Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદુ ગોત્ર માટે કારણભૂત એવું અષ્ટ-ઋષિઓનું ડીએનએ સાયન્સ!

હિંદુ ગોત્ર માટે કારણભૂત એવું અષ્ટ-ઋષિઓનું ડીએનએ સાયન્સ!

ગોત્ર શબ્દ મુખ્યત્વે લગ્ન-સંબંધી ચર્ચાઓ વખતે વધુ સાંભળવા મળતો હોય છે. સામાન્યતઃ કુલ આઠ ગોત્રનો મુખ્યત્વે ઉલ્લેખ થાય છે. જેનાં નામ આદિકાળમાં થઈ ગયેલા સપ્તર્ષિ તેમજ અન્ય એક ભારદ્વાજ ઋષિનાં નામ પરથી રાખવામાં આવ્યા છે. સૌપ્રથમ તો ગોત્ર શું છે અને શા માટે આજનાં જમાનામાં પણ લોકોની શ્રધ્ધા તેના પર કાયમ છે તે જાણવા માટે આ અષ્ટ ઋષિઓ વિશે ઉંડાણમાં ઉતરીએ.

ગોત્રની અથથી ઇતિ…

ગોત્ર મૂળ તો બે સંસ્કૃત શબ્દો ‘ગૌ’ (ગાય) અને ‘ત્રહિ’ (છાંયડો) ને જોડતો સંધિ શબ્દ છે. આપણે સૌ જાણીએ છીએ કે ગાયમાતાને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. આઠ મુખ્ય બ્રાહ્મણ ગોત્રમાં અંગિરસ, અત્રિ, ગૌતમ, કશ્યપ, ભૃગુ, વશિષ્ઠ, કુત્સ અને ભારદ્વાજનો સમાવેશ થાય છે. આઠેય ગોત્રનાં આઠ ઋષિમુનિઓ ‘ગોત્રકારી’ (ગોત્રનાં ઉદભવકર્તા) તરીકે ઓળખાય છે. સમય જતાં અષ્ટઋષિઓનાં વંશજોએ પોતાનાં નામેથી નવા ગોત્ર આપ્યા. પરિણામસ્વરૂપ, હાલ કુલ ૪૯ ગોત્ર અસ્તિત્વમાં છે તેવું સ્વીકારાયું છે. પિતાનું ગોત્ર પુત્ર સાથે આગળ ધપે છે. પરંતુ દીકરી બાબતે આવું નથી. ધારો કે, કશ્યપ ગોત્ર ધરાવતાં દંપતિને ઘેર પુત્ર કે પુત્રીરત્નનો જન્મ થશે તો તેમનું ગોત્ર કશ્યપ જ રહેશે. પરંતુ એ જ લક્ષ્મી મોટી થઈ પરણીને જ્યારે સાસરે જશે ત્યારે સાસરિયા પક્ષનું ગોત્ર તેનું પોતાનું થઈ જશે. તો અહીં એક બહુ મોટો પ્રશ્નાર્થ ઉદભવે કે શા માટે દીકરીનું ગોત્ર પરણ્યા બાદ બદલી જાય અને દીકરાનું નહી?! બીજી એક મૂંઝવણ એ પણ થાય કે શા માટે આપણે ત્યાં સમ-ગોત્રમાં પરણવાને નિષેધ માનવામાં આવે છે? કેટલાક કહેશે કે સમ-ગોત્ર ધરાવતાં બે પરિવારનાં સંતાનો એકબીજાનાં ભાઈ-બહેન ગણાય. પરંતુ બે તદ્દન અપરિચિત-અજાણ્યા પરિવારો કે જેઓ એકબીજા સાથે સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી ધરાવતાં તેમનું શું?

રંગસૂત્રોનું વિજ્ઞાન ગોત્ર સાથે કઈ રીતે સંલગ્ન છે?

આ મુદ્દે, સાયન્સની દખલગીરી જરૂરી બની જાય છે. આમ જોવા જઈએ તો આપણા ઋષિઓ જેટલા મહાન વૈજ્ઞાનિકો દુનિયાભરમાં બીજા કોઈ નહોતાં. હિંદુ ગોત્ર શરૂ કરવા પાછળનું મૂળ કારણ તેમની વૈજ્ઞાનિક સમજ છે. તેમણે ડીએનએ (રંગસૂત્ર) સાયન્સને ધ્યાનમાં રાખીને ગોત્ર નક્કી કર્યા. પ્રત્યેક કોષ ૨૩ રંગસૂત્રની જોડી (કુલ ૪૬ રંગસૂત્રો) વડે બને છે. જેમાંના ૨૩ રંગસૂત્ર માતા પાસેથી અને બાકીનાં ૨૩ પિતા પાસેથી પ્રાપ્ત થાય છે. પ્રાઇમરી શાળા અભ્યાસ દરમિયાન ભણવામાં આવતું કે માતા પાસેથી X (એક્સ) અને પિતા પાસેથી પણ X રંગસૂત્ર ભેગા થઈને પુત્રીને જન્મ આપે. બીજી બાજુ, માતા પાસેથી X, જ્યારે પિતા પાસેથી Y (વાય) રંગસૂત્રનું મિલન થાય તો આવનારું સંતાન પુત્રરૂપે જન્મે. સરળ ભાષામાં કહેવું હોય તો, XX એટલે દીકરી અને XY એટલે દીકરો.

વાય-ક્રોમોઝોમ ફક્ત પુરુષ પાસે હોવાથી દીકરા-દીકરીનાં જન્મનો સંપૂર્ણ આધાર પુરુષ પર રહેલો છે. આથી જ્યારે પણ સંતાનમાં દીકરો જન્મે છે ત્યારે તે તેનાં પિતાનાં વાય-રંગસૂત્રનો વારસો લઈને આવે છે. હવે જેમનું ગોત્ર ભારદ્વાજ છે, તે ઘરનાં પુરુષો આદિકાળથી ઋષિ ભારદ્વાજનાં વંશને આગળ ધપાવી રહ્યા છે તેમ ગણી શકાય. પરંતુ સ્ત્રી પાસે વાય-ક્રોમોઝોન ન હોવાને લીધે તેમનું કોઈ ચોક્ક્સ કુળ કે ગોત્ર જળવાતું નથી. જેના લીધે લગ્ન બાદ સ્ત્રીનું ગોત્ર બદલી જાય છે. જાણીને આશ્ચર્ય થશે કે ભગવાન બુધ્ધનું મૂળ ગોત્ર ગૌતમ હતું. મતલબ એમ કે તેઓ ગૌતમ ઋષિનાં વંશજ હતાં.

પુરુષ જાતિ પર તોળાઈ રહેલ ખતરો

તો આટલી વાત પરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે હિંદુ ગોત્ર અને રંગસૂત્ર વચ્ચે શું સંબંધ છે, પરંતુ સમ-ગોત્રમાં પરણવાની છૂટ ક્યા કારણોસર નથી અપાતી તે હજુ એક સવાલ છે! જેનો જવાબ વાય-રંગસૂત્રની એક નબળાઈ સાથે જોડાયેલો છે. જીવવિજ્ઞાનીઓએ પોતાનાં પ્રયોગોમાં સાબિત કર્યુ છે કે વાય-રંગસૂત્રનું કદ એક્સ-રંગસૂત્રનાં કદ કરતાં ત્રીજા ભાગનું છે. અને વર્ષો પહેલાનાં કદની સરખામણીમાં સતત ઘટી રહ્યું છે. જેનાં લીધે વૈજ્ઞાનિકોએ વાય-ક્રોમોઝોમનાં અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી છે. અત્યારની પરિસ્થિતિ જોતાં સમજાય કે વાય-ક્રોમોઝોનનું ખરું આયુષ્ય આજથી ફક્ત અમુક લાખ વર્ષ પૂરતું સીમિત રહી ગયું છે. પછી વિશ્વમાં સંતાન તરીકે માત્ર દીકરીઓ જ બચશે! એવું નથી કે જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાઈ જશે પરંતુ હા, પૃથ્વી પરથી પુરુષ જાતિનું નામોનિશાન મટી જવાની પૂરેપૂરી શક્યતા છે. ટેસ્ટટ્યુબ બેબી અથવા આઈવીએફ ટેકનિક દ્વારા સ્ત્રીનાં એક્સ-રંગસૂત્રને અન્ય સ્ત્રીનાં એક્સ-રંગસૂત્ર સાથે મેળાપ કરાવીને પુત્રીઓનો જન્મ બેશક શક્ય બનશે પણ પુરુષ જાતિ માટે આ પ્રયોગો કશા કામ નહી લાગે!

પ્રધાન સમસ્યા એ છે કે સ્ત્રીઓમાં રહેલ બંને એક્સ-ક્રોમોઝોન એકબીજા સાથે ભળીને પરસ્પર એકબીજાનાં કદને જાળવી રાખવામાં મદદરૂપ બની શકે છે, પરંતુ પુરુષોમાં રહેલ XY રંગસૂત્ર ક્યારેય એકબીજા સાથે મિશ્રણ નથી બનાવી શકતાં. (વિજ્ઞાનીઓ દ્વારા સાબિત થયા મુજબ, એક્સ-રંગસૂત્રનો ફક્ત ૫% હિસ્સો વાય-રંગસૂત્ર સાથે મિશ્રણ પામી શકે છે. આથી વાય-રંગસૂત્રને ટકાવી રાખવા ઉપરાંત સંતાનપ્રાપ્તિ માટે પણ તેનો બાકીનો ૯૫% હિસ્સો ઘણો અગત્યનો છે.) જેના લીધે વાય-રંગસૂત્રે સ્વતંત્ર રીતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. હજારો વર્ષોથી ચાલી આવતી પુરુષ જાતિ માટે ચિંતાનો વિષય તો એ છે કે વાય-રંગસૂત્ર હવે અમુક લાખ વર્ષ સુધી જ સક્રિય રહીને કામ કરી શકશે! એક સમય એવો પણ આવશે કે જ્યારે રંગસૂત્રોની ત્રેવીસ જોડીમાંથી એકપણ જોડીમાં વાય-રંગસૂત્ર જોવા જ નહી મળે! (હવે સમજાઈ રહ્યું છે કે શા માટે હિંદુ ધર્મમાં દેવતાઓની સરખામણીએ દેવીમાંને વધુ મહત્વ અપાય છે!! આદિકાળથી જ નારી શક્તિ-સ્વરૂપા છે, અનંત છે, અખૂટ છે. સમગ્ર વિશ્વમાંથી પુરુષ જાતિના હનન બાદ પણ એકલપંડે પોતાની જાતિને ટકાવી શકે એટલી ક્ષમતા ધરાવે છે.)

રૂષિમુનિઓનો સાયન્ટિફિક ધર્મ

ઉપરોક્ત સમસ્યાની જાણ આપણા ઋષિઓને બહુ પહેલાથી જ થઈ ચૂકી હતી. સમ-ગોત્રમાં લગ્ન નિષેધ ફરમાવવા પાછળ તેમની ગહન વિચારશક્તિ કામ કરે છે. વાય-ક્રોમોઝોમ અન્ય કોઈ રંગસૂત્ર સાથે મેળાપ ન કરતું હોવાને લીધે તે વર્ષો સુધી ખાસ કોઈ મોટા જીનેટિક બદલાવ વગર એકસરખી અવસ્થામાં વારસામાં ઉતરી આવે છે. જેના લીધે તેનાં પરનો ખતરો પ્રમાણમાં ઘણો ઓછો થઈ જાય છે. પરંતુ જ્યારે સમ-ગોત્ર ધરાવતાં બે લોકો એકબીજા સાથે લગ્નગ્રંથિથી જોડાય છે ત્યારે આ જોખમ વધી જાય છે. ધારો કે વશિષ્ઠ ગોત્ર ધરાવતો કોઈ વ્યક્તિ અતિગંભીર જીનેટિક સમસ્યાથી પીડાઈ રહ્યો છે. અગર તે સમ-ગોત્ર ધરાવતી કોઈ કન્યા સાથે વિવાહ કરશે તો રંગસૂત્રોની સમાનતાને લીધે ભવિષ્યમાં પતિ-પત્ની બંને રોગિષ્ઠ બની શકે છે. પરંતુ જો વશિષ્ઠ ગોત્ર ધરાવતો પુરુષ અન્ય ગોત્રની કન્યા સાથે વિવાહ કરશે તો આ ખતરો ટળી જાય છે. કારણ એ છે કે સમાન ગોત્ર ધરાવતી બે વ્યક્તિ જ્યારે સમાગમ કરશે ત્યારે બંનેના શરીરમાં રહેલા રંગસૂત્રો એકબીજા સાથે જૈવ-રાસાયણિક પ્રક્રિયા પામશે, જેના કારણે પુરુષનાં શરીરમાં સુષુપ્ત રોગિષ્ઠ રંગસૂત્રનાં જાગૃત થઈ જવાનાં ચાન્સ વધી જાય છે. પરંતુ અલગ-અલગ ગોત્ર ધરાવતાં દંપતિને આવો કશો ભય નથી રહેતો કારણકે બંનેમાં રંગસૂત્રોની ગોઠવણી એકદમ જુદી છે! આથી પુરુષનાં શરીરમાં પડેલો રોગિષ્ઠ રંગસૂત્ર જાગૃત થાય તેની શક્યતા નહીવત છે.

આ તમામ પાસાને બરાબર રીતે ચકાસીને પછી આપણા ઋષિમુનિઓએ ગોત્ર પધ્ધતિ દાખલ કરી. જેથી તેમનાં વંશજો ભવિષ્યમાં નિરોગી જીવન જીવી શકે. જીવવિજ્ઞાનને સમજવા માટે આપણે હજુ ઘણા કાચા છીએ. વૈજ્ઞાનિકો હજારો વર્ષ પછી પણ હિંદુ સંસ્કૃતિનાં રહસ્યોને ઉકેલવામાં પાછા પડશે કારણકે વૈદિકકાળમાં ભારત પાસે એકઠું થયેલ જ્ઞાન અગાધ સમંદરની માફક છે. જેમાં ફક્ત ડૂબકી લગાવી શકાય પરંતુ આખેઆખો દરિયો પીવાની લાલચ ક્યારેય પૂરી થઈ શકે તેમ નથી.

bhattparakh@yahoo.com