Featured Books
શ્રેણી
શેયર કરો

૧૦૮ - હિંદુ ધર્મનો સૌથી પવિત્ર અને રહસ્યમય અંક!

૧૦૮

હિંદુ ધર્મનો સૌથી પવિત્ર અને રહસ્યમય અંક!

સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર દરેક વ્યક્તિ માટે ૧૦૮નો આંકડો (સંખ્યા) હંમેશાથી વિશેષ મહત્વપૂર્ણ રહ્યો છે. યોગગુરૂ, સાધુ, મહાત્મા, ઋષિમુનિઓની મહાનતા દર્શાવવા માટે પુરાણકાળથી તેમનાં નામની આગળ ‘શ્રી શ્રી ૧૦૮’નું સંબોધન જોડવાનો રિવાજ ચાલ્યો આવે છે. ઇશ્વરનું ધ્યાન ધરવા માટે તેમજ મંત્રોચ્ચારની ગણતરી રાખવા માટે ઉપયોગમાં લેવાતી મણકાની માળામાં ૧૦૮ મોતી હોય છે. તમે જુઓ, મોટાભાગનાં ભારતીયો પોતાનાં મોબાઇલ નંબરોમાં તેમજ વાહનોની નંબર પ્લેટમાં પણ ૧૦૮ને સમાવિષ્ટ કરે છે. લોકોની આ શ્રદ્ધાને મોબાઇલ કંપનીઓએ ધમધીકતો ધંધો બનાવી વેચવાનું શરૂ કરી દીધું છે. તમામ ધર્મોમાં શુભ મનાતાં અલગ-અલગ આંકડાઓની કિંમત ઉંચી રાખીને બજારોમાં તેને હજારો-લાખોનાં ભાવે વેચવામાં આવે છે.

માત્ર હિંદુ ધર્મમાં જ નહીં, પરંતુ શીખ, બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ ૧૦૮ને પૂજનીય ગણવામાં આવે છે. જાપાનીઝ સાધુઓ એમનાં નવા વર્ષનાં આગમન સમયે ૧૦૮ વખત મંદિરની ઘંટડીઓ વગાડીને જૂનાં દિવસોને વિદાય આપે છે. કોઇપણ વડીલ પાસેથી ક્યારેય પંદર કે વીસ વખત અથવા ૧૦૦ વખત મંત્રોચ્ચાર કરવાની વાત સાંભળી? નહીં ને! તો પછી પ્રશ્ન એ છે કે શા માટે ૧૦૮ને આટલું બધું મહત્વ અપાય છે? વૈદિક માન્યતા મુજબ, ૧૦૮ને બ્રહ્માંડનાં સર્જનનું ચિહ્ન માનવામાં આવે છે. ઇટ ઇઝ ધ બેઝિસ ઓફ ક્રિએશન! ૧૦૮માંના દરેક સ્વતંત્ર અંકોનો પોતાનો એક અર્થ છે :

‘૧’ : ઇશ્વર એક સનાતન સત્ય છે એનાં ચિહ્નરૂપે.

‘૦’ : શુન્યવત ખાલીપાનું સાક્ષીરૂપ.

‘૮’ : અનંત બ્રહ્માંડનાં પ્રતીકરૂપે. (અંગ્રેજી 8 ને લંબ દિશામાં રાખીને જુઓ તો ‘ઇન્ફિનિટી’ - અનંતનું ચિહ્ન સામે આવે.)

૧૦૮ એ સમગ્ર અંક-પદ્ધતિનું સૂચક છે. શુન્ય (ઝીરો) અને ૧ થી ૮નું ચક્ર નિરંતર ચાલ્યા રાખે છે. બ્રહ્માંડમાં વહેતાં ઉર્જાનાં અસ્ખલિત પ્રવાહને ૧૦૮ વડે પ્રદર્શિત કરવામાં આવે છે. કમ્પ્યુટરની બાઇનરી સિસ્ટમ ૦ અને ૧ પર આધાર રાખે છે. એ સિવાય પણ વૈજ્ઞાનિકોને મળેલા કેટલાક ખગોળીય પુરાવાઓ ૧૦૮ની મહત્તાને વધુ પ્રામાણિકતાપૂર્વક સિદ્ધ કરે છે.

(૧) સૂર્યનો વ્યાસ પૃથ્વીનાં વ્યાસ કરતાં ૧૦૮ ગણો વધુ છે

સૂર્યનો વ્યાસ : ૧૩,૯૨,૦૦૦ કિલોમીટર.

પૃથ્વીનો વ્યાસ : ૧૨,૭૫૬.૨૮ કિલોમીટર.

(બંનેનો ભાગાકર કરીએ તો પરિણામસ્વરૂપ મળતી રાશિ છે, ૧૦૯.૧૧)

વૈજ્ઞાનિક સાધનોમાં રહી જતી ત્રુટિને કારણે ૧.૧૧નો મિનિટ તફાવત મળવો સ્વાભાવિક છે. આવું ખુદ વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યુ છે. આથી સૂર્યનાં વ્યાસ કરતાં પૃથ્વીનો વ્યાસ ૧૦૮ ગણો વધુ હોવાની વાતને અહીં વૈજ્ઞાનિક માન્યતા મળે છે.

(૨) પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સૂર્યનાં વ્યાસ કરતાં ૧૦૮ ગણું છે.

સૂર્યનો વ્યાસ : ૧૩,૯૨,૦૦૦ કિલોમીટર.

સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર : ૧૪,૯૫,૯૭,૮૭૦.૬૯૧ કિલોમીટર.

(બંનેનો ભાગાકાર કરતાં પરિણામસ્વરૂપ મળતી રાશિ, ૧૦૭.૪૬૯)

મેઝરમેન્ટ એરર (ક્ષતિ)ને ઉમેરી-બાદ કરી, રાઉન્ડ-ઓફ્ફ આંકડામાં ગણતરી કરીએ તો ફરી ૧૦૮નો અંક પ્રાપ્ત થાય છે.

(૩) પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ચંદ્રનાં વ્યાસ કરતાં ૧૦૮ ગણું વધુ છે.

ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર : ૩,૮૪,૪૦૩ કિલોમીટર.

ચંદ્રનો વ્યાસ : ૩૪૭૪ કિલોમીટર.

(બંનેનો ભાગાકાર કરતાં મળતી પરિણામસ્વરૂપ રાશિ, ૧૧૦.૬૫૧૪)

હવે તમે કહેશો કે, ૨.૬૫ મિનિટની ક્ષતિ તો બહુ વધારે ન કહેવાય!? ના, બિલકુલ નહીં. ચંદ્રની ભ્રમણકક્ષામાં જોવા મળેલા ૧૧ ટકાનાં વેરિએશન (તફાવત)ને કારણે ૨.૬૫ મિનિટની ક્ષતિને અવગણવી પડે. આથી, અહીં પણ ૧૦૮ને જ પ્રાધાન્ય આપી શકાય!

જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિઓ અને નવ ગ્રહનો ઉલ્લેખ છે. બાર અને નવનો ગુણાકાર કરીને પ્રાપ્ત થતી સંખ્યા ૧૦૮ છે! વૈદિક જ્યોતિષશાસ્ત્રે ચારેય દિશાઓમાં પ્રવર્તમાન ૨૭ નક્ષત્રો (૨૭ x ૪ = ૧૦૮) વિશે વિગતવાર વર્ણનો આપ્યા છે. આ એવા નક્ષત્રો છે, જે સમગ્ર બ્રહ્માંડને આવરી લે છે. વાસ્તવમાં, વૈજ્ઞાનિકો આજકાલ જેને ‘શોધ’નું નામ આપી રહ્યા છે એ પ્રકૃતિનાં તત્વોને અમુક-તમુક પ્રમાણમાં જોડી દેવાથી મળતી પ્રોડ્ક્ટ છે. એ તમામ વિશે આપણા ચાર વેદો (સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ), નવ પુરાણ તેમજ ૧૦૮ ઉપનિષદોમાં હજારો વર્ષ પહેલા લખી દેવાયું છે.

ચાર યુગોનાં સમયચક્ર પર વિશેષ ધ્યાન આપવા જેવું છે :

કળિયુગ : ૪,૩૨,૦૦૦ વર્ષ : ૪+૩+૨=૯

દ્વાપરયુગ : ૮,૬૪,૦૦૦ વર્ષ : ૮+૬+૪=૧૮, ૧+૮=૯

ત્રેતાયુગ : ૧૨,૯૬,૦૦૦ વર્ષ : ૧+૨+૯+૬=૯

સતયુગ : ૧૭,૨૮,૦૦૦ વર્ષ : ૧+૭+૨+૮=૯

૧૦૮નાં ત્રણેય અંક ૧,૦ અને ૮નો સરવાળો કરીએ તો, ફરી ૯ અંકની પ્રાપ્તિ થાય છે.

પૌરાણિક કાળમાં, ઋષિમુનિઓનું માનવું હતું કે માણસ માટે બાહ્ય સ્વચ્છતાની સાથોસાથ આંતરિક સ્વચ્છતા પણ એટલી જ વધુ અગત્યની છે. પ્રાર્થના, યોગ, ધ્યાન, પ્રાણાયામ, મંત્રોચ્ચાર એ આત્માનો ખોરાક છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર, શરીરનાં ૧૦૭ મર્મને અસરકર્તા એવી ૧૦૮ નાડીઓને જાગૃત કરવા માટે શાસ્ત્રોમાં ૧૦૮ વખત મંત્રોચ્ચારની વાત કહેવામાં આવી છે. ભૌતિક શરીરમાંથી સૂક્ષ્મ શરીરને આંબવાની પ્રક્રિયા દરમિયાન માણસનો આત્મા ૧૦૮ પડાવ પાર કર્યા બાદ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે, જેનાં પ્રતીકરૂપે ૧૦૮!

રૂદ્રાક્ષ કે અન્ય કોઇપણ માળા ૧૦૮ મણકાની બનેલી હોય છે. જે રીતે બ્રહ્માને આપણે સર્જનહાર, વિષ્ણુને પાલનહાર તરીકે સ્વીકાર્યા છે, એવી જ રીતે મહાદેવને વિનાશકારી સ્વરૂપમાં પૂજીએ છીએ. આમ છતાં તેમને નૃત્ય ઘણું પ્રિય છે. નટરાજનું ધ્યાન ધર્યા વગર તો એકેય સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ નથી થતો. ભરતનાટ્યમમાં વર્ણવવામાં આવેલી ૧૦૮ મુદ્રાઓ મહાદેવ દ્વારા નિર્મિત છે.

bhattparakh@yahoo.com