હિસાબ - (ભાગ-૧) Nidhi_Nanhi_Kalam_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિસાબ - (ભાગ-૧)

હિસાબ - (ભાગ-૧)
- Nidhi ''Nanhi Kalam''

કેશવ બોટાદમાં એક સાડીના ખ્યાતનામ, મોટા શો-રૂમમાં કામ કરતો હતો. થોડી ખેતીની જમીન પણ ખરી. તે ભાડે આપીને એમાંથી પણ થોડી ઘણી આવક મેળવી લેતો.
કેશવના ભર્યા કુટુંબમાં એની પત્ની સરોજ, 20 વર્ષીય મોટો દીકરો રવિ, 16 વર્ષનો નાનો દીકરો વિજય, માતા- રંજનબેન અને પિતા સુરેશભાઈ, નાનો ભાઈ લલિત, એની પત્ની અમિતા અને એમના બે બાળકો 15 વર્ષનો ભરત અને 13 વર્ષની જયાનો સમાવેશ થતો હતો.
હર્યા-ભર્યા આ પરિવારની દોરી વ્યવહાર કુશળ રંજનબેનના હાથમાં હોવાથી ગમે તે પરિસ્થિતિઓમાં પરિવારનું દરેક વ્યક્તિ, નબળો સમય પણ હિંમતભેર પાર કરી જતું. સુરેશભાઈએ એમના વડીલો તરફથી ખાસી એવી જમીન મેળવી હતી. બંને બાળકોના લગ્ન અને પૌત્ર-પૌત્રીના આગમન પ્રસંગે જમીન વેચીને જ ખર્ચાને પહોંચી વળ્યાં હતા. થોડી ઘણી જમીન બાકી રહી, એના બે ભાગ કરી બંને પુત્રોને લગ્નમાં ભેટ પેટે વહેંચી આપી હતી.
કેશવ બારમું પાસ કરીને નજીકમાં જ એક સાડીની દુકાને કામે લાગી ગયો હતો. બોલવામાં મીઠડા એવા કેશવે દુકાનનું વેચાણ છ મહિનામાં જ વધારી બતાવ્યું. શેઠ પણ એના પર ખુશ થઈ ને નવી દુકાનમાં મુખ્ય વેચાણકર્તા તરીકે એને જ રાખી લીધો. વાર-તહેવારે શેઠ ખુશ થઈને મીઠાઈ, અનાજ કપડાં અને ક્યારેક પૈસાનું કવર પણ આપતા. ક્યારેક ઘરમાં જરૂર પડતા મોટી રકમની પણ લોન પેટે મદદ કરતાં.
લાલિતે ભણવામાં થોડો ઘણો રસ પડતો હોવાથી, મિત્ર-વર્તુળ સાથે અમદાવાદ હોસ્ટેલમાં રહી કોલેજ પુરી કરી. કોલેજ પુરી થતાં જ અમદાવાદમાં જ એક ખાનગી કંપનીમાં જોડાઈ ગયો.
ઉંમરલાયક થતાં જ સુરેશભાઈ અને વ્યવહારુ રંજનબેનની ભારે વગના કારણે બંને પુત્રોના માગા આવવા શરૂ થયા. પુત્રોની રજામંદી સાથે કેશવ માટે અમદાવાદની સીધી-સરળ, થોડું ઓછું ભણેલી સરોજ અને લલિત માટે વડોદરાની કોલેજ કરેલી થોડી વાચાળ પ્રકૃતિની અમીતાની પસંદગી થઈ હતી.
નક્કી થયાના આઠ જ મહિનામાં કેશવના લગ્ન લેવાયા. ઘરમાં દીકરીની ખોટ પુરાઈ હોવાથી જાણે દીવાલોમાં પણ જીવ આવી ગયો હતો. કેશવની જીવનમાં એના જેવી જ મીઠડી અને કામ વગર ઓછું બોલતી સરોજના શુભ પગલાંથી જાણે ઉત્તરોત્તર પ્રગતિ થવા લાગી. ચાર વર્ષના લગ્ન જીવનમાં રવિ અને વિજયના આગમનથી જિંદગી પણ કંઈક વધારે જ જીવવા લાયક થવા લાગી. હવે નોકરીમાં પણ શેઠે વર્ષોથી વિશ્વાસ અને ખંતથી કામ કરતાં કેશવને સાડીના મોટા શોરૂમમાં મુખ્ય માણસ તરીકે રાખી લીધો હતો. એનું કામ હવે નવા વેચાણકર્તાઓને વેચાણ કરતાં શીખવવાનું કે ક્યાંક કોઈ કારણસર ગ્રાહક ના સચવાય તો એમને સમજાવવાનું રહેતું.
કેશવનાં લગ્નના એક વર્ષ પછી જ લાલિતના લગ્નની તારીખ નક્કી કરવાની વાતો શરૂ થઈ. પણ એક દિવસ અચાનક જ લલિત, અમીતાને હાર પહેરાવી ઘરનાં આંગણે લાવી ઉભો રહી ગયો. એમને જોઈ અચંબામાં પડી ગયેલા સુરેશભાઈની આંખો ગુસ્સામાં ચકળવકળ થવા લાગી હતી. પરંતુ રંજનબેને સમજદારી પૂર્વક લલિતની મૂર્ખામીને સમય-સંજોગ પ્રમાણે સ્વીકારી, અમીતાનું સરોજ દ્વારા ઘરમાં પગલાં લેવડાવી સ્વાગત કરાવડાવ્યું.
બીજા દિવસે લાલિતને પાસે બેસાડી રંજનબેને આમ કરવાનું કારણ પૂછ્યું. લલિતે પણ જવાબ આપવો પડશે એમ વિચારી જ રાખ્યું હતું. શું કહેવું અને કેવી રીતે જવાબ આપવો એ પણ ગોખી લીધું હતું. પરંતુ સવાલ પુછાતા જ રંજનબેન સામે બધું જ જાણે હવા થઈ ગયું. ત્યાંજ અમીતાએ આવીને રંજનબેનને કારણ આપતા કહ્યું, ''અમે બંને ભણેલા છીએ, સમાજમાં ખોટો દેખાડો કરવા કરતાં આમ કોર્ટ-મેરેજ કરી લઈ, મનપસંદ જગ્યાએ ફરવા જવા માટે અમે લગ્નનો ખર્ચ બચાવ્યો છે. ઘરમાં કોઈ માનશે જ નહીં એ બીકે અમે કહી ના શક્યા.'' આમ કહેતા જ અમીતાએ માફી માગી, રંજનબેનના પગ પકડી લીધા. જમાનાના ખાધેલ રંજનબેને વાત આગળ વધારવી એના કરતાં સત્યનો સ્વીકાર કરી બંનેને દક્ષિણ ભારતના પ્રવાસે મોકલ્યા.
લલિત અમદાવાદ નોકરી કરતો અને શનિ-રવિ બોટાદ પોતાના ઘરે આવી જતો. એમના જીવનમાં પણ હવે ભરત અને જયાનું આગમન થઈ ચૂક્યું હતુ. ઘરમાં બંને વહુઓ અને એમના ચાર બાળકો બધાને જ સાચવીને રંજનબેને કૌટુંબિક જવાબદારીઓ હજુ પોતાના પાસે જ રાખી હતી. સરોજ બધી જ વાતમાં, હંમેશા કંઈક જતું કરવાની ભાવના રાખતી અને ઘરમાં પોતાના લીધે કે બાળકોના લીધે કોઈ તકરાર ના થાય એનું ધ્યાન રાખતી. અમિતાને ફાવતું મળી ગયું હોવાથી બધી વાતમાં જીદ પુરી કરાવતી બાળકોને પણ સરોજના બાળકો કરતાં ચડિયાતા હોવાનો અહેસાસ કરાવતી. રંજનબેન બધું જ સમજતા હતાં પરંતુ ઘરમાં શાંતિ જળવાય એ માટે વાત વધારવામાં તેઓ માનતા નહીં.
રંજનબેને ઘર ચલાવવા માટે એક સરસ રસ્તો શોધી કાઢ્યો હતો. બંને પુત્રોએ પોત-પોતાની કમાણીનો અડધો હિસ્સો દર મહિને ઘર ખર્ચ પેટે રંજનબેનને આપવો. એ રકમમાંથી રંજનબેન ઘરનાં અને બહારનાં બધાં જ વ્યવહાર સાંભળતા. વર્ષનું અનાજ ભરવાનું હોય, કે અથાણાં-મસાલા કરવાના હોય બધો ખર્ચ રંજનબેન એમની સુઝ-બુઝ, સમજદારી અને અનુભવથી પૂરો કરતાં.
બંને ભાઈઓને એમના ભાગની જમીનની આવક અને એમની પોતાની નોકરીની આવકનો જે અડધો હિસ્સો પોતાની પાસે રહેતો, એ આવકનો પોતાની મરજી મુજબ વાપરવાનો કે સાચવવાનો પૂરો હક રહેતો.એ રકમના વપરાશ માટે રંજનબેન ક્યારેય પૂછ-પરછ ના કરતાં.પોતાના બૈરી-છોકરાં સાથે ફરવા જાય, અંગત ખરીદી કરે કે ક્યારેક પોતાની ઈચ્છાથી ઘર માટે કોઈ નાસ્તો કે વસ્તુ લાવે કે બેંક જમા કરાવે, એમાં રંજનબેન ક્યારેય માથું ના મારતાં.
સુરેશભાઈએ હવે બાળકોમાં અને ભગવાનમાં મન પરોવી લીધું હતું. ચારેય બાળકો હવે મોટા થઈ ગયા હતાં. રવિ, વિજય અને ભરત, કાકા લલિતની સલાહથી અમદાવાદ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતાં હતાં. જયા બોટાદની સ્કૂલમાં અભ્યાસ કરતી. વસુદેવ કુટુમ્બકમની ભાવનામાં માનતા રંજનબેને આખા પરિવારને એક જ દોરીએ બાંધી રાખ્યો હતો. રવિવારે આખા પરિવારને સાથે બેસીને જમવાનો વણ લખ્યો નિયમ રંજનબેને બનાવ્યો હતો. એટલે લલિત, રવિ, વિજય અને ભરત કંઈ પણ થાય રવિવારે તો ઘેર આવી જ પહોંચતા.
એકધારી જીવનચર્યાથી રંજનબેનનો પરિવાર સુખે-દુઃખે પણ સાથે ચાલી રહ્યો હતો. એક દિવસ સુરેશભાઈની તબિયત થોડી નરમ થઈ. દવા લેવાની આળસે કંઈ બોલ્યા વગર એક બાજુએ સુઈ રહ્યાં. આમ પણ ઘરમાં એમનું કામ બઉ પડતું ના હોવાથી કોઈને કાંઈ ખબર પડી નહીં. આમને આમ બે દિવસ વીતી ગયા અને અચાનક સુરેશભાઈ સવારમાં જ ફળિયામાં ચાલતા-ચાલતા પડી ગયા. રંજનબેને તરત કેશવને બુમ પાડી. કેશવ પણ તરત દોડતો આવ્યો. બાપુજીને બેઠા કર્યા, પાણી પાયું અને જોયું કે શરીર પણ એમનું ગરમ છે. કેશવે એના શેઠને ફોન કરી મોડા આવવાની રજા લઇ લીધી. અને બાપુજીને લઈને દવાખાને જવા માટે તૈયાર થવા લાગ્યો.
કેશવ ફટાફટ તૈયાર થઈ ગયો. સુરેશભાઈ પણ હાથ-મોઢું ધોઈને તૈયાર થઈ ગયા. જયા દોડીને રીક્ષા બોલાવી લાવી. બાપુજીને પહેલાં બેસાડી કેશવ પણ બેઠો. દવાખાનું આવી જતાં, કેશવ ઉતર્યો, ત્યાં જ એક મોટો ધડાકો થયો. બે મિનિટ સુધી કોઈ કાંઇ સમજી શક્યું જ નહીં. પછી સુરેશભાઈ અને રિક્ષાવાળાએ જોયું કે કેશવના ઉતરવાની સાથે જ પાછળથી ફૂલ સ્પીડમાં આવતા માલવાહક ટેમ્પાએ કેશવને જોરદાર ટક્કર મારી હતી. કેશવ ઊંધા માથે પછડાયો હતો. અને બેભાન પણ થઈ ગયો હતો. સુરેશભાઈ, સાથે આવેલા રિક્ષાવાળાએ અને આજુબાજુ ભેગા થયેલાં લોકોએ મદદ કરી કેશવને દવાખાનાની અંદર લઈ ગયા. ડોકટરે તાત્કાલિક મોટા હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી.
સુરેશભાઈએ તરત પહેલાં રંજનબેનને અને પછી લલિતને ફોન કર્યો. દવાખાનાના ડોક્ટરની મદદથી એમ્બ્યુલન્સ બોલાવી. રંજનબેન અને સરોજ પણ દવાખાને આવી પહોંચ્યા. વર્ષોથી જાણીતા એવા ડોક્ટર સાહેબે સુરેશભાઈને ભૂલ્યા વગર ત્રણ દિવસની તાવની દવા આપી દીધી. સુરેશભાઈ, રંજનબેન અને સરોજ ત્રણેય જણા કેશવને એમ્બ્યુલન્સમાં લઇ અમદાવાદ જવા નીકળી ગયા. બોટાદથી અમદાવાદ સુધી કેશવ બેભાન અવસ્થામાં જ રહ્યો.
લલિત અમદાવાદના જ એક મિત્ર જીગર સાથે સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યો. એમ્બ્યુલન્સ આવતાં જ ફટાફટ કેશવને દાખલ કરી દેવામાં આવ્યો. ઇમર્જનસી કેસ હોવાથી કેશવને I.C.U. માં દાખલ કરવામાં આવ્યો. લલીતે હોસ્પિટલમાં જરૂરી એવા માહિતીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરી કરી. હવે બધા જ મનમાં ભગવાનને યાદ કરી ડોક્ટરના જવાબની રાહ જોવા લાગ્યા. સરોજની આંખના આંસુ સુકાવાનું નામ જ નહોતા લેતા. રંજનબેન પણ એકબાજુ પોતાની લાગણીઓને મક્કમ થઈ સાચવીને બેઠા હતા. સુરેશભાઈએ તબિયતના લીધે ત્યાં જ બેઠક ઉપર લંબાવી દીધું હતું. લલિત અને જીગર બંને આગળ શું કરવું જોઈએ ની ચર્ચા કરતાં આંટા મારી રહ્યાં હતાં.

વધુ આવતા અંકે...!!!
- Nidhi ''Nanhi Kalam''
- Inst id : @_nanhi_kalam_