યા રહ્યાં અને આખી રાત રડ્યા.
બન્ને વહુઓને સવારે પાંચ વાગ્યે ઉઠવું પડતું.તે આ (દુર)ઘટના પછી ડોશીએ એ બન્નેને સાડા ચારનો ટાઈમ કરી આપ્યો એટલે વહુઓ પણ ખૂબ દાઝે ભરાયેલી હતી.
બન્ને વહુઓને સાડીનું ભરતકામ, ટીકી ચોંટાડવાનું, વગેરે કામ લાવી આપવામાં આવતું. ઉઠીને તરત જ સાડીઓ લઈને બન્ને બેસી જતી. ચા શરીરને નડતી હોવાનું સિદ્ધ થઈ ચૂક્યું હોવાથી ઘરમાં સવારે ચા બનતી નહી. દરેક જણને દૂધ પણ માપીને આપવામાં આવતું.અને એટલા માપ દૂધ જ લેવામાં આવતું.ક્યારેક દૂધ બગડી ગયું હોય કે ઢોળાઈ ગયું હોય તો તે દિવસે દૂધ વગર ચલાવી લેવામાં આવતું. ડોશીએ રાખેલો દુધવાળો સૌથી સારામાં સારી ભેંસોનું ચોખ્ખું દૂધ (ડોશીના માનવા મુજબ) ખૂબ જ ઓછા ભાવે આ માજીને આપતો. કારણ કે જ્યારે પણ દૂધનું બિલ એ લેવા આવે ત્યારે ડોશી એના હિસાબમાં ચોક્કસ ભૂલો કાઢતા. "ફલાણા દિવસે તો અમે બા'ર ગયા'તા, ઢીકણા દિવસે તો તું દૂધ દેવા જ નોતો આવ્યો, અને અમુક દિવસે મારી નાની વહુ એના છોકરાને લઈને મળવા ગઈ'તી એટલે તે'દી બે માપ ઓછું લીધું'તું." વગેરે અનેક ભૂલો કાઢીને દુધવાળાનું બીલ કાપ કૂપ કરી નાખવામાં આવતું. ત્યારબાદ ફાઇનલ રકમમાં પણ રાઉન્ડફિગર કરતા'ય ડોશીને ફાવતું. આમ શરૂઆતમાં ડોશીનો શિકાર બનેલો દુધવાળો પછી દૂધમાં પાણી નાખીને પોતાનો હિસાબ સરભર કરતો.
આવી રીતે શાકભાજીવાળા પણ ડોશીને સૌથી સારું (!) શાક સાવ સસ્તા ભાવે આપી દેતા. દરેક લારીવાળો આ માજીને ખાસ ઓળખતો અને એમના માટે અલગ જ શાક રાખતા. ડોશીને ક્વોલિટી સાથે કોઈ લેવાદેવા નહોતા, બસ સસ્તું જ જોઈએ.કારણ કે એમને પૈસો ખર્ચાય તે બિલકુલ ગમતી વાત નહોતી.
પરિણામે બાળકો કુપોષણના ભોગ બન્યા.ઘરમાં રોગચાળો ડોશીને પૂછ્યા વગર જ ઘૂસ્યો. પણ ડોશી જેનું નામ, એમ લાગે કે હવે ચાલે તેમ નથી ત્યારે જ દસ રૂપિયા કન્સલ્ટન્ટ ફી લેતા હોય એવા ઉત્તમ(?) ડોક્ટરની સારવાર કોચવાતા જીવે કરાવવા મંજૂરી આપતા.
આટલી વાત પરથી વાચકમિત્ર તમે સમજી ગયા હશો કે ડોશી કેટલી ઉદાર જીવ (?) ધરાવતી હશે.હવે એના શાસન નીચે જીવતા પ્રજાજનોની વાત કરીએ.
ડોશીનો મોટો છોકરો લાલજી ઉર્ફે લાલો (જેણે ડોશીના કહેવાથી લાઈટબીલ ઓછું લાવવા મીટરમાં આંકડી નાખેલી એ, ઓળખ્યો ?) હીરાની ઓફિસમાં જતો અને મહિનાને અંતે પગાર આવે એ ઘરે લાવીને તરત જ ડોશીને આપી દેતો. એટલે, એને ઓફિસે જવા આવવાનું રીક્ષા ભાડું અને રોજના વાપરવાના દસ રૂપિયા ડોશી આપતા. મોટેભાગે તો "જો બટા,બીજા કોક ઓફિસે જતા હોય ઇની વાંહે બેહી જવાય એટલે રિક્ષાભાડુ બચે" એમ કહીને પૈસા બચાવતા શીખવતા.લાલો પણ એમ જ કરતો. રોજ જતી અને આવતી વખતે કોઈ ને કોઈ લાલાને પોતાની બાઇક પર બેસાડી લાવતું. ડોશી એ મુજબ હિસાબ કરીને આગળના મહીને એ પ્રમાણે જ ફન્ડ ફળવતા. તેની વહુને આવું જરાય ગમતું નહી.સવારથી ઉઠીને આખો દિવસ સાડીવર્ક અને ઘરનું કામ ઢસડી ઢસડીને એ થાકીને લોથપોથ થઈ જતી. અને પથારીમાં પડતાવેંત ઘસઘસાટ ઊંઘવા માંડતી.લાલો એ ઉંઘતી ભાર્યાને પ્રેમ કરવા જગાડતો પણ એ જાગતી જ નહીં.એટલે લાલો પણ કંટાળીને સુઈ જતો.રજાના દિવસે બપોરે એ ખાઈને ઘરમાં જ સુઈ જતો એટલે એ રાત્રે એને ઊંઘ આવતી નહિ.પણ એની પત્નીને ક્યારેય રજા મળતી નહી. એટલે એ હંમેશની જેમ ઊંઘી જતી.અને લાલો ઉંઘતી પત્નીને ભોગવી લેતો. અને આ ઊંઘભોગના પરિણામ સ્વરૂપ એ બે બાળકોનો પિતા પણ બની ગયો હતો. મોટીવહુ થોડી માથાભારે હતી. ક્યારેક ડોશીની મનાઈ ઉપરવટ જઈને શિરો અને સુખડી બનાવતી અને બન્ને વહુઓ ખાઈ લેતી. ડોશી રાડો પાડે તો એ ડોળા કાઢીને ડોશીને બીવડાવતી.
મોટી વહુનો મોટો બાબો મુનીઓ પણ જબરો હતો.ડોશી ક્યારેય રમકડું લેવા દેતા નહીં અને ચોકલેટ લેવા પાંચ્યુ'ય આપતા નહીં એટલે એને પણ દાદીમાં જરા'ય ગમતા નહી.એટલે એ દાદા સાથે બહાર જવા જીદ કરતો અને ચોકલેટ લેવડાવતો.અને નાના ભાઈ બહેન માટે પણ લાવતો.
સવારે પાંચ વાગ્યે ડોશી રૂમના દરવાજા જોરથી ખખડાવીને બન્ને વહુઓને જગાડતી ત્યારે લાલાની વહુ આળસ મરડવાના બહાને અવળું ફરીને સુતેલા અને પોતાને ઊંઘમાં જ ભોગવી ગયેલા ભરથારને વાંસામાં એક ઢીકો ઠોકીને દાઝ ઉતારતી.એ ઢીકાના પ્રહારથી પણ એ ભરથાર જાગતો નહીં.
બન્ને વહુઓ જાગીને તરત જ કામે વળગતી.નાની વહુ નયના બિચારી ગરીબ માં બાપનું સંતાન હતી. એને સાસરે વળાવી ત્યારે એ પિતાને ગળે વળગીને ખૂબ જ રડેલી.બાપ બેટીનું એ હૃદય દ્રાવક રુદન ડોશીને ખૂબ જ ખટકેલું. "એવા તે વળી શાના હેત ઉભરાઈ જાતા હશે, નવી નવાઈની છોડી વળાવી રીયા છે વેવાઈ, જગતમાં પહેલીવાર નું નથી, હવે છાના રીયો અને અમને જાવ દયો ભૈશાબ" ડોશીની એ કટુવાણી ને કારણે નયના તરત જ એના પિતાથી અળગી થઈ ગઈ હતી.પણ એના હૈયામાં ડોશીનો ખોફ એ ક્ષણથી જ બેસી ગયો હતો. સારા ઘરમાં દીકરી દીધી પણ સાસુ વઢકણી હોવાના ખ્યાલે એ દીકરીને ઘેર વારંવાર આંટો મારવા અને પોતાની દીકરીનું સુખ જોવા આવી ચડતો. પણ જે ઘરમાં ચા બનાવવા પર પ્રતિબંધ હોય ત્યાં વારંવાર આવતા વેવાઈ અને એ પણ વહુંના ગરીબ બાપનું માન કેવી રીતે જળવાય ?
"બહુ દાઝતું હોયને તો તમારી દીકરીને લઈ જાવ પાછી વેવાઈ, બાકી આમ છાછવારે ( વારે ઘડીએ- આમ તો ગામડામાં દર બે દિવસે છાછ બનાવવામાં આવતી, એટલે જે દિવસે છાછ બનાવવામાં આવી હોય તે દિવસને છાછવાર કહેવાતો. કોઈ કામ અવારનવાર કરવામાં આવતું હોય તો છાછવારે કરવામાં આવે છે તેમ કહેવાય) દીકરીના ખબર લેવા આવી પોગો છો તે અમને જરીકે'ય ગમતી વાત નથી હમજયા"
ડોશીના આ પ્રતિબંધ પછી પણ એ દીકરીનો બાપ પોતાના ઘેર કંઈ પણ સારી વસ્તુ બનાવી હોય તો ખાસ પોતાની દીકરી માટે ઉભાઉભ આપી જતો.અને પાણી પીવા પણ રોકાતો નહી. પોતે ખાય અને દીકરી રહી ન જાય એ ભાવથી પહોંચાડેલી એ વાનગીનો મોટો ભાગ ડોશી અને છોકરા ઝાપટી જતા અને રાત્રે નયનાને (નાની વહુ) સંભળાવતા
"મોઢામાં'ય ગરે નહિ એવું કંઈક આપી જ્યા'તા તારા પપ્પા, અમને તો જરીકે'ય નો ભાવ્યું.એ પડ્યું ઓલ્યા ડબલામાં. ગળસી લેજે નકર પછી કે'શે કે બા ખાઈ જ્યા" એમ કહેતા. વધ્યું ઘટ્યું ખાલી ચાખવા પૂરતું જ નયનાના ભાગમાં આવતું.
ગરીબ બાપની એ દીકરી પિતાએ મોકલેલી વાનગી જરીક ચાખીને ડબ્બો ધોઈ નાખતી. અને "હવે પછી ક્યારેય મારા માટે કોઈ વસ્તુ દેવા ના આવતા" એવી ચિઠ્ઠી ડબામાં મૂકી દેતી.અને પોતાની સાથે ભણતા "દેવ" જેવા દેવને યાદ કરીને રડી લેતી. જે ખૂબ જ ગમતો હોવા છતાં અને જેને ખૂબ જ પ્રેમ કરતી હોવા છતાં એને માત્ર ઘરનું મકાન નહી હોવાથી પિતાએ એની સાથે ન પરણાવીને, આ ઘરના મકાનવાળી ડોશીના નાના અને સાવ નપાવટ દીકરા સાથે પરણાવીને ખૂબ જ સુખી (!)કરી હતી.ક્યારેક એનાથી નિસાસો પણ નખાઈ જતો.પિતાની ઈચ્છા અને આબરૂ ખાતર એ બિચારી પોતાના પ્રેમનું બલિદાન આપીને ચૂપચાપ પરણી ગઈ હતી.
ડોશીનો નાનો દીકરો નરેશ સાવ નપાવટ હતો.એ ડોશીને બિલકુલ ગણકારતો નહિ.રાત્રે રખડીને ખૂબ મોડો ઘેર આવીને ઘોંટી જતો. ક્યારેક જાગતો હોય તો કોઈક છોકરીઓ જોડે ઝીણા અવાજે વાતો કર્યા કરતો. વળી ક્યારેક કામ કરીને થાકી ગયેલી તેની પત્નીને પરાણે ઉઠાડીને મોબાઈલમાં સેક્સી કલીપો બતાવીને એને ભોગવતો.મોટે ભાગે એ બળાત્કાર જ કરતો એને શરીરે બચકા પણ ભરી જતો. નયનાના ગળે અને ગાલ પર ઉપસેલા લાલ ચકામાં જોઈને પડોશણો હસી હસીને એને ભાગ્યશાળી કહેતું, "નયનાબેન, તમને તો નરેશભાઈ ખૂબ પ્રેમ કરે હો'' કહીને એ બધી હસી પડતી. નરેશનો પ્રેમ એનાથી કેમે'ય સહેવાતો નહિ. બન્ને વહુઓ વચ્ચે બહેનો જેવો સંપ હતો.ડોશી બહાર જાય એટલે બેઉ પોતપોતાનું દુઃખ વહેંચતી અને એકબીજાના આંસુ લૂછતી. મશીનની જેમ બન્ને આખો દિવસ સાડી વર્ક કર્યા કરતી. બાળકોના અભ્યાસ પાછળ કોઈ જ ધ્યાન આપી શકતું નહીં. અને ડોશીના શાસન નીચે અછતમાં ઉછરતા બાળકો અસંસ્કારી અને સાવ અસભ્ય હતા.ખાવાપીવાની ચીજ વસ્તુઓ જ જ્યાં ભરપેટ ન મળતી હોય ત્યાં રમકડાં અને ફ્રુટની તો વાત જ કેમ વિચારાય.ક્યારેક ડોસા કેળા કે સફરજન લાવે તો વળી બાળકોને મળતા.વહુઓ તો કામવાળી કરતા'ય બદતર દશામાં જીવતી. એમને કોઈ બહાર હરવા ફરવા લઈ જતું નહિ. સગા સંબંધીઓમાં લગ્ન પ્રસંગે કે કંઈક શુભ પ્રસંગે જવાનું હોય તો ડોશી જ જઈ આવતા.જેથી લાવવામાં આવેલી સાડીઓનું ભરતકામ વહુઓ કરી શકે. વહુઓને કંઈક અરમાન હોય, ઇચ્છાઓ હોય એવુ ડોશીને ક્યારેય લાગતું નહિ.
એકવાર નાની વહુને સખત તાવ આવ્યો.પણ તાવ આવ્યો છે એ જણાવવાની એની હિંમત ન ચાલી. વહેલી પાંચ વાગ્યે ઉઠીને, તાવને કારણે ધ્રૂજતી ધ્રૂજતી સાડી ભરવા બેઠેલી નયનાને જોઈને મોટી વહુએ પૂછ્યું, " કેમ ધ્રૂજે છે ? તને મઝા નથી કે શું ?" એમ કહીને એનો હાથ પકડ્યો.અને દાઝી ગઈ હોય એમ તરત જ પાછો ખેંચીને બોલી, "હાય હાય, તને તો કેટલો તાવ ભર્યો છે, જા સુઈ જા. સવારે નરેશભાઈને કહીશ તને દવાખાને લઈ જશે"
"ના ભાભી, સુઈ જઈશ તો બા ને નહિ ગમે, હળવે હળવે થાય એટલું કામ કરૂં છું" નયનાએ બીતા બીતા કહ્યું.
મોટીએ માળા ફેરવતા ડોશી સામે જોઈને પૂછ્યું " નયના ને ખૂબ તાવ ચડ્યો છે, એ સુઈ જાય ?"
"હવે એવા તે શાના તાવ આવતા હશે ? કામ નો કરવાના બાના કાઢે છે, અને તાવ આવ્યો હોય તે શું સુઈ જાશે તો ઉતરી જાશે ? છાનીમાની સાડી પુરી કરો, સવારે નવો માલ આપવા આવે ત્યારે આ સાડીઓ આપવાની છે. પછી નઈ સારું હોય તો મેડીકલમાંથી તાવની ટીકડી મંગાવી દેશું " કહીને ડોશી માળા ફેરવવા માંડ્યા.
મોટી વહુનો પિત્તો છટક્યો. "બા, એને તાવ આવે છે અને આખી ધ્રૂજે છે, એને સુઈ જવા દો કહું છું "
"લે, બેસ છાની માની. મારી સામું બોલી જ કેમ ? જાગવા દે લાલાને, બે લાફા પડશે એટલે ભાન થશે '' ડોશી એ ડોળા કાઢ્યા.
મોટીએ નયનાનો હાથ પકડીને ઉભી કરી. "ભાભી, રે'વા દયો ને. નકામો ઝગડો વધી પડશે" એમ નયના બોલતી રહી.પણ આજ મોટી વહુ વિફરી હતી.નયનાને એના રૂમમાં સુવડાવીને ગોદડા ઓઢાડ્યા. પલંગમાં પોઢેલા દિયરનો પગ જોરથી ખેંચ્યો. પેલો ઝબકીને જાગ્યો, "કોણ છે કોણ છે ?"
"કોણ હોય, તમારી અભાગણી વહુ. બિચારી તાવમાં શેકાઈ રહી છે અને તમારી માં ને સાડીયુંની ઉપાધિ છે. જરીક પણ દયા જેવો છાંટો હોયને, તો સવારે આ બિચારીને દવાખાને લઈ જાજો. નકર બયરી વગરના થઈ જાશો. પછી બીજીને તો આ ઘરમાં હું જીવું ત્યાં લગી ઘરવા નહિ દઉં. રે'જો આખી જિંદગી વાંઢા"
આંખો ચોળતો નરેશ કાંઈ કહે એ પહેલાં તો એ બહાર જઈને સાડીઓનો ગોટો વાળીને પોતાના રૂમમાં જઇને સુઈ ગઈ. ડોશી મોટી વહુનું રોદ્ર સ્વરુપ જોઈને ડઘાઈ ગયા.
સવારે નરેશને બોલાવીને કહ્યું, "જો બટા, નયનાને તાવ આવ્યો છે એટલે દવાખાને લઈ જા. પણ ડોકટર રિપોર્ટ બીપોર્ટ કરાવવાનું કે તો તું ઈને તારા સસરાના ઘરે મૂકી આવજે. આફુરા દવા કરાવશે.ઇની દીકરી છે તે ઇ જ કરાવેને, ઈમાં શુ નવાઈ છે "
અને સાચે જ પેલો કહ્યાગરો દીકરો નયનાને શ્વસુર ગૃહે મૂકી આવ્યો. પોતાના કાળજાના ટુકડા જેવી દીકરીને જોઈને બાપ રાજી રાજી થઈ ગયો. પણ જ્યારે એણે જાણ્યું કે દીકરી તો તાવમાં તરફડી રહી છે ત્યારે એ તરત જ એને હોસ્પિટલ લઈ ગયો. ટાઈફોઈડ નું નિદાન થયું અને એક મહિનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી. કારખાનાના શેઠ પાસેથી દસ હજાર વ્યાજે લઈને એણે પોતાની દીકરીની સારવાર શરૂ કરાવી. પણ એક મહિનો આરામ કરાવવા માટે એની સાસુની પરવાનગી લેવી જરૂરી હતી.
"દાગતર તો સાવ ખોટીના. આ તો કેટલા'ય ટેમથી મળવા નોતી મોકલી એટલે કીધું કે બે'દી ભલે જાતી. પણ ન્યા જઈને તો માંદી પડી. આંય હોત તો મોટા દવાખાને લઈ જાત. તરત સારું થઈ જાત. પણ હવે જે થયું ઇ,દવા સરખી કરાવજો અને રિપોર્ટ બીપોર્ટ કઢાવી લેજો પાછા, આમાં ચીકણાઇ નો કરતા " ડોશીએ ગરીબ વેવાઈને રજા આપીને ઉપકાર કર્યો. અને આવી પડેલા ખર્ચને બારોબાર પતાવી નાખ્યો. છતાં એક મહિના સુધી સાડીઓ ઓછી ભરાશે એનો રંજ તો થયો જ !
"હા, હા. એ કંઈ કહેવાનું હોય ? મારી દીકરીની દવા કરાવવામાં થોડો હું પાછો પડું ? કેમ બરોબરને વેવાઈ ?'' વેવાઈએ બીડીનું ઠૂંઠું ચુસતા ડોસા સામું જોઈને કહ્યું.
ડોસાએ જવાબ આપવા મોં ખોલ્યું પણ બીડીના ધુમાડા સાથે ખાંસી ચડી એટલે કંઈ જવાબ વાળી શક્યા નહી. વેવાઈ એમને ખાંસતા મૂકીને ચાલ્યા ગયા.
એ દિવસે બપોરે ડોશી જ્યારે આડે પડખે થયા (સુઈ ગયા) ત્યારે ડોસા પેલો વાળો લઈને કબાટના બારણે લટકતા હડમતાળાને રમાડતા હતા. મોટી વહુએ નજરો નજર જોયું કે સસરાજી હાથફેરો કરી રહ્યા છે ! મોં પર આંગળી મૂકીને ડોસાએ એને ચૂપ રહેવાની સંજ્ઞા કરી. આવી રીતે ઘણીવાર ડોશીની માયામૂડી પર હાથફેરો કરીને બન્ને વહુઓને ડોસા પૈસા આપતા. અને સાડીઓ લેવા મુકવા જાય ત્યારે બન્ને વહુઓ એમને ભાવતા નાસ્તા પાણીની મોજ ઉડાવતી. ક્યારેક મનગમતી ચીજ વસ્તુ પણ ખરીદી લાવતી.
" નયનાની દવા સારું " એટલું હળવેથી બોલીને ચાલ્યા ગયેલા સસરાને મનોમન વંદન કરીને એ સાડી ભરવા બેસી ગઈ.
સાંજે પાંચ લીલા નાળિયેરના ત્રોફા, બે કિલો સફરજન અને ચીકુ, પપૈયા વગેરે ફળોનો ટોપલો મજૂર પાસે ઉપડાવીને ડોસા વેવાઈના ઘેર પોતાની નાની વહુની ખબર લેવા પહોંચી ગયા. વેવાઈના હાથમાં દસ હજારનું બંડલ પકડાવીને ડોસા બોલ્યા, "તમારા વેવાણ જરીક કડવા છે, એના બોલ્યા સામું નો જોશો. આ પૈસા અને ફળ આપવા મને પરાણે મોકલ્યો છે. એની જબાન કડવી છે પણ પોતે બહુ મીઠી છે. બિચારી વહુની બહુ ચિંતા કરતી'તી. કામ હતું એટલે આવી નથી પણ કીધું છે કે સાવ આરામ થઈ જાય તાં લગણ ( ત્યાં સુધી) ભલે અહીં રહે.''
વેવાઈ પણ પોતાની પત્નીની લાજ રાખવા જૂઠું બોલતા ડોસાને સજળ નેત્રે જોઈ રહ્યા. નયનાને તો પોતાના સસરાના પગ પકડી લેવાનું મન થયું.
બીજા દિવસે ઘરમાં હુલ્લડ ફાટી નીકળ્યું. ડોશીએ ચેલારામને બે ટકાએ વ્યાજે આપવા ભેગા કરેલા દસ હજાર કબાટમાંથી કોઈ ચોરી ગયું હતું. એ આરોપ સ્વાભાવિક રીતે મોટી વહુના માથે આવી પડ્યો.
"મને ખબર નથી " એટલું જ બોલીને એ નીચું જોઈને સાડીમાં સ્ટોન ચોંટાડવા લાગી ગઈ.
"તું હમણાં બહુ જ ફાટીને ધુમાડે ગઈ છો, તારી સિવાય ઘરમાં કોઈ હતું જ નહીં એટલે બીજું કોણ પૈસા ચોરે ? તારા બાપે તને કોણ જાણે કેવા સંસ્કાર આપ્યા છે, હાળી કજાત.."ડોશી ઉકળ્યા હતા.
"તમારી કરતા મારા સંસ્કાર સારા છે, મારા બાપનું નામ લેતા નહી કહું છું, નકર.." વહુએ પણ ગરજવાનું ચાલુ કર્યું.
"નકર શુ હેં ? સાત વખત તારા બાપનું નામ લઈશ, હાળી કજાત..ચોરટી.." ડોશીએ દાટ વાળવાનું શરૂ કર્યું. બન્ને દીકરાઓ જાગીને રૂમમાંથી બહાર આવ્યાં. ડોશી તરત જ લાલાને ચોંટી, "જોઈ શુ રી'યો છો, તારી આ વાલા મુઈએ મારા કબાટમાંથી દસહજાર રૂપિયા ચોરીને એના બાપના ઘરે મોકલી દીધા છે, માર્ય બે લાફા એના ડાચાં ઉપર.."
માં ની આજ્ઞા થતા જ દીકરો મારવા દોડ્યો. અત્યાર સુધી બીડીનું ઠૂંઠું ચૂસતા ડોસાએ એ જોયું. વહુને મારવા જતા દીકરાનું બાવડું પકડીને ઉભો રાખી દીધો.જાણે કે સજ્જડ બ્રેક લાગી ગઈ. જડ ની જેમ ઉભા રહી ગયેલા દીકરાને એક તમાચો ખેંચીને ડોસાએ ત્રીજું નેત્ર ખોલ્યું.
"ઉભી રે'જે તારી જાતની,કોઈને સખ (સુખ) લેવા દેતી નથી " એમ મોટેથી ત્રાડ પાડીને ડોસાએ ડોસી ઉપર હુમલો કર્યો. બેઉ હાથે ડોશીને ત્રણ ચાર તમાચા ખેંચી કાઢ્યા. આ દેકારો સાંભળીને પેલો મુનિયો પણ જાગીને આવ્યો.દાદાને મારતા જોઈને એ કોઠાર રૂમમાંથી કૂતરા તગડવા રાખેલી લાકડી દોડાદોડ લઈ આવ્યો અને દાદાને આપી. ડોસાએ "શાબાશ મારા દીકરા" કહીને ડોસાએ સોટો ઉગામ્યો. એ જોઈને મોટી વહુ તરત જ દોડીને આડી ઉભી રહી, "બસ બાપુજી બસ. તમને મુનિયાના સમ છે જો બા ને મારો તો "
''જોયું, આ તારી વહુ. ત્રાસ ગુજારવામાં કંઈ બાકી નથી રાખ્યું તોય તને બચાવવા આડી ફરી છે. નકર આજ તો મારી જ નાખેત તને.તારા રૂપિયા મેં લીધા છે, આજ પે'લી વાર નઈ, કેટલીય વાર લીધા છે ડોબી. તું શું સમજે છે, નાની વહુંની દવા એનો બાપ કરાવે ? કે તારે કરાવવાની હોય ? બે'ય વહુઓ મારી દિકરીયું છે, ખબરદાર કોઈ દી એને સાડીયું ભરવા બેસાડી છે તો, આજ થી બધું જ બંધ કરી દેજે. નકર ઠાર મારી નાખીશ, હાળી લોભણી, જીવવું હરામ કરી નાખ્યું છે." પછી મોં ફાડીને બાઘાની જેમ
ઉભેલા નરેશને પણ બે તમાચા ચોડી દીધા, " સાલ્લા નપાવટ, પત્ની શુ કહેવાય એનું ભાન છે ? તારી માંએ કહ્યું એટલે તું બિચારીને એના ઘેર મૂકી આવ્યો એમ ? નાલાયક, એ તારી અર્ધાંગના કહેવાય એ ખબર છે,બે'ય ડોબીનાઓ આજ સાંભળી લેજો. વહુઓને હેરાન કરી છે તો હું હજી મરી નથી ગયો, ટાંટિયા ભાંગી નાખીશ સાલ્લાઓ "
ડોસાનું રોદ્ર સ્વરૂપ જોઈને ડોશી અને બેઉ દીકરાઓ ખૂબ જ ડરી ગયા. માત્ર અડધી કલાકમાં જ ત્રીસ વરસથી ચાલતા ડોશીના ક્રૂર શાસનનો અંત આવ્યો.ડોસાની સરકાર રચાતી જોઈને બન્ને દિકરાઓએ પણ નવી સરકારમાં મંત્રીપદ મળશે એવી લાલચથી ચૂપચાપ ઉભા રહી ગયા અને મુનિયો ખડ ખડ હસી પડ્યો.
ચેલારામ મારવાડી થોડા દિવસો પછી દુકાન બંધ કરીને નાસી ગયો. ડોશીની મૂડી વ્યાજ સહિત ડૂબી ગઈ.
હવે ઘરમાં સૌ કોઈ આનંદથી જીવે છે.કપડાં ધોવા માટે વોશિંગ મશીન આવ્યું છે. ઘરના દરેક સભ્યો હવે ઈસ્ત્રી ટાઈટ કપડાં પહેરે છે અને દર રવિવારે બન્ને ભાઈઓ બાળકો અને વહુંઓને લઈને ફરવા જાય છે.ફ્રિજમાં ફ્રુટ અને ખાવાની વસ્તુઓની જરીક પણ તાણ નથી. બાળકોને ટ્યુશન આપવા ઘેર શિક્ષક આવે છે. વારે તહેવારે સારા કપડાં પહેરી બધા પીકનીક પર જાય છે. વરસો પછી ઘરમાં બાળકોના જન્મદિવસોની પાર્ટીનું આયોજન થાય છે.
ડોશીને હવે કોઈ કાંઇ પૂછતું નથી. એકબાજુ બેઠા બેઠા એ માળા ફેરવે છે.પણ માળા ફેરવતા ફેરવતા રામ રામ ને બદલે ચેલારામ બોલાઈ જાય છે ક્યારેક ક્યારેક !!