Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથ્વી પરનાં વૈવિધ્યસભર ૮૪ લાખ જીવ : Myth, Mithya and Truth!

પૃથ્વી પરનાં વૈવિધ્યસભર ૮૪ લાખ જીવ : Myth, Mithya and Truth!

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।

तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही ॥

દક્ષિણ અમેરિકાની એન્ડ્સ પહાડીઓમાં શોધકર્તાઓને અવનવા જીવો મળી આવ્યાનાં પુષ્કળ દાખલા નોંધાયા છે. ત્યાંના તળેટી વિસ્તારમાં રાસબેરીનાં કદ જેટલું ચામાચીડિયું જોવા મળે છે, જેને વિજ્ઞાનીઓએ ‘મ્યોટિસ ડિમિનુતુસ’ નામ આપ્યું છે. બીજી બાજું, સિંગાપોરમાં એક એવા પ્રકારનો કીડો (વૈજ્ઞાનિક નામ : રહ્બાડિયસ સિંગાપોરેન્સિસ) મળી આવ્યો છે, જે ગરોળીનાં ફેફસામાં વસવાટ કરી પોતાનું જીવન ગુજારે છે!! અમેરિકાનું ચામાચીડિયું અને સિંગાપોરનું આ જીવડું એકબીજા સાથે માત્ર એક જ સામ્યતા ધરાવે છે : બંને જીવનાં અસ્તિત્વની જાણ વૈજ્ઞાનિકોને અમુક વર્ષ પહેલા જ થઈ છે!

દર વર્ષે શોધકર્તાઓ અલગ-અલગ જંગલો, નદી-નાળા, દરિયો તેમજ પહાડ ખૂંદીને ૧૫,૦૦૦ જેટલા નવા જીવોને ખોળી કાઢે છે. પાછલા બસ્સો વર્ષોની અંદર ૧૩ લાખથી વધુ જીવો શોધી કઢાયા છે અને દુનિયાભરમાં આ વિશેની શોધખોળ અવિરતપણે ચાલુ છે! ૨૦૧૧ની સાલમાં અમેરિકાનાં પ્રસિધ્ધ અખબાર ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં એક લેખ છપાયો, જેણે ભારતીયોને પોતાનાં હિંદુ વેદ-પુરાણોની તથ્યતાનો વધુ એક પરિચય આપ્યો! ૨૩ ઓગસ્ટ, ૨૦૧૧નાં દિવસે આ લેખમાં જીવશાસ્ત્રીઓ દ્વારા અસંખ્ય ગાણિતીક સિધ્ધાંતોને આધારે તૈયાર કરવામાં આવેલું એક રિસર્ચ-પેપર પબ્લિશ કરવામાં આવ્યું. અમેરિકન સાયન્ટિસ્ટોએ તેમાં દર્શાવ્યું કે પૃથ્વી પર વસતાં કુલ જીવોની સંખ્યા ૮૭ લાખ (૧૩ લાખ વત્તા/ઓછા) જેટલી છે. જેમાંથી ફક્ત ૧૩ લાખ જીવોને જ માનવ-આંખો વર્ગીકૃત કરી શકી છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભગવદગીતા અને પદ્મપુરાણમાં ધરતી પરની જીવસૃષ્ટિનો વિસ્તૃત ઉલ્લેખ આપવામાં આવ્યો છે. હજારો વર્ષો પહેલા લખાયેલા ગ્રંથોમાં આપેલ આંકડાઓ આજનાં વૈજ્ઞાનિકોને પણ અચંબામાં મૂકી દે તેવા છે.

(૧) ભગવદગીતા (૫૦૦૦ વર્ષ પહેલાથી ચાલ્યું આવતું લખાણ)

ગીતાનાં પ્રથમ અધ્યાયને બાદ કરતાં બાકીનાં દરેકમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને મહાજ્ઞાન અર્પણ કર્યુ છે. તેઓ જણાવે છે કે આત્મા એક શરીરને છોડીને બીજું શરીર ધારણ કરી લે છે. જેમ કપડાં જૂના થતાં જાય એમ તેને બદલવા પડે, એવી જ રીતે આત્મા પણ જૂના શરીરને તિલાંજલિ આપી નવો દેહ અપનાવે છે (લેખનાં પેટા-શીર્ષકમાં આપેલ શ્લોકનો ભાવાર્થ). ‘લખ-ચોરાશી’ શબ્દ આપણા ગુજરાતી સાહિત્યમાં પણ ઘણો સાંભળવા મળે છે. કૃષ્ણે કહ્યું છે કે ધરતીનાં ૮૪ લાખ જીવમાંથી મનુષ્ય-અવતાર સૌથી મહામૂલો છે. મનુષ્યનાં દેહમાં જન્મ લેવા માટે આત્માએ ઘણો સંઘર્ષ વેઠવો પડે છે. આથી મનુષ્ય-દેહમાં અવતરેલા શુધ્ધાત્માએ હંમેશા સત્કર્મો થકી મોક્ષની પ્રાપ્તિનો માર્ગ કેળવવો જોઈએ. સ્વાભાવિક રીતે જ અહીં પ્રશ્ન થાય કે હજારો વર્ષ પહેલા કોઈ પ્રકારની મેથ્સ-ફોર્મ્યુલા અથવા સાયન્સ વગર કૃષ્ણ આ ચોક્ક્સ આંકડો કઈ રીતે આપી શક્યા?

(૨) પદ્મપુરાણ (ભગવદગીતાનું સમકાલીન સ્વરૂપ)

ભગવદગીતાએ જ્યાં જીવસૃષ્ટિ વિશેનો કુલ આંકડો જાહેર કર્યો છે ત્યાં પદ્મપુરાણ તો હજુ તેનાથી એક કદમ આગળની વાત રજૂ કરે છે. પદ્મપુરાણ આ તમામ જીવને જુદા-જુદા વિભાગોમાં વર્ગીકૃત કરે છે :

जलज नव लक्षाणी, स्थावर लक्ष विम्शति, कृमयो रूद्र संख्यकः

पक्षिणाम दश लक्षणं, त्रिन्शल लक्षानी पशवः, चतुर लक्षाणी मानवः

1) જલજ (પાણીમાં વસવાટ ધરાવનાર જીવ) : ૯ લાખ

2) સ્થાવર (જમીન પર સ્થિત જીવ) : ૨૦ લાખ

3) કૃમિ / સરિસૃપ : ૧૧ લાખ

4) પક્ષી : ૧૦ લાખ

5) પશુ : ૩૦ લાખ

6) માનવ : ૪ લાખ

છ વર્ગોમાં વિભાજીત થયેલા આ તમામ જીવોનો કુલ સરવાળો થાય છે ચોર્યાસી લાખ!! પદ્મપુરાણનું આયુષ્ય હજારો વર્ષ જૂનું હોવાને લીધે વચગાળાનાં સમયમાં પૃથ્વી પર આવેલા જૈવિક-ભૌતિક ફેરફારો સાવ સામાન્ય છે. જેનાં કારણે ૮૪ લાખની ગણતરીમાં નાનો-મોટો બદલાવ પણ આવ્યો હોઈ શકે. (આ કારણોસર જ કદાચ જીવશાસ્ત્રીઓ પૃથ્વી પર ૮૭ લાખ જીવ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે!) આ વાત પરથી એટલું તો સાબિત થાય જ છે કે પુરાણકાળ દરમિયાન લોકોએ ફક્ત આકાશી જીવ જ નહી, પરંતુ દરિયાની અંદર વસવાટ ધરાવતાં જીવોનું પણ ઉંડુ અધ્યયન કર્યુ હોવું જોઈએ! પત્થર-યુગમાં પણ આપણા દેશમાં આટલું ઉચ્ચ સ્તરનું વિજ્ઞાન ઉપલબ્ધ હતું તે જાણીને આજે નવાઈની સાથોસાથ દુઃખ થાય છે. દુઃખ એ વાતનું પશ્ચિમી સંસ્કૃતિ પાછળ ભાગવામાં આપણે એટલી હદે આંધળા થઈ ગયા કે ખુદની મહાનતા જ કાળનાં ગર્તામાં ક્યાંક ખોવાઈ ગઈ!

આ તો હજુ આપણે એકવીસમી સદીની વાત કરી. ઈ.સ. ૧૮૩૩માં બ્રિટીશ જંતુશાસ્ત્રી જોહ્ન ઓબ્ડિયાહે એવું જણાવ્યું હતું કે પૃથ્વી પર ફક્ત ચાર લાખ જીવોનું જ અસ્તિત્વ છે! આજે આ સંખ્યા જોજનો વટાવીને ૧૩ લાખ સુધી પહોંચી ચૂકી છે. જીવશાસ્ત્રીઓ દરરોજ નવી-નવી પ્રજાતિઓ સાથે રૂબરૂ થઈ રહ્યા છે અને તેમનાં મત મુજબ, આગામી સમયમાં પણ તેમની આ ખોજ પર ધીમી પડે તેવા કોઈ એંધાણ જણાતાં નથી!

૫૦૦-૬૦૦ વર્ષ પહેલા સુધી અસ્તિત્વ ધરાવનાર ડાયનાસોર જેવા કંઈ-કેટલાય પ્રાણી લુપ્ત થઈ ચૂક્યા છે. હાલમાં પણ માણસની બેકાળજીનાં પ્રતાપે અસંખ્ય પ્રજાતિ લુપ્ત થવા તરફ આગળ ધપી રહી છે. ભવિષ્યમાં શક્ય છે કે સિંહ-વાઘ પણ માણસજાતિ માટે ફક્ત કિતાબી સંશોધનનો વિષય બનીને રહી જાય! મહાભારત-રામાયણ કાળમાં આવા ગાયબ થઈ ગયેલા અમુક વિચિત્ર પ્રાણી-પશુનો ઉલ્લેખ જોવા મળ્યો છે, જેની વિગતવાર માહિતી પછીનાં અઠવાડિયાઓમાં મેળવીશું!

bhattparakh@yahoo.com