કળયુગના ઓછાયા - ૪૧ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળયુગના ઓછાયા - ૪૧

શ્યામ એ ઘેરો અને જાડો અવાજ સાંભળીને જ સમજી જાય છે કે આ તેના ગુરૂજી જ છે...અને વળી એ સાબિતી ને ઠોસ મજબુતી આપતો હોય એવો ભોલે ભોલે.... નો અવાજ આવ્યો...

શ્યામ : ગુરૂજી...ભોલે ભોલે...!!

ગુરૂજી : હા દીકરા શ્યામ...બોલ ?? શું તફલીક પડી તને ??

શ્યામ : તમને કેમ ખબર પડી કે હું જ છું ?? ઘરેથી ફોન આવી ગયો કે શું ??

ગુરૂજી : ના દીકરા...પણ તું તો મારો દીકરો છે...એક બાપ પોતાના સંતાનનો અવાજ ન ઓળખે...તે ભલે અમારા ખોળે જન્મ નથી લીધો પણ ખબર નહી ગયા જન્મનું રૂણાનુબંધ હોય કે જે પણ હોય હું અને તારા ગુરૂમા તને અમારા દીકરા જેવો જ માનીએ છીએ.

શ્યામ ગદગદિત થઈ જાય છે. હજુ સુધી તે એમના ત્યાં આવનાર બધા જ કરતા તેને સારૂં રાખતા હતા પણ તેને આટલું પણ માને છે આજે ખબર પડી...

શ્યામ : તમે અહીં ભારત દર્શન પર આવેલા છો ??

ગુરૂજી : હા... કર્મભૂમિ ગમે તે હોય...માતૃભુમિ ને એમ થોડી ભુલાય ?? ભલે જન્મ્યો, ને આખી જિંદગી જર્મનીમાં વીતાવી...પણ મારા વડવાઓની ભુમિ તો આ ભારત ને એમાં પણ મારૂ ગૌરવવંતી ગુર્જરભુમિ છે...

શ્યામ : હા ગુરૂજી...એ તો ચોક્કસપણે જરૂરી છે...

ગુરૂજી : શું તફલીક છે બોલ. સારૂં થયું તે હમણાં ફોન કર્યો કર્યો. હુ ધ્યાનમાં જ બેસવા જવાની તૈયારી કરતો હતો. મને ખબર છે તું આટલાં રાતના સમયે કોઈ એવા ખાસ કારણ સિવાય ફોન કરે નહી..

શ્યામ : હા ગુરૂજી...વાત તો એવી જ છે એમ કહીને તે વિધિની બધી અને થયેલી આ ઘટનાઓની ટુંકાણમાં વાત કરે છે.....

ગુરૂજી આટલા વર્ષોના આ વિષયમાં અનુભવી છે...શ્યામના ત્યાં સવારથી સાંજ સુધી લાઈનો થતી હોય તો એના ગુરૂજી કેવા હોય ??

શ્યામને જે વિધિ કરવાની આજે પહેલી વાર જરૂર પડી તે આ પહેલા અનેકોવાર કરી ચુક્યા છે.... એટલે એ શ્યામ બીજું કંઈ પણ કહે એ પહેલાં જ બોલ્યા... આમાં બે વસ્તુ થઈ છે..

શ્યામ : શું અમારી કંઈ ભુલ થઈ છે ??

ગુરૂજી : પહેલીવાત કે એ ભુલ તારાથી થઈ છે...અને બીજું કે એ આત્મા એકલી મુક્તિ નહી પામે...

શ્યામ : મારાથી ભુલ ??

ગુરૂજી : હા છેલ્લા પેજમાં વિધિ પુર્ણ કરવાનો શ્લોક હતો...એ કદાચ તું પણ પહેલી વાર કરી રહ્યો હતો...પણ કદાચ તે કહ્યું એ મુજબ લાઈટ જવાના કારણે એ શ્લોકના એક ઉચ્ચારણમાં ભુલ થઈ છે...એના એ આત્મા તે કહ્યું એ મુજબ એ સમયે પણ ત્યાંથી ગઈ નહી અને એક પતંગિયું બનીને ત્યાં જ રહી..

પણ આ વિધિની તાકાતથી એ કોઈના શરીરમાં હવે પ્રવેશી નહી શકે...પણ એ આત્મારૂપે તો જ્યાં સુધી મુક્તિ નહી પામે ત્યાં સુધી હેરાન તો કરશે જ...

શ્યામ : જો એ ભુલ ન થઈ હોત તો એ જતી રહેત આત્મા ??

ગુરૂજી : જાત ખરી પણ અમુક સમય પુરતી જ.....!!

શ્યામ : પણ હવે એની મુક્તિ માટે શું ?? ઘણા બધાની સમસ્યાઓ સુલઝાવી  પણ આવો કિસ્સો પહેલીવાર આવ્યો છે. હું મુંઝાઈ ગયો છું... શું કરવું ખબર નથી પડતી...

ગુરૂજી : તુ મને એક દિવસનો સમય આપી શકે ?? તું મને એ આત્મા જે લાવણ્યાની છે એનો જન્મતિથિ, સમય , મૃત્યુ તિથિ સમય એવું કંઈ જણાવી શકે ??

જો એ બધું મળે તો હું ધ્યાનમાં એનું બધું જ જોઈને એ ક્યાં અટવાયેલી છે આત્મા હું બધું જ કહી શકું....

શ્યામ : હા ગુરૂજી.... હું તમને દસેક મિનિટમાં બધુ કહું....

ગુરૂજી : સારૂં...તુ ચિંતા ન કર...બધુ સારું થશે.... જરૂર પડશે તો હુ પોતે આવીશ...

શ્યામને જરૂર પડ્યે ગુરૂજી એ આવવાની વાત કરી એનાથી એ એકદમ રિલેક્સ થઈ ગયો...તેની નિરાશામાં એ આશા દેખાવા લાગી...અને ખુશ થઈને તે અંદર રૂમમાં જતો હતો ત્યાં જ પાછળ ઉભેલી અનેરીને જોઈને એને ભેટી પડ્યો...

અનેરી : શું થયું?? હમણાં તો તુ એકદમ હતાશ હતો ને આટલો ખુશ ?? કંઈ સોલ્યુશન મળ્યું??

શ્યામ : હા અનુ..‌કહીને ગુરૂજી એ કહેલી વાત ટુંકાણમાં કહી દે છે અને પહેલાં તેઓ મિહિરભાઈ પાસે જાય છે...

શ્યામ મિહિરભાઈ પાસે ગુરૂજી એ કહેલી વિગતો માગે છે...લાવણ્યા તેમના ભાઈની દીકરી હતી.. એટલે તારીખ તો ખબર હોય છે પણ ચોક્કસ સમય ખબર નથી હોતી...

અત્યારે એના માતા-પિતા  પણ હયાત નથી‌..પણ એમને યાદ આવે છે કે એની જન્મકુંડળી તેમના ઘરે છે... એકવાર તેમના હાથમાં આવી હતી...પણ લાવણ્યાના મૃત્યુ પછી કેયાએ એની બધી જ વસ્તુ ઘરમાંથી કઢાવી દીધી હતી પણ એમાં એની જન્મકુંડળી નહોતી કાઢી લગભગ...

તે ઘરે તેમના પત્ની ને ફોન કરે છે... અચાનક અત્યારે રાતના સમયે તે લાવણ્યાની કુંડળી માગે છે એ સાંભળીને એ પણ ગભરાઈ જાય છે કારણ કે તે તો હવે આ દુનિયામાં હયાત પણ નથી....

મિહિરભાઈ ઘરે આવીને તેને બધું કહેશે એમ કહીને તેમને પહેલાં કુંડળી શોધાવે છે....પણ આ બધામાં એક મોટો રાઝ હતો કે આ કેયા દ્વારા લાવણ્યાની હત્યા થઈ છે આ વાત તેમની પત્નીને પણ નહોતી ખબર...

તેમના એ બંગલાના એ સ્ટોરરૂમમાં થોડી મથામણ પછી એ કુંડળી મળે છે....એના પર અત્યારે ઘણી જગ્યાએ કાળા ડાઘ પડી ગયા હતા.‌‌..એક લેમિનેશનવાળી કુંડળીમાં આવું કેવી રીતે બને?? અને સાથે જ રહેલા બધા જ કાગળો એકદમ બરાબર હતા....

તેમની પત્ની છતાં જે દેખાતુ હતુ એ પ્રમાણે તેને એનો જન્મસમય ને કહી દે છે....અને બાકીનુ તેમને ફોટા પાડીને મોકલે છે... મૃત્યુ સમય એ કેયા એ દિવસે ફોન કર્યો હતો એ મુજબ આશરે કહે છે...કારણ કે ચોક્કસ સમય તો કેયા અને ચાર્મી સિવાય કોઈને ખબર નથી...

ચાર્મી તો અત્યારે કોઈના સંપર્કમાં નથી...અને કેયા કોઈ માહિતી આપે એવી સ્થિતિમાં નથી.

શ્યામ ગુરૂજી ને ફોન કરીને આ માહિતી આપે છે...અને ગુરૂજી કહે છે, તું એક દિવસ આત્માને બાંધી શકાય એ વિધિ કરી દે જેથી એ કોઈને પરેશાન ન કરે આજની રાત...

શ્યામ : સારૂં...ગુરૂજી..

ગુરૂજી : હું તને સવારે ધ્યાનમાં થી બહાર આવ્યા પછી આગળની વાત કરીશ....

શ્યામ : તમારા ફોનની રાહ જોઈશ...

                *.        *.        *.        *.        *.

શ્યામ બધાને ગુરૂજી સાથે થયેલી બધી વાત જણાવે છે....એટલે પછી ત્યાં શ્યામ નાનકડી વિધિ કરે છે જેથી આજની રાત્રે કંઈ થાય નહી...કારણ કે આ વિધિને કારણે તે છંછેડાયેલી તો હોય જ અને હજુ પાછી તે અહીંથી મુક્તિ પામી નથી માટે તે અત્યારે બધા માટે ખતરનાક સાબિત થઈ શકે છે....

આ વિધિ પુર્ણ થયા બાદ અક્ષત શ્યામને લઈને તેની હોસ્ટેલ જવા નીકળે છે...કાલે સવાર સુધી તો હવે આગળ કંઈ શક્ય નથી....

આ બાજુ હોસ્ટેલમાં પણ રૂહીને બધા આજે શાંતિથી સુઈ જાય છે. આખી રાત કંઈ પણ પ્રકારની હિલચાલ કે કંઈ થતું નથી....

                *.       *.        *.        *.       *.

સવાર સવારમાં રૂહીની આંખ ખુલી ગઈ....આજે તે બહુ ખુશ છે...આજે એને જાણે બધુ સારૂ થઈ જવાનું હોય એવું મનમાં લાગી રહ્યું છે. તેની નજર ગઈ તો અનેરી શ્યામ સાથે મસ્ત પ્રેમથી વાત કરી રહી છે.એ જોઈને રૂહીને અક્ષત યાદ આવી ગયો.

તેણે પથારીમાં સુતા સુતા અક્ષતને ફોન કર્યો.... અક્ષત હજુ સુતો જ હતો... રીંગ વાગતા તેને જોયું તો હજુ તો ઘડિયાળમાં છ વાગ્યા હતા...

તને એમ કે કંઈ થયું નથી ને એમ વિચારીને પહેલા ફોન ઉપાડ્યો....રૂહી કંઈ થયું નથી ને ??

રૂહી : કંઈ થયું હોય તો જ ફોન કરૂ તને ?? બસ એમ જ કર્યો...ઘણા દિવસે આજે શાંતિથી ઉંઘ આવી... એટલે વહેલા આંખ ખુલી ગઈ...

અક્ષત : હમમમ...તો બોલો મેડમ...આજે બહુ મુડમાં લાગો છો ને કંઈ ??

રૂહી : હમમમ...તુ રાત્રે અહીં રોકાઈ ગયો હોત તો ??

અક્ષત : બસ...એમ જ...કેમ શું કામ હતું મારૂં??

રૂહી : કંઈ નહીં....એમ જ કહું છું....પણ એક વાત કહું ,મને તારી બહુ યાદ આવે છે...

અક્ષત : ઓહો...કેમ શું થયું ??

રૂહી : બસ..એમજ...દરેક વસ્તુનુ કારણ ના હોય...

અક્ષત : મિસ યુ ટુ બકા...આજે બસ આ બધુ કંઈક સોલ્વ થઈ જાય તો મને શાંતિ થઈ જાય...

રૂહી અક્ષત પણ તેને મિસ કરે છે એવું તેના મોઢેથી સાંભળતા ખુશ થઈ જાય છે....અને કહે છે, પેલા બે પુરાણા પ્રેમીઓ જો ને કેવા સવાર સવારમાં વાતો કરે છે??

અક્ષત : હા શ્યામ રૂમમાં નથી એ તો મે વાતમાં જોયું જ નહીં... કદાચ બાલ્કની માં વાત કરતો હશે...પણ એમને વાત કરતા જોઈને કંઈક બળતું હોય એવું કેમ લાગે છે ?? ફોનમાં જ લાગે છે...

રૂહી : જાને હવે એવું કંઈ નથી....પણ કોઈ શ્યામ જેવો પ્રેમથી વાતો કરે ઉઠાડે એવું હોય તો મજા આવે ને ??

અક્ષત : હમમમ...તો શોધી દે જલ્દીથી.

રૂહી : શોધી તો દીધો છે પણ એને કંઈ સમજણ નથી પડતી કે છોકરાએ સામેથી કહેવું પડે...એને મારા માટે એવી લાગણી છે કે પણ ખબર નથી મને.

અક્ષત : (મનમાં હસે છે) તો તું કહી દે સામેથી... એમાં શું ?? આમ પણ અત્યારે તો છોકરીઓ નો જમાનો છે...

રૂહી : પણ કદાચ એ ના પાડે તો ?? હુું એનો સાથ છોડવા નથી માગતી....

અક્ષત : એક વાર હિંમત તો કર...આર યા પાર...જે થાય તે....

એટલામાં શ્યામનો અવાજ સંભળાય છે હા બોલો ગુરૂજી....

અક્ષત : રૂહી, ફોન મુકુ છું...પછી વાત કરૂં...એમ કહીને ફોન મુકી દે છે...

                 *.        *.        *.         *.        *.

શ્યામ : ગુરૂજી કંઈ ઉપાય મળ્યો ??

ગુરૂજી : હા બેટા...એ લાવણ્યા નો આત્મા સાથે બીજો એક આત્મા જોડાયેલો છે એક છોકરાનો.... કદાચ એ જ તેનો પ્રેમી હતો જેને તે કહ્યું હતું એ મુજબ આત્મહત્યા કરી હતી.

એની અને લાવણ્યાની મૃત્યુ તિથિ એક જ છે....આ કારણે તે વધુ શક્તિશાળી બની છે....હવે આ માટે એક મોટી વિધિ કરવી પડશે...એ તે પણ હજુ નથી જોઈ ક્યારેય...મે જ મારા જીવનમાં એકવાર કરી છે.

શ્યામ : તો પછી એ કોણ કરશે ??

ગુરૂજી : એમાં ચાર જણાની જરૂર હોય છે...ત્રણ પુરૂષ અને એક સ્ત્રી....

એના માટે તુ કોઈ આ બાબતમાં થોડી પણ જાણકાર હોય એવી સ્ત્રીની જરૂર પડશે...‌કદાચ આ વસ્તુ તારા માટે અઘરી છે આપણા ભારતમાં...કારણ કે અહીં સ્ત્રીઓને આ બાબતોથી દૂર રાખવામાં આવે છે....

શ્યામ : એની ફીકર ન કરો ગુરૂજી...કહીને તેણે અનેરી સાથે એક સિંદુર પુરીને વિવાહ કરી લીધા છે એવી વાત કરે છે તો એ આ વિધિમાં ચાલશે ને ?? એવું પુછી લે છે એના વિશે થોડી વાતચીત કરીને...

શ્યામ : એ વિધિ મને મળશે ક્યાંથી ?? મને આપેલા એ પુસ્તકમાં છે ??

ગુરૂજી : તું અને અનેરી આ વિધિ માટે સાંજે સાત વાગે તૈયાર રહેજો....અને સામગ્રી જે કહું એ તૈયાર રાખજો.... બાકીની બે માણસો અને વિધિની વ્યવસ્થા થઈ જશે...તુ બેફિકર થઈ જા....

પણ હા એકબીજી મહત્વની વાત જે બીજી એ છોકરાની આત્મા છે એ લાવણ્યાને મારનાર એ દીકરીમાં જ છે....એની જરૂર પડશે... શક્ય છે ??? નહી તો કદાચ આ આખી ક્રિયા નિષ્ફળ પણ જઈ શકે...

શ્યામ : હા એ થઈ જશે....

ગુરૂજી : બસ સાંજે સાત વાગ્યે.....આત્માનો ખાત્મો બોલાવવા તૈયાર થઈ જા દીકરા....

શું થશે સાંજે સાત વાગ્યે ?? શ્યામ અને અનેરી સિવાય કોણ હશે આ વિધિ કરનાર?? આજે શું બધા એક આત્માના બંધનમાંથી મુક્ત થઈ હવે ફરી એક સામાન્ય જિંદગી જીવવા લાગશે ??

જાણવા માટે વાચતા રહો કળયુગના ઓછાયા - ૪૨

બહુ જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે........