Hisaab - 2 - Last part books and stories free download online pdf in Gujarati

હિસાબ - (ભાગ-૨) છેલ્લો ભાગ

હિસાબ - (ભાગ-૨)
- Nidhi ''Nanhi Kalam''

I.C.U. માંથી ડોક્ટર બહાર આવ્યા. ત્યાંજ લલિત, જીગર, રંજનબેન, સરોજ ટોળે વળી ગયા. સુરેશભાઈ પણ ધીમે પગલે તબિયતને કોસતાં આવી રહ્યા હતાં. ડોક્ટરે લલિતના હાથ પકડી કહ્યું, '' માફ કરશો પણ કેશવભાઈ હવે રહ્યા નથી.'' આટલું સાંભળતાં જ સરોજ ત્યાંજ ફસડાઈ પડી. રંજનબેનનું હૃદય પણ એક ધડકન ચુકી ગયું. સુરેશભાઈ જાણે નોંધારા થઈ ગયા. લલિતને પણ કારમો આઘાત લાગ્યો પરંતુ જીગરના સાથના લીધે ઝડપથી સ્વસ્થ થઈ ગયો. થોડી વાર પછી જીગરે રવિને ફોન કરી હકીકત જણાવી અને વિજય અને ભરતને લઇ બોટાદ આવી જવા કહ્યું. રવિએ, ''પપ્પા બહુ બીમાર છે એટલે જવું પડે એમ છે'' કહી બંને ભાઈઓને સાથે લીધાં. લલીતે ઘરે અમિતા સાથે પણ વાત કરી, મૃતદેહને લઇને આવી રહ્યાં હોવાનું જણાવ્યું.
કેશવના મૃતદેહ માટેની જરૂરી કાર્યવાહી કરી એમ્બ્યુલન્સમાં બધા બોટાદ આવવા નીકળી ગયા. જીગરે ફરી રવિને ફોન કરી પોતે પણ સાથે આવશે એમ જણાવ્યું. જીગરે ત્રણેય છોકરાઓને સાચવીને ટ્રેનમાં લઇ આવવાની જવાબદારી ઉપાડી લીધી.
સરોજે આજ સુધી કેશવ વગરના જીવનનો વિચાર સુદ્ધાં કર્યો નહોતો, હવે તો જીવાશે જ કેમ એજ એને સમજાતું નહોતું. કેશવના મોતને એ સ્વીકારી જ શકતી નહોતી. રંજનબેન ધાર્યા કરતાં વધારે મજબૂત નીકળ્યાં. ''સત્યને હવે સ્વીકારવું જ રહ્યું'' એ બરાબર જાણતા હતા. છતાં થોડી થોડી વારે આંખમાંથી આંસુની ધારા વહી જતી. સુરેશભાઈ એમની તબિયત વિશેનું બધું જ ભૂલી ગયા અને મનોમન આ ઘટના માટે પોતાને જ દોષી માનવા લાગ્યા. એ વિચારતાં કે પોતાના માટે દવાખાને ના ગયા હોત તો કેશવ અત્યારે જીવતો હોત. તેઓ અંદરો-અંદર ઘૂંટાઈ રહ્યાં હતાં.
લલિત માટે પણ કેશવ એક બહુમૂલ્ય આધાર હતો. કેશવના લીધે જ તો પોતે શહેરમાં સારું ભણી અને નોકરી પણ કરી શક્યો. કેશવની હાજરીના લીધે જ લલિતને ક્યારેય ઘરની જવાબદારી કે ચિંતા રહેતી નહીં. લલિત પણ અંદરથી જ ભાંગી ગયો. પણ હવે આગળ માટે કર્તા-હર્તા પોતેજ છે એ એને સમજાઈ ગયું હતું. બોટાદ સુધી કોઈ એક શબ્દ પણ બોલી શક્યું નહીં. બધા હજું મનથી કેશવના મોતને સ્વીકારી શકતાં ન હતા.
એમ્બ્યુલન્સ આંગણે આવીને ઉભી રહી. કેશવના મૃતદેહને ઉતારી નક્કી કરેલી જગ્યાએ ગોઠવ્યો. આજુબાજુવાળા બધા જ ભેગા થઈ ગયા. ભારે રોકકળથી રંજનબેનના ઘરનું આંગણું જ જાણે પોક મૂકી રડવા લાગ્યું. રંજનબેને લલિત અને સુરેશભાઈને એકબાજુ બોલાવી બધા કુટુંબીઓને જાણ કરવાની સૂચનાઓ આપી. રંજનબેન ક્યારનાં સરોજ સામે જોઈ એની અંદરની વ્યથા કળવાંનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગ્યા. આખરે એ ઉભા થયા, સરોજ પાસે જઈ તેને વળગીને એને ખૂબ ખૂબ સાંત્વના આપી અને પોતે પણ મન મોકળું કરીને રડ્યા. રાત સુધીમાં ત્રણેય છોકરાંઓ સાથે જીગર આવી પહોંચ્યો. રવિ અત્યાર સુધી હકીકતની જાણ હોવા છતાં મક્કમ રહી શક્યો હતો. પરંતુ પપ્પાના મૃતદેહને જોતાં જ તૂટી ગયો. ખુલ્લા હૃદયથી પપ્પાની છાતીએ વળગીને પોક મૂકી રડ્યો. વિજય અને ભરતને કોઈ વાતની જાણ ન હતી અચાનક જ આ બધું જોતાં, મનની દુવિધાઓને સમજવા મથી રહ્યાં. જયા કેશવને ત્રણેય છોકરાઓ કરતાં પણ વધારે વ્હાલી હતી. નાનકડી જયાને કેશવ ક્યારેક લક્ષ્મી પણ કહેતો. એની બધી જ જીદ પુરી કરતો. જયા આ અણધારી પરિસ્થિતિને સમજવા માટે હજુ બહુ નાની હતી. પરંતુ એ પણ અમિતાને વળગી રહી.
મૃતદેહને સવારે અગ્નિદાહ આપવાનું નકકી થયું. જેમ-જેમ કુટુંબીઓ આવતા ગયાં એમ-એમ બધા જ આંગણામાં ભેગા થતાં ગયાં.
સવારે અગ્નિસંસ્કારની તૈયારીઓ શરૂ થઈ. આંગણું જાણે કે ફરી વખત ધ્રુજી ઉઠ્યું. બપોર સુધીમાં બધો જ વિધિ પતાવી દીધો. એક પછી એક એમ કરીને બાર દિવસના વિધિ પણ પુરા થયા.
હવે કેશવ વગરના પંદર દિવસ વીતી ચૂક્યા હતા. કેશવ વગરના ઘરમાં જાણે સુનકાર વ્યાપી ગયો હતો. લલિત, રવિ, વિજય અને ભરત પણ અમદાવાદ જઈ પોત-પોતાના કામે લાગ્યા.
ધીમે-ધીમે બધું સરખું થવા લાગ્યું, પરંતુ ક્યારેક રંજનબેનના મગજમાં એક વાત ડંખ્યાં કરતી. કદાચ કોઈ કૌટુંબિક સ્ત્રીએ જ આ વાત ઉપજાવી કાઢી હતી કે સરોજની કુંડલીના કોઈ દોષના લીધે કેશવનું મોત થયું છે. રંજનબેન કોઈને કહી ના શકતાં પણ મનમાંને મનમાં આ વાતનો તાગ મેળવવા પ્રયત્નો કરતાં. થોડીવારમાં જ પાછાં આવી ફાલતુ વાતનો વિચાર કરવા માટે પોતાને જ મૂર્ખ ગણતાં. છતાં જ્યારે-જ્યારે સરોજને જોતાં ત્યારે-ત્યારે મગજમાં એ વાત ચકરાવે ચઢતી.
દિવસો વીતતાં ગયા. બધા જ પોત-પોતાની જિંદગીમાં ફરી ગોઠવાતા ગયા. રંજનબેનનો એ વહેમ પણ દિવસે-દિવસે વધતો ગયો. જાણે-અજાણે સરોજને કારણ વગર પણ ધમકાવી દેતાં. ક્યારેક જો સરોજથી કોઈ ભૂલ થાય તો તો એનું આવી જ બને. આ બધાથી અમીતાને બહુ ખુશી મળતી. પોતે લાડકી વહુ તરીકે ક્યારેક સરોજ પર પણ રુઆબ જમાવતી. સરોજ પહેલેથી જ ઓછાબોલી અને સહનશીલ હોવાથી કોઈનું કાંઈપણ ધ્યાનમાં લીધા વિના પોતાનું કામ કર્યે રાખતી. પરંતુ ધીમે-ધીમે રંજનબેને એમના વહેમને સત્યનું સ્વરૂપ આપી દીધું હતું. સરોજ ક્યારેય સામે બોલતી નહીં એટલે રંજનબેનને મેણા-ટોણા દિવસેને દિવસે વધતા જ ગયા. હવે સરોજ પણ સમજી શકતી હતી કે કેશવ વગર આ જીવન આમ જ વિતાવવાનું છે. રોજ રાતે એકલાંમાં આંસુ સારી લેતી અને દિવસે ફરી કામે લાગી જતી. પણ હવે સરોજની જિંદગી મુશ્કેલ બનતી જતી હતી. રંજનબેને સરોજને પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું. કારણ કે કેશવની કમાણીનો ભાગ હવે આવતો ન હતો. એમની રવિ અને વિજય પ્રત્યેની લાગણી પણ ઘટવા લાગી. સરોજ માટે બંને છોકરાઓ આગળ કઇ રીતે ભણી શકશે એ મોટો પ્રશ્ન હતો. આવકનું કોઈ સાધન રહ્યું ના હતું.
એક દિવસ કોઈ સામાજિક કામ અર્થે સુરેશભાઈ, રંજનબેન, અમિતા અને જયા ત્રણ દિવસ માટે બહારગામ ગયા. કેશવના ગયા પછી આજે પહેલીવાર એકલા રહેવાનો મોકો મળ્યો.
સરોજ આજે પોતાના લગ્નમાં આવેલો એના અને કેશવના સામાનથી ભરેલો એનો કબાટ ખોલીને બેઠી. કેશવના મનગમતાં એક જોડી કપડાં પાસે રાખી બાકીના કોઈ જરૂરિયાત વાળાને આપી દેવાનું વિચાર્યું. કબાટમાંથી જેમ-જેમ વારાફરતી વસ્તુ નીકળતી ગઈ એમ-એમ સરોજ કેશવ સાથેના એ સમયને ફરી આંખો સામે જીવંત થતો જોઈ રહી. અચાનક એની નજર કપડાંની થપ્પીની નીચે પડેલી થોડી ડાયરીઓ ઉપર પડી. એણે હળવેકથી એ ડાયરીઓ કાઢીને ખોલી. સરોજ એટલું બધું ભણેલી નહોતી પણ છતાં એ ડાયરીમાં લખેલું થોડું-ઘણું સમજી શકી. એણે કંઈક વિચારીને એ ડાયરીઓ ફરી સાચવીને મૂકી દીધી.
કેશવને એના શેઠ ઉપર પિતા સમાન પ્રેમભાવ અને આદર હતો. આ વાત સરોજ જાણતી હતી. બીજા દિવસે સરોજ એ બધી ડાયરીઓ લઇ, કેશવ જ્યાં કામ કરતો ત્યાં એના શેઠને મળવા ગઈ. અડધી કલાક પછી ગુલાબચંદ શેઠ આવી પહોંચ્યા. એમણે સરોજના હાથમાં ડાયરીઓ જોઈને તરત જ કહ્યું કે, ''સારું થયું કે ડાયરીઓ તમને મળી ગઈ.'' સરોજ બાઘાની જેમ શેઠ સામે જોઈ રહી. વાતની શરૂઆત ક્યાંથી કરવી એજ સમજાતું નહોતું. એણે કાંઈ જ બોલ્યા વગર ડાયરીઓ શેઠની સામે મૂકી દીધી. શેઠ થોડું હસ્યા અને બોલ્યા, ''ચાલો મારી સલાહ સાચા સમયે કામ લાગી.'' સરોજ હજુ પણ શેઠને આશ્ચર્યથી જોઈ રહી હતી.
આખરે શેઠે જ શરૂઆત કરતાં કહ્યું,'' આ ડાયરીઓમાં કેશવ જ્યારથી કમાતો થયો ત્યારથી અત્યાર સુધીનો હિસાબ છે. એની કાર્યક્ષમતા અને નિખાલસપણું જોતા મેં જ એને આમ કરવાની સલાહ આપી હતી. અને સાથે સાથે જ બેંકમાં ફિક્સ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, એલ.આઈ.સી. વગેરેમાં એની પાસે પૈસા જમા કરાવડાવતો હતો.'' હિસાબની ડાયરીઓમાં કેશવે ક્યાં-કેટલા રૂપિયાનું રોકાણ કર્યું, એની પાકતી તારીખો, એ રોકાણને અનુલક્ષીને ઝીણામાં ઝીણી માહિતીઓ અને જરૂરી એવા કેટલાક ફોન નંબર પણ લખ્યાં હતા. શેઠે સરોજને બધું જ વિગત વાર સમજાવી દીધું. સરોજને તો અચાનક ખજાનો મળી ગયાની અનુભૂતિ થઇ રહી અને ગુલાબચંદ શેઠમાં હવે સાક્ષાત ભગવાનના દર્શન થવા લાગ્યા.
અત્યાર સુધીમાં ખાસી એવી રકમ ભેગી થઈ ગઈ હતી. સરોજને હવે છોકરાઓને ભણાવવાની ચિંતા ના રહી. સરોજ ક્યારેક મૂડમાં હોય ત્યારે કેશવને કંજૂસ કહેતી. એક જયા સિવાય બીજા બધા જ માટે ખર્ચા કરવામાં કેશવ વિચાર કરતો. આજે કેશવની એ કંજુસાઈ જ કામ લાગવાની હતી. સરોજે ઘેર આવી પોતાના પિયર ભાઈને ફોન કર્યો. ભાઈને બધી વાત કહી. ભાઈએ પણ બહેનનો સાથ આપવા બનતા પ્રયત્નો કરવા વચન આપ્યું.
રંજનબેન અને ઘરના બધા જ સામાજિક કાર્ય પતાવી પરત આવી ગયા ત્યારે સમય જોઈ સરોજે રંજનબેન આગળ વાત મૂકી કે પોતે હવે અમદાવાદ જઇ રહેવા માંગે છે. રંજનબેનને મન તો ''ટાઢે પાણીએ ખસ ગઈ'' એમણે તરત જ મંજૂરી આપી દીધી. અમિતા પણ મનોમન હરખાઈ રહી.
સરોજના ભાઈ ગોપાલે અમદાવાદમાં પોતાના ઘરની નજીક એક ઘર ભાડે લઈ આપ્યું. રવિવારની રજાના દિવસે સરોજ, રવિ અને વિજય બધા સાથે મળી ને સામાન સાથે અમદાવાદના ઘરમાં રહેવા આવી ગયા. બોટાદવાળા ઘરમાં વિતાવેલો કેશવ સાથેનો સમય ખૂબ જ યાદ આવતો, પરંતુ બાળકોના ભવિષ્ય માટે એણે આ પગલું ભરવું પડે એમ હતું. ભાભીની સાથે સરોજ પણ ઘેર બેઠા કપડાં સિવવાના કામ કરવા લાગી, જેથી કામમાં મન પરોવાયેલું રહે અને સાથે થોડી આવક પણ થાય. કેશવની બચતના લીધે આર્થિક તંગી દૂર થતાં જ સરોજ પણ હવે ખુશ રહેવા લાગી.
આમને આમ જ સમય વીતતો ગયો. રવિ અને વિજય બંને સારું ભણીને નોકરીએ લાગી ગયા. સમયાંતરે બંનેના લગ્ન પણ થઈ ગયા. રંજનબેન સરોજ માટેના વહેમમાંથી ક્યારેય બહાર આવી શક્યા નહીં. સરોજ હવે ફરીથી રવિ, વિજય, બંનેની વહુઓ અને રવિની દીકરી ક્રિષ્ના સાથે ભર્યા પરિવારમાં રહેતી હતી.
એકદિવસ સરોજને તાવ આવ્યો. રવિ તરત જ દવાખાને લઇ જઇ દવા લેવડાવી આવ્યો. ચાર દિવસ છતાં તાવમાં કોઈ ફર્ક પડતો નહોતો. ચોથા દિવસની રાત્રે સરોજ પથારીમાં પડ્યા-પડ્યા બાજુમાં કોઈ બેઠું હોય એમ એકીટશે જોઈ રહી. જાણે કેશવ પોતે સરોજને આપેલા હિસાબની સામે હવે સરોજનો હિસાબ લેવા આવ્યો હોય ! સરોજ પણ કેશવની આંખોમાં આંખ મિલાવી જાણે એક-એક ક્ષણનો હિસાબ આપી રહી હતી. કેશવના ગયા પછી ઘરમાં મળતાં મેણા-ટોણાનો, એકલા બેઠાં કેટલીય વાર આંસુ સાર્યાનો, કેટલીય રાતો ખુલ્લી આંખે વિતાવી દીધેલાનો, સીધી-સાદી-બીકણ સરોજને આમ જ મઝધારે એકલી મૂકી દીધાનો, છોકરાઓને જુવાનીમાં જોઈતા બાપના સદ્ધર ખભાનો. કંઈ કેટલાય જમા-ઉધાર પછી હિસાબમાં વધ્યો ફક્ત બંને વચ્ચેનો અનહદ-અતૂટ પ્રેમ. કેશવે પણ હળવા સ્મિત સાથે હાથ લંબાવ્યો અને સરોજની આંખના કિનારેથી આંસુની એક ધાર વહી આવી અને કેશવનો હાથ પકડી એની સાથે ચાલી નીકળી.
સમાપ્ત...!!!
- Nidhi ''Nanhi Kalam''
- Insta id : @_nanhi_kalam_

બીજા રસપ્રદ વિકલ્પો